





– લતા ભટ્ટ
(તાજેતરમાં ‘પ્રતિલિપિ’ આયોજિત ‘પત્રલેખન સ્પર્ધા’માં નિર્ણાયક મતે પ્રથમ સ્થાને ઈનામ વિજેતા એવો લતાબહેન ભટ્ટનો આ પત્ર સાહિત્યિક સ્પર્શ ધરાવવાની સાથે સાથે તેમાં વધુ નોંધપાત્ર બાબત તો એ છે કે એ પત્ર ‘પત્ર’ને સંબોધીને લખાયો છે.)
જત લખવાનું રે ખતમાં
પ્રિય પત્ર,
હાથમાં કલમ પકડી ને પત્ર તારી સોનેરી યાદે આજે મને, તને એક પત્ર લખવા વિવશ કરી.આધુનિક યુગમાં એસ.એમ.એસ., વ્હોટ્સએપ, ફેસબુક વગેરે માધ્યમ દ્વારા સંદેશો ભલે તે જ ક્ષણે પહોંચી જાય છે, પણ એણે ઇંતઝારની અને એ ઇંતઝાર દરમિયાન કરેલ કલ્પનાઓની મજા મારી નાખી છે. યાદ છે મને હજુય એ દિવસો…. તને મેળવવા કાગડોળે ટપાલીની રાહ જોવાતી. ચિઠ્ઠી,પરબીડિયું, કાગળ, પતાકડું કે ખત એ નામે અમે તને ઓળખતા.
ટપાલીનો એક જ થેલો ખુશી અને ગમ બેઉને સમાવતો. કોઈને સગાઈ, લગ્ન, બાળકના જન્મ, પ્રમોશન, સગાસંબંધીના આવવાના સમાચાર વગેરે ખુશી વહેંચાતી; તો કોઈને બીમારી, અકસ્માત, મૃત્યુ જેવા દુઃખદ પ્રસંગોના સમાચાર પણ એ થેલામાંથી જ મળતા. ખુશીનો સંદેશો પહોંચાડી ટપાલી ક્યારેક પેંડા ખાતો તો કદી કોઈનાં આંસુ લૂછતો. ટપાલી સૌના જીવનનો એક હિસ્સો બની ગયો હતો.
આમ જોવા જઇએ તો કેટલાક શબ્દ લખેલ તું તો માત્ર એક કાગળ, પણ એ કાગળ માત્ર કાગળ ન રહેતાં દિલ સાથે જોડાઈ જાય. તારી શરૂઆત તને લખનાર પોતાના નામ, સરનામા અને તારીખથી કરે અને તે પછી આવે સંબોધન. એ સંબોધન પત્ર લખનાર અને પત્ર જેને લખાયો હોય તે વ્યક્તિ વચ્ચેના સબંધને ઉજાગર કરે, ત્યાર બાદ કુશળ સમાચાર પૂછી જે ઉદ્દેશથી પત્ર લખાયો હોય તે ઉદ્દેશ આવે અને અંતમાં ઘરના તમામ નાનામોટાને યાદ કરવામાં આવે. લિખિતંગમાં પોતાના નામ સાથે તળપદા શબ્દો જેવા કે પાયલાગણ, જેસી ક્રશ્ન વાંચજો વગેરે લખાય; તો વળી શિષ્ટ પત્ર લખનાર પ્રણામ, પ્રણિપાત, વંદન જેવા શબ્દ લખે. કોઈ દેશભક્ત વળી જયભારત કે જયહિંદ લખે તો કોઈ દેવીભક્ત જય માતાજી લખે અને અંતમાં જણાવવાનું કંઈ રહી ગયું હોય તો તા.ક.(તાજી કલમ) સાથે વિગત લખાય.
જો કે આ તો લોકોને દેખાય એવું તારું અંદરનું રૂપ, પણ બાહ્ય રૂપમાં પત્ર લખનાર અને પત્ર જેને પાઠવવામાં આવ્યો હોય તેનું નામ, સરનામું, પિનકોડ નંબર હોય.
સારા પ્રસંગે કંકોત્રી ભલે મોકલાય, પણ સાથે આત્મીયતા દર્શાવતો ને આગ્રહ કરતો એક કાગળ તો લખવો જ પડે. આમ તારી મહત્તા જળવાઈ રહેતી. સૌના જીવનનો તું એક હિસ્સો બની ગયેલ. સાસરે જતી પુત્રીને તેનાં માતાપિતા પત્ર લખવા ખાસ ભલામણ કરતાં.
સૌથી વધુ રસપ્રદ તો એ પ્રેમપત્રો રહેતા. એ પત્રમાં પ્રેમનો એકરાર, ભાવી સહજીવનની મધુર કલ્પનાઓ, કસમ, વાયદા, શાયરીઓ ને થોડું પાગલપણું ઠલવાતું. સુગંધી અત્તર છંટાય, તો ક્યારેક ગુલાબના ફૂલની પાંખડીઓ કાગળની વચ્ચે મુકાય. પિયુના પત્રની રાહ જોતી રમણીની સખીઓ મજાક કરતી. પિયુને ન કહી શકાતી, પત્રમાં લખાતી વાતો જિંદગીભરનું સંભારણું બની જતી; ‘ને એટલે જ… પ્યારમેં ડૂબે હુએ ખત મૈં જલાવું કૈસે….તેનો નાશ કરવો અશક્ય બનતો, તો ક્યારેક માસૂમિયતમાં લખાયેલા કેટલાક પત્ર બ્લેકમેઇલ માટે પણ કારણભૂત બનતા.
વિશ્વની શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ નવલિકાઓમાં સ્થાન પામનાર શ્રી ધૂમકેતુની નવલિકા ‘પોસ્ટઓફિસ’ માં એક પિતાની વ્યથા આબેહૂબ ઝિલાઇ છે. શ્રી ગોવર્ધનદાસ માધવરામ ત્રિપાઠી રચિત ‘સરસ્વતીચંદ્ર’માં પણ સરસ્વતીચંદ્ર પોતાના પિતાને એક પત્ર લખી પોતાનું મન ઠાલવી ગૃહત્યાગ કરે છે. તને અનેક કવિઓએ પોતાના કાવ્યમાં સ્થાન આપ્યું છે. ગુજરાતી સાહિત્યના પ્રસિધ્ધ કવિ શ્રી રમેશ પારેખે તો વળી ઈશ્વરને જ કાગળ લખવા વિનંતી કરી કે ‘હરિ કાગળ લખે તો બને’ ને તેમના શબ્દોનો ફાલ એ જે ખેતરથી લઈ આવે છે તે જોઈને તો એવું જ લાગે કે નક્કી હરિ તેમને કાગળ લખતા જ હશે અને એય નિયમિત. અવિનાશ વ્યાસનું ગીત ‘જત લખવાનું રે ખતમાં…’ આપણને આધ્યાત્મિકતાની એ ઊંચાઇએ પહોંચાડી દે કે જ્યાંથી પાછા ફરવાનું મન ન થાય …શ્રી મુકુલ ચોક્સીની આ રચના પણ કેટલી સુંદર છે, નહીં? .
‘શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા,
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા.’
તો વળી શ્રી ઇન્દુલાલ ગાંધીનો આંધળી માનો કાગળ વાંચીને ભાગ્યે જ કોઈ આંખો ભીની થયા વગર રહે ને સામે પોતાનો બચાવ કરતા દેખતા દીકરાનો પત્ર પણ પુત્રની લાચારીને આબેહૂબ રજૂ કરે છે. લોકસાહિત્યમાં પણ શ્રી દિવાળીબેન ભીલના કંઠે ગવાયેલું લોકગીત ‘હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી..’ ઘણું પ્રસિદ્ધ થયું. મેંય તારા પર કેટલાંક કાવ્યો લખ્યાં છે. ‘બંધ પરબીડિયામાં દિલના હાલ મોકલું…’,’ખત ના ખબર છે કાનજીની કંઈએ..’ વગેરે… કાલિદાસ રચિત ‘મેઘદૂતમ્’માં તો મેઘ ટપાલી બની પ્રિયજનને સંદેશ પહોંચાડે છે.
હિન્દી ચિત્રપટનાં કેટલાંક ગીતોમાં પણ તને સ્થાન મળ્યું છે. ફિલ્મ ‘દુશ્મન’નું ગીત ‘ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કોન સા દેશ, જહા તુમ ચલે ગયે.’ માં મૃત્યુની કરુણતા આબેહૂબ ઝિલાઇ છે, તો ‘ચિઠ્ઠી આઇ હૈ, આઇ હૈ, ચિઠ્ઠી આઇ હૈ..’ ગીત પરદેશ ગયેલા લોકોને પોતાના વતનની યાદ અપાવે છે ને સૌ દર્શકોની આંખ આંસુથી ભરી દે છે. ‘સંદેસે આતે હૈં, હમેં તડપાતે હૈં, જો ચિઠ્ઠી આતી હૈ વો પૂછે જાતી હૈ, કિ ઘર કબ આઓગે…’ ગીતમાં સરહદે દેશની સુરક્ષા માટે લડતા નવજવાનોને ઘરની યાદ અપાવે છે. આ ઉપરાંત ‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં…….હમને સનમકો ખત લિખા,…ડાકિયા ડાક લાયા ..લિખે જો ખત તુઝે ફૂલ બન ગયે….ઐસે રુઠે સૈયા, ન ખત ન ખબર,..જેવાં કેટલાય ગીતોમાં તને સ્થાન મળ્યું છે.
ગાંધીજી, વિવેકાનંદ, કલાપી જેવા મહાનુભાવોના હસ્તાક્ષરમાં લખાયેલા પત્રો એક મોંઘું સંભારણું બની જાય છે, એક મોંઘેરી જણસ બની જાય છે.
પહેલાં તો નવા વરસની કે જન્મદિવસની શુભેચ્છા લોકો તારા દ્વારા પાઠવતાં, પણ હવે બધું ઓન લાઈન થઈ ગયું છે. હવે તો તારું સ્થાન માત્ર વાણિજ્યિક વિનિમય પૂરતું જ મર્યાદિત રહ્યું છે. તારા સુવર્ણકાળની હું સાક્ષી બની એ મારું અહોભાગ્ય છે. ફરી મળીશું?
લિ. તારી એક ચાહક,
લતા ભટ્ટ
* * *
સંપર્કસૂત્રો :-
ઈ મેઈલ – Lata Bhatt latabhatt108@yahoo.com
મોબાઈલ – +91 8149835135
બહુ સુંદર વિગતથી ભરેલા વિચારો. અભિનંદન.
ખૂબ ખૂબ આભાર
સુંદર કાવ્યમય ભાષામાં ‘પત્ર’ ને પત્ર લખ્યો છે, જાણે પત્રની આખો ઈતિહાસ ઠાલવી દીધો છે. ખરેખર, ઇનામને પાત્ર રચના!
ખૂબ ખૂબ આભાર
Very thoughtful letter. Something different.
ખૂબ ખૂબ આભાર
વરસાદના સમાચાર, ગાય અને વાછરડાના સમાચાર, મોલ પાણી કે ખેતરના સમાચાર પણ પોસ્ટકાર્ડમાં લખાતા…..
સાચી વાત છે…આભાર
‘જત લખવાનું રે ખતમાં…’પત્ર પ્રકાશિત કરવા બદલ
શ્રી વલીભાઈ મુસા અને વેબગુર્જરીનો ખૂબ ખૂબ આભાર