-રજનીકુમાર પંડ્યા
“ડૉક્ટર,તમને શું લાગે છે ?”
“તમે ખુદ પણ ડૉક્ટર છો, છત્રપતિસાહેબ. એમાં મને શું પૂછો છો ?”
“ના, પણ હું આંખોનો નિષ્ણાત નથી. એ તો તમારું જ ક્ષેત્ર ગણાય.”
“ઓકે,ચાલો,” ડૉક્ટર બોલ્યા : “આંખોના સ્પેશ્યાલિસ્ટ તો તમારે અમદાવાદમાં પણ ઘણા છે. એમાં અહીં મુંબઈ સુધી આવવાની શી જરૂર હતી ?”
આ બધો સંવાદ કન્સલ્ટિંગ રૂમ સુધી જતાં જતાંમાં. આંખોના ડૉક્ટરે પારખી લીધું કે દર્દી-ડૉક્ટર નીલકંઠરાય છત્રપતિ જાણે કે ચાલતાં ચાલતા પડી જવાના હોય એમ બહુ સાવધાનીથી ચાલે છે. આવા જુવાનને માટે એવી ચાલ શોભે નહીં. આ 1891ની સાલમાં એમની સાડત્રીસમું હજુ તો ચાલતું હોય ને !
તપાસીને તરત જ ડૉક્ટરે કહ્યું : “ડૉક્ટર, તમને કંઈ નથી. માત્ર બેતાલાના નંબર આવ્યા છે. ચશ્માં બનાવી લો. ઠીક થઈ જશે.”
“વીથ ડ્યુ રિસ્પેક્ટ ટુ યોર એક્સ્પર્ટાઈઝ, ડૉક્ટર…..” છત્રપતિ જરા દુઃખભર્યું મલકીને બોલ્યા : ‘ મને એક વસ્તુ સમજાતી નથી કે આટલી ઉંમરે બેતાલા કેવી રીતે આવે ? ને બીજું બેતાલા આવે તો ઝાંખું કે અસ્પષ્ટ દેખાય, પણ મને થયું હતું એવું કેવી રીતે થાય ?”
“તમને શું થયું હતું ?”
“મેં તમને કહ્યું ને ?” એ બોલ્યા : “હું અમદાવાદની ગુજરાત ક્લબનો સ્થાપનાકાળથી જ સભ્ય છું. રોજ સાંજે ટેનિસ રમવા જાઉં છું. સારો ખેલાડી ગણાઉં છું, પણ હમણાં હમણાં સામેથી દડો આવે ત્યારે એકને બદલે બે દેખાય. ઘણી વાર તો દડો આવે તે પણ ન દેખાય. એટલે ફટકો ચૂકી જાઉં અને હાંસીપાત્ર બનું. આવું થાય છે, એટલે મૂંઝાયો છું – લખી પણ શકતો નથી. એના મૂળમાં પણ આ જ.”
“શું લખો છો હમણાં ?”
“1883માં માધવલાલ મહેતા સાથે ’સ્ત્રી મિત્ર’ નામનો બહેનોને લગતો આરોગ્યવિષયક ગ્રંથ લખ્યો હતો. તેની ત્રણ આવૃત્તિઓ થઈ ગઈ. 1884માં ‘આરોગ્યનાં તત્વો’ પ્રગટ કર્યું. એની પણ એટલી જ આવૃત્તિઓ પ્રગટ થઈ. બાકી આમ તો તમે જાણતા જ હશો કે લંડનથી પ્રગટ થતો આપણા તબીબી જગતના વિખ્યાત જર્નલ ‘લેન્સેટ’માં મારા લેખો નિયમિત આવે છે. પણ હમણાં તો એય લખી શકતો નથી. તંત્રીના ત્રણ તો ઠપકાના પત્રો આવી ગયા કે કેમ હમણાં લેખ મોકલતા નથી ? હું એમને શો જવાબ દઉં ? એમ લખું કે મને બેતાલા આવી ગયા છે !”
“લખો – સાચું છે – સાચું છે. એ જ લખો.”
અમદાવાદ આવીને નીલકંઠરાય છત્રપતિએ “સાચું” જ લખ્યું. પણ તે સાચું એ પેલું મુંબઈના ડૉક્ટરવાળું સાચું નહિ. પોતાને લાગતું હતું એ સાચું લખ્યું : “લેખ નહીં મોકલવાના કારણમાં મને થયેલી આંખની તકલીફ છે. આંખના સ્પેશ્યાલિસ્ટો કહે છે કે મને બેતાલા આવ્યા. પણ હકીકતમાં મેં જાતે જ મારું લક્ષણગત (સિમ્પ્ટોમેટીક) નિદાન કરી લીધું છે. હું એવા નિષ્કર્ષ ઉપર આવ્યો છું કે મને “એટ્રોફીઑફ ઓપ્ટીક નર્વ્સ” (દૃષ્ટિ કાર્યનું સંચાલન કરતાં મજ્જાતંતુઓ યોગ્ય કામ ન કરતા હોય તે પ્રકારનો રોગ) થયો છે. આ સાથે મારા થોડા રિપોર્ટ અને કેસ હિસ્ટરી મોકલું છું. કૃપા કરીને જણાવશો કે અહિંના આંખના નિષ્ણાતોનું નિદાન સાચું છે ?”
પત્ર લખ્યો તે સાલ 1891ની હતી. લગભગ અંત ભાગ. જવાબ આવતાં સારી એવી વાર લાગી. દરમિયાન ડૉ. છત્રપતિ પોતાનું રોજિંદું કામ બરાબર કરતા રહ્યા. એ કામ પણ કંઈ સહેલું નહીં, જવાબદારીવાળું હતું. જાતે જ એ જવાબદારી સ્વીકારી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટંટ સર્જન તરીકેની અને વધારામાં એની સાથે જોડાયેલી બી. જે. મેડિકલ સ્કૂલમાં એનેટોમી અને ફિઝીઓલોજીના પ્રાધ્યાપક તરીકેની. આઠ વરસ થયાં એ જવાબદારી નિભાવતાં નિભાવતાં. વધારામાં એ સ્કૂલનું દિલ્હી દરવાજા બહાર છાત્રાલય પણ હતું અને એના ગૃહપતિ તરીકેની કામગીરી પણ વધારામાં. વચ્ચે વચ્ચે લેખો અને પુસ્તકો લખ્યાં તે જુદાં. એક વાર એક મિત્રે એમને પૂછ્યું હતું :”છત્રપતિ,આટલું બધું કામ શા માટે કરો છો? તૂટી જશો.” ત્યારે છત્રપતિ બોલ્યા હતા :”પ્રવૃત્તિ વગર હું અજંપ રહું છું, ભાઈ. મારા વડવાઓને પેશ્વાએ ડંકર્ક નિશાન અને છત્રનું માન આપ્યું હતું, એટલે અમે અમે છત્રપતિ કહેવાયા.અમારામાં વડોદરાના કોઈ રાજસી અપલક્ષણ ન ચડે એટલા માટે મારા પિતાએ મને મોસાળમાં અમદાવાદ ભણવા મોકલ્યો હતો. મારા મામા પણ સુપ્રસિદ્ધ મજમુદાર ફેમિલીના છે. અમદાવાદમાં ખાડિયામાં ઘાસીરામની પોળમાં એમના મકાન છે છતાં ત્યાં મને શ્રમની ટેવ પડી છે. તમે માનશો? મેટ્રિક પાસ થયો કે તરત જ બ્રિટિશ સરકારે મને રેવન્યુ ખાતામાં સારી નોકરીની ઓફર કરેલી. પણ મને ડૉક્ટર બનીને માંદાની સેવા કરવાની કોઈક ગજબની ધૂન.એટલે જ 1880માં મુંબઈની ગ્રાંટ મેડિકલ કોલેજમાંથી એલ.એમ. એન્ડ એસ.થઈ ગયો ને ?” આ લાંબો જવાબ સાંભળીને પૂછનાર મિત્રને થોડું કટાક્ષના પાસવાળું હસવું આવ્યું હતું. પૂછ્યું હતું: “સેવા તો ખાનગી પ્રેક્ટિસ કરતાં પણ થઈ શકત અને એમાં તમે આટલા તૂટી પણ ન મરત. આ તો તમે સમય કરતાં સાત ગણી જવાબદારી વહોરી લીધી, ને છતાં કહેવાય નોકરીની નોકરી.”
“ખાનગી પ્રેક્ટિસ પણ કરી હતી.” છત્રપતિ બોલ્યા: “1881માં જ મારા લત્તામાં ખાડિયામાં અમૃતલાલની પોળમાં જ દવાખાનું શરૂ કર્યું હતું, પણ ત્યાં એ જ લત્તામાં રણછોડ છોટાલાલ નહીં ? મિલ-ઉદ્યોગના પાયોનિયર. તેમના નામની ડિસ્પેન્સરી એમના કુટુંબીજનોએ શરૂ કરી ને મને એમાં ગોઠવી દીધો. વાંધો નહોતો. કારણ કે મારા જ લત્તામાં હતો, પણ ત્યાં પાંચ-પચ્ચીસ જણની સારી ટ્રિટમેન્ટ મારા હાથે શું થઈ કે સિવિલ સર્જન ડૉક્ટર જહોન રોબે મને અહીં ખેંચી લીધો. ને કહે કે તમે આટલા હોંશિયાર છો તે તમારી હોંશિયારી મોટા મેદાનમાં બતાવો. લો આ આખો ખેલ! પણ પછી એમાંથી આ પ્રોફેસરી અને રેક્ટરશીપ અને એવું બધું આવ્યું તે ક્યારે મને ઘેરી વળ્યું તેની ખબરન રહી. મૂળ શું કે મને પળેપળનો ઉપયોગ કરવાની બીમારી વળગી છે. કોઈક એવો નુસખો હોય કે ઊંઘમાંય કામ થાય તો એય હું કરું.”
મિત્રે આ વાત બીજા મિત્રોને કરી તો એ સૌ પણ બોલ્યા : “નીલકંઠ છત્રપતિએ ચાર હાથ અને ચાર આંખ લઈને જન્મવું જોઈતું હતું. જેથી એક જોડી ઊંઘે ત્યારે બીજી જોડી કામ કરે !”
નિલકંઠરાયે જ્યારે ‘લેન્સેટ’ના તંત્રીને પત્ર લખ્યો ત્યારે એમને આ વાત યાદ આવી ગઈ. ચાર આંખો ? એમને હસવું આવ્યું. હવે આ બે આંખો છે એ સાજી રહે તોય ઘણું. રોગ તો એવો વળગ્યો હતો કે ધીરે ધીરે જેટલું તેજ છે એ પણ ઓલવાતું જાય. ધીરે ધીરે ઊંડા કૂવામાં ઊતરવા જવાનો અનુભવ.પહેલા ભરપૂર પ્રકાશ અને પૂરા આકાશનું દર્શન, પછી માત્ર ઉજાસ અને કૂવાની લીલછાયી દીવાલનું દર્શન, ને પછી અતાગ અંધારા જળને તળીએ ગૂંગળાઈ જઈને અંધકાર સાથેનું ચીર સાન્નિધ્ય. છેક મરણપર્યત.
જો કે બનવાજોગ છે કે મુંબઈના નિષ્ણાતોનું નિદાન સાચું હોય કે પોતાનું ખોટું. ‘લેન્સેટ’ વાળાનો પત્ર આવે કે “તમને કશું જ નથી. માત્ર નંબર જ છે. ફિકર ન કરશો.”
પણ એક દિવસ એમના પર પત્ર આવ્યો. ધડકતે હૃદયે એમણે પત્ર ખોલ્યો. અંદર લખ્યું હતું : “તમારું નિદાન જ સાચું છે. તમારા નેત્રતંતુ આંતરિક પક્ષાઘાતને કારણે ઘસાઈ ગયા છે. એનો હવે કોઈ જ ઈલાજ નથી. અમને લખતાં દિલગીરી થાય છે કે થોડા વખતમાં તમે સાવ દૃષ્ટિ ખોઈ બેસશો.”
1892ની શરૂઆતમાં આવેલા આ કાળા કાગળના શબ્દો ખરેખર એ વર્ષના મધ્યભાગમાં જ સાચા પડ્યા.અંધત્વના ચિહ્નો સ્પષ્ટપણે જણાવાં માંડ્યાં.આડત્રીસની વયે. એટલે કે ભરબપોરે અંધારા ઊતરી આવ્યાં અને એ સાથે જ ઘણું બધું. અનેક પ્રશ્નો,અને એ એવા પ્રશ્નો કે જેમનો જવાબ નહોતો.
પહેલો પ્રશ્ન હતો કે નોકરીનું શું ? આજીવિકા ? રાજીનામું જ દેવું પડે. “ડૉક્ટર” એમના ઉપરીઓએ કહ્યું : “તમને લાગતું હોય કે હજુ પણ તમે હોસ્પિટલ અને કોલેજના કામમાં આવી શકો તેમ છો તો રાજીનામું આપશો નહિ.”
નીલકંઠરાયે કહ્યું : “કેવી રીતે આવી શકું ? આંખ તો બધી પ્રવૃત્તિનો આધાર છે. એના વગર કેવી રીતે હું મારી ફરજ બજાવી શકું ? મફતનો પગાર તો હું લઈ શકું જ નહીં. મને ફારેગ કરો.”
“વિચારીશું” એમ કહીને ઉપરી અધિકારીઓએ એમને એ વખતે તો રવાના કર્યા, પણ પછી વિચાર કર્યો કે આવા સેવાભાવી, કુશળ અને લોકપ્રિય વિજ્ઞાન ડૉક્ટર જ્યારે આવી દયામણી સ્થિતિમાં મુકાઈ જાય ત્યારે તેમની નોકરી પાછી લઈને એમની આપદામાં ઉમેરો કરવો ઠીક છે ?
ડૉક્ટર કોઈને પણ અપ્રિય નહોતા. બધાં તેમનું ભલું જ વાંછતા હતા પણ ભલું કરવું તો કઈ રીતે કરવું ? શું સરકારી હોસ્પિટલમાં તેમને વગર કામગીરીનો પગાર આપી શકાય ?
અંતે ડૉ. ક્વીકના વડપણ નીચે વિચારણા સમિતિની બેઠક મળી. નિર્ણય લેવાયો કે એક વરસ સુધી ડૉક્ટર છત્રપતિને ચઢતા પગારે રજા આપવી. એ દરમિયાન કંઈક ઈલાજ મળી આવે, એમને ફરી દૃષ્ટિ પ્રાપ્ત થાય તો નોકરી છૂટે નહીં. ડૉક્ટરની સેવા હોસ્પિટલને મળવી ચાલુ જ રહે.
પણ એ એક વરસ પણ વીતી ગયું. અંધકાર અંધકાર જ રહ્યો. એક નાનકડું ક્ષીણ કિરણ પણ પ્રકાશનું ન ફૂટ્યું. અંતે નોકરી છૂટી અને પેન્શન મળવું શરૂ થયું. જે કાયદેસર રીતે નોકરીની લંબાઈના પ્રમાણમાં હતું. કેટલું ? માસિક રૂપિયા બે !
***********
“ડૉક્ટર”
“કોણ, હરિલાલભાઈ ?”
પ્રેમચંદ્ર ટ્રેઈનિંગ કોલેજના આચાર્ય રાવસાહેબ હરિલાલ માધવલાલનો અવાજ તો નીલકંઠરાય તરત જ વરતી ગયા. પણ કશું બોલ્યા વગર એ પાસે આવીને બેઠા હોત, યા ખભે એક મિત્ર તરીકે હાથ મૂક્યો હોત તો ખબર ન પડત કે કોણ છે ? આ કારુણી, આવી કારુણીઓ અને આવી અનેક કારુણીઓ હવે જીરવવાની હતી. ગળે ઘૂંટડો ઉતારીને એમણે કહ્યું : “આવો આવો, હરિલાલભાઈ, શા નવીન છે ?”
“આ તમારી પુસ્તિકા ‘દારૂ’ હું વાંચી ગયો. દારૂવિરોધી વાતો તમે એમાં બહુ વિગતે છતાં સરળમાં સરળ ભાષામાં બતાવી છે. આ તમે ક્યારે લખી શક્યા ?”
“આ ચઢત પગારી રજામાં.” ડૉક્ટરબોલ્યા : “મેં કહ્યું ને કે મારાથી જંપીને બેસી શકાયું નથી. તમે તો જાણો છો કે દારૂનિષેધ એ મારી પ્રિય પ્રવૃત્તિ રહી છે. દેખતો હતો ત્યારે તો…”
વાત સાચી. આ દેખતા હતા ત્યારે તો (એટલે કે ગાંધીજીએ એ પ્રવૃત્તિ શરૂ કરી એ પહેલાંના કાળમાં પણ) પોળેપોળે ફર્યા હતા. ગોલવાડમાં ફરી ફરી પગરખાંના તળિયા ઘસી ઘસીને ગોલા જ્ઞાતિના અનેક જણને એમણે દારૂ નહીં પીવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.મદ્યનિષેધ મંડળ સ્થાપીને એના સક્રિય સંચાલક બન્યા હતા. ભરૂચી પાઘડી અથવા કાળી ટોપી, લાંબો કોટ અને પાટલીદાર ધોતિયું. આવા પ્રભાવશાળી ડૉક્ટરને પોતાના લત્તામાં વગર વિઝિટે ફરતા જોઈને ગોલવાડના રહીશો બહુ નવાઈ પામતા અને એમની આજુબાજુ ટોળે વળતા. ડૉક્ટર એકાદ ઓટલે ઊભા રહેતા અને પછી દારૂની ખરાબ અસરો વિષે ભાષણ નહીં પણ વાતો કરતા. અવાજ એવો કે જાણે કે કાનમાં કોઈ ઘેરા અવાજે મીઠાશથી બે વાત કરતું હોય. મોટા ભાગનાને અસર થતી અને દારૂ છોડી દેતા, પણ અસર મોળી પડતાં ફરી શરૂ કર્યો છે એમ ખબર પડે કે ફરી ડૉક્ટર એની પાસે પહોંચી જતા. ફરી ખભે હાથ મૂકીને કહેતા : “ભાઈ, કંઈ વાંધો નહીં ફરી વાર કોશિશ કર. કોશિશ બહુ મોટો કર્મયોગ છે. એ સાધનાનો જ એક પ્રકાર છે.”
એ પ્રવૃત્તિને અંધાપો આવ્યા પછી પણ એ વિસારે પાડી શક્યા નહીં. મનમાં ને મનમાં અંધાપાને કારણે આવી પડેલી જીવનભરની વેદનાના ખ્યાલે લોહીઝાણ થયા કરતા હોય, પણ એ કણસતા પાસા ઉપરાંત એ જ મનનું બીજું પાસું કાર્યરત હોય. ચાલો, નિયતિએ નિયતિનું કામ કર્યું. આપણે આપણું કામ કરવું પડશે. દારૂનિષેધ માટે હવે પોળે પોળે ફરી નહીં શકાય,પણ વિચારો તો વહેંચી શકાશે ને ? ભલે લખી નહીં શકાય, કારણ કે લીટીઓ આડીઅવળી થઈ જશે પણ કોઈક પાસે લખાવી તો શકાયને ? ને એમ જ એ અંધાપાના પહેલા જ વરસમાં પુસ્તિકા આપી…”દારૂ.”
“ખેર.” હરિલાલભાઈ બોલ્યા :”ડૉક્ટર, હવે…”
“ડૉક્ટર ના કહેશો મને.” એ બોલ્યા : “હવે હું ડૉક્ટર નથી. નોકરીમાંથી રુખ્સત થયો છું. પેન્શન પામ્યો છું.” પછી જરા દુઃખથી બોલ્યા : “માસિક બે રૂપિયાનું ધરખમ પેન્શન !”
“ડૉક્ટર એ તમારો હોદ્દો નહોતો” હરિલાલભાઈએ હસીને કહ્યું: “તમારી એકેડમિક લાયકાત હતી.એ તો જિંદગીભર રહે જ. ભલે નોકરિયાત નહીં હો, પણ ડૉક્ટર તો છો જ અને રહેવાના.”
“પણ હવે હું ડોક્ટરી તો નહીં કરી શકું.” એ બોલ્યા : “લાગે છે કે કુદરતે કંઈ બીજું જ કામ કરવા માટે મને આ અંધાપો આપ્યો છે.”
( ક્રમશઃ)
———————————————————————————————–
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ – rajnikumarp@gmail.com






રસદાયક હકીકત. પછીની કહાણી વાંચવી જ રહી.
very sensitive and touchy article, Rajanikumarbhai.
Eager to read the next episode.
તમારી દ્વારા કેવાં કેવાં અદ્ભૂત વ્યક્તિવિશેષોનો પરિચય મળ્યા કરે છે અને એ પણ આગવી, રસપ્રદ શૈલીમાં.
Nice write up
Encouraging and stimulating
Really weighting for second episode