મંજૂષા: ૧૨. જાતીય આવેગ પ્રેમ નથી

-વીનેશ અંતાણી

થોડાં વરસ પહેલાં બ્રિટનમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. પુખ્ત વયની ત્રણ હજાર વ્યક્તિઓને મળીને કરવામાં આવેલા આ સર્વેક્ષણમાં પાંચમાંથી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ એમના પાર્ટનર સિવાયની બીજી વ્યક્તિ સાથે પ્રેમમાં છે. એ સર્વેક્ષણ કરનાર સંસ્થાના પ્રવક્તાએ સમગ્ર તારણના આધારે જણાવ્યું હતું એમ “બે વ્યક્તિ વચ્ચે પ્રસન્ન સંબંધ હોવા છતાં એમની આંખો ‘બીજી વ્યક્તિ’ની શોધ માટે તલસતી રહેતી હોય એવી શક્યતા નકારી શકાતી નથી.”

આ સંદર્ભમાં બ્રિટનમાં રહીને ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ તરીકે કામ કરતાં લિન્ડા બ્લેર કહે છે: “માણસનું મન એની પાસે જે હોતું નથી તેને મેળવવા માટે સતત ઝંખતું રહે છે. બે વ્યક્તિ – પતિપત્ની, પ્રેમી કે એવા કોઈ પણ સંબંધથી જોડાયેલી વ્યક્તિઓ – વચ્ચેના સંબંધની બાબતમાં પણ આ વાત સાચી છે. ઘણી વાર વ્યક્તિ વિચારે છે કે શું હું મારા પાર્ટનર કરતાં બીજી વ્યક્તિ સાથે વધારે સુખી થઈ શકીશ? ઘણા લોકો એમના વર્તમાન સંબંધોની બાબતમાં સંતોષ અનુભવતા નથી અને ‘બીજી કોઈ’ વ્યક્તિ પાસેથી વધારે સારો પ્રેમ મેળવવાની ઝંખના રાખતા હોય છે એ બાબત ખરેખર ચિંતા ઉપજાવે તેવી છે.”

સંબંધોની બાબતમાં અસંતોષ અને સુખી ન હોવાની લાગણી પશ્ચિમના દેશોના લોકોમાં વધારે હોવાનું વિશ્વભરના મનોચિકિત્સકો સ્વીકારે છે. એ કારણે એ લોકોમાં લગ્ન પછી કે સહજીવન ગાળ્યા પછી છૂટા થઈ જવાનું વલણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. લિન્ડા બ્લેર જેવાં સાઇકોલોજિસ્ટને ત્રીસ વરસની આજુબાજુની વયવાળાં સ્ત્રી-પુરુષોમાં સંબંધોની બાબતમાં જોવા મળતી એકલતાની લાગણી, અસંતોષ અને બેચેનીનું વલણ વધારે ચિંતાજનક લાગે છે. એમનું કહેવું છે કે સામાન્યપણે લોકો પ્રેમ અને જાતીય આવેગ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. એમને ‘પ્રેમમાં હોવું’ એટલે શું એ વાતની ખબર જ હોતી નથી. લિન્ડા કહે છે: “જ્યારે તમે એ લોકોને પ્રેમની લાગણી વિશે પૂછો છો ત્યારે તેઓ મોટા ભાગે કહેશે કે બીજી વ્યક્તિ માટે અનુભવાતું અદમ્ય આકર્ષણ પ્રેમ છે. એમના માટે શારીરિક આકર્ષણ જ મહત્ત્વનું બની જતું હોય છે.”

વાસ્તવમાં આ પ્રકારની માન્યતા ‘પ્રેમ’ની લાગણીને સાચા અર્થમાં સમજાવી શકતી નથી. પ્રેમ અને જાતીય આવેગ એ બે જુદી બાબત છે. તત્કાળ અનુભવાતું અદમ્ય આકર્ષણ પ્રેમ ન પણ હોઈ શકે. પ્રેમ સમયની સાથે વિકસે છે અને દ્રઢ થાય છે. એમાં શરીરની સરખામણીમાં લાગણીના અને સમજના સ્તરે એક થવાની ઇચ્છા પ્રબળ ભાગ ભજવે છે. બીજા એક માનસશાસ્ત્રી એમ. સ્કૉટ પેક કહે છે: “પ્રેમમાં આપણી જાતને શારીરિક આવેગથી આગળ લઈ જવાની ઇચ્છા રહેલી હોય છે. પ્રેમમાં માત્ર પોતાની જાતનો જ વિચાર કરવાનો હોતો નથી. સાચો પ્રેમ તમને સામેની વ્યક્તિને વધારેને વધારે સંતોષ અને સુખ આપવાની ખેવના રાખવાનું શીખવે છે. પ્રેમ કશા જ બાહ્ય પ્રયત્નો વિના સ્વયંભૂ જન્મે છે. એમાં પોતાના પ્રિયપાત્ર માટે સર્વસ્વ હોમી દેવાની ભાવના રહેલી હોય છે. સાચા પ્રેમમાં પડેલી વ્યક્તિ ‘હું મારા માટે શું કરી શકું’ એવું વિચારતી નથી, પરંતુ ‘તારી જિંદગીને વધારે સમૃદ્ધ કરવા માટે શું કરી શકું’ એ રીતે વિચારે છે.” પ્રેમ અને જાતીય આવેગ વચ્ચેનો તફાવત સમજવા માટે આ વાત સમજવા જેવી છે: “પ્રેમ તમને આપતાં શીખવે છે, જાતીય આવેગથી ભરેલા સંબંધમાં બીજી વ્યક્તિ પાસેથી મેળવવાની ઇચ્છા જ પ્રબળ હોય છે.”

‘લવ’ અને લસ્ટ’ વચ્ચેનો ભેદ સમજી ન શકતી પ્રજામાં સહજીવન – લગ્નજીવન વિશે અસંતોષની લાગણી સતત રહ્યા કરે એ વાત સમજી શકાય એવી છે. શક્ય છે કે એમને પ્રેમનો સાચો અર્થ જ સમજાયો જ ન હોય. સાઈકોલોજિસ્ટ લિન્ડા બ્લેરના મતે આ પ્રકારની માનસિકતા ચલાવી શકાય નહીં. એમાંથી રસ્તો કાઢવો જ પડે. તેઓ કહે છે: “ખરેખર તો સહજીવનના સંદર્ભમાં તમને સુખી કરવા માટેનો રસ્તો જાતમાંથી જ શોધવાની જરૂર છે. લગ્નજીવનમાં પ્રસન્નતા, સંતોષ, ભરપૂરતા વગેરે – આપણે એને જે નામ આપીએ તે – તમે બહારથી જ મેળવી શકો એવું માનવું ભૂલભરેલું છે. એ માટે તમારે જાતે જ, તમારી પાસે જે કંઈ છે તેમાંથી જ, નવેસરથી ઘડવું પડશે. જો વ્યક્તિ પોતાના અભિગમમાં સકારાત્મક ફેરફાર લાવી શકે, પ્રેમ અને શારીરિક આકર્ષણ વચ્ચેનો મૂળભૂત તફાવત સમજી શકે તો એ એના વર્તમાન સાથીદારમાંથી જ પ્રેમની શોધ કરવા લાગશે અને અન્ય વ્યક્તિ માટેની ‘લસ્ટ’માંથી છૂટકારો મેળવી શકશે. તમારી પાસે શું નથી એનો જ વિચાર કરતા રહેવાથી અસંતોષ વધતો રહે છે. તમારી પાસે શું છે એને ઓળખી અને એને મજબૂત કરવાના વલણથી સંતોષ અને દ્રઢ સંબંધની દિશામાં આગળ વધવાનો માર્ગ આપોઆપ દેખાવા લાગશે. અરસપરસ સમજણ કેળવીને તમારા સાથીદાર માટે સાચા અર્થમાં પ્રેમની લાગણીને વિકસવા દો. કશું લેવા માટે નહીં, પણ કશુંક આપતા રહેવાની ભાવના વિકસાવશો તો તમે પ્રેમની લાગણીને સમજી શકશો.”


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.