પરિસરનો પડકાર :: ૧૧ :: જૈવિક વિવિધતા (બાયોડાયવર્સિટી) – ૦૫

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા

દોસ્તો, આ લખી રહ્યો છું ત્યારે એટલે કે તારીખ ૨૨ મેના રોજ તમામ રાષ્ટ્રોમાં આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસની ઉજવણી ચાલતી હશે. આજે આ પરિપેક્ષ્યમાં કેટલીક વાતો કરીએ.

‘ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી’ અથવા તો ‘વિશ્વ બાયોડાઈવર્સીટી ડે’ સંયુક્ત રાષ્ટ્રસમૂહ (યુનાઈટેડ નેશન્સ) દ્વારા માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય દિવસ છે. આ દિવસ પ્રતિ વર્ષ ૨૨ મે ના રોજ મનાવવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ જૈવિક વિવિધતાને સંબંધિત પ્રવર્તમાન મુદ્દાઓને ઉજાગર કરવાનો રહ્યો છે. પ્રસ્તુત દિવસની ઉજવણી એ સંયુક્ત રાષ્ટ્રસમૂહના સન ૨૦૧૫ પછીના નિર્ધારિત કરેલા સાતત્યપૂર્ણ વિકાસ સાધવાના ઉદ્દેશોની સમાવિષ્ટ કાર્યસુચિનો ભાગ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સહકાર સાધતી આ એક વિશાળ પહેલ ગણવામાં આવે છે જે વિવિધ ક્ષેત્રે હિત ધરાવતા લોકોને સ્પર્શે છે જેવાં કે ટકાઉ કૃષિ વ્યવસ્થા; રણનો ફેલાવો; કથળતી જતી જમીનો અને દુષ્કાળ; પાણીની ઉપલબ્ધી અને સ્વચ્છતા-સુધારણા; આરોગ્ય; ઉર્જા; વિજ્ઞાન- ટેકનોલોજી અને ઇનોવેશન; જ્ઞાનની આપ-લે અને ક્ષમતા વર્ધન; આફતો સામે અનુકુલન; જળ-વાયુ પરિવર્તન; મહાસાગરો અને દરિયાઓ; જંગલો; સ્થાનિક સંવેદનશીલ લોક-સમૂહો અને ખોરાકની સલામતી. સન ૨૦૧૨ ની જુન ૨૦ થી ૨૨ દરમ્યાન બ્રાઝીલના રીઓ ડી જાનેરો મુકામે સંયુક્ત રાષ્ટ્રની ટકાઉ વિકાસ સંબંધિત આયોજિત પરીષદમાં જે ઠરાવો પસાર થયા તેનો સંકલિત દસ્તાવેજ The future we want તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક વિવિધતાની ભૂમિકા, ટકાઉ વિકાસમાં નિર્ણાયક સાબિત થાય છે તે હકીકતને ‘ધ ફ્યુચર વી વોન્ટ’ દસ્તાવેજમાં માન્યતા મળી છે. સન ૧૯૯૩માં જયારે વિશ્વ બાયોડાઈવર્સીટી દિવસને માન્યતા આપવામાં આવી ત્યારથી સન ૨૦૦૦ સુધી, જૈવિક વિવિધતા સંમેલનના દિવસની તારીખ ૨૯ ડીસેમ્બરના રોજ ઉજવવામાં આવતો હતો. ત્યારબાદ સન ૧૯૯૨ના ‘રીઓ પૃથ્વી-શિખર સંમેલન’ દરમ્યાન આ સંમેલનના હેતુઓને સ્વીકારવાના દિવસની યાદગીરીમાં એટલે કે તારીખ ૨૨ મે ના રોજ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. ડીસેમ્બર માસના અંતમાં આવતા વેકેશનના સમયને પણ ધ્યાનમાં લેતા આ દિવસ વધારે અનુકુળ હતો.

જૈવિક વિવિધતા વિષે આપણે અગાઉના હપ્તાઓમાં વિસ્તૃત જાણકારી મેળવી છે તેથી તેની પર્યાવરણીય અગત્યતા વિષે ચર્ચા ન કરતા આ ખાસ દિવસની ઉજવણી કેવી રીતે કરી શકાય તે વિચારીએ.

clip_image002

1. જૈવિક વિવિધતા વિષે વધુ માહિતી મેળવીએ.

જૈવિક વિવિધતાની અગત્યતા સમજીને મિત્ર વર્તુળોને પણ જાણકારી આપીએ. ખોરાક સાંકળ અને ખોરાકના જાળાંના ઉદાહરણો ટાંકી જાગૃતિ ફેલાવીએ. પ્રાણીઓ, વનસ્પતિઓ અને પર્યાવરણ પ્રણાલીઓ (ઇકોસીસ્ટમ) વિષયક વિસ્તૃત સમજ કેળવીએ. સ્થાનિક સંગ્રહાલયો, પ્રાણી-સંગ્રહાલયો, વનસ્પતિ ઉદ્યાન, નેચર પાર્ક, આરક્ષિત જંગલો અને રક્ષિત વિસ્તારો જેવા કે વન્યપ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈએ.

2. ઇન્ટરનેશનલ બાયોડાઈવર્સીટી ડે (IBD) સંબંધિત ઈતિહાસ અને તેના હાર્દને સમજવાનો પ્રયત્ન કરીએ.

સંયુક્ત રાષ્ટ્રસમૂહ દ્વારા પ્રસ્તુત દિવસની ઉજવણીની ઘોષણા, તારીખોમાં તબદીલી વિગેરે જાણકારી મેળવીએ.

3. પ્રતિ વર્ષ ઉજવણી માટેના મુખ્ય વિષય ક્યા ક્યા હતા તેની માહિતી

જેમ કે ૨૦૧૮ – ઉજવણીની રજતજયંતી

૨૦૧૭ :- જૈવિક વિવિધતા અને ટકાઉ પ્રવાસન

૨૦૧૬ :- (મુખ્ય પ્રવાહમાં જૈ.વી.) લોકોની આજીવિકાની જાળવણી

૨૦૧૫ :- જૈવિક વિવિધતા સંમેલન

૨૦૧૪:- ટાપુઓ પર જૈવિક વિવિધતા

૨૦૧૩:- પાણી અને જૈવિક વિવિધતા

૨૦૧૨ :- સમુદ્રની જૈવિક વિવિધતા

૨૦૧૧:- જંગલો અને જૈવિક વિવિધતા ….. વિગેરે.

4. સ્થાનિક કક્ષાએ ઉજવણીમાં ભાગ લેવો.

5. શાળાઓ, કોલેજ, સરકારી સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ તેમ જ ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં હિસ્સો લઇ શકાય.

6. હરિયાળી પહેલ.

7. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વૃક્ષ વાવેતરના કાર્યક્રમ કરતા હોય તેમની સાથે જોડાઈ ને યોગદાન આપી શકાય.

8. વિવિધ સ્પર્ધાઓનું આયોજન.

           કોઈ એક ખાસ સમૂહ માટે ચિત્રકામ, ફોટોગ્રાફી, નિબંધ લેખન, ડીબેટ, જૂથચર્ચા, પોસ્ટર બનાવવા, ભીંત-સુત્રો લખવા વિગેરેનું આયોજન કરીને પ્રોત્સાહક ઇનામો આપી શકાય.

વિશ્વ પર્યાવરણ દિવસ

પર્યાવરણની જાળવણી સંબંધિત બીજો અગત્યનો દિવસ દર વર્ષે ૫ જુનના રોજ ઉજવવામાં આવે છે. સન ૧૯૭૨માં સંયુક્ત રાષ્ટ્રસમૂહની મહાસભા દ્વારા માનવી-પર્યાવરણ વિષય આધારિત સંમેલન સ્ટોકહોમ મુકામે આયોજિત કરવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ એટલે કે સન ૧૯૭૪માં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો જેનો વિષય Only the Earth રાખવામાં આવ્યો હતો. સન ૧૯૭૪થી નિયમિત રૂપે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે અને સન ૧૯૮૭થી પ્રસ્તુત દિવસની ઉજવણી અલગ અલગ યજમાન દેશોમાં કરવામાં આવી રહી છે. પર્યાવરણના રક્ષણને ધ્યાનમાં રાખતા વિશ્વ પર્યાવરણ દિવસની અગત્યતા સંયુક્ત રાષ્ટ્રસંઘ માટે જન-જાગૃતિ ફેલાવવાની એક અતિ મહત્વની બાજુ સાબિત થઇ રહી છે. સમુદ્રોમાં પ્રદુષણ, જનસંખ્યા વિસ્ફોટ, વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારો (ગ્લોબલ વોર્મિંગ), કુદરતી સંસાધનોનો સાતત્યપૂર્ણ ઉપયોગ અને વન્યજીવ સંબંધિત ગુનાઓ જેવાં પર્યાવરણ માટે અતિ હાનીકારક મુદ્દાઓ પ્રત્યે લોક-જાગૃતિ પેદા કરવાની ઝુંબેશ ચલાવવા માટે આ દિવસની ઉજવણી એક અસરકારક મંચ સાબિત થઇ રહી છે. પ્રતિ વર્ષ ૧૪૩ રાષ્ટ્રોમાં વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે જે તેની અગત્યતા પુરવાર કરે છે. જે પ્રમાણે જૈવિક વિવિધતા દિવસ માટે દર વર્ષે મુખ્ય વિષયનું ચયન કરવામાં આવે છે તે જ પ્રમાણે વિશ્વ પર્યાવરણ દિવસ માટે પણ પ્રતિ વર્ષ એક ‘થીમ’ પસંદ કરવામાં આવે છે જેને સંબંધિત દરેક જગ્યાએ વિવિધ પ્રકારની કાર્યવાહી કરવાનું આયોજન થાય છે. આ ઉજવણીમાં પણ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ અને ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિઓ સામેલ થાય છે.

સન ૨૦૧૮ એટલે કે ચાલુ વર્ષે ભારત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાન રાષ્ટ્ર બનવાની તૈયારી બતાવવામાં આવી છે. આ લેખ વંચાતો હશે ત્યારથી ચાર દિવસ બાદ જ ભારતમાં રંગેચંગે ઉજવણી ચાલુ થશે. સન ૨૦૧૮ માં મુખ્ય વિષય રૂપે “પ્લાસ્ટીકથી થતા પ્રદુષણને હરાવો” ની પસંદગી કરવામાં આવી છે. આ વિચાર સરકાર શ્રી, ઉદ્યોગો, લોક સમુદાયો અને પ્રત્યેક વ્યક્તિને એકજુટ થઇ ટકાઉ વિકલ્પો અપનાવવા માટે અને તાત્કાલિક અસરથી, રીસાયકલ ના કરી શકાય તેવા પ્લાસ્ટીકના ઉત્પાદન અને અતિશય વપરાશ પર રોક લગાવવાનું સુચન કરે છે જેથી સમુદ્રના જીવો અને માણસનું સ્વાસ્થ્ય જળવાઈ શકે. હળવાશથી કહેવામાં આવે તો “ક્રિકેટ મેચમાં હાર્દિક પંડ્યા દ્વારા એક ઓવર ફેંકવામાં આવે તેટલા સમયમાં ચાર ટ્રક ભરેલો પ્લાસ્ટિક કચરો સમુદ્રમાં ઠાલવવામાં આવે છે”

પ્લાસ્ટિક પ્રદુષણ વિષે કેટલીક હકીકત:

 • પ્રતિ વર્ષ વિશ્વમાં ૫૦૦ બિલીયન (એક બિલીયન=એક કરોડ)પ્લાસ્ટીકની કોથળીઓનો ઉપયોગ થાય છે.
 • પ્રતિ વર્ષ ઓછામાં ઓછા ૮ મીલીયન ટન (એક મીલીયન=દસ લાખ) પ્લાસ્ટીકનો કચરો સમુદ્રમાં ઠલવાય છે એટલે કે દર મીનીટે એક આખી ટ્રક ભરેલો કચરો ગણાય.
 • છેલ્લા દશકમાં જેટલું પ્લાસ્ટિક ઉત્પાદિત થયું તે છેલ્લા શતક કરતા પણ વધારે હતું.
 • પચાસ ટકા પ્લાસ્ટિક માત્ર એક વખતના ઉપયોગ બાદ ફેંકી દેવામાં આવે (યુઝ એન્ડ થ્રો) તે કક્ષાનું હતું.
 • પ્રતિ મિનીટ આપણે એક મીલીયન પ્લાસ્ટિક બોટલની ખરીદી કરીએ છીએ.
 • તમામ પ્રકારના ઉત્પન્ન થયેલાં ઘન કચરામાં પ્લાસ્ટીકના કચરાનું પ્રમાણ ૧૦% હોય છે.

મિત્રો! શું આ ભયજનક પરિસ્થિતિ નથી લાગતી?

clip_image004


પિક્ચર સૌજન્ય: ઈન્ટરનેટ. લેખમાં સમાવિષ્ટ ચિત્રોનો ઉપયોગ માત્ર અભ્યાસ અને જાગૃતિ કેળવવાનો છે.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

2 comments for “પરિસરનો પડકાર :: ૧૧ :: જૈવિક વિવિધતા (બાયોડાયવર્સિટી) – ૦૫

 1. June 1, 2018 at 8:02 am

  લેખકે પોસ્ટમાં ધ ફ્યુચર વી વોંન્ટની લીંક આપેલ છે અને બધી વીગતો આપેલ છે.

  આપણાં દેશમાં રાઈટ ટુ ફુડમાં સસ્તામાં ઘંઉ ચોખા આપવાનું સંસદે નક્કી કરેલ છે. ગામમાં તલાટી, સરપંચ કે ધારા સભ્ય આ સગવડ કરી આપવા આનાકાની કરે છે. બાળ મૃત્યુ કે જન્મ પહેલાં મૃત્યુ ખબર છે? પોષણના અભાવે આપણાં દેશમાં આવા મૃત્યુ બાબત દર બે ચાર દીવસે સમાચાર આવે છે. અનાજ સડી જશે પણ પેલો તલાટી, સરપંચ કે ધારા સભ્યના પેટનું પાણી હાલતું નથી.

  લેખકે પોસ્ટમાં બાયોડાઈવર્સીટી બાબત ઘણું સમજાવેલ છે અને જેમને રસ હોય એ ડોક્યુમેંન્ટ જોઈ શકે છે. વાંચનારે ખરેખર રસ લેવો જોઈએ. રખડતા બળદના પેટમાંથી પચાસ કે એંસી કીલો પ્લાસ્ટીક નીકળે ત્યારે આપણે જે વાંચીએ છીએ ત્યારે આપણે ગુનેગાર બની જઈએ છીએ.

 2. Vijay Rathod
  June 4, 2018 at 8:38 am

  લોકો સંવેદનહિ‌ન થઈ ગયા છે… અવનારી પેઢી માટે વિચારવાનો સમય નથી. તેથી આ ડૂબતા જહાજ ને બચાવવું અશક્ય જણાય છે પરંતુ બધાએ એટલું સમજવું જોઈએ કે નાના પ્રયત્ન થી ડૂબવાની પ્રક્રિયા ને ધીમી પાડવા શકય કરી છૂટવું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *