





પૂર્વી મોદી મલકાણ
યુરોપીયન વ્યાપારની અને જર્મનીની જીવન રેખા ગણાતી રાઈનને જર્મનીની મુખ્ય ૬ નદીમાંથી એક માનવામાં આવી છે. (જર્મનીની ૬ નદી:- ડૈન્યૂબ, રાઈન, ઔદર, વેજર કે મોજલ, નેકર અને એલ્બે) લેટિનમાં રેનુસ, ફ્રેંચમાં લે-રાઈન ડચમાં રિઝન તરીકે ઓળખાતી આ નદી દક્ષિણ આલ્પ્સના સ્વિસ કેન્ટનથી શરૂ થાય છે. જે સ્વિસ-લૈચટેંસ્ટેઇન, સ્વિસ-જર્મન અને પછી ફ્રાન્કો-જર્મન સરહદમાંથી વહેતી આખરે નેધરલૅન્ડનાં ઉત્તર સમુદ્રમાં સમાઈ જાય છે. રાઈન નદીનો ઇતિહાસ કેટલો જૂનો છે તો કહે છે કે એક સમયે જૂના રોમન સામ્રાજ્યની સીમા રાઈન અને ડૈન્યૂબ નદીથી બનતી હતી. ઇતિહાસમાં જેમ પોતાની મંથર ગતિથી જેમ રાઈન વહેતી હતી, તેમ આજે ય મંથર ગતિએ વહેતી રાઈનને જર્મનીનાં લોકો “ફાધર રાઈન” તરીકે ઓળખે છે.
ફાધર રાઈનને કિનારે આવેલો પાર્ક
જેમ માતાની ગોદમાં બાળકો ખેલે અને તેની અનેક વાર્તાઓ થાય તેમ ફાધર રાઈનની ગોદમાં યે અનેક પ્રેમકથાઓએ જન્મ લીધો જેને જર્મન કવિઓએ ખૂબ સરાહી. આજે રાઇનને કિનારે કોલોન, બૉન, વગેરે જેવા જ્યાં મોટા શહેરો છે ત્યાં લાડેનબર્ગ, હાઈડલબર્ગ જેવા નાના ટાઉન પણ છે. આ નદીમાં વ્યાપાર માટે જેમ લોંગરેલ ચાલે છે તેમ મનોરંજન માટે નાની મોટી ક્રૂઝ પણ છે. અગર માઈલની દૃષ્ટિએ જોઈએ તો રાઈન નદીમાં ચાલતાં ક્રૂઝ અને લોંગરેલ ( વ્યાપાર માટેની ખાસ બોટ ) માટે જર્મનીની સીમાઓમાં સાત હજાર કિલોમીટરનો માર્ગ છે.
રાઈનમાં જતી લોંગરેલ
લાડેનબર્ગમાંથી વહેતી રાઈન
રાઈન ઘાટી:-
રેલ-રોડમાર્ગેથી ફ્રેન્કફર્ટ સિટી છોડ્યાં પછી શરૂ થતી રાઈન નદી પથ્થરીલી ચટ્ટાનો વચ્ચેથી લહેરાતી, ઊછળતી, કૂદતી નીકળે છે તેને નીચલી મધ્ય રાઈન ઘાટી કહે છે. આ ૬૭ થી ૧૭૩ કી.મી લાંબી ઘાટીએ ૧૮૦૨ થી જનજીવનમાં ચમકવાનું શરૂ કર્યું હતું, પણ છેક ૨૦૦૨ માં યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહરમાં સ્થાન આપ્યું. રાઈનનાં આ વિસ્તારને જાણવા માટે નદીનો રસ્તો જ ઉત્તમ છે, તે ચાહે નદીને કિનારેથી ચાલતી પગદંડી હોય, રાઈનને રસ્તે દોડતો વાહન માર્ગ હોય કે રેલરોડ હોય અથવા તો રાઈનમાં ચાલતી નાવ હોય. કોઈપણ રૂપે રાઈન અને રાઈનની ઘાટી નિહારવામાં આવે તોયે આ ઘાટીની પ્રકૃતિક સુંદરતાંમાં કોઈ ઘટાડો થતો નથી, બલ્કે પ્રવાસીઓની આંખોમાં આ સુંદરતાં એવી રીતે સમાય જાય છે જાણે એમની આંખોને માટે જ એમનું સર્જન થયું હોય. આ ઘાટીમાં અનેક ગામો વસેલાં છે, અને ગામોની આજુબાજુ દ્રાક્ષનાં બાગાન બનાવવામાં છે જે ખાસ કરીને નાવ અને રેલમાર્ગથી જતાં વધુ સુંદર રીતે દેખાય છે. કોઈ કોઈ જગ્યાએથી આડાઅવળા, ગોળ વગેરે આકારમાં વળાંક લેતી રાઈનની રૂમાની આકૃતિ અત્યંત મનમોહક છે. રાઈનઘાટીમાં યુરોપીયન કલાને દર્શાવતાં ૪૦ થી વધુ કિલ્લાઓ છે, જે એક સમયે આર્થિક અને રાજકીય મહત્વને દર્શાવતાં હતાં, પણ આજે આ કિલ્લાઓ ટુરિસ્ટ પ્લેસ તરીકે વધુ પ્રખ્યાત છે.
રાઈન ઘાટીમાં રહેલ કિલ્લાઓ
ટ્રેઇનમાંથી દેખાતો રાઈન વ્યૂ
બૉન શહેરમાંથી વહેતી રાઈન
વહેલી સવારે સુસ્તાતી રાઈન
સૂવા માટે તત્પર થતી રાઈન
સંધ્યાટાણે રાઈનમાં સમાતાં સૂર્યનારાયણ
પ્રવાસીઓને અવિસ્મર્ણીય યાત્રાનો અનુભવ કરાવતી આ ઘાટીમાં લોરેલાઇ ( LoreLey ) નામનો એક પથ્થર છે. આ પથ્થર ઉપર નાવિકોને હંમેશા એક યુવતી જોવા મળતી હતી. જે ત્યાં બેસીને હંમેશા ગીત ગાતી રહેતી જેને કારણે તે યુવતીનું ગાન હંમેશા ઘાટીમાં ગુંજતું રહેતું હતું. યુવતીનાં આ મીઠા ગુંજનને કારણે નાવિકો તેનાંથી આકર્ષાઇ તેની તરફ ભાન ભૂલી ખેંચાઇ આવતાં. જેને કારણે તેમની નાવ વારંવાર પથ્થર કે કિનારા સાથે ટકરાઇ જતી હતી. આ જ કથાની બીજી માન્યતા એ છે કે આ યુવતીનાં વસ્ત્રોની ચમકથી નાવિકોની આંખો અંજાઈ જતી હતી, જેને કારણે નાવિકોની નાવ વારંવાર પથ્થર કે કિનારા સાથે ટકરાઇ જતી હતી. આ અકસ્માતથી પરેશાન થઈ તે જગ્યામાં તપાસ કરવામાં આવી, પણ કશું હાથ આવ્યું નહીં. પણ આ તપાસ પછીયે તે અકસ્માતો ચાલું રહ્યાં. આખરે તે પથ્થરને થોડે દૂર ખસેડી લેવામાં આવ્યો. ત્યારબાદ આ અકસ્માતો બંધ થઈ ગયાં. આજે આ કથા કેવળ માન્યતા જ છે, બીજું કશું જ નહીં. આ મધ્ય રાઈનનો નીચલો હિસ્સો કોંબલેસ શહેરનાં ડોઁયચે નામનાં કોર્નર પર પૂર્ણ થાય છે, ત્યાં મોજેલ નદી રાઈનને મળે છે. આ વિસ્તારમાં રોપ વે ની વ્યવસ્થા કરી છે, જેથી કરીને મોજેલ અને રાઈનનાં સંગમને જોઈ શકાય.
અંતે:-
ફોટોગ્રાફી:- પૂર્વી મોદી મલકાણ.
© ૨૦૧૭ પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com
બહુ જ મજા આવી ગઈ. સચિત્ર હોવાના કારણે વધારે મજા આવી.
સરસ સંશોધન. ફોટા પણ સુંદર છે. અભિનંદન.
Bahu sundar phota o che. jawa nu munn Thai gayu. pravas varan Saras che. Aama itihas, bhugol ne darshan traney vaat samai gai. Maja aavi Purvi ben bijo aavo lekh ne vishay lavjo. Tamari sathe pharva utsuk chu. Aam to duniya na jovay kadach aam phari levay.
Photos o jovani maja padi