





-વલીભાઈ મુસા
(અછાંદસ)
જી હા, એણે દુનિયા ઝુકાવી!
સંજોગોએ શીખવ્યું, ક્યમ પાર ઊતરવું હેમખેમ?
આર્થિક કટોકટી એવી કે કાં ભીખ માગો યા કરો મોત વ્હાલું!
વેપારધંધે દામ હાર્યો, પણ ન હામ હાર્યો; ભીખ અને મોતને કર્યાં દિમાગેથી વેગળાં! (૧)
હા, હા! એ માળણના મેણાએ,
જી હા, એ માળણના મેણાએ જ તો એને લલકાર્યો!
’એણે’ અને ‘એને’ એ જ તો છે આપણો આજનો Hero, ડમી નામે કહું તો ‘વાલીડો!’
‘એ જા, માહીના તળાવે મોઢું ધોઈ આવ, ચાર આનાનું ઉધાર બકાલું માગવા પહેલાં!’ (૨)
‘વાલીડા’ એ લોકોમાં કર્યું એલાન, દિલે ચોટ લાગતાં!
‘આવો, સો રૂપિયા ભરી લ્યો પાવતી અને કમાઓ વ્યાજ રૂપિયા પાંચ રોજેરોજ!
રૂપિયા સો મુદ્દલ રકમનું સાદું વ્યાજ થાયે વરસે રૂપિયા 1825, અધધધ!
પણ શરત કે લોકોએ ‘વાલીડા’ની ઓફિસે રોજ આવીને રૂપિયા પાંચ વ્યાજ વસુલવું!’ (૩)
વાએ વાત ફેલાવી પૂરા પરગણે, અને
લોભિયાઓનાં ટોળેટોળાં ઉમટ્યાં તીડોની જેમ ‘વાલીડા’ના બંગલાભણી!
ડઝનબંધ બારીઓએ લાખોકરોડોનાં ભરણાં અને વ્યાજ તણાં ચુકવણાં થાયે!
24X7ના ત્રણેય પાળી કામકાજે મહેતા બદલાતા અને નોટોના કોથળેકોથળા ખડકાતા! (૪)
એ ટાણે ‘ન્યુયોર્ક રૂ બજાર’ નો સટ્ટો ધૂમ ચાલે,
અને આપણો વાલીડો સઘળા રૂપિયા સટ્ટે લગાડે વિવિધ ભાવોના અંકે!
’દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિએ’ ઉક્તિ અનુસાર ખેલ ચાલ્યો મહિનાભર,
પરપોટો ફૂટ્યો પાણી તણો અચાનક અને લોકોએ કર્યો હંગામો ટોળે મળી એકદા! (૫)
બંગલામાં તોડફોડ, ફરનિચરની હોળી અને પથ્થરમારા થકી,
લોકોએ વ્યક્ત કર્યો નિજ આક્રોશ અનામત અને વ્યાજની વસુલી કાજે,
સમજદારોએ બાંધછોડ માટે બતાવી તૈયારી, પણ અફસોસ!
‘વસુકી ગએલી ગાયે દૂધની આશા વ્યર્થ’ના જેવો ઘાટ ઘડાયો તહીં! (૬)
છેવટે બંગલાના ઝરૂખે આવી ઊભો વાલીડો,
ઉવાચે હિંમતભેર કે ‘અગર મને મારવાથી તમને નાણાં મળી જતાં હોય તો આવું નીચે!
અલ્પ સમયગાળે વિશ્વાસના સિંચન થકી આપ સૌએ મને ઘટાદાર વટવૃક્ષ બનાવ્યો,
મારી વડવાઈઓએ સૌ વળગ્યા, તમારા ભાર થકી થયો હું ધરાશાયી, મુજ દોષ ક્યાં!’ (૭)
વાલીડો વદે આગળ, ‘ભૂલો જો વ્યાજ તો ચૂકવું મુદ્દલ, બાપના બોલથી!’
’ભાગતા ભૂતની લંગોટી ભલી’ અનુસાર લોકોએ હર્ષનાદે સ્વીકારી ઓફર!
ટોળું વિખરાયું બીજા દિવસથી ચુકવણું થવાની ખાતરી મળતાં,
વાલીડો ગયો માળણ પાસે, ચાર આનાનું બકાલું માગ્યું ઉધાર અને તેણી હસી પડી! (૮)
* * *
સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો
“ત્યજે ક્ષુધાર્તો નિજ પત્નિ -પુત્ર
ભૂખે ભુજંગી નિજ અંડ ભક્ષે,
ભૂખે પીડાતો ન કરે શું પાપ ?
ભૂખે ગ્રસ્યા નિર્દય થાય લોક”
…અખંડ આનંદ
વ્યાજ કમાઓ રોજે રોજ પાંચ રુપીયા…. પણ ભારતના ગૌ પાલક લોકો ગાય વસુકી જાય પછી આશા રાખે છે. બસ આ જ કારણસર શીતળા નાબુદીનું માન ખાટી ગયો એડવર્ડ જેનર… અને ગૌપાલક સૌથી પાછળ….
મારી વડવાઈઓએ સૌ વળગ્યા, તમારા ભાર થકી થયો હું ધરાશાયી, મુજ દોષ ક્યાં!’ (૭) વાહ વાહ !!!!
બહુ જ આનંદદાયક.