





ડૉ.દર્શના ધોળકિયા
ભારતના મહાન જ્ઞાનપુરુષ શંકરાચાર્યે મનુષ્યનાં ત્રણ પારનાં ભાગ્ય ગણાવ્યાં છે :
દુર્લભ ત્રયમેવૈતદ્ દેવાનુગ્રહ હેતુકમ્
મનુષ્યત્વં મુમુક્ષત્વં મહાપુરુષ સંશ્રય
અર્થાત્ મનુષ્યત્વ, મુક્તિ માટેની ઉત્કટ અભિલાષા અને કોઈ મહાત્માનો આશ્રય પ્રાપ્ત થવો – આ ત્રણેય દુષ્પ્રાપ્ય જ છે. અને જ્યાં પણ તે જોવા મળે છે, ત્યાં સમજવું જોઈએ કે આ કેવળ ઈશ્વરની કૃપાના કારણે છે.
મનુષ્યને જ ઇચ્છાઓ જાગે જાગતી હોય છે. તેને પૂરી કરવાની આવડત પણ તેનામાં આવી જતી હોય છે. પણ આ ઇચ્છાઓ સામાન્યતઃ વાસાનાની કોટિએ જ અટકી હતી હોય છે. ધનપ્રાપ્તિ, કીર્તિ, દરજ્જો જેવી ભૌતિક ઇચ્છાઓમાં જ અટવાયેલો મનુષ્ય જીવનનું ઊર્ધ્વીકરણ કરવાને માટે કાસ ઇચ્છુક હોતો નથી. હજારોમાં કોઈ એકાદને જ આવી ઇચ્છા જાગે છે. કોઈક તત્વની શોધ, જેનાથી પોતે છૂટો પડી ગયો છે એ અનંત તત્વની અભીપ્સા માની લઈએ કે જાગે છે ત્યારે પણ આ શું થઈ રહ્યું છે તેની એવા લોકોને સમજ પડતી નથી. એ સમજ ત્યારે જ પડે છે જ્યારે એ અનંત તત્વને પામીને બેઠેલું કોઈ નીવડેલું વ્યક્તિત્વ આ અભીપ્સુ આત્માનો હાથ પકડીબે તેને યોગ્ય માર્ગે દોરે. સદભાગ્યનાં આ ત્રણ પગથિયાં છે. ત્રણેયમાં ક્રમ ચઢતો ચઢતો અંતે પરાકાષ્ઠાને પામે છે. મુક્તિ માટેની અભિલાષા ને મહાપુરુષનો સંશ્રય અચાનક જ ઘટી કે છટકી પણ જતો હોય છે. તેને માટે કરવામાં આવતા પ્રયત્નોથી એ હાથ લાગતો નથી હોતો. આથી જ આચાર્ય શંકર જેવી તાર્કિક વ્યક્તિ પણ એમાં ઈશ્વરનો અનુગ્રહ જુએ છે. આ ઘટનાનો દેશ-કાળથી પર છે કેમ કે વિરાટ સ્વરૂપે ફેલાયેલું ચૈતન્ય ક્યારે, ક્યાંથી પ્રગટે એ કહેવું મુશ્કેલ હોય છે. યોગ્ય સમયે આ ત્રણેય વસ્તુઓનું સંયોજન થઈ જતું હોય છે. બહારથી એ અચાનક થયેલું ભાસે છે પણ આંતરિક રીતે જોતાં ધીમે ધીમે એની ભૂમિકા રચાતી જતી હોય છે.
ભારત દેશ અને હિન્દુ ધર્મ આમ તો સતત પરદેશી પ્રજાઓ ને ધર્મોથી દબાયેલા રહેલા જણાય છે. પણ ભારતની આધ્યાત્મિક ખોજ એટલી તો પ્રબળ રીતે ઊંચાઈ પર રહી કે જગતભરનાં લોકો ભારતીય ચિંતનનાં વૈચારિક ઊંડાણથી આકર્ષાયાં છે. તેમાંયે ખાસ કરીને પાશ્ચાત્ય દેશોની મહિલાઓને ભારતીય ચિંતન વિશેષ માત્રામાં આકર્ષી ગયું છે. ત્યાં સુધી કે આ મહિલાઓએ પોતાનાં સુખી જીવનને ત્યાગીને ભારતને પોતાની સાધનાભૂમિ તેમજ કર્મભૂમિ તરીકે પસંદ કરીને ભારતીય થવામાં ગૌરવ ને શાંતિ અનુભવ્યાં છે. સિસ્ટર નિવેદિતા, મેડેલીન સ્લેડ, શ્રી માતાજી, એની બેસન્ટ, સોફિયા વાડિયા વગેરે જેવી મહાન મહિલાઓએ ભારતને પોતાની કર્મભૂમિ બનાવીને, આત્મકલ્યાણનું માધ્યમ બનાવ્યું. આ સ્ત્રીઓની આ પ્રકારની નિયતિ હતી, જેને આચાર્ય શંકરે ઈશ્વરકૃપા એવું નામ આપ્યું.
આ સૌ મહિલાઓમાં માતાજીનું વ્યક્તિત્વ ઘણી રીતે જુદું પડે તેવું છે. બાળપણથી જ તેમના જીવનની આસપાસ રહસ્યનું આભામંડળ ફેલાયેલું છે. મેડેલીન સ્લેડ કે માર્ગારેટ નૉબલની જેમ તેમને કોઈ આધ્યાત્મિક બેચેનીમાંથી પસાર થવું પડ્યું નથી. એક પ્રકારની ઊંચાઈ સાથે જ તેમનો જન્મ થયો છે. આમ, તેમની આધ્યાત્મિકતા જન્મજાત છે.
મીરા આલ્ફસ્સા તરીકે ઈ.સ.૧૮૭૮ની ફેબ્રુઆરીની ૨૧મી તારીખે જન્મેલાં માતાજીના પિતા ધનવાન બેન્કર હતા. બાલ્યાવસ્થામાં તેમને ખૂબ જ સુખ-સાધનો સાંપડેલાં. પાંચમાં વર્ષથી જ તેમનું રહસ્યમય (mystic) વ્યક્તિત્વ જુદું તરી આવતું. તેમને માટે બનાવેલી ખુરશીમાં બેસીને તો ઊંડા ધ્યાનમાં ઊતરી જતાં. તેમની ગંભીરતા તેમની ઉંમરને માટે યોગ્ય નહોતી. આથી તેમનાં બુદ્ધિવાદી માતા અકળાઈ ને તેમને પૂછતાં, ‘અરે, તું આવું ભારેખમ મોઢું કરીને કેમ બેસે છે ? શું આખી દુનિયાનો ભાર તારા ઉપર છે ?’ ત્યારે નાની મીરા કહેતી : ‘હા, આખી દુનિયાનું દુઃખ મારા પર ઊતરી રહ્યું હોય તેવું મને જણાય છે.’ ચેતનાની આ વિશાળતા મીરાએ બાળપણથી જ અનુભવી. તેમની અંદર રહેલો પ્રજ્ઞાપ્રકાશ જીવનભર તેમને દોરતો રહ્યો. તેઓ નોંધે છે તેમ : ‘હું પાંચ વર્ષની હતી ત્યારથી માંડીને પૃથ્વી ઉપરનાં મારાં છેલ્લાં ૮૬ વર્ષ દરમિયાન હું એને હંમેશા જોતી રહી છું. મારું જીવન મેં એ પ્રમાણે ગાળેલું છે, એ મારો માર્ગદર્શક પ્રકાશ રહેલો છે.’
આ વસ્તુ દર્શાવે છે તેમ માતાજીને નાનપણથીજ એક પ્રકારનું આત્મદર્શન પ્રાપ્ત થયેલું છે. તે માટે તેમને કોઈ ગુરુની જરૂર પડી નથી. આ પ્રકારનાં દર્શનનો લાભ દુનિયાને કઈ રીતે આપવો તેના આયોજન માટે જ તેમનાં જીવનમાં બે ગુરુજનો શ્રી થેયાઁ ને મહર્ષિ અરવિંદનું આગમન થયું છે. એક રીતે જોતાં આ બંને મહપુરુષો માતાજીનાં સમાનધર્મા જ છે. માતાજીએ આ બંનેની મદદ લઈને પોતા પર ઊતરી આવેલા દુનિયાના દુઃખને હળવું કરવાનો જીવનધર્મ બજાવ્યો છે. આથી જ જીવનમાં શું કરવું જોઈએ જેથી આત્મકલ્યાણ ને સાથોસાથ લોકકલ્યાણ થાય – એવો પ્રશ્ન માતાજીને જાગ્યો નથી. કોઈક અસાધારણ શક્તિને લઈને તેઓ સિદ્ધ યોગિનીના રૂપમાં જ પ્રાદુર્ભાવ પામ્યાં છે. તેમને સાંપડેલો પ્રકાશ તેમને ક્યાં લઈ જાય છે એ તેમણે પોતે પણ તદ્દન તટસ્થ થઈને, રહીને જોયું છે. જીવનનું કેન્દ્રબિંદુ આરંભથી જ તેમને સુલભ બન્યું છે. એ બિન્દુએ તેમના જીવનપ્રવાહને જ્યાં જ્યાં વહેવડાવ્યો ત્યાં ત્યાં તેઓ વહ્યાં. તેમનું આ વહેવું સૌને માટે કલ્યાણપ્રદ બન્યું. આ ઘટનાને ચમત્કાર પણ કહી શકાય, સિદ્ધિ પણ કહી શકાય. તેમને પોતાને તો આ બધું એટલું સહજ લાગ્યું છે કે તેમણે પોતાના જીવનમાં બનેલી ઘટનાઓને ચમત્કાર તરીકે જોઈ પણ નથી અને ઘટાવી પણ નથી. માત્ર જે અનાયાસે મળ્યું છે તેનો પૂરો ઉપયોગ તેમણે કરી લીધો છે.
માતાજીમાં રહેલાં વિશિષ્ટ ગુણલક્ષણોએ કરીને તેમનાં મિત્રવર્તુળે તેમનું નામ પાડેલું ‘સ્ફિંક્સ’. આ ગ્રીક શબ્દનો અર્થ થાય છે રહસ્યમયી રમણી. તેમના વ્યક્તિત્વમાં કશુંક એવું હતુ જેનાથી સૌ કોઈ આકર્ષાતું હતું છતાં તેમને પામી શકતું નહોતું. ચાર વર્ષની બાળકી મીરા ધ્યાન કરતી ! અનેક પ્રકારનાં તેજોવર્તુળનું દર્શન કરતી. નિદ્રાવસ્થામાં કેટલાક ગુરુઓ દ્વારા દર્શન પામતી. ધ્યાનમાં એક વાર હિંદુ ધર્મના અવતાર શ્રીકૃષ્ણનાં પણ દર્શન કરેલાં. જો કે ત્યારે એમના વિશે મીરા કશું જ જાણતી નહોતી. પાછળથી તેમની એ શોધ પૂરી થયેલી. તેમને થયેલાં દર્શનો સ્થળ-કાળથી પર હતાં કેમ કે સમગ્ર માનવજાતનું કલ્યાણ એ જ તેમનું ધ્યેય હતું. સ્થળ-કાળ-પદાર્થ પ્રત્યેની આ નિરપેક્ષતાએ કરીને જ તેઓએ વૃક્ષો સાથે, પ્રાણીચેતના સાથે ને અંતે પોતાના મહાન ગુરુઓની ચેતના સાથે અદ્વૈત સાધ્યું. આ પરથી જણાય છે તેમ, માત્ર લોકકલ્યાણ એ જ તેમનો હેતુ નહોતો, પદાર્થ માત્રની ચેતના સાથે એકતા અનુભવવાની તેમની મહેચ્છાએ તેમને પદાર્થમાત્રનાં કલ્યાણી ઠેરવ્યાં. પથ્થરમાં પણ પ્રાણતત્વ રહેલું છે એવો સિદ્ધાંત જૈન ધર્મે તો પ્રતીતિ સાથે આપેલો જ છે. એ સિદ્ધાંત પર માતાજીએ અનેક પ્રયોગો કર્યા.
જપાનમાં માતાજીએ વૃક્ષની ચેતના સાથેનું અદ્વૈત અનુભવાયું. ત્યાં થતાં ચેરી વૃક્ષની નીચે ધ્યાનમાં બેઠેલાં માતાજીએ પોતાનો અનુભવ નોંધતાં જણાવ્યું: “એક ગહન ધ્યાનાવસ્થાએ મને પોતાનામાં મગ્ન કરી દીધી. મેં જોયું કે હું એ વૃક્ષના પુષ્પ સાથે એકરૂપ બની રહી છું. પછી એ પુષ્પો સાથેની એકરૂપતા દ્વારા હું બધાંયે ચેરી-પુષ્પો સાથે એકરૂપ બનવા લાગી છું. અને પછી એક નીલરંગની શક્તિના પ્રવાહની પાછળ ચાલતાં ચાલતાં હું ચેતનામાં જેમ જેમ વધુ ઊંડે ઊતરતી ગઈ ત્યાં હું પોતે જ એકાએક ચેરી વૃક્ષ બની ગઈ…મનુષ્યના અને વૃક્ષના શરીર વચ્ચે શો ભેદ છે? વાસ્તવમાં કશો જ નહીં. બંનેની પાછળ ધબકી રહેલી ચેતના એક જ છે.”
વૃક્ષ પછી એક બિલાડી ઉપર પણ માતાજીએ તેની ચેતના ચકાસવાનો પ્રયોગ કરેલો. તેઓ આ અંગે નોંધે છે : “હું એક પ્રકારનો પ્રયોગ કરવા સારુ બિલાડીઓમાં રસ લેતી હતી. એને જો તમારે કહેવું હોય તો, એક પ્રકારની ઊલટી દિશામાંનો જન્માંતર કહી શકાય. એટલે કે મારે એ જોવું હતું કે પ્રાણીઓ જો તેમના હવે પછીના જન્મમાં માનવદેહમાં પ્રવેશવા માટે તૈયાર હોય તો એમનો પ્રાણી તરીકેનો છેલ્લો જન્મ હતો કે કેમ ! મારો પ્રયોગ સંપૂર્ણપણે સફળ થયેલો. મારી પાસે તદ્દન ખાતરીલાયક એવા ત્રણ દાખલાઓ બનેલા જેમાં તે પ્રાણીઓનો ચૈત્ય પુરુષ એટલા પ્રમાણમાં વિકસિત થયેલો હતો કે જેથી તેઓ માનવદેહમાં પ્રવેશી શકે.” આ જ રીતે, આગળ જઈને માતાજીએ ઇચ્છ્યું કે માનવીની ચૈત્ય ચેતનાનો વિકાસ થાય તો છેવટે મનુષ્ય-યોનિમાંથી પણ મુક્તિ મળે. મનુષ્ય યોનિમાંથી મુક્તિ એટલે મૂળ સ્વરૂપ સાથેનું જોડાણ. માતાજી જેના માટે મથ્યાં તે તત્વ આ હતું. આ પ્રકારની વાતો આજે પણ દરેકને ગ્રાહ્ય બને તેવી, સ્વાભાવિક રીતે જ, ન હોય. એટલા માટે માતાજીએ પોતાનું દેખીતું સ્વરૂપ એક કલ્યાણની કામના કરતી સ્ત્રીનું, માતૃભાવે સૌને અનુકૂળ આવે એવું પથ્ય બનાવતી વ્યક્તિ તરીકેનું જ રાખ્યું. તેમને સમજ્યા હતા માત્ર મહર્ષિ અરવિંદ. જેમના દર્શન માતાજીએ બાલ્યાવસ્થામાં સ્વપ્નપ્રદેશમાં કરેલાં.
મહર્ષિ અરવિંદ સુધી પહોંચતાં પહેલા સક્રિય આધ્યાત્મિકતા સિદ્ધ કરવા માટે માતાજીએ ગુહ્ય વિદ્યાનો પ્રદેશ ખેડ્યો. શરીરને, મનને મજબૂત કરવા માટે તેમણે સત્તાવીશ વર્ષની ઉંમરે, ઈ.સ.૧૯૫૦માં અલ્જેરિયામાં આવેલા ત્લેમએમ નગરમાં ગુહ્ય વિદ્યાના વિખ્યાત તજજ્ઞ એમ. થેયા પાસે એ વિદ્યા શીખવા પ્રયાણ કર્યું. માતાજીના સ્વભાવ મુજબ આ વિદ્યામાં પણ ઊંડે સુધી જઈને તેમણે પ્રભુત્વ મેળવ્યું. શરીરમાંથી બહાર નીકળવું, દૂરથી વસ્તુઓને હલાવવી વગેરે જેવી બાબતો તેમને કરતાં આવડતી. પણ આ વિદ્યા તેમને માટે કંઈ પ્રદર્શનનો મુદ્દો નહોતી. તેમના ગુરુ શ્રી થેયાઁ તથા માતાજી પોતે પણ જાણતાં હતાં તેમ, આ પ્રકારનું જ્ઞાન માતાજીનું અંતિમ લક્ષ્ય નહોતું. તેમના ગુરુ તેમની રાહ જોતા હતા. ખુદ માતાજીને પણ ઈ.સ.૧૯૦૬માં એવું જણાયેલું કે પોતે આ જગતમાં એક ઊર્ધ્વ પ્રકાશને નીચે લઈ આવવાને માટે અવતરેલાં છે.
જીવનની મહત્તમ સિદ્ધિ ચેતનાનું ઊર્ધ્વીકરણ કરવામાં રહેલી છે, ચમત્કાર કરવામાં નહીં એ વાતની ભેદરેખાને બરોબર પામી ચૂકેલાં માતાજીએ પોતાને મળેલી સિદ્ધિઓનું પણ અતિક્રમણ કર્યું અને નોંધ્યું : “…આપણે જેમ જેમ સત્યની નજીક જતાં જઈએ છીએ તેમ આપણને સર્વ પ્રકારના છળપ્રપંચ સામે, દંભ અને અસત્ય સામે રક્ષણ મળી આવે છે…અને એ રીતે જેને સાચી ગુહ્ય શક્તિ મળી આવેલી હોય છે તેને સાથે સાથે પોતાના આંતર સત્યના બળમાંથી દરેક રીતના જાદુ, કાળાં કે ધોળાંકે કોઈ પણ રંગના જાદુ નિર્મૂળ કરી દેવાની શક્તિ, એ સત્યનું માત્ર એક બિંદુ અડતાંવેંત જ, મળી આવે છે.” માતાજીમાં રહેલી ગુહ્ય શક્તિનો તેમણે કોઈ ભેદભરમ જેવો, લોકોને આકર્ષતો ઉપયોગ ન કર્યો તેના મૂળમાં તેમનામાં રહેલી સત્યની શોધ ભણીઆગળ ધપવાની અભીપ્સા હતી. સિદ્ધિ ને અધ્યાત્મ વચ્ચે આ પ્રકારની પરખ કરવાની શક્તિ યથાર્થ રૂપની આધ્યાત્મિક ચેતના ધરાવતી વ્યક્તિઓમાં જ હોય છે. આ પરખને કારણે જ માતાજીમાં રહેલો ચેતનાપ્રવાહ મહર્ષિ અરવિંદના ચેતનાપ્રવાહ સાથે સમન્વિત થઈ શક્યો. એમના ગુરુ શ્રી થેયાએ તેમનામાં પ્રેરેલી સમજ પણ તેમાં મોટા પ્રમાણમાં કારણભૂત બની.
અધ્યાત્મજીવનમાં ઉત્તરોત્તર ઊંડા ઊતરતાં માતાજીએ સંસાર વ્યવહાર ને અન્ય શોખોને પણ પોતાના જીવનમાં એક ઘટના તરીકે પ્રવેશ આપ્યો. ઓગણીસ વર્ષની વયે એન. મોરિસ્સે સાથે તેમનું લગ્ન થયું. પુત્ર આન્દ્રેનો જન્મ પણ થયો. ઈ.સ.૧૯૧૦ની આસપાસ મોરિસ્સેથી તેઓ છૂટાં પડ્યાં ને ફ્રાન્સના જાણીતા અધ્યાત્મપાત્રી શ્રી પૉલ રિશાર સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. બાળપણથી જ ચિત્ર, સંગીત – એ બે કલાઓમાં તેમને ખૂબ રસ હતો. આ બંનેમાં પારંગત બનીને રમત-ગમતના ક્ષેત્રમાં પણ રસ લીધો. આઠ વર્ષની ઉંમરે હ ટેનિસ પણ શીખેલાં ને સારા ખેલાડીઓ સાથે રમેલાં. પણ જેમ ગુહ્ય વિદ્યા એ તેમનું અંતિમ લક્ષ્ય નહોતું તેમ આ બધું પણ તેમના માટે પ્રકીર્ણ બની રહ્યું. બીજો જ કોઈ અવાજ તેમને સંભળાઈ રહ્યો હતો. તેમની ચેતના સતત એક પ્રકારનું આરોહણ અનુભવતી હતી. જે તેમની ઉંમરના પ્રમાણમાં વધારે ઊંચું હતું. જોવાનું એ છે કે તેમને થતા વિવિધ અનુભવો તેમનામાં વિસ્મય જગવતા નહોતા પણ તેમને રાહ જોવાનું જ માત્ર યાદ કરાવતા હતા. તેઓએ નોંધ્યું છે : “અગિયાર અને તેર વર્ષની વચ્ચે મને અનેક ચૈતસિક અને આધ્યાત્મિક અનુભૂતિઓ થતી રહેલી અને તેમાં મને જણાયેલું કે પ્રભુનું અસ્તિત્વ છે જ એટલું નહીં પણ મનુષ્ય પ્રભુને મળી પણ શકે તેમ છે, ચેતનામાં અને ક્રિયામાં તેમને પૂર્ણ રીતે પ્રગટ કરી શકે છે, પૃથ્વી ઉપર એક દિવ્ય જીવનમાં તેમનો આવિર્ભાવ આપી શકે છે. મારું શરીર નિદ્રામાં હોય તે વખતે કેટલાક ગુરુઓ મને આ વસ્તુ સમજાવતા હતા તથા તેને સિદ્ધ કરવા માટેની વ્યવહારુ સાધના પણ શીખવતા હતા. એમાંના કેટલાકને તો મારે પછીથી સ્થૂળ ભૂમિકા ઉપર મળવાનું પણ બન્યું હતું. પછીથી આગળ જતાં, આંતરિક તેમ જ બાહ્ય વિકાસ થતો ગયો તેમ તેમ, આ ગુરુઓમાં એક ગુરુ સાથે મારો આધ્યાત્મિક તથા ચૈતસિક સંબંધ વધુ ને વધુ સ્પષ્ટ બનવા લાગ્યો અને અર્થસભર બની રહ્યો…”
માતાજીએ પહેલાં અનુભવેલા ને પછી મેળવેલા એક ગુરુ તે મહર્ષિ અરવિંદ. માતાજી ભારત આવ્યાં તે પહેલાં તેમના પતિ શ્રી પૉલ રિશાર ભારત આવીને શ્રી અરવિંદને મળેલા. તેમણે માતાજીને દેખાયેલાં કમળનાં પ્રતીકનો અર્થ પૂછેલો જે અરવિંદે ઉકેલી આપેલો. આ પછી માતાજી દંપતીનો શ્રી અરવિંદ સાથે પત્રવ્યવહાર પણ શરૂ થયેલો. માતાજીના પત્રોને આધારે શ્રી અરવિંદે તેમને એક મહાન દીક્ષિત વ્યક્તિ તરીકે ઓળખાવેલાં.
મહર્ષિ પાસે આવતાં પહેલાં, પેરિસના ચળકાટવાળા સમાજમાં રાજકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પતિની સાથે રહેતાં માતાજીને કોઈ બેચેની સતાવવાનું કારણ નહોતું કેમ કે યોગવિદ્યામાં, ધ્યાનમાં અર્થાત્ અધ્યાત્મજીવનમાં તેઓ એટલાં બધાં ઊંચાં આસન પર બેઠેલાં હતાં કે તેમને કોઈ માર્ગદર્શનની જરૂર નહોતી. માતાજીને આ સમય દરમિયાન જે વ્યથા હતી તે લોકોનાં દુઃખ અંગેની હતી. તેમની એક પ્રાર્થનામાં આ વ્યથા સાંગોપાંગ ઊતરી આવી છે : “હે પ્રભુ, હું તને પુકારું છું : મને એક એવી સળગતી ભઠ્ઠી બનાવી દે કે જેમાં સઘળી વેદના ભરખાઈ જતી હોય; એ વેદનાનું તે એક આનંદભર્યા પ્રકાશમાં રૂપાંતર કરી નાખતી હોય અને એનાં કિરણો સૌ કોઈનાં હૃદયમાં રેડાઈ રહેતાં હોય.”
પોતાને પ્રાપ્ત થયેલી ચેતના સૌ કોઈને માટે ગ્રાહ્ય બને એવી માતાજીની ઇચ્છાને સમજીને એને પોષવાનું, સંવર્ધવાનું કામ શ્રી અરવિંદે કર્યું. ઈ.સ.૧૯૧૪ના માર્ચની ૨૯મી તારીખે માતાજી શ્રી અરવિંદને મળ્યાં. બંનેનાં પ્રથમ મિલનની ક્ષણ મૌન દ્વારા જ મુખરિત થઈ. શ્રી કે.ડી.સેઠનાએ આ ક્ષણને નોંધતાં જણાવ્યું છે : ‘માતાજી શ્રી અરવિંદને મળ્યાં તે પૂર્વે જગતના ઉદ્ધાર માટેના અનેક રીતના વિચારો ધરાવતાં હતાં…કળાજગતના વિચારો, સામાજિક અને ધાર્મિક વિચારો…શ્રી અરવિંદનું દર્શન થતાં શ્રી માતાજીમાં એવી અભીપ્સા જાગી કે પોતાની બધી જ માનસિક રચનાઓ બંધ થઈ જાય…તેઓ એક શબ્દ પણ બોલ્યાં નહીં. શ્રી અરવિંદ પણ કાંઈ બોલ્યા નહીં…’
કોઈ પણ સાચા શિષ્યને ગુરુ પાસે આવીને પોતામાં જે હતું તે ખાલી થયેલું ને કશુંક નવું દાખલ થયું હોવાનું, ભરાયાનું અનુભવાય છે. ગુરુ શિષ્યને જે આપે છે તેનાથી શિષ્યનું સ્વત્વ અપહૃત થઈ જાય છે. શિષ્ય ગુરુમાં ભળી જાય છે. માતાજીને પણ શ્રી અરવિંદને મળતાં આવો જ અનુભવ થયો. થોડા દિવસો પછી તેમણે પોતાની નોંધપોથીમાં લખ્યું : “મને લાગે છે કે હું એક નવા જીવનમાં જન્મ પામી રહી છું અને ભૂતકાળની બધી કાર્યપદ્ધતિઓ અને ટેવો હવે કશા કામમાં આવે તેમ નથી. મને લાગે છે કે પહેલાં જે વસ્તુ એક પરિમાણ રૂપે બની આવેલી હતી એ હવે તો માત્ર એક તૈયારી જ બનેલી છે…જાણે કે મારા બધા જ ભૂતકાળને મારી પાસેથી લઈ લેવામાં આવ્યો છે, મારી ભૂલોને તેમ જ મારા વિજયોને લઈ લેવામાં આવ્યાં છે, જાણે કે એ બધું એક નવી જન્મેલી વ્યક્તિને જગા કરી આપવાને અદ્રશ્ય બની ગયું હતું. એ વ્યક્તિ કે જેના સારાયે અસ્તિત્વનો આકાર હજી તો બનવાનો છે…મારા હૃદયમાંથી કૃતજ્ઞતાનો એક વિશાળ ભાવ ઉપર આવી રહ્યો છે. જે ઉંબરની મે અત્યાર લગી શોધ કરી હતી ત્યાં હું આખરે આવી ગઈ છું એમ લાગે છે.” બાલ્યાવસ્થાથી માંડીને પોંડીચેરી આવેલાં ૩૭ વર્ષીય માતાજીમાં સિદ્ધિ, સમજ, આધ્યાત્મિક ચેતના – આ સર્વ કંઈનો સંપૂર્ણ વિકાસ થયેલો હોવા છતાં મહર્ષિ પાસે આવ્યા પછી માતાજીને પોતાની આકૃતિ ઊપસવાની બાકી લાગે એવા એકરારમાં તેમણે અરવિંદ સાથે બાંધેલા ગુરુના સંબંધનું શું મૂલ્ય કરી જાણ્યું છે તે સમજાય છે. ચેતનામાં ઊંડે ઊતરવા મથતા મનુષ્ય માટે ગુરુની જરૂરિયાત કેટલી તીવ્ર હોય છે તેની આ નોંધ પ્રતીતિ કરાવે છે. માતાજીની ચેતના ખરેખર તો એટલી વિકસિત હતી કે શ્રી અરવિંદે કંઈ કરવાનું બાકી જ નહોતું. એક રીતે તો અરવિંદ માતાજીની રાહ જોઈ રહ્યા હતા. તેમની પાસે જે હતું તેની ભાગીદારી કરી શકે તેવી કોઈ વ્યક્તિની મહર્ષિને જરૂર હતી. બંને જને પોતપોતાની ઊંચાઈને ટકાવવા માટે પરસ્પરનો ટેકો લીધો છે. આ પ્રકારનું સખ્ય માત્ર ગુરુ-શિષ્ય સંબંધમાં જ શક્ય હોઈ, આ બંની પોતાના માટે આ સંબંધ પર પસંદગી ઉતારી છે એટલું જ બહુ બહુ તો કહી શકાય.
માતાજીએ જીવનના તેરમા વર્ષથી જ પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા, પ્રેમ અનુભવ્યાં હતાં. નિદ્રાધીન થયા પછી તેમને લાગતું કે તેઓ શરીરમાંથી બહાર નીકળી ગયાં છે. તેમના શરીર પર એક ભવ્ય સોનેરી ઝભ્ભો છે જે તેમના શરીર કરતાં પણ લાંબો છે, આ ઝભ્ભા નીચે બધી દિશાઓમાંથી લોકો આવીને આશ્રય લેતાં. ઝભ્ભામાંથી નીકળતી વખતે બધાં જ સ્વસ્થ ને સુખી જણાતાં. માતાજી માટે આ અનુભવ ચોવીસ કલાકમાંનો શ્રેષ્ઠ અનુભવ હતો જેના પાસે બીજી પ્રવૃત્તિઓ નિષ્પ્રાણ જણાતી. તેમનામાં રહેલી કરુણાએ તેમને અનેક પ્રયોગો તરફ દોરી ગઈ તેમાં વૃક્ષચેતના ને પ્રાણીચેતના સાથેનું તેમનું તાદાત્મ્ય તેમણે ચકાસ્યું. આ અનુભવોમાં રહેલી સચ્ચાઈ જ તેમને શ્રી અરવિંદ પાસે દોરી ગઈ ને બંનેનું ચૈતસિક મિલન શક્ય બન્યું. મહર્ષિ પાસેથી માતાજી ૧૯૧૫ના ફેબ્રુઆરીમાં, બરાબર પોણા અગિયાર માસ પછી ફ્રાન્સ પાછાં આવ્યાં. પ્રથમ વિશ્વયુદ્ધનાં વાતાવરણે કરુણાર્દ્ર મીરાની સાધના પર પણ ઘેરી અસર કરી. પણ બાહ્ય તોફાનોને પણ માતાજી પસાર કરતાં ગયાં. તેમના ચેતનતત્વનો વિકાસ તેમને અનેક પ્રકારનાં દર્શનોમાં ખેંચી જતો. એક વાર પેરિસના એક મકાનમાં, એક મોટા બગીચાવાળા તંબુમાં, કારખાનામાં સાંજની વેળાએ માતાજીને પોતે આખી પૃથ્વીરૂપે હોય એવું જણાયું. આ ગૂઢ અનુભૂતિ તેમણે મહર્ષિને જણાવી. મહર્ષિએ એની સમજૂતી આપતાં માતાજીને જણાવ્યુંતે મુજબ એ અનુભૂતિ વૈદિક અનુભૂતિ હતી. માતાજીને અનુભવાયેલી પૃથ્વી તે વેદોમાં કહેવાયેલી પૃથ્વી; આ જગત એ પૃથ્વીની પ્રતિચ્છવિ. શ્રી અરવિંદનું અર્થઘટન સૂચવે છે તે મુજબ માતાજીની ચેતના વિહરતી હતી જેનું અનુસંધાન ભારતીય દર્શન સાથે જોડાયેલું હતું. આથી જ માતાજીનાં દર્શનોને મહર્ષિ અરવિંદ ઉકેલી શક્યા છે.
૧૯૧૫થી ૧૯૨૦ના પાંચ વર્ષના ગાળા દરમિયાન માતાજી માટે ભૂતકાળ ગૌણ બનતો ચાલ્યો. વિશ્વયુદ્ધે આપેલી નિરાશામાં પતિ સાથેના સંબંધોમાં આવતું અતડાપણું ભળતાં માતાજી ખિન્ન બન્યાં. મહર્ષિ તરફનું તેમનું ખેંચાણ વધતું ચાલ્યું. આથી પતિ-પત્ની બંની પોંડીચેરી જવાનો નિર્ણય કર્યો. ઈ.સ.૧૯૨૦મી ૨૪મી એપ્રિલે રિશાર દંપતી પોંડીચેરી આવી પહોંચ્યું. આ વખતે પોંડીચેરીમાં પ્રવેશતી વખતે માતાજીને તીવ્ર આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ. અરવિંદનું મિલન માતાજી માટે કંઈ નવું નહોતું પણ આ વખતે તેઓ હંમેશને માટે ગુરુ પાસે આવી રહ્યાં હતાં તેથી એમના અનુભવોને પણ જાણે કે નવું પરિમાણ મળ્યું. આ મહાન ઘટનાની કિંમત રૂપે હોય તેમ પોંડીચેરી આવ્યા પછી તરત એમને પતિથી છૂટા પડવાનું આવ્યું. પતિને, પત્નીના અરવિંદ સાથેના ઐક્યને જોઈને શંકાઓ પણ જાગી ને તેમને પત્ની સાથે મતભેદ પણ થવા લાગ્યો. મહર્ષિ પણ આ બંને વચ્ચે પડતું જતું અંતર જોઈ શકતા હતા. માતાજીને આ સંબંધ તૂટવાની, તેમાં રહેલી અણસમજને કારણે, વ્યથા હતી. પણ તેઓ નિરુપાય હતાં. જીવનની પ્રાપ્તિ કરવા માટે તેમાં આડે આવતાં વિઘ્નો તેમણે છોડવાં જ પડે એવું અનિવાર્ય જણાતાં બંને છૂટાં પડ્યાં જેનો શ્રી રિશારે જીવનભર રંજ અનુભવ્યો હોય તેવું એમના કેટલાક વાર્તાલાપો પરથી જોવા મળે છે. પણ માતાજી ગુરુ પાસે આવ્યા પછી ભૂતકાળને સંપૂર્ણપણે વીસરે છે. આશ્રમમાં આવીને તેમણે કોઈ પ્રકારની દીક્ષા પણ લીધી નથી. તેમનું આગમન જ એક પ્રકારની દીક્ષા બની રહે છે.
માતાજીના આશ્રમમાં આવવાથી પ્રારંભમાં અરવિંદના શિષ્યોને તકલીફ પણ પડી છે, તેઓ મૂંઝવણમાં પણ મૂકાયા છે ને માતાજી પ્રત્યે નારાજ થઈને માતાજીને કષ્ટ પણ આપ્યું છે. પણ આ પરિસ્થિતિથી માતાજી જરાય ગભરાયાં નથી. તેમને તો પોતાનું કર્તવ્ય સ્પષ્ટ રીતે સમજાયું છે ને તેને શ્રી અરવિંદનો ટેકો છે આથી માતાજી આવા સ્થૂળ: સંઘર્ષોને પસાર કરી, સૌનો વિશ્વાસ જીતીને અરવિંદ પાસેથી ‘મા’નું સંબોધન પામે છે. ગુરુને આપેલું માતૃત્વ છેક સુધી સૌને ભીંજવતું રહે છે. એમાં જ માતાજીએ ચૂકવેલી ગુરુદક્ષિણા દેખાય છે. માતાજીના આગમનથી મહર્ષિ સૌના ગુરુ બને છે.
માતાજીએ ગુરુની આધ્યાત્મિક સાથીદારી કરતાં મહર્ષિનો ઘણો ભાર ઓછો થઈ ગયો. તેમને એકાંત સાધનાની તક પણ સાંપડી. ઈ.સ.૧૯૨૬ની ૨૪મી નવેમ્બરે પ્રથમ વાર મહર્ષિએ અધિમનસનો સાક્ષાત્કાર કર્યો. આ સિદ્ધિ પછી શ્રી અરવિંદે સંપૂર્ણ એકાંત સેવ્યું. માતાજીએ જ આશ્રમનો ભાર ઉપાડેને તેને વ્યવહારુ સ્વરૂપ આપવા માંડ્યું. આધ્યાત્મિકતાની સાથોસાથ વ્યવહારુ સૂઝ ધરાવતાં માતાજીએ આશ્રમનું નેતૃત્વ હાથમાં લેતાં જ શ્રી અરવિંદ આશ્રમની રચના થઈ શકી. શ્રી અરવિંદને પણ લાગેલું કે જો માતાજી ન હોત તો તેમના સર્વ સાક્ષાત્કારો માત્ર સિદ્ધાંતરૂપે જ બચ્યા હોત. એમને માતાજીએ વ્યવહારુ રૂપ આપતાં એ સાક્ષાત્કારોનો આવિર્ભાવ વ્યવસ્થિત રીતે થઈ શક્યો.
ચેતનાનાં ઊર્ધ્વીકરણનાં ધારક માતાજી પાસે ગુહ્ય શક્તિઓ તો હતી જ. તેના દ્વારા તેઓ ઘણું કરી શકે તેમ હતાં પણ તેમના ગુરુને મતે એમ કરવાથી માતાજી એક સફળ વ્યક્તિ તરીકે જરૂર જાણીતાં બની શકત. પણ સફળતા એ માતાજીનું ધ્યેય નહોતું. તેમનું ધ્યેય હતું પૃથ્વી ઉપર અતિમનસની સ્થાપના. નવું જગત સ્થાપવા માટે, અરવિંદને મતે માતાજીએ પોતાની સફળતાને વિસર્જિત કરી દેવામાં જ ઔચિત્ય સમાયેલું હતું. માતાજી, ગુરુની દ્રષ્ટિને તરત સમજી ગયાં ને તેમના વિચારને આવકારીને ગુહ્ય વિદ્યાનાં જ્ઞાનની યાદનું તેમણે વિસર્જન કર્યું.
માતાજીએ મહર્ષિની સહાયથી પોતાની સાધનાને એક ચોક્કસ રૂપ આપ્યું. શ્રી અરવિંદને પોતાની આ શિષ્યાને માર્ગદર્શન આપવું જરૂરી લાગ્યું નહોતું. કેમ કે બંનેની ચેતના સરખી રીતે જ કામ કરતી હતી. સંસ્કૃતિના ભેદને લઈને, માતાજીને થતાં દર્શનો કે અનુભૂતિઓને ઉકેલવા માટે જ માત્ર માતાજીને ગુરુની સહાય લેવી પડતી એટલું જ. માતાજીને અને મહર્ષિને જે દર્શન લાધેલું તે તો સંસ્કૃતિ, દેશ ને કાળથી પર હતું કારણ કે તેનો સંબંધ તો ચેતનતત્વ સાથે હતો, દેશકાળ સાથે તો નહીં જ.
૧૯૨૦થી ૫૦ સુધીનાં ત્રીસ વર્ષ માતાજી ગુરુ સાથે રહી શક્યાં. ૧૯૫૦માં મહર્ષિએ શરીર છોડતાં માતાજીની એકલયાત્રા આગળ ચાલી. ૧૯૫૦થી ૧૯૭૩ની ૧૭મી ફેબ્રુઆરી સુધી માતાજીએ આશ્રમનું સતત ઘડતર કર્યું. ઈ.સ.૧૯૫૨ની છઠ્ઠી જાન્યુઆરીએ આશ્રમમાં અરવિંદ યુનિવર્સિટી સ્થપાઈ. માતાજી ઈચ્છતાં કે બાળકોને બધી જ બાબતોનું જ્ઞાન હોવું જોઈએ. આથી સંગીત, ચિત્ર, રમતગમત – વગેરેનો અભ્યાસ કરાવવામાં માતાજીએ જાતે જ રસ લીધો. અનેક પ્રવૃત્તિઓથી ઘેરાયેલાં માતાજી પ્રવૃત્તિમાં જ સાક્ષાત્કારને પામવાનું જણાવતાં.
૧૯૫૬માં માતાજીને ગુરુએ ઇચ્છેલો અતિમનસનો સાક્ષાત્કાર થયો. આ સહ્ક્તિ શરીરનું રૂપાંતર કરનારી હતી. અલબત્ત, તેને ઝીલવા માટે કેટલીક સદીઓ જોઈશે એવું માતાજીનું માનવું હતું. માતાજીમાં રહેલી ચેતના એમના યુગ કરતાં અનેકગણી આધુનિક હતી. અતિમનસથી માંડીને તેમણે કલ્પેલા ને અમલમાં મૂકેલા ઑરોવિલ અર્થાત્ ઉષાનું નગર સુધી તેમની વૌચારિક આધુનિકતા સમજવી મુશ્કેલ પડે તેવી છે. તેમનું ઇચ્છેલું આ નગર સર્વ કોઈનું હોય એવું એમનું માનવું હતું. ત્યાં જે કેળવણી મળે તે બાળકની ઇચ્છા મુજબની હોય, વર્ગશિક્ષકને બદલે શિક્ષકો દ્વારા માત્ર માર્ગદર્શન જ મળે એવી યોજનાઓ તેમણે અમલમાં મૂકાવરાવી.
જીવનને ઊંચાઈ પર લઈ જવા માટે મનુષ્યે પોતાની કોઈ પણ ક્રિયાને પ્રારંભબિંદુ તરીકે જ જોવાની છે એવું માતાજી માનતાં. ભવિષ્ય તો, તેમને મતે, અસંખ્ય શક્યતાઓથી ઝળહળતા સૂર્ય જેવું છે. આ ભવિષ્યને ઉત્તમ બનાવવા માટે માણસને ખોટી વાતચીતમાં, કોઈ વિશે ખોટી જાણકારી મેળવવામાં ન પડવું જોઈએ કેમ કે આ બધું આપણો સમય બગાડે છે ને આપણી ચેતનાને નીચે ઉતારે છે. દિવ્યતાને પામવા માટે આ પ્રકારની ગંદકીથી મુક્ત થવા મથવું એ જ માતાજીના ઉપદેશનો સાર હતો.
ભારત આવીને માતાજીએ સૌને શું આપ્યું ? આ પ્રશ્નનો ઉત્તર માતૃત્વ એવો નથી. જેની જરૂરિયાત થોડી હતી તેવાં લોકોને માતાજીએ ચોક્કસપણે પ્રેમ આપીને ઊભાં થવામાં મદદ કરી. પણ જેઓ માતાજી પાસે તેમના રૂપને ઓળખીને જતા તેવા સાધકોને તેમણે મહામંત્ર આપ્યો. તેમના જ શબ્દોમાં આ મહામંત્ર આવો હતો : “હૃદયમાં એક અગ્નિ જલી રહેલો છે અને તે સારાયે સ્વરૂપને વીંટી રહે છે; એ અગ્નિ દરેક વસ્તુને પ્રકાશિત કરે છે અને વિશુદ્ધ કરે છે. તમે જ્યારે જ્યારે મારી પાસેથી પ્રગતિની માગણી કરો છો ત્યારે તમારામાં હું આ અગ્નિ પેટાવી આપું છું; પરંતુ એ અસત્ય અને અંધકાર સિવાય બીજા કશાનો નાશ કરતો નથી.” આ અગ્નિ પેટાવવો તે કોઈ માત્ર પ્રેમાળ ગુરુનું જ કામ નહોતું. પણ માતાજીનું અવતારકૃત્ય હતું. મહર્ષિ અરવિંદે તેમનામાં જે યોગ્યતા જોયેલી તે આ અગ્નિ પેટાવનાર તરીકેની. માત્ર કોઈની સંભાળ રાખનાર તરીકેની નહીં. માત્ર એટલું જ કે માતાજીમાં જગત પ્રત્યેની કરુણા બાલ્યાવસ્થાથી જ પડેલી હોઈ, તેના કાર્ય કરવાના પ્રકારમાં માર્દવ ઉપર તરી રહેતું. તેઓ સ્ત્રી હોવાથી પણ આ મૃદુતા આગળ પડતી દેખાતી.
પેરિસનાં વતની હોવાને લઈને, કરુણાનાં ધારક હોવાને કારણે, જીવનની દિવ્યતાને પામવાથી માતાજીમાં એક વિશેષ પ્રકારની સૌંદર્યદ્રષ્ટિ વિકસેલી. તેમને મતે સર્જન અને સાધના માટે સુંદરતા આવશ્યક છે. આમ થવાથી આત્માની સિદ્ધિ સભર બને છે. સરવાળે સૌંદર્ય દ્વારા જ આપણે દિવ્ય તત્વની શોધ કરીએ છીએ. આ માટે માધ્યમ બને છે ધર્મ. માતાજીએ જીવનનાં એકએક સાર તત્વને પોતાની વિચારધારામાં ગૂંથી લીધું. આથી જ મહર્ષિ અરવિંદ જેવા યોગીએ તેમના માટે નોંધ્યું :
“એ સુવર્ણસેતુ છે, આશ્રર્યાગ્નિ છે,
અજ્ઞાતનું તેજભર્યું હૈયું છે,
દેવત્વનાં ઊંડાણોમાંની શાંતિની એ જ શક્તિ છે,
ચેતન છે એ, અપરિહાર્ય શબ્દ છે એ.”
શ્રી અરવિંદને મતે આરંભથી જ બંનેની સાધનાના માર્ગ એક જ હતા. આ એકત્વે કરીને ફ્રાન્સનાં આ ‘રહસ્યમયી રમણી’ ભારતની ભૂમિમાં અરવિંદની ચેતનામાં જઈને ભારતીય પ્રજા માટે આગંતુક ન રહેતાં વિરાટ ચેતનાનાં વાહક સિદ્ધ થયાં.
*****
ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com
સંપાદકીય નોંધ – આ લેખમાં મૂકેલી તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે.
માતાજીને ઘણી વખત જોયાં છે. ૧૯૫૩ માં તો ટેનિસ રમતાં પણ જોયાં હતાં. ૧૯૬૯ માં તો તેમના રૂમમાં આશિર્વાદ લેવા જવાનો લ્હાવો મળ્યો હતો. તેમનો બહુ જ ગમતો સંદેશ..
Let us work as we pray, for work indeed is body’s best prayer to the Divine.
પ્રણામ.