ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ = મ ણ કો ૧૮ =

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

કવિ ભગવત રાવત એમની અનેક કવિતામાં પરંપરાના પ્રબળ સમર્થક અને એ જ કારણસર આધૂનિકતાના વિરોધી હોય એવું લાગે.  ‘ દેશ એક રાગ હૈ ‘ નામની એમની એક લાંબી કવિતામાં એમણે  ‘ રાષ્ટ્ર ‘ શબ્દ અને વારે વારે એ શબ્દનો ઉપયોગ કરી ચરી ખાતા  ‘ દેશભક્તો ‘ પર સૂચક ટિપ્પણીઓ કરી છે. એમને મન  ‘ રાષ્ટ્ર ‘ શબ્દ  ‘ દેશ ‘ નો પર્યાય બની શકે નહીં. પહેલામાં એક સપાટતા છે તો બીજામાં એક ગરિમા અને ભીનાશ. એમના મતે  ‘ દેશ ‘ એક રાગ છે ( ખરેખર છે જ ! ) અને રાગ પ્રત્યે અનુરાગ હોય એ જ દેશ અને એના અર્થો – ઉપાર્થોને પામી, સમજી શકે.

આ જ સંદર્ભે એ હિંસાને અનેક અર્થોમાં જૂએ- મૂલવે છે. એ ડગલે ને પગલે ઝડપ, દોટ, ભાગમભાગ, ઘોંઘાટ, ઝાકઝમાળ અને આ બધાંને સમાવીને એક જ શબ્દમાં કહીએ તો અતિરેકનો વિરોધ કરે છે. જીવનના કોઈ પણ તબક્કે એ એમને સહ્ય નથી . એમની દરેક કવિતામાં એમણે પોતાની વાત, વાચકનો અદબ અને આમન્યા જાળવીને મૂકી છે, કારણકે પોતાની જ વાત સાચી હોવાની જિદ્દ એ પણ એક પ્રકારનો અતિરેક છે અને એ કારણસર હિંસા છે એવું એ માને છે. એમની આ માન્યતા એમની દરેક કવિતાની સૌમ્ય, સહજ અને વિશેષ તો અનાક્રમક ભાષામાં જણાઈ આવે છે.

હાંસિયો – માર્જીન આપણને સૌને સુવિદિત છે. આપણા ભૂતકાળની ઉત્તરવહીઓમાં  ‘ હાંસિયો ‘ ફરજિયાત રાખવો પડતો એ પણ આપણને યાદ છે. વસ્તૂત: હાંસિયાનો મતલબ અને ઉદ્દેશ્ય એ કે કોઈ વાત લખતી વખતે એના વિષે ટીકા, ટિપ્પણી, સુધારા – વધારાની જગ્યા રાખવી. એ અવકાશ છે, અન્યની અલગ કે વધારાની કે વિરોધી વાતને ઉજાગર અને સમાવિષ્ટ કરવા માટે. એ એક રીતે માનવ-માત્રનો આદર છે. ભગવત કોઈ પણ વાત કરે, એમાં હાંસિયો અવશ્ય હોય છે.

ગતિના અતિરેકનો વિરોધ અને બળદગાડા – બૈલગાડીનો મહિમા કરતી એમની એક કવિતા :

                                                                      :   बैल गाड़ी   :

एक दिन औंधे मुँह गिरेंगे

हवा में धुंएं की लकीर – से उड़ते

मारक क्षमता के दंभ से फूले

सारे के सारे वायुयान

एक दिन अपने ही भार से डूबेंगे

अनाप – शनाप माल – असबाब से लदे फँसे

सारे के सारे समुद्री जहाज़

 

एक दिन अपनी ही चमक – दमक की

रफ़्तार में परेशान सारे के सारे वाहनों के लिए

पृथ्वी पर जगह नहीं रह जाएगी

 

तब न जाने क्यों लगता है मुझे

अपनी स्वाभाविक गति में चलती हुई

पूरी विनम्रता से

सभ्यता के सारे पाप ढोती हुई

कहीं न कहीं

एक बैलगाड़ी ज़रूर नज़र आएगी

सैकड़ों तेज़ – रफ़्तार वाहनों के बीच

 

जब कभी वह महानगरों की भीड़ में भी

अकेली अलमस्त चाल से चलती दिख जाती है

तो लगता है घर बचा हुआ है

लगता है एक वही है

हमारी गतिओं का स्वस्तिक चिह्न

लगता है एक वही है जिस पर बैठा हुआ है

हमारी सभ्यता का आख़िरी मनुष्य

एक वही तो है जिसे खींच रहे हैं

मनुष्यता के पुराने भरोसेमंद साथी

दो बैल ….

                                                              – भगवत रावत

                                ગુજરાતી ભાવાનુવાદ :

                                                    :   બળદ ગાડું   :

એક દિવસ ઊંધા માથે પછડાશે

આકાશમાં ધુમાડાની સેર – શાં ઊડતા

વિધ્વંસ – ક્ષમતાના દંભથી ફૂલાયેલા

બધા જ વિમાન

એક દિવસ પોતાના જ ભારથી ડૂબશે

આડા – અવળા માલ – સામાનથી લથબથ

બધા જ દરિયાઈ જહાજ

 

એક દિવસ પોતાની જ ઝળહળતી

ગતિથી પરેશાન બધા જ વાહનો માટે

પૃથ્વી પર જગ્યા નહીં રહે

 

ત્યારે

કોણ જાણે કેમ લાગે છે મને

પોતાની કુદરતી ગતિ અને

પૂરેપૂરી વિનમ્રતાપૂર્વક ચાલતું

સભ્યતાના બધા જ પાપ વેંઢારતું

ક્યાંક ને ક્યાંક

એક બળદગાડું જરૂર નજરે ચડશે

સેંકડો વેગીલા વાહનો વચ્ચે

 

જ્યારે પણ એ મહાનગરની ભીડ વચ્ચે

પોતાની મદમસ્ત ચાલમાં ડોલતું દેખાઈ જાય છે

ત્યારે લાગે છે જાણે

ઘર બચ્યું છે હજી

લાગે છે એક એ જ છે

આપણી પોતીકી ગતિઓનું સ્વસ્તિક – ચિહ્ન

લાગે છે એક એ જ છે

જેના પર સવાર છે

આપણી સંસ્કૃતિનો અંતિમ મનુષ્ય

એક એ જ છે જેને ખેંચી રહ્યા છે

માનવતાના જૂના વિશ્વાસપાત્ર સાથી

બે બળદ ….

                                                 – ભગવત રાવત

આધૂનિકતા અને નિતાંત વર્તમાનમાં જીવતા માણસને થશે કે સૂપરસોનિક ઝડપના ઝમાનામાં આ કવિ બળદગાડાની હિમાયત કરવા નીકળ્યા ! દરઅસલ વાત ગતિના વિરોધ કે મંથરતાના સમર્થનની નહીં, સ્વાભાવિકતાથી જીવવાના અભિગમની છે. એમની અગાઉની કેટલીક કવિતામાં દોહરાવાઇ ચૂકેલ ઉતાવળ, બિનજરૂરી ઝડપ અને આંધળી દોટના વિરોધની છે.

મારી વાત. મને કોઈક મિત્રએ જ્યારે જણાવ્યું કે ગલ્ફના કોઇક શહેરથી અમેરિકાના કોઈક છેવાડાના શહેરમાં એ ૧૬ કલાકનું અને ૧૪૦૦૦ કિમીનું નોન-સ્ટોપ ઉડ્ડયન કરીને પહોંચ્યા ત્યારે મને વિસ્મય સાથે એક પ્રકારનો મૂંઝારો પણ થયો. લગાતાર ૧૬ કલાક બેસવાનું અને એ પણ એવા સહપ્રવાસીઓ સાથે જે પોતાના અહમના ભાર હેઠળ લગભગ મૂંગા અથવા પુસ્તક-મય કે મોબાઈલ-મય હોય ! મને મનોમન, એ મુસાફરીની સરખામણી કરવાની લાલચ આપણા પેટલાદથી ખંભાત વચ્ચેની લોકલ ટ્રેનની સાથે થઈ. આશરે ૩૦ કિમી અને એક કલાકની એ મુસાફરીમાં આઠ સ્ટેશન આવે અને દરેક સ્ટેશને સેંકડો ભાતીગળ, હાડોહાડ ધરતીના અને વિશેષ તો ખુલ્લા મનના લોકો ચડઊતર કરતા જાય . જેટલી ઘડી સંગાથ રહે એમાં અલક-મલકની વાતો અને કટકબટક વહેંચાય અને એ ઉપરાંત સીંગ, ચણા, દાળિયા અને ઋતુ – ઋતુના ફળ વેંચતા ફેરિયા- ફેરિયણોની સતત આવનજાવન તો વળી નફામાં ! એટલી મુસાફરીમાં તો જાણે અડધી દુનિયાનો ફેરો ફરી લીધો હોય એવું લાગે !

કવિતાની વાત કરીએ. કવિને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડાડતા અને મારમાર ધસમસતા વિમાનો મારક ક્ષમતાના પ્રતીક લાગે છે. કોઈક પ્રકારની હિંસા આચરવા જાણે પ્રતિબદ્ધ હોય તેવા ! એ જ્યારે એવું કલ્પે છે કે આ બધા એક દિવસ પછડાશે ઊંધા માથે, ત્યારે એમના મનમાં જે ભાવ અભિપ્રેત છે એ કેવળ એટલો કે આ ભયાનક ઝડપની નિરર્થકતા સમજાશે ક્યારેક આધુનિક મનુષ્યને અને કદાચ એ પાછો ફરશે પોતાની સ્વાભાવિક ગતિ ભણી – જે એમને મન બળદગાડાની ધીરગંભીર મંથર ગતિ છે. એ જ રીતે એ જ્યારે માલ – અસબાબથી લદાયેલા વહાણો પોતાના જ ભારથી ડૂબશે એવી વાત કરે છે ત્યારે એમના મનમાં આ અસબાબ એટલે નર્યા ભૌતિક સુખ ઉપલબ્ધ કરાવતા સાધન-સગવડોની વાત છે. આમ, એક રીતે આ કવિતા, બે’ક હપ્તા પહેલાં જેની વાત કરી એ  ‘ ઈતની બડી મૃત્યુ ‘ કવિતાનું અનુસંધાન છે જેમાં નિરંતર દોડી રહેલા, હાંફી રહેલા અને પોતાના સહયાત્રીઓ પ્રત્યે સદંતર બેખબર એવા સંવેદનબધિર મનુષ્યોની વાત છે. ખરેખર તો, જે માણસ અહીં માત્ર  ‘ ફરવા આવ્યો ‘ છે એના માટે તો  –

जिंदगी  की  लौ  में  इठलाना  –  मचलना  था हमें

कैसी मंझिल – क्या पहुँचना , सिर्फ़ चलना था हमें..

આ કવિ, વેગીલી ચાલે ચાલવા કરતાં  ‘ સાથે ચાલવા ‘ ને વિશેષ પ્રાધાન્ય આપે છે. આપણે ચોક્કસ ઉંમરે કોઈકની સાથે થોડાક ડગલાં ચાલ્યા હોઈએ એ પરથી અંદાજ આવી જ જાય કે એ વ્યક્તિ સાથે આખી જિંદગી ચાલી શકાશે કે કેમ ! આ કવિને મન ધીમી ગતિ જાણે સ્થૈર્ય- વિનમ્રતા છે અને વધારે પડતી ઝડપ ઘમંડ અને અહંકાર !

કવિ બળદગાડાની વાત કરતાં કરતાં, પોતાના હૈયે વસે છે એવા મનુષ્યની વાત કરવાનું પણ ચૂકતા નથી. એ બળદગાડા અને એના ચલાવનાર મનુષ્યને આપણી સભ્યતાના બધા પાપ વેંઢારી રહેલા વાહક તરીકે જૂએ છે. ઘણું બધું ઓછા સમયમાં મેળવી લેવાની લાલસામાં મનુષ્યે પોતાના બાંધવ મનુષ્યો પર જે વીતાડ્યું છે એ પાપને જાણે બળદગાડું જાણ્યે- અજાણ્યે વેંઢારે છે. એ ગાડું, એને ચલાવનાર ઉઘાડે ડિલ આદિમ મનુષ્ય ( અને એમાં લદાયેલ માલ પણ ! ) કવિને મન ઈમાનદારીનું પ્રતીક છે જે બેઈમાનોએ કરેલા અત્યાચારોના નિશાનોને જાણે રસ્તા પરથી ભૂંસતું – ભૂંસતું ધીમે – ધીમે આગળ ચાલે છે.

બળદગાડું જોઈને કોઈક કારણસર કવિને એમ પણ લાગે છે કે બળદગાડું છે તો ઘર સુરક્ષિત છે. કદાચ એટલા માટે કે એ જે ઝડપે ચાલે છે એ ઝડપે ગમે તેટલા દૂર જઈએ તો પણ સાંજ પડ્યે ઘેર પાછા ફરી જ શકીએ. બળદગાડું એ રીતે ઘરને સદૈવ ઢૂંકડું રાખે છે. ઘરથી છેક વંચિત થઈ જઈએ એટલે દૂર એ આપણને ક્યારેય ઢસડી જતું નથી. એ મુસાફરી હાથવેંતની હોઈ ઘર જાણે ક્યારેય આંખોથી ઓઝલ થતું નથી.

અને બળદગાડાનો ઉલ્લેખ આવતાં આપણને અનાયાસ યાદ આવી જાય  ‘ તીસરી કસમ ‘ નો ગાડીવાન હીરામન અને એનું બે બળદવાળું ટપ્પર. એ જ્યારે હીરાબાઈને એમાં બેસાડીને ગામના મેળે મૂકવા જાય છે ત્યારે બળદને ઝડપથી ભગાડવા એમના પર સોટી વીંઝવા જાય છે ( અતિરેક, હિંસા ) અને પાછળ બેઠેલી હીરાબાઈ સૌમ્ય સ્વરે  ‘ મારો મત ! ‘ કહીને એને વારે છે. ( સ્વાભાવિક ગતિની હિમાયત )

માણસ હોય કે જાનવર, એને પોતાની અસલ ગતિ કરતાં વધારે ઝડપથી દોડાવવામાં આવે ત્યારે જાણ્યે-અજાણ્યે હિંસા કે અન્યને હરાવવા, પછાડવા, મારવાની વૃત્તિ ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક સ્વરૂપમાં આવી જ જાય છે.

હિંદીના વરિષ્ઠ કવિ રામદરશ મિશ્રની એક ગઝલ એના અસલ હિંદી રૂપમાં. આ ગઝલ જાણે, આપણે અત્યાર સૂધી કરી એ વાતનો નિચોડ છે અને ધૈર્યનું, ધીમાપણાનું મહિમા-ગાન પણ. અને એ સાથે આજના પ્રકરણની સમાપ્તિ પણ :

बनाया  है  मैंने  ये   घर  धीरे  – धीरे

खुले  मेरे  ख़्वाबों  के  पर धीरे – धीरे

किसीको गिराया न ख़ुद  को उछाला

कटा  जिंदगी  का सफ़र  धीरे – धीरे

जहाँ  आप  पहुँचे  छलाँगें  लगा कर

वहाँ  मैं  भी  पहुँचा  मगर धीरे – धीरे

पहाड़ों  की  कोई  चुनौती  नहीं  थी

उठाता  गया  यूँ  ही  सर धीरे – धीरे

न  हंस कर न  रो कर किसी में उँडेला

पिया ख़ुद ही अपना ज़हर धीरे – धीरे

गिरा   मैं   कहीं  तो  अकेले  में  रोया

गया  दर्द  से  घाव  भर  धीरे  –  धीरे

ज़मीं  खेत  की साथ ले कर चला था

उगा  उसमें   कोई  शहर  धीरे  – धीरे

मिला क्या न मुझको ऐ दुनिया तुम्हारी

मुहब्बत  मिली  है  अगर  धीरे  – धीरे .


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

2 comments for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ = મ ણ કો ૧૮ =

 1. June 7, 2018 at 9:17 pm

  कहीं न कहीं

  एक बैलगाड़ी ज़रूर नज़र आएगी

  મારી એક કલ્પના યાદ આવી ગઈ. અમેરિકન હાઈવે પરની ત્રણ ઘટનાઓ.

  https://gadyasoor.wordpress.com/2007/12/10/american_highway/

  પાવર એન્જિનિયર હોવાના કારણે આ દુઃસ્વપ્ન વારંવાર દોહરાતું રહે છે.

 2. mahesh joshi
  June 8, 2018 at 7:01 pm

  A lover of Bull cart and hence conveys to go slow. Enjoy everything at lower speed – patience , tolerance and what not. In today’s environment reasonable speed in travel may be o.k. BUT speed in every aspect of LIFE not. Now a Days People even do not have time to eat at peace .

  जिंदगी की लौ में इठलाना – मचलना था हमें
  कैसी मंझिल – क्या पहुँचना , सिर्फ़ चलना था हमें..
  Also enjoyed Gazal of Sri Ram Darash. Thanks for Nice Presentation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *