





ડૉ. દિનેશ વૈષ્ણવ
આજથી પાઁસેઠેક વરસ પે’લાં એટલે ૧૯૫૦ના દાયકે અમારા જુનાગઢમાં અને આમતો આખા કાઠિયાવાડમાં બૈરાઓને રોજીંદા જીવનમાં ફેશન કે મેકપ કરવાની ગણીને વસ્તુ હતી. એમાં આંગળીએથી ચાંદલો કરવાની ગુંદિયા લાલ કંકુની “શોભા” નામની શીશી, “કામિની” પાવડરનો ફુલીયાં વાળો અડધીયો ડબ્બો, “નયન” કાજળની પતરાની ડબ્બી, ચાના ડાંડી તૂટેલ પ્યાલામાં માથે નાખવાનું ઘેર ગાળેલ બ્રાહ્મનીની પડીકીનું લીલું ધુપેલ તેલ, માથાની જુ કાઢવા લીખીયું ને ઘુંચ કાઢવાનો દાંતિયો, આભલાથી એકબે ઇંચ મોટો બે તડ વળો અરીસો ને એની આગળ “અફઘાન” સ્નોની બ્લ્યુ ડબ્બી હતાં. ઈ જમાને કુંવારી છોકરીઓ એક કે બે ચોટલા વાળતી, બોપટ્ટી નાખતી ને વારતે’વારે ઈ ચોટલાનો હીંચકો કરી ને પણ બાંધતી. જયારે પયણેલાં બૈરાં મોટા ભાગે અંબોડો વાળતાં, વણેલું કાળું, કથાઈ કે લીલું ઉન ઈ અંબોડે નાખતાં અને જવલ્લે કોક બાયું અંબોડે જાળી કે નેટ નાખતી. ઈ ૧૯૫૦ના દસકે જુનાગઢમાં આ મેકપમસાલો કરિયાણાવાળા રાયચંદ ને દાત્રણા વાળા સૌને મહિનાના માલસામાન ભેગો કિફાયત ભાવે, ઉધાર પુરો પાડતા. પછી આ માલમલીદો રાયચંદની પડખે એના ભાઈ હેમચંદની ચાની અડાળી જેવડા જનરલ પ્રોવિસન સ્ટોરમાં પણ રોકડે મળતો થ્યોતો.
હવે જો ઇતિહાસ ફફોસું તો નવઘણ-જાહલે જુનાગઢની ભુમીને ભાઈબેનના પ્રેમની ભુમી બનાવી, રાખેંગારે વીર ભુમી ઠરાવી, રાણકદેવીના થાપાએ સત ભુમી ગણાવી, આદિકવિ નરસિંએ કવિ ભુમી કે’વરાવી, માણાવદર પંથકના તાબાના નવાબ કમાલુદીન બાબીએ દાતારી ભુમી તરીકે ઓળખાવી, ને દીવાન અનંતજી અમરચંદ વસાવડાએ ઈ ભુમીમાં વફાદારી વાવી. પણ સાહેબ, ઈ પચાસના દાયકે સંતસઁતો, નેકટેક, દાતારી, અમીરી ને ખમીરીના ઉજળા ઇતિહાસને હડસેલી ને આગળ આવ્યો ઈ બૈરાંઓનો મેકપમસાલો, કે જેને જુનાગઢનો જુદો જ ઇતિહાસ લખ્યો. ઈ વરસોમાં આમ ભલે બૈરાંઓની બગલમાં પરસેવાનાં ચૌદસના ચાંદ જેવડાં ધાબાં હોય, ગળે અળાઈ ચણીયાબોરના ફાલ જેવી હોય પણ ઈ મેકપમલીદો તો બૈરાં રોજ વાપરે જ. અફઘાન સ્નો મોઢે ચોપડે એટલે પરસેવો ચાલુ થાય ને ઈ જેમ શિયાળુ જાકળ પાને બાજે એમ નાકની ડાંડીએ બાજી જાય. વળી ઈ સ્નો વાળા મોંએ ફુલીયાંથી પાવડર છાંટ્યો હોય એટલે ઈ પાવડર ખીલે ને ધાબાં મોઢે ઉપસે, જાણે દિવાળીમાં રંગોળીની ચિરોડીની ઢગલીઓ થઇ હોય. પછી જેમ દી’ ચડે એમ આ ધાબાંમાંથી અંગ્રેજીમાં ચારેક આઠડા લખ્યા હોય એમ પરસેવાના રેલા હાલે, જાણે શ્રાવણે શંકરને દૂધ ચડાવ્યું હોય. કિશોરી વયની છોકરીઓને ચાયણીના કાણાથી જાજા મોઢે ખીલ હોય ને એનું આ ખીલ, સ્નો ને પાવડર વાળું મોઢું ત્રણ રંગનો જાળી વાળો મેસુબ લાગે તો પણ ઈ મેકપમસાલો તો વાપરતી જ. ખીલીયા છોકરાઉ પણ ઘરનો સ્નો છાનોમાનો મોઢે ચોપડતા ઓછા કદરૂપા લાગવા. આમ ઈ મેકપમસાલાની પક્કડમાં સૌ એવાં આવી ગ્યાં કે ટૂંકી આવકમાં રોટલીએ ઘી ન લગાડે પણ ઈ મસાલા વીના દી’ ન આથમે, ને એટલે જુનાગઢની મેકપ બજારનું ભાવિ સૌ ગઢીઓને ઉજળું દેખાણું.
હવે અમારી જુનાગઢની ઈ પચાસના દાયકાની બજારમાં જો ઉપરછલ્લી નજર ફેરવું તો સર્કલચોકમાં ચોક્સીઓ બેસે, યાંથી નીચે દીવાનચોકમાં કાપડના વેપારી મથુરાદાસ નેમચંદ ને ચોપડીના વેપારી હરસુખભાઇ સંઘવી બેસે, યાંથી જમણીકોર નીચે ઉતરું એટલે માળીવાડા રોડે રતિલાલ ત્રિભોવનદાસની દવાની, મશરૂની રેડિયાની, ને નારણદાસ પાઉંની સાયકલની દુકાનું દેખું. આ માળીવાડા રોડનો છેડો પંચા’ટડીને અડે પણ ઈ પે’લાં ડાબીકોર દોઢ ફૂટ પોળી ને સવાસો ફૂટ લાંબી હવેલીગ્લ્લી દેખાય. ઈ ગલ્લીમાં છોકરીયુંને પે’રવાના કચકડાના પાટલા, બંગડી, બોપટ્ટી ને ફેશનનો મલાજો મળે પણ બધી દૂકાનુંએ એક જ પાટિયું “આજે રોકડા કાલે ઉધાર” વંચાય. પછી જેવો પંચાટડીમાં આવું એટલે કરિયાણા વાળા રાયચંદ, દાત્રણા વાળાની દુકાનું ને હેમચંદનો જનરલ પ્રોવિઝન સ્ટોર જોવું. બાકી, પંચાટડી એટલે ઈ વખતની તાજાંતંબોળ શાકભાજીની હાસમ, ગોરધન ટીડા ને એવી કેટલીયે દુકાને ભરેલ વાડી. ઈ આ પંચાટડીથી કળવાચોકે પુગું ઈ પે’લાં માંગનાથ રોડનો લાંબો પટ્ટો કાપું. આ રોડે ઈ વખતે માંગનાથની કમાન, કમાનમાં સંતુભાઈના ઘર સામે ભીંતે ટાંગેલ પોસ્ટઑફિસનો લાલ ડબ્બો, ટાંકીના ચોકમાં પાણીની ટાંકી, રાણા સાહેબની કુંડી, રાજાભાઈ દુધવાળાની દુકાન ને લોકોના ઘરના તડખાળ સીવાય બીજું કાંઈ નો’તું. ઈ કળવાચોકના ત્યારના માભાની જો વાત કરું તો ત્રણ સિનેમા ઘરો, એક બંધ પડેલ નાટ્યગૃહ, ગિરધર કોલ્ડડ્રીંક હાઉસ, મુરલીધર લોજ, સામે પોલીસચોકી, રાતે ગામના ભોંયોનો વર્લી મટકાનો અખાડો વેજનાથનું મંદિર, પાનના ત્રણ ગલ્લા, અમારું કાઠિયાવાડી ખમીર પાટા ને વણેલ ગાંઠિયા ભજીયાની બેએક દુકાનું, ને સાંજે પળાંસવાની દાતણવાળીયું. ટૂંકમાં, જો આ બજારનું બંધારણ સમજો તો મેકપમસાલો બે કરિયાણાંવાળા સિવાય બીજા કોઈ વેપારી મહિનો ઉધાર ન દેતા, ને ઈ કોઈને નો’તું ફાવતું.
હવે જેમ અગાઈ કીધું એમ જુનાગઢમાં મેકપમલીદાનો વધતો વપરાસ ને ક્યાંક વધતી વસ્તી એટલે ઈ તો નક્કી જ હતું કે મેકપ મસાલાની બજાર ચડશે. વળી ગામની ગણત્રી પણ એવી કે જો માંગનાથ રોડના પટ્ટે મેકપમાલીદાની દુકાનું ખુલે તો ધધોં જામે ને લોકોની સગવડ વધે. એટલે ઈ તકનો લાભ લેવા મારા છેલ્લા ૬૦ વરસથી ભેરુના બાપે વિચાર્યું કે જો ઈ એના મંગનાથ રોડના ઘરમાં નીચે દુકાન કાઢે ને મેકપ મસાલાના વેપારીને ભાડે દે તો પોતાને આવકની આવક ને ગામને જરૂરી દુકાન મળે. પરિણામે એને એનો વડીલવરસો એવું એક ઓયડાનું ગજાર પરસાળ ને આગળ નાનકડું આગણું એવા એના ઘરમાં ક્યાંક પણ બાકોરું પાડી ને દુકાન કાઢવી એમ નક્કી કર્યું. હવે આ ઘરની ખૂબી ઈ હતી કે એમાં આંગણામાં ખોબા જેવડું ડબ્બા જાજરૂ હતું ને એનો પોખરો માંગનાથ રોડે પડે. એટલે મારા મિત્રના બાપે આ પોખરાને મોકાની જગ્યા માની એની કિંમત એની તીવ્ર બુદ્ધિએ આંકી ને પાંચ મિનિટમાં પોખરાને મેકપ મસાલાની દુકાનમાં પલટાવાનો નકશો મનોમન ચીતરી દીધો.
પછી તો સાહેબ “શુભ્રસ્ય સીઘર્મ” એમ હીરા મિસ્ત્રીએ અઠવાડિયામાં કરામત કરી ને ઈ ઘર ઉપર મોરલો બેસાડી ને ઘર ઉપર નવું નામ કોતરી દીધું, ને ૫ ફૂટ X ૪ ફૂટ પોખરાના બે ભાગ પાડ્યા. એમાના એક ભાગમાં ડાલડા ઘીનો એક રતલનો પીળો ડબ્બો માય એવડો પોખરો ઉભો કર્યો ને બીજા ભાગમાં પ્લાસ્ટર ને રંગરોગન કરી, ને બે ધોંકાલાઈટ ને આગળ પાટીયું મુકી ને દુકાન કરી. ઈ જમાનામાં પાઘડી લઇ ને ઈ વ્યાપાર કુશળ વડીલે એની નવી દુકાન એક જુવાન વેપારીને મેકપ મસાલા વેંચવા ભાડે આપી. કમનસીબે ઈ વેપારીએ મન બદલ્યું, પાઘડી ખોઈ, વડીલ કમાણા ને ઈ દુકાનમાં બીજા મહિને ત્રણ તાકા નેનકલાકના, એક તાકો સાટીનનો ને એક તાકો પોપલીનનો લઈ ને એક કપડાનો વેપારી બેઠો. પણ બરોબર ઈ મારા મિત્રના બાપની નાકની ડાંડીએ રે’તા ભાયે પણ આ મેકપ મસાલાનો મોકો જોયો ને એને મોટી દુકાન એના ઘર નીચે કાઢી, ને ઈ દુકાનમાં એક સિંધી જુવાને અમારા જુનાગઢમાં પે’લવે’લો, “વન સ્ટોપ,” ફેશનના મક્કા સમ “અનુપમ” સ્ટોર ખોલ્યો. બેપાંચ મહિનામાં આ સ્ટોર એટલો તો પ્રખ્યાત થ્યો કે મશહુર ફેશન ડીઝાઈનર રાલ્ફ લોરેન, વર્સાચી ને પેરીસના સ્ટોરોના ભાવ ભૈરવજપથી કાળમીંઢ પાણો ગગડે એમ ગગડ્યા, ને ચોઘમ લોકો પૂછવા મંડ્યા કે “આ અનુપમ કોણ છે?”
આ “આ અનુપમ કોણ છે” સવાલનો જવાબ ગોતવા જુનાગઢ દેશવિદેશના ફેશન જગતના જાસુસો આવ્યા. એને જોયું કે “અનુપમ”માં છ ધોંકાલાઈટ જગરા મારતીતી, દુકાન વચાળે “ઉષા” સિલિગફેન ઘરરઘરર ફરતોતો, દુકાનની બા’ર ધરાકુંને બેસવા માથે છજ્જે ઢાંકેલ ૬ ફૂટ લાબું X ૨ ફૂટ પો’ળું પાટીયું, એના ઉપર લાલ શેતરંજી, ને ઈ પાટીયાના એક ખૂણે ધરાકુંને પીવા પાણીનું માટલું, સ્ટીલનો ડો’યો ને બે સ્ટીલના પ્યાલા હતાં. સ્ટોરમાં ગોવિંદ મુલચંદાણી નામનો જવાન ધોળો લેંઘો ને લાંબીબાંનું ખમીસ પે’રીને તકિયે અઢેલીને થડે બેઠોતો. જે આવે એને ઈ મીઠી સિંધી જભાને આવકારી ને પાણી પીવા આગ્રહ કરોતોતો ને ઘરાક કાંઈ કે’ ઈ પે’લાં ગોવિંદનાં નરમ વાણી ને વર્તન ઘરાકને ઘણું કઈ જાતાંતાં; એમ જ કો’ને કે ઘરાકના ખીસે હાથ ઘાલી ને ખીસું ખખેરતાંતાં.
આ જાસુસોએ નેજાં માંડી ને સ્ટોર માલીપા જોયું તો “અનુપમ”માં છ છાડલીયું હતી. એમાંથી પે’લી છાડલીયે પાવડરના અડઘીયા ડબ્બાની જગ્યાએ “પોન્ડ્સ”ના ગુલાબી, “લેકમે”ના જાંબલી, ને “હિમાલય” પાવડરનાં લીલાં, સવા હાથ લાંબા ભૂંગળા દેખાણાં. બીજી છાડલીયે અફઘાન સ્નોના બદલે “નીવિયા” ક્રીમની નાની ને મોટી ગુઢી સીસ્યું; ને ખસ, હીના, ગુલાબ ને વાળાના અત્તરને ખસેડી ને “પ્રિયા” કલોન વોટરની સીસીયું દેખાણી. બાકીની છાડલીયુંમાં તાવડીમાં ચોખા ઘીએ પાડેલ કપૂર ભેળવેલ “નયન” કાજળની પતરાની ડબ્બીની જગ્યા પ્લાસ્ટિકની “નેણ” કાજળની લાલ ડ્બ્બીયું એક્ટ્રેસ નંદાના ફોટા હારે લીધીતી. ગુંદિયા, લાલ કંકુની સીસીમાંથી આંગળીએથી ચાંદલો કરવાના બદલે ચાંદલો કરવાની પીંછી વાળી જુદાજુદા રંગના કંકુની સીસ્યું પીડીતી. ઉપરાંત કથાઈ ને શ્યામગુલાલ કોરાં કંકુના ભુકાની સીસીયું પણ પે’લીવાર જૂનાગઢ પુગીતી. પાંચ વરસ જુનાં પોલકાંની બાંયમાંથી બનતા રૂમાલની જગ્યા લાલ, લીલા ને પીળા લેડીઝ રૂમાલોની કાપ્લીયુંએ લીધીતી; કચકડાની લાલલીલી બંગડિયું ને બદલે જુદાજુદા રંગનાં બગડીયું ને પાટલા દેખતાતા. માથે નાખવા “કેસ્ટર” ને “કોલગેટ”ના લાલ, સુગંધી તેલની બાટલીયું પડીતી. અંબોડે નાખવાની જાળિયું ને વાળે ભરાવા રંગબેરંગી, રેસમી બોપટ્ટીયું, પીનું ને બકકલું દેખાતાંતાં. વધારામાં જાસુસોએ ભાયડાઉ સારુ માથે ઘસવા “બ્રીલ ક્રીમ,” ને દાઢી કરવા પ્લાસ્ટિકની ડબ્બીમાં ગોદરેજના ગોળ સાબુ, ને “ગુડ મોર્નિંગ” ને “સેવન ઓ’ક્લોક” રેઝરબ્લેડના પડીકાં પણ જોયાં. બેય ભાયડાબાયડી ધોળા વાળને કાળા કરવા વાપરી સકે એવી “લોમા” તેલની દસેક સીસીયું હોત જાસુસોએ જોઈ.
જુનાગઢની ફેશન બજારમાં હજી પૂરો ખળભળાટ ન મચાવ્યો હોય એમ બેએક વરસ પછી ગામને સ્વપ્ને પણ ન આવી હોય એવી “લાલી” પણ “અનુપમ” લીયાવ્યો. એ… હા, ઈ “લાલી” એટલે પાંચ વરસ પેલાં જેનું નામ “લીપ્સ્ટીક” હતું ને હવે “લીપગ્લોસ” છે ઈ જ. આમ તો ઈ “લાલી” તો મુંબઈથી કોક બાયું ભૂલેચુકે ગઢ આવી હોય ઈ જ કરતી પણ ઈ પણ “અનુપમ” પાસે હાથવગી હોય કારણ ઘરાકનો સંતોષ ઈ એના રોકડા હતા. મારા જેવા ગામડાના બાબરાભૂતને તો ઈ “લાલી”ની સોનેરી ભુંગળી જ દુનિયાની દસમી અજાયબી લાગતી કારણ એને નીચેથી ફેરવો ને ઉપર લાલચટક ટોપકું નીકળે, ને પછી ઉંધી ફેરવો એટલે ઈ ટોપકું મિયાંનમાં ગરાસિયાની તલવાર ગરી જાય એમ ગરી જાય. મને મારાં લગન થ્યાં યાં લગી મુદ્દે ખબર નહિ કે ઈ “લાલી” સું કામમાં આવે. ટૂંકમાં, “અનુપમે”તો જુનાગઢની ફેશન દુનિયાનું પડખું ફેરવ્યુંતું.
ઈ અમારા “અનુપમ”ને જાણી, સમજી, પચાવી ને જાસુસો ગ્યા ને પોતાના મલકે “અનુપમો” ઉભા કર્યા પણ ગઢના “અનુપમ”ની તોલે એકેય ન આવ્યા કારણ એને ખબર નો’તી કે જેને નવઘણ-જાહલના ભાઈબેનના પ્રેમનો, રાખેંગારની વીરતાનો, રાણકદેવીના સતનો, નરસિંહની કવિતાનો, કમાલુદીન બાબીની દાતારીનો ને અનંતજી દીવાનની વફાદારીનો શ્વાસ ગળથુથીમાં ફેફસે ભર્યો હોય એને તો એનું વતન ને ઈ જે દે ઈ:
“સરગથી અમને સોહામણું અમારું ગઢ જૂનું છે ગામ
એની ધૂળ હોત ટનચન કઁચનની ને બીજે બધે કથીર”
આજ કેટલાય જુનાગઢીઓ કામધંધાર્થે વર્ષોથી જુનાગઢથી આઘા છે બલ્કે વિદેશ પણ વસે છ પણ વજુભાઈની વઘાણી, નરસિંહનો ચેવડો, ગીગાના ગાંઠિયા, જેરામ મકનની બાસુંદી, ગોરધન ટીડાની લોટણ કેસર, સાલેભાઇની સાગની આંબડી, હાસમનો અક્કલકરો ને રાડારૂડીનાં ફૂલ, પાનબાઈનાં પરવાળાં જેવાં બંગ્લો પાન, કાકુ કઠિયારાની વાંસગાંઠ, રામીબાઇનાં રાવણાં, સદરુનાં સીતાફળ, ભગિની મંડળની રાબડી ને દુધીયો બાજરો; કાંતાના પાપડ, જયન્તની સોડા, બોદુભાઈનો ગડફો, જીવણ રવજીની પુનાપત્તી, સાંઈનો પુનાપત્તી-કાચી સોપારીનો મળમળો માવો ને આંધળાબાપાની ફાકી આજે પણ ઈ ગઢીઓની રગેરગમાં દોડે છ. જયારે ઈ માદરે વતન પાછા જાય ત્યારે આ બધું પાછું જીવે એટલું જ નહિ પણ યાંથી જયારે કોક આવતું હોય ત્યારે એની હારે સંપેતરામાં પણ આજ ચીજો મગાવે. ડાયરાના દેવાધિદેવ ભીખુદાન ગઢવી કે માયાભાઇ આહીર દેશપરદેશ ડાયરા કરવા જાય છ પણ ઈ જ્યાં હોય યાંથી ચૌઉદમાં દિવસે તો જુનાગઢ એક દી’ માટે પણ આવે ને એની હવા ફેફસે ભરી જાય. મોરારીબાપુને પણ વરસે ચારેકવાર જુનાગઢ સાદ દે ને ઈ આવી ને ખીલો સુંઘી જાય. ટૂંકમાં, જુનાગઢ ભલે મુંબઈ, લંડન, પેરિસ કે ન્યુયોર્ક નથી ને એને થાવું પણ નથી, પણ ઈ ગામ સૌને ગમે એવી વળગણ છે, એનાં પાણીથી લઈ ને વાણી લગી ને કણથી લઈ ને મણ લગી બધું બધાને વ્હાલું છે, ને એટલે લાખોકરોડોના ખરચે ગમે એટલા ને ગમે યાં “અનુપમો” ઉભા કરો પણ ઈ બધા જુનાગઢના “અનુપમ”થી હેઠ.
ડૉ. દિનેશ વૈષ્ણવનો વિજાણુ સંપર્ક કરવા માટેનું સરનામું: sribaba48@gmail.com
પોસ્ટમાં લેખકે જુનાગઢ વીશે લખેલ છે કે …. જયારે ઈ માદરે વતન પાછા જાય ત્યારે આ બધું પાછું જીવે એટલું જ નહિ પણ યાંથી જયારે કોક આવતું હોય ત્યારે એની હારે સંપેતરામાં પણ આજ ચીજો મગાવે…. વાહ વાહ ….
લઢણવાળી ભાષાના લખાણે વાંચવામાં રંગત લાવી. અભિનંદન.