





દીપક ધોળકિયા
૧૭૪૮માં ઑસ્ટ્રિયામાં હૅબ્સબર્ગ વંશના રાજા ચાર્લ્સ ચોથાનું અવસાન થયું. વારસામાં ગાદી કોને મળે એ વિવાદ થયો, પણ રાજકુમારી મારિઆ થેરેસાએ ગાદી સંભાળી. એનો વિરોધ થયો કે સ્ત્રી વારસદાર ન બની શકે. આમાંથી મોટું યુદ્ધ ફાટી નીકળ્યું અને યુરોપના ઘણા દેશો એમાં સંડોવાયા. ગ્રેટ બ્રિટને થેરેસાને ટેકો આપ્યો પણ ફ્રાન્સ અને પ્રશિયા એની વિરુદ્ધ લડ્યાં.
અહીં હિંદુસ્તાનમાં આ અરસામાં પોંડીચેરીમાં ફ્રેન્ચ કંપની સ્થાયી થવા લાગી હતી, તો બીજી બાજુ મદ્રાસમાં લંડનની કંપની જામવા લાગી હતી. આ ગાળા દરમિયાન બન્ને કંપનીઓ વચ્ચે સારા સંબંધો હતા, કારણ કે ત્રીજી હૉલૅંડની (ડચ)કંપની આ બન્નેની હરીફ હતી, પરંતુ ઑસ્ટ્રિયન ગાદી વારસની લડાઈમાં બ્રિટન અને હૉલૅંડ એક પક્ષે હતાં જ્યારે ફ્રાન્સ સામે પક્ષે હતું. પોંડીચેરીની ફ્રેન્ચ કંપની માટે આ સ્થિતિ સારી નહોતી. એના સ્થાપક અને ગવર્નર ફ્રાન્સ્વા માર્તીંએ મદ્રાસના ગવર્નર થોમસ પિટને સમજાવી લીધો કે યુરોપની લડાઈ અહીં હિંદુસ્તાનમાં એમના વેપારને આડે ન આવવી જોઈએ. આથી બન્ને કંપનીઓએ સમજૂતી કરી લીધી. તે પછી જ્યારે ડચ કંપનીએ પોંડીચેરીમાં ફ્રેન્ચ કંપની પર હુમલો કર્યો ત્યારે માર્તીંએ ફ્રેન્ચ કંપનીનો માલ ઇંગ્લૅંડની કંપનીની ફૅક્ટરીઓમાં સાચવવા મોકલી દીધો.
૧૭૨૦ આવતાં ફ્રેન્ચ કંપનીનું પોંડીચેરીમાં વર્ચસ્વ વધવા લાગ્યું અને વેપાર પણ જામી ગયો. જોસેફ ફ્રાન્સ્વા દુપ્લે ૨૩ વર્ષની વયે બંગાળમાં કંપનીની ગવર્નિંગ કાઉંસિલનો સભ્ય બન્યો, હિંદુસ્તાનના રાજાઓમાં સતત વારસા માટે જે ખટપટો ચાલતી તેમાં એને ફ્રેન્ચ કંપની માટે એક તક જોવા મળી અને એ રાજાઓ સાથે સંબંધો વધારવા લાગ્યો. ભારતવાસીઓ જેવાં જ વસ્ત્રો ધારણ કરવાનો પણ એને શોખ હતો. એણે દેશી ‘સિપાઇઓની ફોજ પણ ઊભી કરી. મૈસૂરનો હૈદર અલી, ટીપુનો પિતા, પણ દુપ્લેની ફોજમાં જ હતો. (વીકિપીડિયા )
દુપ્લેને પોંડીચેરી પાસે ચંદ્રનગરની ફૅક્ટરીનો કારભાર સોંપાયો અને એ હિંદુસ્તાનની બધી ફ્રેન્ચ કંપનીઓનો પ્રેસીડેન્ટ બન્યો. ૧૭૨૫માં માહે (ફ્રેન્ચ) અને તેલિશેરી (ઇંગ્લિશ)ની કંપનીઓ સામસામે આવી ગઈ. ૧૭૩૬ના એક દસ્તાવેજ પ્રમાણે ઈસ્ટ ઇંડિયા કંપની હવે ફ્રેન્ચ કંપનીને પહેલા નંબરની દુશ્મન માનવા લાગી હતી.
૧૭૪૪માં બન્ને વચ્ચે હરીફાઈ પણ વધી ગઈ હતી, તે એટલી હદ સુધી કે ફ્રેન્ચ કંપનીએ ઈસ્ટ ઇંડિયા કંપનીનું કામ કરતા વણકરોને લલચાવીને એમની પાસેથી પોતાનું કામ કરાવવાનું શરૂ કરી દીધું હતું. બન્ને વચ્ચે જે સમજૂતી હતી તે પ્રમાણે ઑસ્ટ્રિયાની લડાઈમાં ભલે બ્રિટન અને ફ્રાન્સ લડાઈમાં સામસામે હોય, હિંદુસ્તાનના વેપારમાં બન્ને કંપનીઓ સહકારથી રહેવાનું હતું પણ દુપ્લેને આની કોઈ પરવા નહોતી.
લંડનની કંપનીએ પણ આ સમજૂતી માની તો લીધી પણ એની ઇચ્છા એવી હતી કે આપણે અહીં હિંદુસ્તાનમાં તો ફ્રેન્ચ કંપની સાથે કરારથી બંધાયેલા છીએ પણ જો બ્રિટનથી એક નૌકા કાફલો આવે અને ફ્રાન્સનાં જહાજોને લૂંટે તો કંપનીની સમજૂતી અકબંધ રહે અને તેમ છતાં ફ્રેન્ચ કંપનીનો માલ એના હાથમાં આવી જાય! બીજી બાજુ, ફ્રાન્સમાં પણ એવી જ ચાલ ગોઠવાતી હતી. આમ એક અંગ્રેજી નૌકા કાફલો આવ્યો અને ફ્રેન્ચ કંપનીનાં જહાજોમાં ભારે લૂંટફાટ ચલાવી. દુપ્લેએ ૨૦ વર્ષમાં પોતાનું સારું એવું ધન એકઠું કર્યું હતું તે પણ ગયું. દુપ્લેએ અંગ્રેજ કંપની પાસે નુકસાનીનું વળતર માગ્યું પણ એ શાના આપે? ઇંગ્લૅંડની કંપનીએ કહી દીધું કે જહાજ એમણે તો લૂંટ્યાં નથી તો વળતર શાનું ચુકવવાનું!
હવે દુપ્લેએ લંડનની કંપનીનાં મથકો પર કબ્જો કરી લેવાની ધમકી આપી પણ એવામાં તો બ્રિટનના નૌકા કાફલાએ પોંડીચેરીને ઘેરી લીધું. નેગાપટમ (હવે નાગપટ્ટિનમ, તમિળનાડુ) પાસે બન્ને કંપનીઓ વચ્ચે લડાઈ ફાટી નીકળી તેમાં ફ્રાન્સની કંપનીને જાનમાલનું બહુ નુકસાન થયું. એનાં કેટલાંયે મોટાં જહાજો પર ગોળાઓ પડતાં આગ લાગી ગઈ હતી. આમાં આર્કોટનો નવાબ બહારથી તો બન્ને કંપનીઓને સમભાવથી જોતો હતો પણ અંદરખાને એ અંગ્રેજો સાથે હતો. ફ્રાન્સની કંપનીએ જ્યારે ફરી વાર મદ્રાસને ઘેરવાની કોશિશ કરી ત્યારે આર્કોટના નવાબે એમને ધમકી આપી કે લડાઈમાં જો મહેલને નુકસાન થશે તો એ એમને પોંડીચેરીમાંથી કાઢી મૂકશે.
૧૭૪૬માં મદ્રાસમાં અંગ્રેજ કંપની પર ફ્રેન્ચ કંપનીએ હુમલો કર્યો ત્યારે ત્યાં અંગ્રેજો બહુ નબળા હતા. માત્ર ૩૦૦ સૈનિકો હતા. એ બધા એક પોર્ચુગીઝ ચર્ચમાં ઘૂસી ગયા. ચર્ચ પર તોપગોળા પડ્યા તેમાં ત્યાં દારુનું ગોદામ હતું એ પણ ધરાશાયી થયું. અંગ્રેજ સૈનિકો તો લડવાને બદલે દારુ પીને છાકટા થઈ ગયા અને લડવાની સ્થિતિમાં ન રહ્યા. બીજા દિવસે બધાએ ફ્રેન્ચ સેનાપતિની શરણાગતી સ્વીકારી લીધી. મદ્રાસની બ્રિટિશ વસાહત ફ્રાન્સની કંપનીના કબજામાં આવી ગઈ અને બધા કેદીઓને પોંડીચેરીમાં સેંટ ડેવિડ કિલ્લામાં મોકલી દેવાયા. આમાંથી ચાર કેદીઓ સંત્રીની નજર બચાવીને ભાગી છૂટ્યા અને કડલૂરુની બ્રિટિશ વસાહતમાં પહોંચ્યા. આ ચારમાં એક હતો રૉબર્ટ ક્લાઇવ.
ક્લાઇવ
૧૭૪૪માં ક્લાઈવના પિતાને મદ્રાસપટનમની ફોર્ટ સેન્ટ જ્યૉર્જ રેસીડન્સીમાં ફૅક્ટર (એજન્ટ) તરીકે નોકરી મળી. ૧૯ વર્ષનો રૉબર્ટ પણ પિતા સાથે મદ્રાસ આવ્યો અને કંપનીમાં હિસાબનીસ જેવી નાની નોકરીમાં રહી ગયો. સેન્ટ ડૅવિડના કિલ્લામાંથી ભાગીને આવ્યા પછી એણે સેનામાં દાખલ થવાનું નક્કી કર્યું અને એની હિંમત, અગમચેતી અને શત્રુને અચંબામાં નાખીને જીતવાની શક્તિને કારણે એ આગળ વધતો ગયો. ક્લાઇવના સીનિયર અધિકારીઓ એના હાથ નીચે કામ કરવા તૈયાર નહોતા પણ એની સરદારી નીચે અંગ્રેજ કંપનીએ આર્કોટ અને તાંજોર (હવે તંજાવ્વૂર)માં ફતેહ મેળવી. તે પછી એ બીમાર પડ્યો અને લંડન ચાલ્યો ગયો. ત્યાં એ પાર્લમેન્ટનો સભ્ય પણ બન્યો અને દસેક વર્ષે ૧૭૫૪માં ભારત પાછો આવ્યો. એની સફળતાઓએ એને લંડનમાં બહુ પ્રસિદ્ધિ અપાવી હતી. ૧૭૫૫માં એને બોમ્બે પ્રેસીડેન્સીમાં મોકલવામાં આવ્યો.
ઇંગ્લૅંડથી કંપનીની નોકરીમાં આવેલો એક ડોક્ટર ઍડવર્ડ આઇવ્સ લખે છેઃ
ક્લાઈવનું ભારત આવવું એ એક રીતે ઇતિહાસના નવા વળાંક જેવું છે. ભારતમાં અંગ્રેજોનું રાજ સ્થપાયું તેમાં એની મુખ્ય ભૂમિકા છે.
૦–૦–૦
સંદર્ભઃ Dupleix and Clive: The Beginning of the Empire by Henry Dodwell: Publishers: Meethuen & Co.Ltd. 1920. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી
Nice history.
દુપ્લે અને કલાઈવના નામ ઘણાંએ સાંભળ્યા હશે. હમણાં ભારતીય જનતા પક્ષના અમીત શાહ અને શીવસેનાના ઉદ્દવ ઠાકરે બે કલાક મળેલ પણ એમની જોઈંન્ટ પ્રેસ નોટ ની ખબર નથી પડી. બીબીસી હીંન્દીમાં સમાચાર હતા કે શીવાજી એ સુરત લુંટ ચલાવેલ અને મહારાષ્ટ્ર ગુજરાત અલગ થયા ત્યારે મુંબઈને ગુજરાતમાં જોડવાની ચર્ચા થઈ હશે. સાંચુ ખોંટુ તો ઉપર વાળો જાણે પણ ક્યાંક સત્ય બહાર આવી ગયું છે….