યૂં કિ સોચનેવાલી બાત : સોહામણો ચહેરો

Facebooktwitterredditpinterestlinkedinmail

આરતી નાયર

હું નાની હતી ત્યારે મોટાં થવાની મને હંમેશાં તાલાવેલી રહેતી. પરંતુ જેવી હું કિશોરાવસ્થામાં આવી તે સાથે મને મોટો ધક્કો લાગ્યો.મારી આસપાસની મારી ઉમરની ઘણી છોકરીઓની હાલત એવી જ હતી. જોકે એ બધીઓમાં ખીલનાં ક્ષેત્રે મારૂં સ્થાન ઘણુ આગળ હતું. એ ઉમરે છોકરી માટે ખીલવાળો ચહેરો અને થોડે ઘણે અંશે ગોળમટોળ બાંધો એ બન્ને સૌથી અનાકર્ષક બાબતો ગણાય. આ બન્ને બાબતો મને પૂરેપૂરી લાગુ પડતી હતી. રૂપાળાં ન દેખાવાના વસવસાનું મૂળ મને આજ લગી મળી નથી શક્યું.

કુમારી ‘ખીલે’લી હોવાને કારણે તમને નજદીકનાં સગાંથી લઈને સાવ અજાણ્યાં લોકો પાસેથી દરરોજ ઢગલાબંધ સલાહસૂચનોનો લાભ મળતો જ રહે, જેવાં કે:

 • બહુ તળ્યુંતાળવ્યું ન ખાવું.
 • ચૉકલેટ્સ અને આઈસક્રીમ ન ખાઓ.
 • ખીલને અડઅડ ન કરો.
 • તમારા ગુસ્સાને કારણે ખીલ ખીલે છે. ઠંડા પડો.શાંત રહો.
 • હળદર મલાઈનો લેપ લગાડો.
 • કુંવાર પાઠું લગાડો.
 • મુલતાની માટીનો લેપ લગાડો.
 • બહુ ટેન્શન ન લો કે ચિંતા ન કરો.

ચહેરાના કોઇને કોઈ ભાગ પર તો મને એકાદ ખીલ તો હંમેશાં હોય જ. મારાં શરીરને જાણે કે અંદરથી ખબર પડી જતી કે હું બહુ ખુશ છું અને તે સાથે જ એકાદો ખીલ ખીલવી દે, કેમ જાણે મને ચકાસવા ન માગતું હોય? વળી, રોજબરોજની ખટપટ ઉપરાંત કોઈ ખાસ દિવસ હોય ત્યારે વળી નવા ખીલ ફૂટી નીકળે. ખીલને અડવું ન જોઈએ એ સાચું, પણ કેટલાક ખીલમાં રસી થઈ આવે છે અને બહુ પીડા કરે છે. આવા ખીલને દૂર કરવા પડે. આમ આ ચક્રનો ક્યારે અંત જ ન આવે.

મારાં મમ્મી મને હંમેશાં આ આખી બાબતે શાંત રહેવાનું કહેતાં, ‘અમુક ઉમર થશે એટલે આપોઆપ બધું જતું રહેશે.’ પણ કોઈ રાજકુમારના પ્રેમમાં પડવાની ઉમર પછીથી તે જાય તો શું કામનું? આમ પણ ભગવાન શોધવા સહેલા છે પણ ચહેરે ખીલ અને ગોળમટોળ શરીરે કોઈ દેખાવડા, ખૂબ સારા પ્રેમીને શોધવો દુષ્કર છે. મેક-અપના થથેડા કરીને ઢીંગલીની જેમ સજવાસંવરવાનું તો મને આમ પણ પસંદ નહોતું. લોકો સૂચન કરતાં કે , ‘અરે, આંખે થોડું કાજળ લગાડ અને ચહેરા પરહળવું ગ્લૉસ વગેરે લગાડ.’ સામે મારો જવાબ હોય કે ‘એ વળી શું છે?’

૨૦૧૨માં મેં જ્યારે બી.કોમ. પૂરૂં કર્યું હતું ત્યારે મને એક જબરદસ્ત માર્ગ અકસ્માત થયો હતો જેમાં મારો આખો ચહેરો ખલાસ થઈ ગયો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે મારાં માતાપિતાએ અરીસાઓ આડે પર્દા લગાડી દીધા હતા. મારા ચહેરાનું શું થશે એ વિષે દાક્તરોએ પણ કશું કહેવાનું ટાળતા હતા. ભલે મારી દેખતાં લોકો કંઈ બોલતાં નહીં, પણ મારી આસપાસનાં લોકોમાં મારૂ હવે શું થશે અને મને હવે કોણ પરણશે તેની ચિંતાની બોજિલતા મને પણ અનુભવાતી. બે બાબત મને બહુ સ્પષ્ટપણે યાદ છે:

૧. મને એક ક્ષણ માટે પણ મારા ચહેરા અંગે ચિંતા નહોતી થઈ. દરેક વ્યક્તિમાં પોતપોતાની આગવી લાક્ષણિકતા હોય છે જે તેને બીજાં બધાંથી અલગ તારવી રાખતી રહે છે. મારૂં માનવું હતું કે મારૂં જ્ઞાન, મારા વિચારો અને મારી બુદ્ધિશક્તિ મારી આગવી લાક્ષણિકતાઓ હતી. મારે એક ‘સોહામણો ચહેરો’, અથવા તો તેનાથી પણ આગળ વધીને ‘માત્ર સોહામણો ચહેરો’, બનીને બેસી નહોતું રહેવું. એટલે મારા ચહેરાની ખાનાખરાબી મારા માટે કોઇ અડચણ નહોતી. હું તો ખૂબ વાંચતી, સારી એવી બુધ્ધિશાળી અને હળવાફૂલ સ્વભાવવાળી છોકરી હતી. એમાંથી કંઈને કંઈ સારૂં પરિણામ તો આવીને જ રહેશે.

૨. મારાં માતાપિતાને ખબર નહોતી કે એ સમયે મારો એક બોયફ્રેન્ડ પણ હતો. તે મારી ખબર પૂછવા આવ્યો અને મને સલામત જોઈ ખૂબ રાજી થયો. પણ આસપાસનાં વાતાવરણની બદૌલત મારાથી એને કહ્યા વિના રહેવાયું નહીં કે,’જો, હવે મારા ચહેરાનું શું થશે તે કહેવું મુશ્કેલ છે, એટલે હું તને મારી સાથે બાંધી રાખવા નથી માગતી.’ પહેલાં તો એ થોડો ગંભીર થઈ ગયો, પણ પછી હળવાં સ્મિત સાથે જવાબ આપ્યો કે, ‘મને તારા ચહેરા સાથે કંઈ નિસ્બત નથી. હું જે વ્યક્તિને ચાહું છું તે તો તેનાથી બહુ અંદર છે.’

છએક મહિનામાં મારા ચહેરા પર નવી ચામડી આવવા લાગી. મારાં નાક નીચે એક નાના સા ઘાવનો ડાઘ રહી ગયો છે જે મારી બ્યુટીપાર્લરની તેમ જ બીજી ‘શુભેચ્છક’ આંટીઓ માટે ‘નાની સરખી પ્લાસ્ટિક સર્જરી કરાવી’ લેવાની સલાહ માટેનો ખાસ વિષય બની રહ્યો છે. મારો જવાબ તો એક સાદું સ્મિત જ હોય છે.

મારાં મોટાં થતાં થતાં અજાણપણે જ મારાં મનમાં મેં નક્કી કરી નાખ્યું હતું કે મને એક છોકરો એવો જરૂર મળશે જે મારા રૂપરંગને નહીં પણ હું જે છું તેને, મારાં વ્યક્તિત્વને, મને ચાહશે. હું નસીબદાર પણ નીવડી છું. પરંતુ જો તેમ ન પણ થયું હોત તો પણ લોકોની માન્યતાઓને કારણે મારા માટેનું મારી નજરોમાંનું મારૂં માન જરા પણ ઓછું ન થયું હોત. તમારૂ શરીર તમને કુદરતી રીતે મળેલ છે, તેમાં તમારી કોઈ ભૂમિકા નથી, અને તેમાં યે ચહેરો તેનો માત્ર એક નાનોસો હિસ્સો છે. પરંતુ તમારી બુદ્ધિને કેટલી ખીલવવી, કેટલી ધારદાર અને કેટલી વિશાળ બનાવવી , તેનો કેવો અને ક્યાં શું ઉપયોગ કરવો એ બધું તો તમારા જ હાથમાં છે !


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.

3 comments for “યૂં કિ સોચનેવાલી બાત : સોહામણો ચહેરો

 1. ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
  May 29, 2018 at 12:56 am

  અખબારોની ખરી ખોટી સલાહો અને સુચનો પાછળ, જાતજાતના ક્રીમ, લોશન પાછળ પૈસા ખર્ચતા મુગ્ધ કિશોરોને સચોટ ઉપાય .
  ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી)

 2. May 29, 2018 at 7:09 am

  ખીલ પ્રકરણથી સ્વ – જુવાનીનાં સ્વ-ખીલ યાદ આવી , ખિલ ખિલાટ ખીલી ઊઠ્યો ! થોડીક શબદ રમત…

  ‘હીલ’ ની ખીણમાં આવેલ ઝીલના કાંઠે બેઠેલ ભીલને પણ ખીલ થાય, એમાં કશી ઢીલ ન થાય. પણ ખીલ રિપેર કરવાનું બીલ ભરવું પડે, અને બીલ ભરીને ઈલ થઈ જવાય અને પીલ લેવી પડે. પણ ગભરાવું નહીં – કોઈ ‘કીલ’ નહીં કરી દે!
  લો… આ વાત કેવી ‘ફીલ’ થઈ? એની ફિલમની હવે રીલ ન રાખવી પડે – યુ ટ્યુબ નો જમનઓ છે. ના ગમી હોય તો સીલ !

 3. May 29, 2018 at 10:41 pm

  તમારી હિમ્મત, વૈચારિક્તા અને આન્તરિક સ્વસ્થતાને નમન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *