





-રજનીકુમાર પંડ્યા
“ડૉક્ટર છત્રપતિ, અંધ થઇ જવાથી તમે ડૉક્ટર મટી નથી જતા,સમજ્યા ? ‘ડોક્ટર’એ તમારો હોદ્દો નહોતો” હરિલાલભાઈએ હસીને કહ્યું: “તમારી એકેડમિક લાયકાત હતી.એ તો જિંદગીભર રહે જ. ભલે નોકરિયાત નહીં હો, પણ ડૉક્ટર તો છો જ અને રહેવાના.”
“પણ હવે હું ડોક્ટરી તો નહીં કરી શકું.” એ બોલ્યા :“લાગે છે કે કુદરતે કંઈ બીજું જ કામ કરવા માટે મને આ અંધાપો આપ્યો છે.”
બીજું શું કરી શકાય ? બીજા સુરદાસોની જેમ ડૉક્ટર હવે આ વયે સંગીત શીખે ? આખો દહાડો ઘરમાં બેઠા બેઠા દુઃખને મનની ખરલમાં ઘૂંટ્યા કરે ? નિસાસા નાખ્યા કરે ? ઠેસ-ઠેલાં ખાધા કરે ? અથડાયા-કુટાયા કરે અને ઘરનાઓ ઉપર તાડુક્યા કરે ?
“હું…..” એ બોલ્યા :“….એ જાણવા માગું છું કે વિદેશોમાં આંધળા લોકો જીવન કેમ પસાર કરે છે ? મને તમે થોડાં પુસ્તક વિક્રેતાઓનાં નામ-સરનામાં આપો. હું એને લગતું સાહિત્ય ક્યાંય મળતું હોય તો મંગાવું.”
હરિલાલભાઈએ એમને માત્ર સરનામાં જ ન આપ્યાં. પણ એમના વતી દેશભરના બુકસેલરોને પત્રો પણ લખી દીધા. ડૉક્ટરના ભાઈ હરિપ્રસાદ છત્રપતિ પોતે શિક્ષણનિષ્ણાત અને જે. એલ. ઈંગ્લિશ સ્કૂલના આચાર્ય – એમણે પણ દેશભરમાં પત્રવ્યવહાર કરી જોયો.
પણ બધેથી જવાબ આવ્યો : “એવું કશું સાહિત્ય છે જ નહીં.”
આને અંધાપો જ નહીં, અંધકાર કહેવાય. દિશાશૂન્યતા. ડૉક્ટર નિરાશ થઈ ગયા.
ત્યાં જ એક દિવસ એમના જૂના સહકાર્યકર ડૉ. નાણાવટી આવ્યા અને હરખભેર બોલ્યા : “છત્રપતિ સાહેબ,મારું એક સૂચન છે. માનશો ?”
દિશાશૂન્ય થઈ ગયેલા ડૉક્ટર છત્રપતિની અંધ આંખોમાં હવે ભાવ તો શા આવે ? પણ સૂરત હસું હસું થઈ ગઈ. મિત્ર ડૉ. નાણાવટીની વાત સાંભળીને એમણે તરત જ પૂછ્યું : “દેશભરના ચોપડીઓવાળા જ્યારે લખે છે કે અમારી પાસે આંધળાને લગતું કોઈ જ સાહિત્ય નથી, ત્યારે તમે શું સમાચાર લઈ આવ્યા છો ?”
“આપણે અહીં અમદાવાદમાં સિવિલ સર્જન ડૉ. જહોન રોબ નહોતા? તે હવે સ્કોટલેન્ડમાં એડીનબરોમાં છે. એ તો તમારા પણ જાણીતા છે. તેમને ઈંગ્લેન્ડની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ બ્લાઈન્ડ્સ સાથે સીધો સંપર્ક છે. તેમને લખવાથી એ કંઈક મદદરૂપ નહીં થાય ?”
વાત વિચારવા જેવી હતી. ડૉ. રોબ સાથે ગાઢ નાતો હતો. અહીં હતા ત્યારે એ જ ડૉક્ટર છત્રપતિને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને એક વખત તેમની જોડે નાનકડો મતભેદ પણ થયો હતો. એક ગંભીર ઓપરેશનમાં ડૉ. રોબ કહેતા હતા કે, અમુક પદ્ધતિથી જ ઓપરેશન કરવું તો ડૉ. છત્રપતિએ બીજી પદ્ધતિ સૂચવી હતી. અંગ્રેજ ડૉક્ટર શરૂઆતમાં તો જરા છંછેડાઈ ગયા હતા, પણ પછી સંમત થઈ ગયા હતા. છત્રપતિને કહ્યું હતું કે ઠીક છે, કરો તમે ઓપરેશન તમારી રીતે. પણ જો કશી વિપરીત ઘટના બની છે તો સમગ્ર જવાબદારી તમારી એકલાની. છત્રપતિએ આહવાન ઝીલી લીધું હતું ને ઓપરેશન કરી બતાવ્યું હતું. સફળ થયું હતું ને ડૉક્ટર રોબે એમની પીઠ પણ થાબડી હતી. વર્ષો વીતી ગયાં હતાં એ વાતને, જ્યારે આંખોના ગોખલા ઝળાંહળાં હતા, ને દૃષ્ટિમાં પૂરી સૃષ્ટિ સમાઈ શકતી હતી.
પણ હવે તો વાત જુદી હતી.આંખો ગઈ હતી અને ડૉક્ટર રોબ પણ ગયા હતા. દિવસો પણ એવા વહી ગયા હતા.
છતાં પત્ર લખ્યો.
તરત જ ડૉક્ટર રોબનો જવાબ આવ્યો, “હું નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ બ્લાઈન્ડને લખું છું – તમને એ લોકો શક્ય તે બધું જ સાહિત્ય મોકલી આપશે. પછી તમે એમની સાથે સીધો જ પત્રવ્યવહાર કરી લેજો.”
બહુ જલ્દી ઈંગ્લેન્ડથી ઢગલાબંધ સાહિત્ય આવ્યું ને એમાં ત્યાં અને બીજા વિદેશોમાં અંધજનો કેવી રીતે જીવન વ્યતીત કરે છે ? શી રીતે જાતને આ અભિશાપની અસરમાંથી મુક્ત કરે છે અને કેવાં કેવાં કામો કરી શકે છે તેની બહુ સારી, બહુ બધી માહિતી છત્રપતિએ એ પુસ્તકો બીજા પાસે વંચાવી વંચાવીને મેળવી. પછી તો બ્રેઈલ લિપિ પણ શીખી લીધી અને બ્રેઈલ લિપિનાં પુસ્તકો કે જે ઈંગ્લેન્ડથી આવ્યાં હતાં તે વાંચી લીધાં.
વાંચ્યા પછી બહુ ઊંડા વિચારમાં પડી ગયા. ઓહોહો, વિદેશોમાં શું કે અહીં શું ? અંધ એ અંધ જ છે. પણ છતાં વિદેશમાં એ અંધકારના કિલ્લાની બહાર જીવે છે અને અહીં ? અહીં તો જીવનભર એ અદૃશ્ય કારાગારમાં રહીને આયુષ્ય પૂરું કરે છે.
વિચારપ્રેર્યું દુઃખ થયું ને એ દુઃખપ્રેર્યો વિચાર આવ્યો કે, આપણા દેશમાં આ બધું કેમ શક્ય નથી? અહીં ભારતમાં તો માણસ અંધ થાય એટલે કાં તો ‘સુરદાસ’, ‘સુરદાસ’ કહીને એને સંગીતના ક્ષેત્રમાં ફેંકી દેવામાં આવે. આ પ્રજ્ઞાચક્ષુ જેવા ભ્રામક વિશેષણથી એના અંધત્વનું ગૌરવ કરીને એને પ્રમાદી બનાવી દેવામાં આવે. કારણ કે, અંધ માણસ દેખી શકે નહીં, તેથી વાંચી શકે નહીં.પણ ભારતમાં તો સ્થિતિ એટલા માટે વધારે બદતર કે અંધ માણસ ગુજરાતીય કદાચ માંડ માંડ વાંચી શકે ત્યાં અંગ્રેજી ભાષાના આધાર પર રચાયેલી બ્રેઈલ લિપિ તે ક્યાંથી ઉકેલી જ શકે ? વાચન નહીં એટલે દૃષ્ટિ તો ઠીક પણ, જ્ઞાનનાં દ્વાર પણ બંધ.
આનો કોઈ ઉપાય ખરો ? આ વિચાર એમના મનોમંથનનું કેન્દ્રબિન્દુ.
****** ****** ****
“ભારતમાં અંધશાળાઓ કેટલી ?” નડિયાદ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દત્તાત્રેય ગુપ્તે પાસે માહિતીનો ભંડાર હતો. ડૉ. છત્રપતિના આ સવાલનો જવાબ એમણે તરત જ આપી દીધો. કહ્યું : “જુઓ, 1827માં અમૃતસરમાં ખ્રિસ્તી મિશનરી કુમારી શેરીફે આવી શાળા સ્થાપી છે. જે હજુ ચાલે છે. એ પછી પાલનપોટામાં એક અને કલકત્તામાં એક એમ બે શાળાઓ શરૂ થઈ છે.”
“થાય છે કે આ બધી શાળાઓમાં એક વાર જઈ આવવું જોઈએ.”
“આ હાલતમાં તમને પ્રવાસ બહુ આકરો પડશે.” એમ એ સાંજની રોજની જેમ મળતી મિત્રમંડળીના બીજા મિત્ર અને ડૉક્ટરના જ ભાઈ હરિપ્રસાદ છત્રપતિએ કહ્યું.
“મારે એ જાણવું છે કે ત્યાં કયું શિક્ષણ અને કઈ કઈ રીતે અપાય છે ?”
‘બ્રેઈલ લિપિથી જ વળી.” રાયબહાદુર બોલ્યા.
“બ્રેઈલ લિપિ…” ડૉક્ટર છત્રપતિએ નિશ્વાસ નાખ્યો. “બ્રેઈલ લિપિ ભારતમાં ભાગ્યે જ કોઈને કામમાં આવે – તમે જાણો છો ? મૂળ તો ફ્રાંસના લશ્કરના એક ઘોડેસવાર બાલ્બીપરે સાંકેતિક લિપિ તરીકે એની શોધ કરી, પણ એમાં માત્ર અમુક રેખાઓ ઉપસાવી હતી. જ્યારે એના ઉપરથી લુઈ બ્રેઈલે ટપકાં લિપિ બનાવી. પણ આ બધું જ રોમન લિપિ ઉપર ગોઠવાયેલું છે. ભલે એ આજે સરળમાં સરળ લિપિ ગણાતી હોય પણ આપણા ભારતીય લોકો માટે તો એ બહુ જ અઘરી. કારણ કે અંગ્રેજીમાં જોડાક્ષરો નથી, જ્યારે આપણી દરેક ભાષામાં જોડાક્ષરો છે. એટલે જોડાક્ષરોવાળી બ્રેઈલ લિપિ આપણે શોધવી જરૂરી છે. એ હશે તો વાંચનના દ્વાર ખૂલશે ને એ દ્વાર ખૂલશે તો અંધની અંધતા અર્ધી ખરી પડશે.”
એ વાતચીત પછી એ બધા જ મિત્રો રોજ સાંજે આવી ભારતીય બ્રેઈલ લિપિના આવિષ્કાર માટે એકઠા થવા માંડ્યા. બધા દેખતા મિત્રો વચ્ચે અંધ એક ડૉ. નીલકંઠરાય છત્રપતિ જ. એમની ત્વરા, એમની મૌલિકતા અને એમની સૂઝ આ બધાને પણ આંજી દે તેવી. 1894માં એટલે કે, અંધાપાનાં માત્ર બે જ વર્ષમાં ડૉક્ટર નીલકંઠરાય છત્રપતિએ પોતાના જ ઘેર ખાડિયામાં અમૃતલાલની પોળમાં એ શાળા સ્થાપી. ત્યારે એના વિદ્યાર્થીઓ હતા માત્ર ત્રણ.
***** **** *****
નેતરકામ, સંગીત, સીવણ આ બધું જ વિકસતું ગયું નીલકંઠરાય છત્રપતિની આ ગુજરાતની પહેલી અંધશાળામાં. આ જોઈને વડોદરાના મહારાજા સયાજીરાવે એમની સંસ્થાને મદદ કરી, કારણ કે નીલકંઠરાય પાસે માસિક સત્તાવીસના પેન્શન (કે જે પહેલાં કેવળ રૂપિયા બે જ હતું !) સિવાય બીજી આવક તો શી હતી ?
નેતરકામ, સીવણકામ અને સંગીતની તાલીમની વચ્ચે પણ એમનું મન રમમાણ સતત ભારતીય બ્રેઈલ લિપિને વિકસાવવામાં જ રહેતું હતું.
બહુ થોડા સમયમાં એમણે સરળ ભારતીય બ્રેઈલ લિપિ વિકસાવી લીધી અને એને કારણે ગુજરાતી અંધ-વિદ્યાર્થીઓ માટે જ્ઞાનના દરવાજા ખોલી નાંખ્યા. બે જ વર્ષમાં વિદ્યાર્થીઓ અને પ્રવૃત્તિ વિસ્તાર એટલો બધો વધ્યો કે શાળાને ઘેરથી ખસેડીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની માલિકીના મકાનમાં (જૂના પ્રેમાભાઈ હોલની જગ્યાએ) લઈ જવી પડી. પછી તો એની નામના એવી વધી કે એને અમદાવાદ નગરપાલિકા તથા અમદાવાદના શ્રેષ્ઠીઓએ મદદ કરી. બૃહદ મુંબઈ રાજ્યના શિક્ષણ ખાતાના નિયામક મિસ્ટર ગિબ્સે સરકારી મદદ માટે પણ જોગવાઈ કરી આપી.
***** ***** ***
1901માં મહારાણી વિક્ટોરિયાનું અવસાન થયું. મુંબઈના મહાજને એમનું કોઈ સ્મારક રચવા ઠરાવ્યું. કોઈ દયાવાન ડાહ્યા માણસે સૂચવ્યું કે, અંધશાળા કરવી ઘટે. સૂચન સાચું હતું પણ તેનો અમલ અઘરો હતો. કારણ કે વિદ્યાર્થીઓ મળે, પણ એને ભણાવનાર યોગ્ય શિક્ષક ક્યાંથી કાઢવો ? આ અઘરા સવાલનો જવાબ શિક્ષણ નિયામક ગિબ્સે આપ્યો. એમણે કહ્યું :”અંધ માણસ માટે અંધ શિક્ષક જ જોઈએ. વળી સમભાવી જોઈએ અને શિક્ષણનો પણ નિષ્ણાત હોવો જોઈએ.’ આવો એક જ માણસ મારા ધ્યાનમાં છે અને તે અમદાવાદના ડૉક્ટર છત્રપતિ.”
એમની વાત સાચી. “પણ ડૉક્ટર અમદાવાદ છોડીને અહીં આવશે ?”
“કહી જોઈએ.” ગિબ્સ બોલ્યા :“આપણે તેમની દરેક શરતો માન્ય રાખીશું. પછી શા માટે ના પાડે ?”
ડૉક્ટરને પૂછ્યું. તેમની જે શરત હતી તે પગાર-પૅમેન્ટની નહીં, બીજી કોઈ સુવિધાઓની નહીં. માત્ર એટલું જ કે હું મુંબઈ આવું તો મારે આશરે આવેલા મારા અમદાવાદના વિદ્યાર્થીઓનું શું થાય ? તેમને પણ બોમ્બેની શાળામાં દાખલ કરો. હું આવું.”
શરત માન્ય રહી. અમદાવાદની અંધશાળાનું જ મુંબઈ નવી વિક્ટોરિયા મેમોરિયલ બ્લાઈન્ડ સ્કૂલ સાથે જોડાણ થયું. પોતાના વહાલા વિદ્યાર્થીઓને લઈને મુંબઈ ચાલ્યા. એમની કંઈ પણ ફી નહીં લેવાની. સરકાર બીજા ખર્ચ પેટે વિદ્યાર્થી દીઠ ત્રીસ રૂપિયાની ગ્રાંટ આપે. આ બીજી બધી જ શરતો માન્ય.
**** ***** ****
1917 સુધીમાં તો શાળા વધીને વડલો થઈ ગઈ. એક આઈ.સી.એસ અમલદાર સી.જી. હેન્ડરસને ડૉક્ટર છત્રપતિ સાથે મળીને અંધત્વના નિયંત્રણ માટે 1919માં બ્લાઈન્ડ રિલીફ એસોસિયેશનની સ્થાપના કરી. એણે અંધજનો માટેના ઉદ્યોગગૃહની પ્રવૃત્તિ ઉપાડી લીધી. ચાલીસ ગાંવ, વલસાડ અને વસઈ જેવાં નાનાં શહેરોમાં અંધજન રાહત કેન્દ્રો ઊભાં થયાં. આ પહેલાં 1906માં ડૉ. છત્રપતિનું જોઈને મૈસુર રાજ્યે પણ અંધશાળા શરૂ કરી હતી.
આ દરમિયાન ડૉક્ટરે ભારતીય બ્રેઈલ લિપિ વિકસાવવાનું અજોડ કામ કર્યું. પણ તેમની આ શોધ એટલે કે, ડૉ. નીલકંઠરાય બ્રેઈલ લિપિએ તેમને જગતભરમાં માન્યતા અપાવી. 1951માં યુદ્ધમાં પોતાની આંખો ગુમાવનાર ડૉ. મેકેન્ઝીના અધ્યક્ષપદે બૈરુતમાં યુનેસ્કોના ઉપક્રમે જે પરિષદ મળી તેમાં અન્ય તમામ બ્રેઈલ લિપિ કરતાં આ ગુજરાતી ડૉ. છત્રપતિની બ્રેઈલ લિપિને સ્વીકૃતિ આપીને એમને મરણોત્તર પારિતોષિક આપવામાં આવ્યું.
મરણોત્તર એટલા માટે કે, એ પહેલા ઓગણત્રીસ વર્ષે એટલે કે 1922 ના સપ્ટેમ્બરની 22મી તારીખે તેમનું અમદાવાદમાં જ તેમના જૂના પોળના ઘેર જ અવસાન થયું હતું. તેઓ ગયા પણ તેમણે આપેલી બ્રેઈલ લિપિ અમર થઈ ગઈ.
**** ***** ***
જવાબ નાની નબળી ‘હા’માં છે. અરે, તેમનું નામ તો ગુજરાતી વિશ્વકોશમાં નથી ! ગુગલમાં પણ તેમની થોડી માહીતી જ છે. મરણની તારીખ તો તેમાં પણ નથી. આ તો ભલું થજો દેવદૂત જેવા વયોવૃધ્ધ કેન્સર નિષ્ણાત ડૉ પંકજ શાહનું કે તેમણે મને સ્વ અશોક ઠાકોરની આ ડૉક્ટર છત્રપતિ વિષે લખેલી નાની પુસ્તિકા આપી કે જેમાંથી થોડી તસ્વીરો અને તારીખોની માહિતી સાંપડી. પદ્મશ્રી ડૉ પંકજ શાહ સદવિચાર પરિવાર સાથે હજુ પણ સક્રિય છે.આ પુસ્તિકા તેમની પાસેથી પીડીએફ સ્વરૂપે પણ મેળવી શકાય. તેમનો સંપર્ક મોબાઇલ 87580 60900 અને ઇ મેલ pmshah45@yahoo.com
ફ્રાંસમાં ડૉ. લુઈ બ્રેઈલનું જેવું સ્મારક સરકારે રચ્યું છે તેવું સ્મારક આ ડૉ. છત્રપતિનું કેમ ન રચી શકાય ? તેમનું અમૃતલાલની પોળવાળું મકાન હજુ સલામત છે.
વિચાર ઊગે છે ?
————————————————————————————————————————————-
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
અદભુત.
એક અંધજનની લગની. કદર ન થઇ કે ઓછી થઇ તે અલગ વાત છે, પણ અંધજનોની દુનિયા બદલતા ગયા.
અદભુત. આવા મહાન પાત્રો વિશે લખીને તમે બહુ ઉમદા કામ કરો છો… કાશ, આપણી જનતા/સરકાર જાગે. વિશ્વકોશમાં આ વાર્તા પહોંચવી જોઈએ..
અંધજનોને શિરે જ્ઞાનનું છત્ર ધરનાર ડો.છત્રપતીને શત શત પ્રણામ.? ડો.જગદીશભાઈ કાશીભાઈ પટેલ તથા ભદ્રાબહેન સતિયાએ પણ આ ક્ષેત્રમાં ઉમદા ફાળો આપ્યો છે
This is a great invention from blind Gujarati doctor (we should have suggested his name for Nobel prize ) we should be proud of this ! Thanks Rajnikumaji.
આ મહા માનવને અને આજે તેમની યોગ્ય ઓળખ આપનાર લેખક રજનીભાઇ સાદર વંદન.
Rajnibhai ne lakh lakh vandan… aavi adbhut kathao nu raspan karavta raho.
Satayu thav…