સમાજના કેટલાક વર્ગોમાં અમુક દંતકથાઓ નિરંતરપણે, બેરોકટોક ચાલ્યા જ કરતી હોય છે. આ દંતકથા કે પુરાણ કલ્પનોમાંની એક એવી છે કે અકસ્માત થાય તો તેને માટે દોષી કોણ એ નક્કી જ હોય. ઘરમાં કે ઘરના આંગણામાં રમતા-રમતા બાળક પડી જાય તો તે માટે બાળકની મા જવાબદાર. સાસુ તરત જ બૂમ પાડે “આટલું ધ્યાન નથી રખાતું.” રોડ પર અકસ્માત થાય તો આંખો મીચીને ડ્રાઇવર એટલે કે ચાલકને જવાબદાર ગણવાનો. લોકો તરત જ વાતો કરે “પીને ચલાવતો હશે” અથવા “બેફામ હંકારે છે” અથવા “કશું જોયા વગર ચલાવે છે.” કામના સ્થળે અકસ્માત થાય તો અકસ્માતનો ભોગ બન્યો હોય તે કામદાર જ મોટાભાગે જવાબદાર ગણાય. “કશું ધ્યાન નથી રાખતો” અથવા “જોયા વગર કામ કરે છે” અથવા “છે જ એવો” વિગેરે. થોડો ઉંડો વિચાર કરતાં સમજાય છે કે નબળાને માથે દોષ ઓઢાડવાનું સરળ અને સહેલું છે. એકવાર દોષ ઓઢાડી દીધો પછી બીજું કશું કરવાનું રહેતું નથી. અકસ્માત થવાના તાર્કિક કારણો શોધવા જવાનું રહેતું નથી એ બધી માથાકૂટમાં સમય શક્તિ અને બુદ્ધિ જાય. એટલે કે આ પાવર ગેઈમ છે. ઘરમાં વહુ, રોડ પર ચાલક અને કામને સ્થળે કામદાર શક્તિહીન છે – શક્તિશાળીઓ તરત પોતાની જવાબદારીમાંથી છૂટી પડવા નબળા પર દોષ મઢવાનું પવિત્ર કામ કરવામાં વાર લગાવતા નથી. કામને સ્થળે અન્ય કામદારો સાહેબોના સૂરમાં સુર પુરાવવામાં જ પોતાનું હિત જોતા હોય અથવા ઘટના અંગે તાર્કિક પૃથક્કરણ કરવાની કુશળતા વિકસી ન હોય તે કારણે એમ કરે.
પ્રસ્તુત લેખમાં લેખકે ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે અકસ્માત માટે કામદારને બેદરકાર ચિતરવાની વાત એટલી હદે દૃઢીભૂત થઈ છે કે કામદારો પોતે પણ એમ માનતા થઇ જાય છે. વળી, આ વાતમાં કોઈ તથ્ય નથી એ પણ એ સમજાવે છે.
અંગ્રેજીમાં આ લેખ લખનાર ડોક્ટર જોન મેથ્યુસ વ્યવસાયિક આરોગ્ય અને સલામતી ના વિષયના ઓસ્ટ્રેલિયાના નિષ્ણાત છે. ઓસ્ટ્રેલિયન કોંગ્રેસ ઓફ ટ્રેડ યુનિયન અને વિક્ટોરિયા ટ્રેડ હોલ કાઉન્સિલના વ્યવસાયિક આરોગ્ય અને સલામતી વિભાગના તેઓ સ્થાપક હતા ૧૯૮૧ થી ૮૪ સુધી તેમણે સલાહકારની ભૂમિકા ભજવી તે પછી વિક્ટોરિયા પ્રાંતના મજુર વિભાગમાં વર્કિંગ એન્વાયરમેન્ટ પોલીસી વિભાગમાં જોડાયા તે પછી તેઓ ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં ઔદ્યોગિક સંબંધો અને ઓર્ગેનાઇઝેશનલ બીહેવીયર વિષયમાં અધ્યાપક તરીકે જોડાયા એ પછી તેઓ મીકારે યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં જોડાયા. ઓસ્ટ્રેલિયન ટ્રેડ યુનિયન સેફટી પ્રતિનિધિઓ માટે ૬૦૦ કરતાં વધારે પૃષ્ઠો ધરાવતી હેન્ડબુક તેમણે તૈયાર કરી તે ઉપરાંત “ટુલ્સ ઓફ ચેન્જ : ન્યુ ટેકનોલોજી એન્ડ ડેમોક્રેટાઈઝેશન ઓફ વર્ક” નામનું પુસ્તક પણ લખ્યું છે. આ લેખ હેલ્થ એન્ડ સેફ્ટી એટ વર્ક નામની હેન્ડબુક માંથી લેવાયો છે. આ લેખનો અનુવાદ શ્રી નવીન છત્રોલા અને શ્રી રતિલાલ મિસ્ત્રીએ ઘણા વર્ષો પહેલા કર્યો હતો જે ‘સલામતી’ના અંક 63માં પ્રગટ થયો હતો.
–જગદીશ પટેલ
જનરલ મોટર્સ હોલ્ડનના ઓસ્ટ્રેલિયા ખાતેના પ્લાન્ટને આ વાત છે. જો.કે વાત જૂની છે પણ મારા પોતાના અનુભવની છે. બેદરકાર કામદાર અંગેની વાત માટે ઝીણી ઝીણી વિગતો હું આપી શકું તેમ છું. 24 જુન 1983ની આ વાત છે. વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં એક કામદારનું મૃત્યુ થયું. ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ ખાતાનો આ કામદાર રાતપાળીમાં કામે આવેલો. પ્લાન્ટના ફાઉન્ડ્રી વિભાગમાં સેન્ડ મોલ્ડિંગ મશીન ખોટકાઈ ખોટકાઈને ચાલતું હતું. મશીનમાં ઇલેક્ટ્રિકલ ખામી હતી. એ કામે ચડ્યો ત્યારે એને સુપરવાઇઝરે આ કામ ભળાવી દીધું હતું. આખી રાત એ મથતો રહ્યો. પણ, મશીન ચાલુ થાય અને થોડીવારે ફરી બંધ. એક પછી એક એણે ઘણા જુદા જુદા ભાગોમાં તપાસ કરી ખામી દૂર કરવાના પ્રયાસ કર્યા પણ એને સફળતા મળી નહીં. પછી એ ફોલ્ટ શોધવા ઉપરના માટે પ્લેટફોર્મ પર ચડ્યો. ત્યાં એક ધાતુની ટ્રે રેતી લઈને પ્લેટફોર્મને અડીને આગળ પાછળ આવ-જા કરતી હતી. એ ટ્રેની સીધી લીટીમાં જ એણે જોવાનું હતું. એ માટે એણે પ્લેટફોર્મની બહાર ડોકું કાઢવું પડે જ્યાં ટ્રેની આવજા થતી રહેતી હોય. એણે એવા સમયે ડોકું કાઢવું પડે જ્યારે ટ્રે દૂર ગઈ હોય અને ટ્રે પાછી આવે ત્યાં સુધીમાં તો ડોકું પાછું અંદર લઈ લેવું પડે. ફોલ્ટ જોવા માટે એને મળે માત્ર પંદર સેકન્ડ! એણે સાહસ ખેડવાનું નક્કી કર્યું. કારણ મશીન રિપેર કરવું હોય તો તેમ કર્યા વગર ચાલે તેમ જ ન હતું. પ્લેટફોર્મ પરની ગંદી રેતીમાં એ સૂઈ ગયો અને પછી જ્યારે એણે જોયું કે ટ્રે બીજા છેડે છે ત્યારે તુરત જ એણે ડોકું બહાર કાઢ્યું. બરાબર પંદર સેકન્ડ પછી એ મૃત્યુ પામ્યો હતો. રેતીની ટ્રે પાછી આવી ત્યારે તેનું માથું ટ્રેની ધાર અને રોલરના ટેકા વચ્ચે ચગદાઇ ગયું. નિર્ણય લેવામાં કરેલી નાનકડી ભૂલની કુદરતે મોતરૂપી સજા ફરમાવી.
બનાવ બનતાં જ બધા કામદારો ભેગા થઇ ગયા. સૌને માટે અત્યંત આઘાતજનક ઘટના હતી. પ્લાન્ટનું કામકાજ ઠપ્પ થઇ ગયું. હું યુનિયનના કામે આ પ્લાન્ટની નજીકના કારખાનામાં જવા માટે નીકળતો હતો ત્યાં રેડિયો ઉપર આ માઠા સમાચાર સાંભળી મારું કામ પડતું મૂકી જનરલ મોટર્સના પ્લાન્ટમાં ગયો. આમ તો મને અંદર જવાનો કાનૂની અધિકાર ન હતો પણ કંપનીએ આબરૂનો વિચાર કરી મને પરવાનગી આપી. અકસ્માતનું સ્થળ બતાવ્યું. પ્લાન્ટ ચાલુ હોય ત્યારે શું પરિસ્થિતિ હોય એ હું તુરત જ પામી ગયો. ગુંગળામણ થાય તેવું, ખૂબ ગરમ અને અતિશય ઘોંઘાટીયું વાતાવરણ હોવાની કલ્પના સહેજે ય થઈ શકે તેમ હતી. એન્જિનના મોલ્ડ અને બીજા દાગીના બનાવવા માટે સેન્ડ મોલ્ડિંગ મશીનો અહીં હતા. જોકે અત્યારે તો ચૂપકીદી છવાયેલી હતી. કામદારો નાના જૂથમાં ટોળે વળીને બનાવની ચર્ચા કરતા દેખાતા હતા. એક ટોળામાં થતી વાતચીત મારા કાને અથડાઈ. એક બટકો બોલતો હતો, “કેવો વિચિત્ર અકસ્માત ! જો એણે થોડું ધ્યાન રાખ્યું હોત તો ! કેવી ભૂલ કરી બેઠો….!”
મને સમજાઈ ગયું કે ભોગ બનેલો કામદાર બેદરકાર હતો એ અહિના કામદારો પણ માને છે. આટલા શબ્દો દ્વારા તેના મોતને સમજાવવાનું સરળ હતું, પણ કેવું ગેરમાર્ગે દોરનારું ! હા, એ ખરું કે એણે નિર્ણય લેવામાં ભૂલ કરી. પણ જે પરિસ્થિતિમાં એને નિર્ણય લેવાની ફરજ પડી એ પરિસ્થિતિનો વિચાર કરવાનો કે નહીં?
કેવા સંજોગો અને પરિસ્થિતિમાં એણે આ નિર્ણય લીધો તે જોઈએ. આ બહુમાળી ઓસબોર્ન મોલ્ડિંગ મશીનના જે ભાગમાં અકસ્માત થયો ત્યાં તે સમયે ગાર્ડ જ ન હતું. પણ અકસ્માતને બીજે દિવસે કંપનીએ પ્લેટફોર્મની બંને બાજુએ ફરતી ટ્રે અને પ્લેટફોર્મ વચ્ચે જાળીવાળા ગાર્ડ ફીટ કરાવી દીધા.
હવે એ જુઓ કે આ કામદાર પાસે રિપેરિંગનું કામ પ્રોડક્શન ચાલુ રાખીને કરાવવામાં આવતું હતું. બગડેલું મશીન કામ બંધ રાખીને દિવસ પાળીમાં જ રીપેર કરાવી લીધું હોત તો? ચાલુ મશીને રિપેર કરવાનું કામ તો આમેય જોખમી અને મુશ્કેલ ગણાય. આવું કામ રાતપાળીમાં શા માટે કરાવાય?
આપણી શરીર રચના અને સમય સાથેના તેના લય અંગેનો અભ્યાસ કહે છે શરીરને ઉંઘ જોઈએ તે સમયે લયનું પ્રમાણ સાવ ઓછું હોય. એવા સમયે ધ્યાન કેન્દ્રિત કરવું પડે એવું કામ કરવાનું ઘણું મુશ્કેલ હોય છે. જેમણે રાતપાળીમાં કામ કર્યું હોય તેમને ખબર હશે કે સવારે પાંચ વાગ્યાના અરસામાં શરીરની શી સ્થિતિ હોય છે. આંખો ઉઘાડી રાખવાનું એ સમયે સૌથી મુશ્કેલ હોય છે. પાળી કરી હોય તેઓ જાણે છે કે સવારે પાંચ વાગ્યાના અરસામાં સમય થંભી ગયો હોય તેમ ખૂબ ધીમે ધીમે પસાર થતો હોય છે. મિનિટો કલાક જેવી લાગે છે. તેવા સમયે આંખો ખુલ્લી રાખવાનું મુશ્કેલ બને છે. જીવનનું જોખમ હોય તેવા કામ કરવા માટે આ ખરાબમાં ખરાબ સમય ગણાય.
આ માણસ જ્યારે રાત્રે કામ કરતો હતો ત્યારે આસપાસનું વાતાવરણ કેવું હતું? અતિશય ઘોંઘાટિયું. તમે જો કોઈ આવી હાઈટેક ફાઉન્ડ્રીની મુલાકાત લીધી હોય તો જ તમને ખબર પડે કે આ ઘોંઘાટ કેવો હોય. આવા કામમાં એકાગ્રતા થવાનો પ્રયાસ એ કામદાર કરતો હતો. મોલ્ડિંગ મશીનમાં રેતીને હવાનું દબાણ આપી મોલ્ડ તૈયાર થાય છે. અને મોલ્ડ તૈયાર થાય એટલે હવાના ભારે દબાણથી ફુવારાથી છૂટો પડાય છે. આ છુટા પડવાની પ્રક્રિયા ધડાકા સાથે થાય છે. અવાજ એટલો શક્તિશાળી હોય કે ચામડી પર કશું ભોંકાતુ હોય. કોઇ પણ માણસ બુધ્ધિની જરૂર હોય તેવું કામ આવા વાતાવરણમાં કરવાનું પસંદ કરે નહીં. આ ફીટરે એક સાથે કેટલું ધ્યાન રાખવાનું હતું ! એકબાજુ એણે ફોલ્ટ શોધવાનો હતો અને તે જ સમયે પેલી દર પંદર સેકન્ડે આગળ-પાછળ જતી-આવતી ટ્રેનું ધ્યાન રાખવાનું કે અત્યારે એ ક્યાં હશે. વળી એણે આડા પડીને કામ કરવાનું હતું તે અંગસ્થિતિ નો પણ વિચાર કરવો પડે.
આ વાતાવરણ કાળજીપૂર્વક કરવાના કામ કરવાને માટે યોગ્ય ગણાય જ નહીં. હવે આ ફીટરની સાથે બે હેલ્પર પણ હતા જે બંને ત્યાં નજીકમાં પ્લેટફોર્મ ઉપર જ હતાં. એમને જ્યારે ભયનો અણસાર આવ્યો ત્યારે તો એ લોકો કંઈ કરી શકે તેમ હતાં જ નહીં. કારણ મશીન બંધ કરવાની સ્વીચ તો નીચે હતી. જો ઉપર ઇમર્જન્સી સ્વીચ અપાઈ હોત તો મશીન તુરત જ બંધ કરી શકાયું હોત અને એક બહુમૂલ્ય જીવન બચી શક્યું હોત.
હવે એ જુઓ કે એ બનાવ ક્યાં બન્યો? જનરલ મોટર્સ જેવી વિશ્વની સૌથી મોટી કંપનીમાં. આવી મોટી કંપની કામદારોની સલામતી માટે પૂરતા પગલાં લે તેવી અપેક્ષા તો કામદારો રાખે જ. એ એમનો હક પણ ખરો. જોકે કંપનીમાં “ધ્યાન રાખો”, “——– કલાક એક્સિડન્ટ ફ્રી કામના કલાકો”, જેવા બોર્ડ જરૂર જોવા મળશે. સેફટી ઓફિસર પણ રાખેલા છે અને ડોક્ટર પણ રાખેલા છે. સલામતી અંગેના રેકોર્ડ પણ સારી રીતે જાળવે છે. તો પછી સવાલ એ આવે કે આ પીટરે આવું જોખમ ખેડયું શાથી? પોતાનો જીવ જોખમમાં મૂકવાની એને જરૂર શી પડી?
કામ કરવામાં તેણે કરેલી ભૂલ પાછળના સંભવિત પરિબળોની ચર્ચા તો આપણે આગળ કરી. કામમાં ભૂલો તો સૌ કરે છે પણ દર વખતે આવા જીવલેણ અકસ્માત બનતા નથી. પણ એણે આવો નિર્ણય કેમ લીધો? ચાલુ મશીને મેન્ટેનન્સ કરવું પડ્યું કારણ કંપની તેની પાસે એવી અપેક્ષા રાખતી હતી. કંપની માટે માણસની સલામતી કરતાં વણથંભ્યું ઉત્પાદન વધુ વધુ અગત્યનું હતું.
રાતપાળીમાં આ કામ થાય એવો આગ્રહ કેમ રખાયો? રાતપાળીમાં શરીર તો કુદરતી રીતે ઊંઘ માંગે છે અને જ્યારે કુદરતી જરૂરિયાતોની વિરુદ્ધ રાત્રે જાગવાનો અને રૂટિન કામ સિવાયના કામો કે જેમાં એકાગ્રતાની બુદ્ધિની જરૂર પડતી હોય તેવા કામ કરાવવાનો આગ્રહ રખાય છે. કારણ કંપની માટે વૈજ્ઞાનિક સત્ય કરતાં સેન્ડ મોલ્ડિંગ જેવા મોંઘા મશીનો ચોવીસે કલાક ચાલુ રહે તે આર્થિક રીતે વધુ જરૂરી છે. દિવસ પાળીમાં પણ આ કામ કરાવી શકાયું હોત.
અકસ્માતના બનાવમાં માલિકે કામદારને સારવાર આપવી પડતી નથી. આ ખર્ચ કામદાર અથવા તેના કુટુંબે સરકારે અથવા સામાજિક સલામતી માટેની સંસ્થાઓ ભોગવવો પડે છે. આમ પોતાને થનાર ખર્ચ અન્ય ઉપર ધકેલી દેવામાં આવે છે.
ઉત્પાદન વધારવાની અને ખર્ચ ઘટાડવાની અપેક્ષા ફરી ફરીને આવ્યા જ કરે છે. તેમાં કશી દયામાયા બતાવવાની ન હોય. આજથી એક સદી પહેલાં કામદારો માટે કામના કલાકોની કાનૂની મર્યાદા બાંધવા પ્રચંડ આંદોલન અમેરિકા અને પછી બીજા દેશોમાં થયું. અનિયંત્રિત બજારુ અર્થવ્યવસ્થામાં દરેક માલિક કામદાર પાસે એટલા કલાક કામ લેતો કે કામદાર લોથ થઇને ઢળી પડતો. જે માનવતાવાદી માલિકો આ પદ્ધતિનો વિરોધ કરતા તેઓ હરીફાઈમાં ટકી શકતા નહીં. તેમના હરીફોને નીતિની કંઈ પડી ન હોય.
આ સંજોગોમાં કામદાર સાવ ઢળી ન પડે અને દુનિયામાં પોતે માનવીય મૂલ્યો માટે ચિંતિત છે એમ બતાવવા માટે થઈને બ્રિટિશ પાર્લામેન્ટે કામના કલાકો નિયંત્રિત કરતો કાયદો બનાવવાની ફરજ પડી. એ પછી સામાજિક દબાણને કારણે એણે સલામતી માટે પણ કાયદો બનાવ્યો જેમાં સલામતી માટે લઘુતમ ધોરણો નક્કી કરાયા. એમ ન થયું હોત તો માલિકોના આર્થિક ફાયદા ખાતર કેટલાય કામદારોના હાડકા ભાંગ્યા હોત. અનેક અપંગ થયા હોત. જોકે કાનૂની જોગવાઈઓ સલામતીના લઘુત્તમ જરૂરી ધોરણો દર્શાવે છે પણ સાથે-સાથે એથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે કામ કરવાની પદ્ધતિમાં જ સલામતી સમાયેલી છે. કામદારનું વર્તન એ માટે એટલું જવાબદાર નથી. કાયદો હોવા છતાં સલામતી અને નફા વચ્ચે આજે આપણે વિસંગતિ જોઈ શકીએ છીએ. જોકે માલિકો દ્વારા સલામતી માટેના અથવા તો અકસ્માત અટકાવવા માટેના એવા જ ઉપાયો અમલમાં મુકાય છે જેમાં ઉત્પાદકતા વધતી હોય. મશીનનું ગાર્ડ જો કાઢી નાખેલું હોય તો સુપરવાઈઝર આંખ આડા કાન કરે છે. વળી નંગ ઉપર વેતન ચૂકવવાની પદ્ધતિ અથવા ઉત્પાદકતા સાથે સંકળાયેલા બોનસ ચુકવણીની પદ્ધતિમાં કામદારો સલામતીને અવગણવા પ્રેરાય છે.
અકસ્માતો સિવાય વ્યવસાયિક આરોગ્ય એ સલામતીનું બીજું અગત્યનું અંગ છે. વ્યવસાયિક આરોગ્ય બાબતે નફા અને સલામતીનો વિરોધાભાસ સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. એસ્બેસ્ટોસ જેવી અત્યંત જોખમી રજ શ્વાસમાં જવાને કારણે જો કામદારને ફેફસાનો રોગ થાય તો શું કહી શકાશે કે કામદારની બેદરકારીને કારણે આ રોગ થયો? એવી દલીલ વહેવારુ લાગશે ખરી?
આ સંજોગોમાં કામદારો પોતે જ અગત્યની ભૂમિકા ભજવી શકે તેમ છે. કેમકે તેઓ તો આ નાટક જોનારા મૂંગા પ્રેક્ષકો નથી. પોતાની સ્થિતિ સુધારવા તેમણે સંગઠનો બનાવ્યા છે અને એ દ્વારા તેઓ માલિકોને આરોગ્ય અને સલામતી માટે કાયદાની જોગવાઈઓ કરતાં પણ ઊંચા ધોરણો હાંસલ કરવા માટે જરૂરી ખર્ચ કરવા માલિકને ફરજ પાડી શકે છે.
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M-+91 9426486855






જૂની યાદ તાજી થઈ ગઈ.
અમારે ત્યાં પાવર હાઉસમાં ( ખાસ કરીને કોલ યાર્ડમાં ) મજૂરો હાથે ( કે પગે !) કરીને અંગૂઠા પર ઘા થાય તેમ કરતા – જેથી સીક લીવ મળી શકે !
આમ પણ બનતું હોય છે !
મજૂરો વિષે આવી વાતો જાણીજોઇને ફેલાવવામાં આવે છે તેમ મારું માનવું છે. જો માત્ર એક સીક લીવ માટે આવું કરવું જ પડતું હોય તો તો એ કેવી વ્યવસ્થા કહેવાય? અંકે લોકો એમ પણ વાત કરતા હોય છે કે મજૂરો પોતાનો અંગુઠો મશીનમાં નાખી કપાવી દે જેથી તે વળતર મેળવી શકે. કેટલું વ્લ્તારા મળે અને તેના થી તેનું દળદાર ફીટે? તદ્દન બેહુદી વાતો. એક પણ અસલ દાખલો આપવાનું કહો તો આપી ના શકે.