





– ડો. શ્યામલ મુન્શી
[૧]
સૌની પાસે સૌની પ્યાલી
કોઇ ભરેલી સાવ છલોછલ
કોઇની પૂરી કોઇ છે ખાલી.
કોણ આ કંઠે પ્યાસ જગાવે
ધબકારાનાં ઘૂંટ ભરાવે
કેટલી ભરી કોઇ ન જાણે
તોય લીધી છે હાથમાં ઝાલી.
ઘૂંટ ભરાતાં ખીલતી કાયા
આંખમાં રૂડા રંગની છાયા,
મનમાં જાગે માદક માયા
લોહીમાં ઘૂંટે પ્રીતની લાલી.
ઘૂંટતી વાણી ને વહેતી વાતો
જામતી સંગત ને જામતો નાતો,
કોઇ આવીને સાથમાં પીતું,
કોઇ ફૂંકીને જાય છે ચાલી.
[૨]
હાસ્ય કવિતા
(‘ળ ને બદલે ર’ બોલતા ભાઈનું આ ગીત ખરેખર કારજીપૂર્વક સાંભરવું પડે એમ છે.)
હું છું મૂરજીભાઈ કારભાઈ ગોરવારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા
વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી
વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી
તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો…….
કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં
અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં!
રોકકર ને કકરાટ કરે છે બધાં બારક બીચારાં,
કારજી પૂર્વક સાંભરજો નહી તો…
મેરામાંથી એક કબૂતર લીધું છે મેં કાંસાનું
ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું
શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો…
મૂર પછી ડાર પછી કુંપર ને કૂમરી કરી
ફૂલ ફૂટે એમાંથી પીરાં, ભૂરાં ને વાદરી
એની બનાવી મારા, આપી તમને બનાવી મારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…
* * *
સંપર્કસૂત્ર :-
ઈ-મેઈલ: swarsetu@yahoo.com
* * *
(વ્યવસાયે પ્લાસ્ટિક સર્જન હોવા ઉપરાંત શબ્દ, સ્વર અને હાસ્ય થકી પણ સર્જન કરતી બહુમુખી પ્રતિભા એટલે ડો. શ્યામલ મુનશી. તેમણે સ્વરસાધના વડે નાદબ્રહ્મની આરાધના કરી છે અને ગુજરાતી સંગીતની ગઈ કાલ અને આવતી કાલને જોડતા. ‘સ્વરસેતુ’નું સર્જન કર્યું છે. તેમને આપણે એક ઉત્તમ સંગીતકાર – ગાયક તરીકે કદાચ વધારે ઓળખીએ છીએ. પરંતુ આ હાસ્ય કવિતા વાંચીને ખ્યાલ આવશે કે શ્યામલભાઇ એટલા જ મઝાના કવિ પણ છે. વેગુ’ ઉપર પ્રસિદ્ધિ માટેની તેમની ઉદાર સહમતી બદલ ખૂબ ખૂબ આભાર. – દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ)