ફિર દેખો યારોં : મેરા પઢને મેં નહીં લાગે દિલ…..

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

ગુજરાતની સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓમાં ઈજનેરી શિક્ષણની સ્થિતિની વાસ્તવિકતા ગયા સપ્તાહે આ કટારમાં જાણ્યા પછી હવે શાળાકીય સ્તરે તેની સ્થિતિની જાણકારી મેળવવા જેવી છે. ગુજરાત સરકારના દાવા મુજબ શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે. કઈ સરકારને આવો દાવો કરવાનું મન ન થાય? પણ દાવા અને વાસ્તવિકતા વચ્ચે કેટલું અંતર રહેલું છે એ ચકાસવું જરૂરી છે.

કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયના નેશનલ અચીવમેન્‍ટ સર્વે (એન.એ.એસ.) દ્વારા જાન્યુઆરીમાં પ્રકાશિત અહેવાલ મુજબ રાજ્યે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે. ગુજરાતના તમામ 33 જિલ્લાઓના કુલ સવા લાખ વિદ્યાર્થીઓની મુલાકાતના આધારે કરાયેલા આ સર્વેક્ષણમાં અનેક તારણો બહાર આવ્યાં છે. એ મુજબ, સરકારી તેમજ સરકારી સહાયપ્રાપ્ત શાળાઓના ત્રીજાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓના ગણિત, ભાષા તેમજ વિજ્ઞાન અંગેના જ્ઞાન બાબતે સતત અને તીવ્ર ઘટાડો નોંધાતો રહ્યો છે. વિદ્યાર્થીઓની ક્ષમતાનું સ્તર ગણિતમાં 65 %થી ઘટીને 47 %, ભાષામાં 71% થી ઘટીને 64% અને વિજ્ઞાનના વિષયોમાં 68% થી ઘટીને 52% સુધી આવી ગયું છે.

ગુજરાતની શાળાઓના પ્રાથમિક શિક્ષણના કથળેલા સ્તરનો અંદાજ પણ આ તારણોમાં મળે છે. ત્રીજા ધોરણના 41% વિદ્યાર્થીઓ 999 સુધીના આંકડા બરાબર રીતે લખી કે વાંચી શકતા નથી. અને એથી ઊપલા ધોરણમાં પરિસ્થિતિ આથીય બદતર છે. આઠમા ધોરણના 41,393 વિદ્યાર્થીઓ પૈકીના 53 % એટલે કે અડધાથી વધુ વિદ્યાર્થીઓ સરવાળા, બાદબાકી કે દશાંશના સામાન્ય દાખલા ગણી શકતા નથી. આ જ વર્ગના 56% વિદ્યાર્થીઓ અપૂર્ણાંકોના ભાગાકાર કે ગુણાકાર પણ કરી શકતા ન હતા. દસમાંથી આશરે સાત એટલે કે 69 % વિદ્યાર્થીઓ ઘન કે નળાકારનું ક્ષેત્રફળ ગણી શકતા ન હતા. પાંચમા ધોરણના દસમાંથી ચાર વિદ્યાર્થીઓ તેમની આસપાસમાં ચલણી એવા 1000 થી વધુના આંકડાને વાંચી કે લખી શકતા નહોતા. સમાજશાસ્ત્રમાં (જે હવે સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખાય છે) આઠમા ધોરણના વિદ્યાર્થીઓનું જ્ઞાન સાવ પાંગળું હતું. ગ્રામીણ અને શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના કાર્ય અંગે કેવળ 27% વિદ્યાર્થીઓને જ જાણકારી હતી. 91% વિદ્યાર્થીઓ નૈસર્ગિક સ્રોતના વાજબી ઊપયોગ બાબતે સાવ અંધારામાં હતા. એ જ રીતે જો કે, જ્ઞાતિપ્રથા, મહિલાઓ તેમજ સમાજસુધારાના મુદ્દાઓનું વિશ્લેષણ 63 % વિદ્યાર્થીઓ કરી શક્યા. તેની સરખામણીએ આ જ વર્ગના અડધાથી વધુ વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ સંજોગોમાં પોતાના મૂળભૂત અધિકારોના ભંગ અંગેનું જ્ઞાન ધરાવતા ન હતા.

આ સર્વેક્ષણમાં આશ્વાસનરૂપ કોઈ બાબત હોય તો એ હતી છોકરાઓની સરખામણીએ છોકરીઓનો બહેતર દેખાવ. અલબત્ત, 18 થી 23 વર્ષના વયજૂથમાં ઉચ્ચ શિક્ષણ માટે આગળ જતી છોકરીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતાં આઠ રાજ્યોમાં ગુજરાત પાછલા ક્રમે છે. ઉત્તર પ્રદેશ, મિઝોરમ, ઓરિસ્સા અને રાજસ્થાન આ બાબતે ગુજરાતથી આગળ છે, તો મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર ગુજરાતથી પાછળ છે.

શાળાકીય શિક્ષણની ગુણવત્તા ચકાસવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વરસે ગુણોત્સવ નામનું નાટક ભજવવામાં આવે છે. આવા કાર્યક્રમોનો કાગળ પરનો ઉદ્દેશ્ય બરાબર હોય છે, પણ પછી તે કેવળ કાગળ પરની ઔપચારિકતા બનીને રહી જાય છે, જે કેવળ ખોટા દાવાઓ ફેંકવા માટે કામમાં આવે છે. તેનાથી વાસ્તવિકતા બદલાતી નથી એ તો સમજ્યા, પણ એ બદલવા જેવી છે એનો અહેસાસ પણ થતો નથી. અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા અગાઉ નોંધવામાં આવ્યું હતું એ મુજબ છઠ્ઠા ગુણોત્સવની સરેરાશ તેની અગાઉના પાંચમા વરસના ગુણોત્સવ જેટલી જ રહી હતી. તેમાં સહેજ પણ વધારો નોંધાયો ન હતો. જો કે, કોઈ અખબાર ગમે એટલી વાસ્તવિકતા દર્શાવે, પોતાને કરવાનાં દરેક કામના નામની પાછળ ‘ઉત્સવ’નું પૂંછડું લગાડી દેવાથી બીજું કશું સાબિત થાય કે ન થાય, એટલું પુરવાર અવશ્ય થાય છે કે પરિણામ ગમે એવું હોય, મૂળ માનસિકતા ઊજવણીની કેળવાય એ જરૂરી છે. જનતા પોતાની ગમે એવી સ્થિતિને ઊજવતી થઈ જાય તો રાજ્ય સરકારનું ઘણુંખરું કામ આસાન થઈ જાય. અને આ હકીકત કોઈ પણ પક્ષની સરકારને લાગુ પડે છે.

એન.એ.એસ.ના સર્વેક્ષણમાં આવી અનેક આંકડાકીય વિગતો છે, જે રાજ્ય સરકારના કશા આધાર વિનાના દાવાઓની સામે સર્વેક્ષણના આધારે નક્કર આંકડાકીય માહિતી પૂરી પાડે છે. શાળાઓની માળખાકીય સુવિધાઓ તેમજ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શિક્ષકોની સંખ્યાના ગુણોત્તર બાબતે પણ દયનીય સ્થિતિ છે. સરકારના ખુદના અહેવાલોમાં પણ આ બાબતનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આવી મુખ્ય સમસ્યા ફીની પણ છે. ખાનગી શાળાઓની સંખ્યામાં વધારો થવાને પગલે ફીમાં અનહદ વધારો નોંધાયો છે. અતિશયોક્તિ જણાય, પણ કેટલીક ખાનગી શાળાઓમાં ફીની રકમ ઉચ્ચ શિક્ષણના કોઈ અભ્યાસક્રમની ફીની રકમ કરતાં પણ વધુ હોય છે. સરકારે ફીના નિયમન માટેનો કાયદો બનાવ્યો છે. હજી તેના અમલમાં અનેક અડચણો છે અને એ બાબતે પ્રાથમિક ધોરણે સરકારનો ઝોક વાલીઓ તરફી નહીં, પણ શાળાપતિઓ તરફ હોવાનું જણાય છે. ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ્ડ સ્કૂલ મેનેજમેન્‍ટ ફેડરેશનના જનરલ સેક્રેટરી ભરત ગાજીપરાના જણાવ્યા મુજબ, ‘ખાનગી શાળાઓ પર અમુક હદે નિયંત્રણ હોય એ જરૂરી છે, પણ તેના રાજકીય દુરુપયોગને કારણે શાળાઓ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પોતાની ગરિમા ગુમાવી દીધી છે.’ આ ફેડરેશનના જણાવ્યા મુજબ શાળાઓ પ્રાથમિક ધોરણના વર્ગોની ફી 15,000 રૂ. નક્કી કરવા તૈયાર છે, પણ સામે રાજ્ય સરકારે અમુક માર્ગદર્શિકાઓ નિર્ધારીત કરવી જરૂરી છે. જેમ કે, દરેક વર્ગખંડમાં કેટલા પંખા હોવા જોઈએ, કેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ, કેટલા શિક્ષકો હોવા જોઈએ વગેરે…

સરકારે પ્રાથમિક શિક્ષણના કથળેલા સ્તર બદલ ‘રાઈટ ટુ એજ્યુકેશન’ના કાયદાને જવાબદાર ગણાવ્યો છે. તેના અમુક નિયમોને રદ કરવાની જરૂર છે એમ જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ કાયદો અગાઉની યુ.પી.એ. સરકારના શાસન દરમિયાન અમલમાં આવ્યો હતો.

કારણો અનેક હશે, બહાનાં પણ કેટલાંય હશે, છતાં તમામ બાબતોમાં રહેલી એક હકીકત સામાન્ય છે અને એ છે શિક્ષણનું કથળી રહેલું સ્તર. જે રીતે દોષારોપણ અને બહાનાંબાજી ચાલી રહી છે એ જોતાં હવે ગુણોત્સવની જેમ નિષ્ફળોત્સવ, પ્રયાસોત્સવ, ઠોઠોત્સવ વગેરે સરકારી રાહે ઉજવાવાનું શરૂ થઈ જાય તો નવાઈ નહીં. આમ થવાથી નાગરિકોમાં હકારાત્મકતા વધે, આશાનો સંચાર થાય અને સરકારને ઉજવણી માટે કોઈ નિમિત્ત મળી રહે એ ઉપલબ્ધિ જેવી તેવી ન ગણાય. નાગરિકો પાસે ગુમાવવા જેવું કશું બચ્યું જ ન હોવાથી તેની ચિંતા કરવાની જરૂર નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪-૫-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : મેરા પઢને મેં નહીં લાગે દિલ…..

  1. June 13, 2018 at 9:52 pm

    મહારાષ્ટ્રમાં એસએસસી એટલે કે દસમાં ધોરણનું રીઝલ્ટ બહાર આવી ગયું છે. વેબસાઈટ ઉપર બારમા ધોરણના વીદ્યાર્થીઓ એક જ કોલેજમાં ૧૨૦૦ થી ૩૦૦૦ વચ્ચે હોય અને લગભગ ૯૦ થી ૯૯ ટકા પરીણામ અને તે પણ નેવું ટકા કે પ્રથમ વર્ગમાં… એ હીસાબે શીક્ષણમાં સુધારો તો થયો કહેવાય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *