





નિર્મલા દેશપાંડેની લઘુ નવલકથા बंसी काहे को बजाई નો કેપ્ટન નરેન્દ્ર ફણસે દ્વારા કરાયેલો અનુવાદ આપણે હવેથી દર અઠવાડીઇએ વાંચીશું અને માણીશું.
-સંપાદક મંડળ – વેબ ગુર્જરી
પરિચય…
મરાઠી સાહિત્યમાં નિર્મલાબહેન દેશપાંડેનું સ્થાન વિશીષ્ઠ અને માનપૂર્ણ ગણાય છે. જેમ ખાનોલકરે કોંકણ અને ગ. દિ. માડગુળકરે દેશની ખુશ્બૂ તેમના સાહિત્યમાં રજુ કરી, તેમ નિર્મલાબહેને તેમની જન્મભુમિ – બુંદેલખંડની ધરતીની સુગંધને મરાઠી પૈઠણીની પોતમાં સુલભ અને સુંદર રીતે વણી લીધી છે. તેનો આહ્લાદદાયક પમરાટ, ત્યાંની વ્યક્તિઓ અને તેમના વાસ્તવ્યની જમીનનું દર્શન વાચક વર્ગને જરૂર મોહી લેશે. બુંદેલખંડની સુજલા અને સુફલા ધરતી તથા તેમાં વસતા નિર્દોષ અને સરળ મનના લોકોની એવી જ નિર્મળ કથા એટલે ‘બંસી કાહેકો બજાયી’. કથાની નાયિકા ચંદ્રાવતી છે. તેની સહનાયિકા છે નાજુક હૃદયની કિશોરી જામુની. પુસ્તક વાંચતાં ચંદ્રાવતીના મનની સંવેદનાઓને અનુભવીએ અને તેની ભાવનાઓના projectionનો અહેસાસ થાય ત્યાં જામુનીનું પારદર્શક, પ્રામાણિક અને લાગણી-સભર વ્યક્તિત્ત્વ આપણા માનસપટલ પર આગમન કરે છે.
જામુની. આંખોને આંજી નાખે તેવી પ્રતિભાશાળી કિશોરીનું આ નવલકથામાં આગમન
સામાન્ય લાગશે. લગભગ દુર્લક્ષ્ય કરવા જેવું. જેમ જેમ લેખિકા જામુનીના વ્યક્તિત્વના પાસાઓ પર પ્રકાશ પાડે છે, તેમ તેમ એક દુર્લભ હીરામાંથી નીકળતા પ્રકાશની હજારો જ્યોતિઓની જેમ ઝળહળી ઊઠે છે તેની નિર્દોષ બાલીશતા, કૌમાર્યની કુમાશભરી પ્રેમભાવના અને યુવાવસ્થાએ પહોંચતાં પહોંચતા તેણે જીવનના વાસ્તવિક સત્યનો કરેલો સ્વીકાર. એક ગ્રામકન્યા હોવા છતાં તેણે જીવન દર્શનનો જે સાક્ષાત્કાર કર્યો અને તેનો તે જે રીતે ખુલાસો કરે છે, તે ચંદ્રાવતી જેવી આધુનિક યુવતિને અને વાચકોને આશ્ચર્યચકિત કરી નાખે છે. જામુનીએ ગાયેલાં ગીતોને પોતાના જીવન સાથે તેણે એવી સહજતાથી વણી લીધા છે તે સાંભળીને – વાંચીને આપણા મનમાં જેવી કસક ઉપજશે, તેના પ્રત્યે જે આત્મભાવ જન્મશે તે અનન્ય અનુભવ સાબિત થશે.
મૂળ નવલકથામાં નિર્મલાબહેને લખેલા કેટલાક હિંદી સંવાદ બને ત્યાં સુધી તેવાં જ રાખ્યા છે જેથી ત્યાંની માટીની મહેક આપણે અનુભવી શકીએ. એક અન્ય મજાની વાત જોવા મળશે કે આપણી માતૃભાષાને પરદેશમાં પણ જાળવવાનો પ્રયત્ન કરવા છતાં જ્યાં આપણે વસ્યા છીએ, ત્યાંના શબ્દપ્રયોગ કે વ્યાકરણ આપોઆપ આપણી ભાષામાં આવી જતા હોય છે. ઉદાહરણ તરીકે ‘હું જઉં છું’ કહેવાને બદલે હિંદીભાષીક પ્રદેશોમાં બોલાતાં ‘મૈં જા રહા હું’નું ગુજરાતીકરણ ‘હું જઈ રહ્યો છું’ આપોઆપ થતું હોય છે. નિર્મલાબહેને આવા વાક્યપ્રયોગ ઠેરઠેર કર્યા છે, તે આપણા ભાષાંતરમાં પણ રાખ્યા છે.
અંતમાં એક વાત કહીશ: લંડનમાંના મારા રહેવાસ દરમિયાન સ્ટૅગ લેનની લાઈબ્રેરીમાં ગુજરાતી પુસ્તકોનો વિભાગ છે તે જાણવા મળ્યું. ઘણા વખતથી સ્વ. કિશનસિંહજી ચાવડાનું ‘અમાસના તારા’ ફરી વાંચવું હતું, તે લેવા ગયો. પુસ્તક તો કોઈ લઈ ગયું હતું, પણ તપાસ કરતાં ગુજરાતી પુસ્તકોની બાજુમાં કેટલાક મરાઠી પુસ્તકો જોવા મળ્યાં. તેમાં શ્રીમતી નિર્મલા દેશપાંડેનું પુસ્તક ‘બંસી કાહેકો બજાયી’ જોયું. પહેલાં તો તેની ઉપેક્ષા કરી. ‘અમાસના તારા’માં કિશનસિંહજીની આ જ શિર્ષકની એક પહાડી બાલિકાની સુંદર વાર્તા હતી. જો નિર્મલાજીનું પુસ્તક તેના શિર્ષકને અન્યાય કરનારૂં નીવડે તો મનમાં ઉદ્ભવનારી નિરાશા સહન કરવા મન માનતું નહોતું. તેમ છતાં પુસ્તક લીધું. વાંચ્યું. તેની મારા માનસ પર એવી તીવ્ર અસર થઈ, એક એવી અલૌકિક અનુભૂતિ થઈ આખી નવલકથા – અને ખાસ કરીને તેની નાયિકા મારી રગેરગમાં એવી તો સમાઈ, કે તેનું ગુજરાતી ભાષાંતર કર્યા વગર રહી ન શક્યો. લેખિકાને પત્ર લખી તેમની રજા મેળવી. કમભાગ્યે ‘જિપ્સી’ને પ્રકાશક ન મળ્યા અને વર્ષો સુધી તેની હસ્તપ્રત પડી રહી. વીસ વર્ષ બાદ જુનો સામાન ઉખેળતાં ‘બંસી કાહે કો બજાયી’ની હસ્તપ્રત હાથ લાગી અને રજુ કરીએ છીએ વેબ ગુર્જરીના વાચકો સમક્ષ.
– કેપ્ટન નરેન્દ્ર ફણસે
કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામુંઃ captnarendra@gmail.com