ફિર દેખો યારોં : કૂવો ખોદવા માટે આગ લાગે તેની રાહ જોવાની જરૂર ખરી?

-બીરેન કોઠારી

વિજ્ઞાન કે ટેકનોલોજીના અવનવા આવિષ્કારો જીવનને સરળ બનાવે છે એમ મનાય છે. એ સાચું પણ છે, છતાં તેના અતિરેક અને ખાસ તો ઊપયોગકર્તાના અવિવેકને કારણે આ જ શોધોનાં એવાં માઠાં પરિણામ ભોગવવાનાં આવે છે, જેની કલ્પના પણ ન હોય! સૌથી હાથવગું ઉદાહરણ પાણીના વ્યવસ્થાપનનું છે. બારેમાસ વહેતી રહેતી નદીઓને નાથીને તેના જળનો સંચય કરવામાં આવ્યો, તેમાંથી વીજળી પેદા કરવામાં આવી, સિંચાઈ માટે તેનો ઊપયોગ કરવામાં આવ્યો. આ બધા ઊપયોગોમાં ક્યાંય દેખાડાબાજીની ગણના કરવામાં આવી નહોતી. કદી દુષ્કાળની સ્થિતિ આવવા ન દે એ માટે બનાવાયેલા નર્મદા બંધના જળાશય એવા સરદાર સરોવરના ખાલી થઈ જવાની ધારણા કોઈએ કરી હશે ખરી? પણ વાસ્તવિકતા કલ્પના કરતાં ક્યાંય આગળ નીકળી જતી હોય છે, એ બાબત અનેક વખત, વિવિધ રીતે પુરવાર થતી આવી છે.

એક તરફ રાજકારણીઓ પાણીનો વ્યય કરવાની પ્રજાની આદતને આગળ ધરીને તેમને પાણી બચાવવાનું કહે છે. જાતભાતનાં સૂત્રો અને ઝુંબેશોનો મારો ચાલે છે, જેમાં સૌ પોતપોતાના હેતુઓ શોધે છે અને સિદ્ધ કરી લે છે. આ બધામાં ગરમીનો સમય પસાર થઈ જાય છે, અને આખરે ચોમાસું બેસે છે. વરસાદ પડે એ સાથે જ ત્રણ-ચાર મહિના પૂરતું બધું શાણપણ એક કોરે મૂકાઈ જાય છે, જેના પર ચોમાસું વીત્યાના બે-ચાર મહિના પછી ફરી વિચાર કરવાનો હોય છે. ગમે તેટલી વાતો કે આયોજન થાય, પણ એ હકીકત છે કે હજી જળ વ્યવસ્થાપન બાબતે આપણે ઘણો માર્ગ કાપવાનો છે. જળ વ્યવસ્થાપનનું ક્ષેત્ર રાજનીતિથી બાકાત રહે તો જ આ થઈ શકે.

આ વર્ષે ચોમાસાનું આગમન નિર્ધારીત સમય કરતાં સહેજ વહેલું થવાની આગાહી છે ત્યારે સિંચાઈ, વીજળી તેમજ પીવાના પાણી માટે જેનો ઊપયોગ થઈ રહ્યો છે એવાં દેશનાં જળાશયોની શી સ્થિતિ છે? ‘કેન્‍દ્રીય જળ આયોગ’ (સી.ડબલ્યુ.સી.) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 31 મે, 2018 ના રોજ દેશનાં કુલ 91 મુખ્ય જળાશયોમાં મળીને 27.66 બીલીયન ઘન મીટર (બી.સી.એમ., એટલે કે 27,66,00,00,000 ઘન મીટર) પાણીનો જથ્થો મોજૂદ હતો. આ જથ્થો તેમની સંગ્રહક્ષમતાના કેવળ 17 % જેટલો હતો. ગયા વરસે આ જ અરસામાં જે જથ્થો હતો તેનો આ 82% જથ્થો છે. આ સમયગાળાના છેલ્લા દસ વરસની સરેરાશનો આ 89% જથ્થો છે.

આ વાસ્તવિકતા ખતરનાક છે. સામાન્ય સ્તર કરતાં પાણીનું આ સ્તર ઘણું ઓછું છે. મુખ્ય પાંચ વિભાગો પૈકી ઊત્તર અને પશ્ચિમના વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર કહી શકાય એવી છે. ઉત્તર વિભાગમાં હિમાચલ પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનમાં મળીને કુલ 2.55 બી.સી.એમ. પાણી છે, જે તેમની સંગ્રહક્ષમતાના માત્ર 14 % જેટલું છે. ગયે વર્ષે આ સમયે આ જથ્થો 25 % હતો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં સી.ડબલ્યુ.સી. 27 જળાશયો પર દેખરેખ રાખે છે, જેમની વાસ્તવિક સંગ્રહક્ષમતા 31.26 બી.સી.એમ. છે. પણ હાલ તેમાં માત્ર 4.62 બી.સી.એમ. જેટલો જથ્થો રહ્યો છે, જે કેવળ 15 % છે. આગલા વર્ષની તેમજ છેલ્લાં દસ વર્ષની સરખામણીએ પણ આ જથ્થો ઓછો છે.

દક્ષિણના પાંચ રાજ્યોનાં કુલ 31 જળાશયોની કુલ સંગ્રહક્ષમતા 51.59 બી.સી.એમ.ની છે, જેમાં અત્યારે 6.31 બી.સી.એમ. એટલે કે 12 % જેટલું પાણી છે. અલબત્ત, ગયે વરસે આ સમયે તે માત્ર 8 % હતું, એટલે તેની સરખામણીએ આ વધુ કહી શકાય. જો કે, છેલ્લાં દસ વરસની સરેરાશ 16 % ની છે એટલે તેના પ્રમાણમાં આ જથ્થો ઓછો જ છે અને દક્ષિણમાં આ સરેરાશ છેલ્લા દાયકાથી ઘટતી રહી છે.

પૂર્વ વિસ્તારનાં પંદર જળાશયોમાં પાણીના જથ્થો તેની સંગ્રહક્ષમતાના 24 % જેટલો છે, જે ગયે વરસે આ સમયે 27 % જેટલો હતો. દસ વરસની સરેરાશ 18% રહી છે, એટલે તેની સરખામણીએ આ જથ્થો વધુ છે.

સરખામણીએ ગંગા-નર્મદા-મહી-મહાનદી, કચ્છની નદીઓ તેમજ દક્ષિણ ભારતની પશ્ચિમ તરફની નદીઓના પ્રદેશમાં સ્થિતિ પ્રમાણમાં બહેતર છે, જ્યારે તાપી, સાબરમતી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીની જળસંચયની સ્થિતિ છેલ્લા દસ વર્ષની સરેરાશની સરખામણીએ ઓછી છે.

વરસના બાકીના મહિના પાણીનો યોગ્ય વપરાશ થઈ શકે એ માટે જ તેનો સંચય કરવામાં આવતો હોય છે, એટલે આ જથ્થો ઘટતો રહે એ સ્વાભાવિક છે. પણ વપરાશ વેડફાટની કક્ષાએ પહોંચે ત્યારે કટોકટીભરી સ્થિતિ સર્જાતી હોય છે. આ હાલત એવાં મુખ્ય જળાશયોની છે, જેની પર સી.ડબલ્યુ.સી.ની દેખરેખ છે. સ્થાનિક ધોરણે અનેક જળાશયો છે, જે જળસંચયમાં ઊપયોગી થઈ શકે એમ છે. હવે તો શહેરોમાં પણ બ્યુટીફિકેશનના નામે તળાવ બનાવવામાં આવે છે. શહેરની વચ્ચે આવેલાં આવાં જળાશયોમાં મોટે ભાગે જળ સિવાયનું બધું જ હોય છે. તેમની ડિઝાઈન કોણ જાણે કેવી હોય છે કે આસપાસના વિસ્તારનું પાણી રસ્તા પર ભરાય, પણ કેમે કરીને જળાશયમાં ન ભરાય. કાગળ પર બધું રંગેચંગે ચીતરાય છે, પણ વાસ્તવમાં આવાં જળાશય પાણી ભરવાના મોટા ખાડા જ બની રહે છે.

જે જળાશયોમાં પાણી ભરાય છે એને પણ આપણે ક્યાં બાકાત રાખીએ છીએ? ચોમાસું પતે ન પતે કે ગણેશોત્સવનો ઉન્માદ છવાઈ જાય છે અને ચોમાસા દરમિયાન એકત્ર થયેલા તાજા પાણીને આપણે કોઈ પણ ભોગે પ્રદૂષિત કરવા લાગીએ છીએ. હવે ગરમીનું પ્રમાણ ઊત્તરોત્તર વધતું રહ્યું છે અને વધતું રહેશે. આ સંજોગોમાં પાણીની જરૂરિયાત પણ વધતી જવાની. પાણીના સંચય કે ઊપયોગનાં ઠાલાં સૂત્રોને બદલે નક્કર અને સક્રિયપણે કશું કરવામાં નહીં આવે તો કેવળ સત્તાધીશોને જવાબદાર ગણીને બેસી રહેવાથી અર્થ નહીં સરે! વ્યક્તિગત સ્તરે, પોતાના જ મકાનથી જળ વ્યવસ્થાપનનું કામ શરૂ કરી દેવા જેવું છે. તેની વિચારણા માટે ચોમાસાથી ઊત્તમ સમય બીજો કયો હોઈ શકે?


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૭-૬-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.