સાયન્સ ફેર : ઇન્ફ્રાસાઉન્ડ ‘સાંભળી’ને ચક્રવાતને રોકી શકાય તો?!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

મે મહિનાની બે ઘટનાઓ આજે વિષે વાત કરવાની છે. એક તો વીસેક વર્ષ પહેલા – ઇસ ૧૯૯૮માં ૧૧ મે અને ૧૩ મેના દિવસે આખી દુનિયાને અંધારામાં રાખીને પોખરણમાં ભારતે કરેલા અણુપરીક્ષણોની એનીવર્સરી આવી ગઈ. અને બીજી વાત એ કે વર્તમાન સમયમાં બરાબર આ જ દિવસો દરમિયાન ઉ.ભારતના કેટલાક ભાગોમાં આંધી-તોફાને માઝા મૂકી, કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા! એક ઘટનામાં આપણું સામર્થ્ય પ્રકટેલું તો બીજામાં આપણી લાચારી! ખેર, અહીં જે મુદ્દાની ચર્ચા કરવાની છે, એ ઉપરોક્ત બન્ને ઘટનાઓને સ્પર્શતો મુદ્દો છે. અને એ છે ઇન્ફ્રાસાઉન્ડ ટેકનોલોજી.

પૃથ્વી ઉપર માણસ ભલે સૌથી બુદ્ધિમાન સજીવ ગણાતો હોય, પણ એનીય અગણિત મર્યાદાઓ છે જ! જોવા-સાંભળવાની શક્તિની જ વાત કરો. આપણા કાન અમુક જ હર્ટઝનો અવાજ સાંભળી શકે છે. એ જ પ્રમાણે અમુક જ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ. આમ તો આ બધાથી ખાસ કશો ફરક નથી પડતો. બીજા સજીવોમાં પણ આવી મર્યાદાઓ જોવા મળે જ છે. પરંતુ કોણ જાણે કેમ, જોવા-સાંભળવાની આપણી મર્યાદાઓને કારણે આપણે કુદરતના બદલાતા તેવરને સમજવામાં થાપ ખાઈ જઈએ છીએ. બીજી તરફ, આવનારી કુદરતી આફતનું આગોતરું અનુમાન મેળવવામાં પશુ-પંખીઓને પોતાની જોવા-સાંભળવાની મર્યાદાઓ બાધક બનતી નથી! ધરતીકંપ આવવા પહેલા પાલતુ પશુઓમાં જોવા મળતી એન્કઝાઈટીના અનેક કિસ્સાઓ પ્રખ્યાત છે જ! મનુષ્ય સિવાયના અનેક સજીવોને આવનારી કુદરતી આફતના એંધાણ અગાઉથી મળી જાય છે, એ માટે જે-તે સજીવની ‘ઇન્ફ્રાસાઉન્ડ’ સાંભળી શકવાની શકતી જવાબદાર હોવાનું મનાય છે.

જે રીતે આપણી દ્રષ્ટિ અલ્ટ્રા વાયોલેટ લાઈટને સમજવા માટે અક્ષમ હોય છે, એ જ રીતે અમુક ફ્રીકવન્સીના અવાજો-ધ્વનિ પણ આપણા કાન સાંભળી શકતા નથી. આવા ધ્વનિ તરંગોને ‘ઇન્ફ્રાસોનીક તરંગો’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રચલિત ભાષામાં આ ધ્વનિ તરંગોને ‘ઇન્ફ્રાસાઉન્ડ’ કહેવામાં આવે છે. ઇન્ફ્રાસાઉન્ડની આવૃત્તિ ૨૦ હર્ટઝ કરતાં ઓછી હોવાને કારણે એને લો-ફ્રીકવન્સી સાઉન્ડ પણ કહી શકાય. એક તંદુરસ્ત યુવાન વ્યક્તિ ૨૦ હર્ટઝથી માંડીને ૨૦,૦૦૦ હર્ટઝની ફ્રીકવન્સીના ધ્વનિ તરંગો સાંભળી શકે છે. (જેમ ઉંમર વધે તેમ ઘડપણને કારણે શ્રવણશક્તિ ઓછી થતી જાય છે.) જે અવાજની ફ્રીકવન્સી ૧૦૦૦ થી ૫૦૦૦ હર્ટઝની હોય, એ સૌથી સારી રીતે સાંભળી શકાય છે. આપણા કરતાં અનેક ગણા મોટા કદનો હાથી, આપણે સાંભળી શકીએ એના કરતાં વધુ સૂક્ષ્મ અવાજો (અંદાજે ૧૪ હર્ટઝ જેટલી લો ફ્રીકવન્સી ધરાવતા અવાજો) સાંભળી શકે છે. હોમીંગ પીજીયન તરીકે જાણીતી કબૂતરની એક પ્રજાતિ તો પોતાની મુસાફરીનો માર્ગ નક્કી કરવા માટે પણ ઇન્ફ્રાસાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરે છે, અને એટલું જ નહિ, કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે ‘હોન્ટેડ હાઉસ’ તરીકે પ્રખ્યાત થઇ ગયેલા કેટલાક સ્થળોએ થતી ભૂતિયા ઘટનાઓ પાછળ પણ કંઈક અંશે આ ઇન્ફ્રાસાઉન્ડ જ જવાબદાર હોય છે, બોલો! (આ વિષે ક્યારેક આખો આર્ટિકલ લખીશ.)

ઓકે, ફાઈન! મોરલ ઓફ ધી સ્ટોરી ઇઝ, ઘણા પશુ-પક્ષીઓની જેમ આપણા કાન ૨૦ હર્ટઝ કરતાં ઓછી આવૃત્તિ વાળા ધ્વનિ તરંગોને ઝીલવામાં નિષ્ફળ નીવડે છે. આથી આપણે ઇન્ફ્રાસાઉન્ડ સાંભળી શકતા નથી! પણ લેખની શરૂઆતમાં પેલી જે બે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, એની સાથે આ ઇન્ફ્રાસાઉન્ડની માહિતીને શું લાગેવળગે? સૌથી પહેલા પોખરણની વાત. યુદ્ધ મેદાનમાં ઇન્ફ્રાસાઉન્ડનો સૌપ્રથમ ઉપયોગ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્રદેશોની સેનાએ દુશ્મનોની આર્ટીલરી(તોપખાનું)ને લોકેટ કરવા માટે કર્યો. પરંતુ ત્યાર બાદ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, તેમ તેમ ઇન્ફ્રાસાઉન્ડ ટેકનોલોજી પણ ખાસ્સી વિકસી. હાલના સમયે અમેરિકા જેવી મહાસત્તાઓ અણુધડાકા વિષે માહિતી મેળવવા માટે ઇન્ફ્રાસાઉન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કેમકે અણુધડાકા વખતે ઉત્પન્ન થયેલા કેટલાક ૨૦ હર્ટઝ કરતાં ઓછી આવૃત્તિના ધ્વનિ તરંગો- પોતાની વધુ પડતી તરંગ લંબાઈને કારણે – બહુ દૂર સુધી ફેલાય છે. (ધ્વનિ તરંગોનું આવર્તન-આવૃત્તિ જેમ ઓછી, તેમ તરંગ લંબાઈ વધારે) વળી અતિશય લાંબી તરંગ લંબાઈને કારણે આવા તરંગો વાતાવરણમાં જલદી શોષાતાં પણ નથી. અહીં પોખરણનો ઉલ્લેખ કર્યો તે એટલા માટે કર્યો, કેમકે અણુધડાકાઓ પર મોનિટરિંગ રાખતી આંતરરાષ્ટ્રિય સંસ્થા “ઈન્ટરનેશનલ મોનિટરિંગ સિસ્ટમ (આઈએમએસ)” – કે જે “કોમ્પ્રીહેન્સીવ ટેસ્ટ બેન ટ્રીટી” (સીટીબીટી)ના પાલનમાં અગત્યનો ભાગ ભજવે છે- પણ ઇન્ફ્રાસાઉન્ડ તરંગો પકડીને જ કોઈક સ્થળે થયેલા અણુધડાકા વિષે માહિતી મેળવે છે. આમ ઇન્ફ્રાસાઉન્ડ દ્વારા દૂર કશેક બનેલી ઘટનાને કારણે પેદા થયેલા ધ્વનિના મોજા આંતરીને જે-તે ઘટના વિષે જાણકારી મેળવી શકાય છે.

હવે મે મહિના દરમિયાન ઉ.ભારતના કેટલાક ભાગોમાં આવેલા જીવલેણ આંધી-તોફાનની વાત પર આવીએ. જરા વિચાર કરો, પશુ-પક્ષીઓ ઇન્ફ્રાસાઉન્ડ સાંભળી શકવાની કુદરતી બક્ષિસને પ્રતાપે આવનારી કુદરતી આફતો અંગે જાણી શકતા હોય, અને માનવ પોતાની ટેકનોલોજીકલ ક્ષમતાઓ દ્વારા અણુધડાકાનો ઇન્ફ્રાસાઉન્ડ ‘સાંભળી’ શકતો હોય, તો પછી આવનારી કુદરતી આફતોને પણ અગાઉથી જ ‘સાંભળી’ લેવી જોઈએ એવું નથી લાગતું?! જરા કલ્પના કરો, ચક્રવાત ત્રાટકવાની વાત તો દૂર, પણ એ પેદા થાય એ પહેલા જ જો એના વિષેની જાણકારી મળી જાય તો?! જો આવું થાય તો હજારો લોકોના જીવ બચી શકે! આ અંગે વાત કરીશું ૧૫-૬-૨૦૧૮ના અંકમાં.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

2 comments for “સાયન્સ ફેર : ઇન્ફ્રાસાઉન્ડ ‘સાંભળી’ને ચક્રવાતને રોકી શકાય તો?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *