કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૪૧

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

સાદાઈથી બધા જ પ્રસંગો કરવાના હોવાથી સરલાબહેનને કામનો ભાર ખાસ અનુભવાતો નહોતો. આમ તો સૌ રીલેક્ષ હતાં.

સરલાબહેનને સ્નેહાને મહેંદી કરાવવાના કોડ હતાં. તેથી લગ્નના બે દિવસ આગળ જ એમણે પોતાને ત્યાં જ એની ગોઠવણ કરી. નંદા પણ એ માટે યુનિ.માંથી રાત્રે આવી ગઈ. વીણાબહેન અને સ્નેહાને મૂકવા આવેલા લતાબહેનને મહેંદી મૂકાવવાનો આગ્રહ સંવેદનશીલ સરલાબહેને ન કર્યો.

સ્નેહાના ભાઈ રોહનનો સમય પસાર ન થતો હોવાથી બપોર પછી એ મનુભાઈની શૉપ પર ગયો હતો. એ અને મનુભાઈ શૉપ પરથી આવી ગયા, જમી લીધું અને ટી.વી. જોવા બેઠાં.

સરલાબહેન, વીણાબહેન અને રોહને પણ હાથમાં નાનકડી ડિઝાઈન કરાવી અને પછી એ લોકો સીટિંગમાં બેઠાં. ધનુબા અને મનુભાઈ સૂવા માટે ગયાં, પછી ભારત અને શ્રીલંકાની મેચ પતી એટલે રોહન પણ સૂવા જતો રહ્યો.

સ્નેહા, નંદા અને મહેંદી કરવાવાળી છોકરી ડાયનિંગરૂમમાં બેઠાં.

હવે સાવ એકલા પડતાં સરલાબહેનને ઘણા સમયથી મુંઝવતો એ સવાલ વીણાબહેનને પૂછ્યો, ‘ ભાભી, તમે પહેલાં અધ્યનગ્રુપમાં જતાં હતાંને ?’

વીણાબહેને થોડા આશ્ચર્ય સાથે ‘હા’ કહી.

સરલાબહેનને જે વાતથી એઓ ઈમ્પ્રેસ થયા હતાં તે પ્રામાણિકતાથી કહ્યું, ‘ભાભી, હું જો એ ગ્રુપથી પ્રભાવિત થઈ છું એ બે કારણે, એક તો આપણા શાસ્ત્રોની બુધ્ધિજન્ય સમજણના વિતરણથી અને બીજું તેઓ કોઈ ફંડફાળો ઉઘરાવતા નથી. તમારો શું અભિપ્રાય હતાં?’

‘હં, બરાબર છે, એ વાત તમારી’

સરલાબહેનની ખરી મુંઝવણ હવે નીકળી, ‘પરંતુ રીસંટલી, એક દિવસ અહીંના જૂના એક કાર્યકર બહેને મને કહ્યું કે હવે હું ભગવાનનો ભાગ અર્પણ કરવા માટે યોગ્યતા ધરાવું છું. મેં એમને પૂછ્યું કે ‘મારી યોગ્યતા કે અયોગ્યતા કોણ નક્કી કરે ?’ તો કહે કાર્યની જવાબદારી જે લોકોએ ઉપાડી છે એ લોકો.’

થોડું અટકી મુંઝવણને વ્યવસ્થિત ગોઠવી પૂછ્યું, ‘ અન્ય સંપ્રદાયોમાં ઉઘરાવાતાં ફંડફાળા અને અહીંની આ ઈશ્વરનો ભાગ કાઢવાની સીસ્ટીમમાં ફેર શું?’

વીણબહેને વિસ્તારથી સમજણ આપતાં કહ્યું, ‘ મારું જીવન ચલાવનાર ઈશ્વર વગર હું કાંઈ પણ કરવા માટે અસમર્થ છું એની સમજણ અહીં પંડિતજી આપતા હોય છે. તેથી શસ્ત્રોમાં કહ્યું હતું તે મુજબ સૌએ પોત પોતાની કમાણીનો ૧૦મો ભાગ સમજપૂર્વક અને પ્રેમથી પ્રભુ ચરણે ધરવો જોઈએ – એ વાત સમજ્યા પછી સૌ પોત પોતાની શક્તિ મુજબ અધ્યયન કેંદ્રમાં પોતાનો ભાગ ઈશ્વર ચરણે મૂકે. જ્યારે બીજા સંપ્રદાયોમાં દાન કરવું જોઈએ એટલે લોકો સમજ વગર જમાનાઓથી એમના પૂર્વજો કરતા આવ્યા હતાં તેમ કરે – આ તફાવત મને લાગે છે.’

ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળતા સરલાબહેને એક વેધક પ્રશ્ન પૂછ્યો, ‘આપણે એમ કેમ કહી શકીએ કે અન્ય સંપ્રદાયોમાં એ સમજ આપવામાં આવતી નથી ?’

વીણાબહેન સરલાબહેનના આ પ્રશ્નથી પ્રભાવિત થઈને જવાબ આપવા માટે સજાગ થઈ ગયાં, થોડું વિચારીને કહ્યું, ‘સાચી વાત છે તમારી, પરંતુ માનવ સ્વભાવ છે કે પોતે જે સંપ્રદાય કે ગ્રુપમાં જતાં હોય તે જ બધાંને શ્રેષ્ઠ લાગે એ સ્વાભાવિક છે ને !’

સરલાબહેન સ્નેહા અને નંદાને કાંઈ જોઈતું તો નથીને એ જાણવા ડાયનિંગરૂમમાં આંટો મારી આવ્યા.

નંદાએ ચા પીવાની ફરમાઈશ કરી એટલે સરલાબહેન કિચનમાં ચા મૂકવા ગયાં.

ચા મૂકતાં મૂકતાં તેમણે વિચાર્યું કે વીણાબહેન એ કાર્યમાંથી નીકળી ગયાં હોવા છતાં તેને વિષે અત્યાર સુધી જરાય નેગેટિવ બોલ્યાં નથી!

આ તરફ આગલારૂમમાં આંખ મીંચીને બેઠેલાં વીણાબહેન સમક્ષ ઘણા સમયથી ધરબી દીધેલાં અધ્યયન ગ્રુપનાં કડવા – મીઠાં અનુભવો આળસ મરડીને બેઠા થયાં. એ વિચારમાં ને વિચારમાં, સરલાબહેન ચાનું કામકાજ પતાવી રૂમમાં આવ્યા તે પણ ખબર ન પડી.

‘ઊંઘ આવે છે, ભાભી?’

‘ના રે, ના, આમ જ આંખો બંધ કરીને બેઠી હતી. આ રીતે સાથે બેસીને નિરાંતે વાતો કરવાની તક વળી ક્યારે મળવાની હતી આપણને ?’

પછી અધ્યયન ગ્રુપની વાત ન નીકળે એ આશયથી વીણાબહેને કહ્યું, ‘ તમારા ભાઈ અહીંથી ભારત આવ્યા અને તમારા કુટુંબના જે વખાણ કરતાં હતાં તેનો પ્રત્યક્ષ અનુભવ થયો તેને આંખમીંચીને માણતી હતી. ‘

સરલાબહેનને ‘પંચાત’ કરવાનો બહેનો પર જે આરોપ છે એને ખોટો પાડવો હોય તેમ ફરી એમણે ધર્મની વાતની ચર્ચા ચાલુ રાખી, ‘ભાભી, હું અધ્યયન કેંદ્રમાં નહોતી જતી તો પણ એટલી તો સમજ મારામાં હતી જ કે આપણે ભગવાન પાસે બેસીએ ત્યારે મનથી નિખાલસ થઈ માર્ગદર્શન પ્રભુ પાસે માંગીએ તો ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ એ જરૂર આપે જ.’ પછી થોડું અટકીને બોલ્યાં, ‘સાચું કહું તો ધાર્મિક ગ્રુપમાં જવાનું કારણ ફક્ત શાસ્ત્રોની સમજણ મળે એ જ માત્ર મારો આશય હતો. પછી આ ‘પ્રભુનો ભાગ કાઢવાની‘ વાતે મને વિચારતી કરી. મને થયું કે હું મારી રીતે જ્યાં અને જેમ ભગવાનનો ભાગ કહો કે દાન કહો – તે કાઢું, તેમાં મને કોઈ યોગ્ય કે અયોગ્ય કેમ ઠરાવી શકે ? અને બીજું એ કે એને ‘દાન’ કહો, ‘ફંડફાળો’ કહો કે ‘ભગવાનનો ભાગ’ કહો, ટૂંકમાં એ ધનનો સદ્‌ઉપયોગ થવો જોઈએ એ મહત્વનું છે ને?’

પછી થોડા સંકોચથી પૂછ્યું, ‘ભાભી, તમે સાચું કહેજો, ભલે તમે હવે એ સંસ્થાના સભ્ય નથી, પરંતુ સ્નેહા કહેતી હતી કે તમે એ કાર્ય સાથે વર્ષો સુધી સંકળાયેલા રહ્યા છો એટલે તમને ખબર તો હશે જ – આ ભગવાનનો ભાગ અહીં પરદેશમાં ભેગો થાય છે એ અને મેં પંડિતજીને મોઢે પણ સાંભળ્યું હતાં કે ભારતમાં તો ભગવાનના ભાગ સિવાય પણ અન્ય કાર્યક્રમો દ્વારા ઉપજ થાય છે તે બધી મહાલક્ષ્મીનો ઉપયોગ થાય છે ખરો ? અને થતો હોય તો તેની સ્પષ્ટ નોંધ કે હિસાબ ખરો ?’

વીણાબહેન જે વાત ટાળવાનો પ્રયત્ન કરતાં હતાં એ જ વાત સામે આવીને ઊભી રહી, હજુ તો એમના અનુભવની કઈ વાત કેટલી કરવી તે વિચારતાં હતાં ત્યાં જ..

સરલાબહેને વાત આગળ વધારી, ‘ તમે કેમ આટલા બધાં સહેમી ગયાં, ભાભી ? મારા જીજાજી પણ આ કાર્યમાં વર્ષોથી જોડાયેલા હતાં, તેઓ અહીં એ સંસ્થાના થવાના મોટા કાર્યક્રમમાં આવવાના હતાં અને ઓચિંતો મારા મોટા બહેનનો ફોન આવ્યો કે કોઈએ મારા જીજાજીને એટલા બધાં માર્યા હતા કે બે અઠવાડિયાથી હોસ્પિટલમાં રાખવા પડ્યા હતાં. પેલો જે કાર્યક્રમ થવાનો હતો તેને માટે અહીં અમને કહેવામાં આવ્યું કે પંડિતજીનું સ્વાસ્થ્ય બરાબર રહેતું ન હોવાથી કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સમહાઉ, કંઈ તાળો બેસતો નથી, તેમાં મારા મોટીબહેન-ક્લાબહેને મને પૂછ્યું કે હું એ સંસ્થામાં જતી તો નથીને ?’

વીણાબહેને જેટલાં તટસ્થ રહીને વાત થાય એટલાં તટસ્થ રહેવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘ જુઓ બહેન હું તમારા પ્રશ્ન નો જવાબ આપતાં એટલા માટે અચકાઉં છું કે મને નથી ગમતું કે અમારા અનુભવોની અસર તમારા વિચારો પર પડે. તમારી લાગણી અને જીજ્ઞાસાને હું સમજું છું પરંતુ હું એટલું જ કહીશ કે જે કાર્યમાંથી નિખાલસતા જતી રહે અને પોલિટિક્સ આવી જાય ત્યારે અમુક લોકો પોતાની સત્તાને સલામત રાખવા માટે ગમે તેવા પ્રપંચો કરતાં પણ અચકાય નહીં.’

પછી પોતાના સઘળા અનુભવોને ભૂતકાળમાં હોમી દેતાં હોય તેમ બોલ્યાં, ‘ જે પંડિતજીનું તમે પ્રવચન સાંભળો છો ને, તેમણે એકવાર રાજ્ય અથવા સત્તાની પડતીની નિશાનીઓ સમજાવી હતી, કહ્યું હતું કે રાજા તરફથી કાર્યકરોમાં પક્ષપાત થાય, સત્તાધિશોનું ચરિત્રસ્ખલન, વચનભંગ, અનુભવીઓનો અનાદર – વત્તે ઓછી અંશે આ બધું જ થતું અમે કમનસીબે આ કાર્યમાં થતાં જોયું ! એટલું જ નહીં અમે એના ભોગ પણ બન્યા. હવે એ વાતો અમે અમારા દિલોદિમાગમાંથી કાઢીને ફરીને જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે સાચું કહું બેન, મારું તમને સૂચન છે કે જવાનું ચાલુ રાખો આપણા ધર્મને લગતી ઘણી સમજણ ત્યાંથી તમને મળશે પરંતુ તેમાંની અન્ય પ્રવૃત્તિઓમાં તમારું અંતર ‘હા’ કહે તો જ, સમજી – વિચારીને નિર્ણય લેજો.’

ત્યાં તો નંદાએ મહેંદી પર લગાવવાનું ખાંડ-લીંબુનું પાણી બનાવવાનું સરલાબહેનને કહ્યું એટલે વાતનો અંત એક ખૂબ ગંભીર પ્રશ્નથી સરલાબહેને કર્યો, ‘તમારી વાતો સાંભળીને પ્રશ્ન થાય છે કે ધર્મને નામે જ્યાં અમર્યાદ અન્યાય કે અત્યાચાર થતો હોય , પછી તે સંપ્રદાય હોય, કોઈ સંસ્થા હોય કે કોઈ વ્યક્તિ મારફત એમ થતું હોય તો તેનો સામનો કરવો જોઈએ, આંખ આડા કાન રાખીને પોતાનો લાભ જોવો જોઈએ, તેમને ઊઘાડા પાડવા જોઈએ, ચૂપચાપ પલાયન થવું જોઈએ કે પછી અંદર રહીને જેમ પ્રહ્લાદે કર્યું હતું તેમ લોકોને એ અન્યાય કે અત્યાચાર સામે ઝઝૂમવા માટે તૈયાર કરવા જોઈએ ?’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *