





– બીરેન કોઠારી
આપણા આખા સમાજમાં એક બિમારી વ્યાપકપણે જોવા મળે છે, પણ તેને બિમારી નહીં, સ્વાસ્થ્યવર્ધક લક્ષણ ગણવામાં આવે છે. એ બિમારી એટલે ‘પહેલો નંબર’ અથવા ‘નંબર વન’નું લક્ષણ. પોતાનું રાજ્ય નંબર વન હોવાના વહેમથી માંડીને પોતાનું સંતાન પણ પહેલા નંબરે આવે એવો દુરાગ્રહ મોટા ભાગના લોકો સેવતા હોય છે. લોકોની આ માનસિકતાને વિવિધ ક્ષેત્રના લોકો પોતપોતાની રીતે વટાવતા હોય છે. સ્પર્ધા કે પરીક્ષા આવશ્યક જરૂર છે, પણ જેના માટે તે યોજવામાં આવે છે એ પ્રતિભાઘડતર વધુ જરૂરી છે. એટલે કે તે મંઝીલ નથી, પણ જીવનનાં વિવિધ મુકામો હાંસલ કરવાના માર્ગનો એક મુકામ છે. તેને બદલે આપણે સ્પર્ધા કે પરીક્ષાને જ અંતિમ લક્ષ્ય બનાવી બેઠા છીએ. આથી મોટા ભાગે એમ જોવા મળે છે કે પરીક્ષામાં પ્રથમ નંબર લાવનાર મળી રહે છે, પણ તેની પ્રતિભાનો સર્વાંગી વિકાસ થયો હોય એવા દાખલા ઓછા જોવા મળે છે. હવે તો નેતાઓ પણ આપણી માનસિકતાને જાણી ગયા છે અને આપણા રાજ્યને નંબર વન ઘોષિત કરીને લોકોને કેફમાં રહેવાની આદત પાડી રહ્યા છે.
બે એક મહિના અગાઉ નીતિ આયોગના વાઈસ ચૅરમેન રાજીવ કુમારે જણાવ્યું કે ગુજરાતે ઔદ્યોગીકરણ, માળખાકીય સવલતો અને ઊર્જા ક્ષેત્રે સારો વિકાસ કર્યો છે, પણ સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રે તે ઘણું પાછળ છે. શિક્ષણમાં શું ગુજરાત ખરેખર પાછળ છે? આ હકીકતની જાણકારી મેળવવા માટે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું. તેનું પરિણામ ખુલ્લી આંખે જોવા જેવું છે.
હજી દાયકા અગાઉ એન્જિનિયરીંગ મોટા ભાગના વિદ્યાર્થીઓની પહેલી પસંદગી હતી. દસમા ધોરણ પછી અગિયારમા ધોરણમાં આવતાં તેમણે એ મુજબ વિષયપસંદગી કરવાની રહેતી, જેમાં જીવવિજ્ઞાનનો સમાવેશ થતો નહોતો. ખાનગી ઈજનેરી કૉલેજો ખૂલવાની સાથે વિદ્યાર્થીઓનો મોટો પ્રવાહ ઈજનેરી અભ્યાસક્રમ તરફ વળ્યો. વિજ્ઞાનના સ્નાતક બનવાને બદલે ઈજનેર બને તો પ્રતિષ્ઠા ગણાય. ખાનગી કૉલેજોમાં પ્રવેશ માટેની લાયકાત તેની ઊંચી ફી હોય, જરૂરી ગુણ ન હોય ત્યારે તો ખાસ! પણ આ પ્રતિષ્ઠાનું શું કરવું? ઢગલાબંધ ઈજનેરો બહાર પડવા માંડે, પણ તેમને રોજગારી આપી શકાય એટલા પ્રમાણમાં ઉદ્યોગો ન વિકસે એ સંજોગોમાં શી સ્થિતિ થાય? આ ઈજનેરો વિદેશગમન કરવા લાગે. ત્યાં ભલે પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ નહીં, પણ આજીવિકા મળી રહે એવો રોજગાર મળી રહે છે.
પણ હવે ખાનગી ઈજનેરી કૉલેજો તરફનો આ પ્રવાહ સૂકાતો ચાલ્યો છે એમ સર્વેક્ષણ કહે છે. એ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં ઈજનેરી કૉલેજોમાં ખાલી રહેતી બેઠકોનું પ્રમાણ 27,978 થી વધીને 33,033 થયું છે. ટકાવારીની રીતે જોઈએ તો 45. 37 ટકાથી વધીને તે 57.06 ટકા થઈ છે. એ બાબત પણ નોંધવાલાયક છે કે આ અરસામાં ખાનગી ઈજનેરી કૉલેજોએ બેઠકોની સંખ્યા 61,665 થી ઘટાડીને 57,889 કરી હતી. આ ઘટાડો 6 ટકાનો છે. આ વલણ ડીગ્રી અભ્યાસક્રમ માટેનું છે, તો ડીપ્લોમા અભ્યાસક્રમમાં પણ સ્થિતિ હરખાવા જેવી નથી. તેમાં બેઠકોની સંખ્યા 47, 970 થી ઘટાડીને 44,940 કરવામાં આવી છે, છતાં ગયે વર્ષે 22,579 એટલે કે અડધીઅડધ બેઠકો ભરાયા વિનાની રહી. કારકિર્દી માટે વિદ્યાર્થીઓના પ્રિય એવા એમ.સી.એ. (માસ્ટર ઑફ કમ્પ્યુટર એપ્લીકેશન) અભ્યાસક્રમમાં ખાનગી કૉલેજોમાં 95 ટકા બેઠકો ખાલી રહી હતી.
અલબત્ત, સરકારી તેમજ સરકારી સહાય પ્રાપ્ત ઈજનેરી કૉલેજોમાં સ્થિતિ આટલી ગંભીર નથી. અહીં ખાલી રહેતી બેઠકોનું પ્રમાણ 1.19 ટકાથી વધીને 7.27 ટકા થયું છે, જે ખાનગી કૉલેજોની સરખામણીએ નજીવું ગણાય.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનાં મુખ્ય સેક્રેટરી અંજુ શર્માના જણાવ્યા મુજબ આમ થવાનું કારણ શિક્ષણની ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં ખાનગી સંસ્થાઓની નિષ્ફળતા છે. એટલે કે સરકારી શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણની ગુણવત્તા બહેતર છે. આ દલીલમાં કેટલું તથ્ય? ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા 121 છે, જ્યારે તેની સરખામણીએ સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત કૉલેજોની સંખ્યા 19 છે. ઓગણીસ કૉલેજોની કુલ બેઠકો માત્ર 10,224 છે, જ્યારે 121 કૉલેજોની બેઠકોનો સરવાળો પચાસ હજારને આંબે છે. સરકારી કૉલેજોમાં શૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવાનો મોટો પ્રશ્ન છે. હા, ખાનગી શૈક્ષણિક સંસ્થાની તોતિંગ ફીની સરખામણીએ સરકારી સંસ્થાની ફીનું પ્રમાણ ઘણું ઓછું કહી શકાય એવું હોય છે.
અંજુ શર્માના અભિપ્રાય મુજબ ખાનગી સંસ્થાઓની ખાલી જગ્યાઓ બજારની માંગ પણ સૂચવે છે. વિવિધ ઉદ્યોગો કઈ શાખાના ઈજનેરોને રોજગારી આપે છે એ મુજબ બધું બદલાતું રહે છે. તાજેતરનાં વરસોમાં ખાનગી કૉલેજોની સંખ્યામાં ઊછાળો આવ્યો છે, પણ તેઓ ગુણવત્તાસભર શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.
‘નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (એન.આઈ.આર.એફ.)ની સો ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવનાર એક માત્ર ખાનગી યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ. અનૂપ સીંઘના જણાવ્યા મુજબ વ્યાવસાયિક કોર્સની માંગ સદાય રહેવાની. વસતિ અને સમૃદ્ધિના હિસાબે લાયકાત ધરાવનારાઓમાંથી ઉચ્ચ અભ્યાસ માટે આગળ આવનારાઓની ટકાવારી આગામી બે દાયકામાં વધીને 40-45 ટકા જેટલી થશે. આથી આગામી પંદર વરસ સુધી ઉચ્ચ શિક્ષણની માંગ ઘણી રહેશે. એક તરફ ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવા માટે સરકાર અક્ષમ હોવાથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ એ માટે પ્રયત્ન કરી રહી છે, પણ સરકાર તરફથી તેમને પૂરતો સહયોગ મળતો નથી. સરકાર એ રીતે ખસી જાય એ ઠીક ન કહેવાય.
ડૉ. સીંઘની ધારણાથી વિપરીત ‘ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન (એ.આઈ.સી.ટી.ઈ.)ના જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લા પાંચ વરસમાં એ.આઈ.સી.ટી.ઈ. દ્વારા પ્રમાણિત થયેલી 29 કૉલેજો બંધ થઈ ગઈ છે. આ સંસ્થાના સભ્ય સેક્રેટરી ડૉ. જી.પી.વડોદરિયાના જણાવ્યા મુજબ કેવળ ગુણવત્તાસભર શિક્ષણ આપતી ખાનગી સંસ્થાઓ જ ટકી રહેશે, અને એ માટે તેમણે યોગ્ય કર્મચારીઓ, સંશોધન અને તાલિમ સહિત ઉદ્યોગો સાથેના સંપર્કમાં વધારો કરવો પડશે. ડૉ. વડોદરિયા કહે છે, ‘અમે માબાપ તેમજ વિદ્યાર્થીઓને જણાવીએ છીએ કે નોકરી મેળવવા માટે માત્ર ડીગ્રી કામ નહીં લાગે. અન્ય કૌશલ્યો પણ કેળવવાં પડશે.’
ડૉ. વડોદરિયાની વાત મુદ્દાની છે. પણ તે છેક ઉચ્ચ શિક્ષણના તબક્કે જણાવાય છે એ વક્રતા છે. શાળાકીય શિક્ષણના આરંભથી જ શિક્ષણની સાથેસાથે ‘અન્ય કૌશલ્યો’ કેળવાય એમ થવું જોઈએ. પણ આપણને પહેલેથી જ નંબર વનની મંઝીલ વિનાની દોડમાં જોતરી દેવામાં આવે છે. આમાં કશું પણ પરિવર્તન કરવું હોય તો ધરમૂળથી કરવું પડે અને બિનરાજકીય ધોરણે કરવું પડે. એમ કરવામાં ન આવે તો? તો કંઈ નહીં, પરિસ્થિતિ થઈ થઈને આનાથી ખરાબ શું થવાની?
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭-૫-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
મે વડોદરામા અદ્યતન ટેકનિકલ કામ માટે કમ્પની શરૂ કરી હતી એમા ૧૨ એન્જિનિયરની જગ્યા માટે ૪૨૫ અરજીઓ આવી હતી. લેખિત પરીક્ષામા ૨૭ જણ ઈન્ટર્વ્યુમા બોલાવવા જેવા જણાયા. એમાથી અમે માત્ર ૪ને જ પસન્દ કરી શક્યા! આ ૨૦૧૧ની વાત છે!
કંઈ પણ કરી લો, ઢગલાબંધ કૌશલો વધારી લો, રોજગારની સ્થિતિ સુધરવાની નથી. કારણ કે શ્રમ મૂલક રોજગારોનો વિકાસ નથી થતો. મેન્યુફૅક્ચરિંગ ચીનમાં ગૃહ-ઉદ્યોગ જેવું બની ગયું છે. મેન્યુફૅક્ચરિંગ સિવાય બીજે ક્યાંય રોજગાર ઝડપથી ન વધે. આઈટી તો આસમાની ક્ષેત્ર છે. ખેત લક્ષી નીતિઓ હોય તો કંઈ નહીં તો જે ખેતીમાં હોય તે એમાં જ ટક્યા રહે. આજે પણ ખેતીનો રોજગારમાં ૬૫ ટકા ફાળો છે. કૃષિ-ઉદ્યોગોનો વિકાસ થાય તો બન્નેને ટેકો મળે. તે સિવાયનાં સ્ટાર્ટ-અપ ટાઇપ ક્ષેત્રો બહુ આગળ નહીં લઈ જાય. તકલીફ એ છે કે આપણી સમક્ષ બે-પાંચ સફળતાઓની કહાણીઓ આવતી હોય છે એટલે શિક્ષણ સાથે કૌશલ પણ વધારવાનું હોય તો પણ ૯૫ ટકા નિષ્ફળ જ જશો. વાંક સામાન્ય માણસનો હોતો જ નથી, નીતિઓનો હોય છે.
પ્રતિભાવ બદલ આભાર.