કિશોરકુમારે ગાયેલાં મદનમોહનનાં ગીતો : દિલ દિલ સે મિલાકર દેખો – ૨

Facebooktwitterredditpinterestlinkedinmail

મૌલિકા દેરાસરી

આ સંગીતમય શૃંખલામાં કિશોર કુમાર અને મદનમોહનની જુગલબંધી આપણે માણી રહ્યાં છીએ, એક ગાયકીના મહારથી અને બીજા સંગીતમાં શિરમોર.

કિશોરકુમારની તો આપણે ઘણી વાત કરી, હવે મદન મોહનને યાદ કરીએ. મદન મોહનના ઘણાં એવાં યાદગાર ગીતો છે, જેને શાંત માહોલમાં અને ફુરસતની પળોમાં બસ સાંભળતાં રહેવાનું મન થાય. ખાસ કરીને ગઝલ અને શાસ્ત્રીય રાગ આધારિત ગીતો આજે પણ સાંભળીએ ને દિલ બાગ બાગ થઈ જાય.

લગભગ ૧૯૫૦થી ૧૯૭૫ સુધીનાં ૨૫ વર્ષોનો ગાળો, જેમાં મદનમોહને ૯૫ ફિલ્મો અને ૧૨ જેટલી રિલીઝ ન થઈ શકેલી ફિલ્મોમાં અંદાજે ૭૦૦થી વધુ ગીતો આપ્યાં.

પણ….કિશોરદા સાથેની જુગલબંધીની તો વાત જ ન્યારી છે. અહીં તમને મદનમોહનનો કંઈક અલગ જ મિજાજ અને અંદાજ જોવા મળશે, મદનજીની સ્ટાઈલથી સાવ નિરાળા ગીતો.

સંગત એવી અસર જેવું કંઈક… ખરું ને?

 

(કિશોર કુમાર, રૂમા દેવી, મદન મોહન અને અન્ય)

વિચારો….

ગીતમાં મસ્તીનું તત્વ ઉમેરવું હોય તો શું કરવું? જવાબ:કિશોરકુમારને ઉમેરી દો.

અને એક બીજો સવાલ કે,

મસ્તીભર્યું સંગીત, કૉમેડી ગીતઅને એમાં કિશોરદાની પેરોડી ભળે તો શું મળે? નિખાલસ અને નિર્ભેળ હાસ્ય, બરાબર ને?

જિંદગી એટલી ગંભીર નથી જેટલી આપણે ધારી લીધી છે. અને આ વાત આજના ગીતો આપને વધારે સરસ રીતે સમજાવશે.

૧૯૫૬માં ફિલ્મ ‘ફિફટી-ફિફટી’ રીલિઝ થઈ. રાજીન્દરબાબુએ જેનાં ગીત લખ્યા હતાં, જેને મદન મોહનજીએ સંગીતથી સજાવ્યાં.

મેરે જૈસા નહીં મિલેગા,
ઉલ્ફત કા દીવાના કોઈ પરવાના,
ઢૂંઢ લે સારા ઝમાના…

અને સાચી વાત પણ છે ને કે, હાંડી પકાવવાવાળા પુરુષો તો આજેય દુર્લભ છે તો પછી એ જમાનામાં તો ક્યાંથી એમના જેવા મળવાના હતા !!!!

હવે એમાં હાંડીની વાત ક્યાં આવી એ માટે સાંભળો ગીત, જેગાયું છે કિશોરદાની સાથે રફીસાહેબ અને મદનમોહનજીએ.

અન્ય એક ગીતમાં ‘ભાઈ ભાઈ’ની વાત છે, હળીમળીને સુખ-દુઃખ વહેંચવાની વાત છે. અડધું અડધું લઈને ગુજારો કરી લેવાની વાત કરે છે, કિશોર કુમાર અને મોહમ્મદ રફી.

વર્ષ ૧૯૫૬ની આ ફિલ્મ ‘ભાઈ ભાઈઃમાં કિશોરદા ગાયકની સાથે સાથે એક્ટર પણ હતા.

અહીં પણ રાજીન્દરબાબુ ગીતકાર તરીકે હતા અને ગાયકોમાં કિશોરદા ઉપરાંત લતાજી, મદન મોહન, ગીતા દત્ત અને મોહમ્મદ રફી હતાં.

ફિલ્મનું એક ગીત કિશોરદાએ લતા મંગેશકર સાથે ગાયું હતું.

અબ્દુલ રહમાન અને એની અબ્દુલ રહમનિયાપોતાની દુનિયામાં ખુશખુશાલ છે. એમને બંગલા કે કોઠીમાં રાખે કે પછી ટૂટી- ફૂટી ચાલમાં રહેવું પડે. એ એકબીજાના ચાંદ અને ચાંદની બનીને રહેશે જિંદગીભર.

પ્રેમનો આ જ કમાલ છે ને…! કોઈપણ સ્થિતિને ખુશી ખુશી અનુકૂળ થઈ જવાય છે.

એ પછી ફરી એક વાર કિશોરદાને એક્ટર અને ગાયક તરીકે લઈને આવી ફિલ્મ- ‘ચાચા ઝીંદાબાદ’, અને ફરી એકવાર રાજીન્દર કૃષ્ણના ગીત હતાં ફિલ્મમાં. કિશોર કુમાર સાથે મુખ્ય અભિનેત્રી તરીકે હતા અનિતા ગુહા.

એમાં લતા મંગેશકર સાથે બે યુગલ ગીતો હતાં, જેમાં એક કોમેડી ગીત છે. ગીતમાં કિશોરદા હસાવે છે પણ સૂરમાં.

આ સૂરમાં હસવાની વાત પર એક ગીત યાદ આવે છે, પડોસન ફિલ્મનું બહુ જ લોકપ્રિય ગીત- એક ચતુર નાર, જેમાં હસવા કે બોલવામાં પણ કિશોરકુમારે ક્યાંય સૂર છોડ્યો નથી. આ જ તો લાક્ષણિક અદા છે ને તેમની!

ચાચા ઝિંદાબાદનું એ કોમેડી ગીત આ રહ્યું –

લતાજી સાથેના બીજા ગીત- બડી ચીઝ હૈ પ્યાર મુહબ્બતમાં પ્યાર અને મુહબ્બતની સાવ નવી જ વ્યાખ્યાઓ મળે છે.

દેશ છુડાયે ભેસ છુડાયે, ક્યા ક્યા કરે ન પ્રીત રામા… જેમાં વિરહની વાત પણ મજાકીયા લહજામાં બડી ખૂબીથી પેશ કરી છે કિશોરદાએ.

એક ગીતમાં દિલ હથેળી પર લઈને આવે છે અને દિલની વાત સુણાવે છે કિશોરકુમાર.

મદન મોહને પણ સાવ નોખા અંદાજમાં સાજનાં સૂરમિલાવ્યાં છે આ ગીતોમાં.

વર્ષ હતું1962નું, જ્યારે મનમૌજી ફિલ્મ રિલીઝ થઈ હતી. જેનાં ગીતોમાં ખાસ કરીને એક ગીત ઘણું વખણાયું. આજે પણ કુંવારાઓને શ્રીમતીની જરૂર હોય ત્યારે હોઠ પર રમતું આવે આ ગીત, જેનાં રચયિતા હતા રાજીન્દર કૃષ્ણ.

આગળ ભાઈ ભાઈ ફિલ્મમાં આપણે અબ્દુલ રહેમાન અને એની રહમનીયાની મસ્તી તો સાંભળી,

જેને આગળ વધારીને હવે એકમનમૌજી કહે છે કે તું બન જા મેરી મનમૌજનિયા.

કિશોરકુમાર અને સાધના પર ફિલ્મવાયેલું આ ગીત ગાયું હતું કિશોરદા સંગ લતા મંગેશકરે.

જિંદગી તો પોતાની મરજીથી જીવાય એ જ સાચી ને? બાકી દુનિયાને સારું ખરાબ તો લાગ્યા જ કરવાનું છે.

પણ આ દુનિયા પણ કમાલ છે, જે થવું જોઈએ એ થતું નથી અને ન થવાનું જોર શોરમાં થાય છે.

આ ગીત પર કોઈ કારણસર બંધી લગાડવામાં આવી. એને અસામાજીક જાહેર કરાયું, જેથી એની રેકોર્ડ્સ પણ નષ્ટ કરી દેવાઈઅને રેડિયો પર પણ ન વાગવા દેવાયું. (સૌજન્ય: madanmohan.in)

હવે વાત કરીએ ૧૯૬૬માં આવેલી ફિલ્મ, લડકા લડકીની. મુખ્ય પાત્રોમાં કિશોરદા સાથે અભિનેત્રી તરીકે હતાં મુમતાઝ.

રાજીન્દર કૃષ્ણ એક ગીતમાં આજકાલની છોકરીઓની વાત સંભળાવે છે, જે ગાયું હતું કિશોરકુમારે.

ફિલ્મમાં આજકાલની એટલે કે ૧૯૬૬ની અને આજકાલની યાને કે ૨૦૧૮ની છોકરીઓમાં જો કે બહુ ફર્ક નથી! શું કહો છો?

ગીત સાંભળીને જ કહેજો ને!

જિંદગી જીંદાદિલીનું નામ છે, રડવાનું બંધ કરીનેમલકાવાનું શીખવાડે છે આ ગીત, જેમાં ઉષા મંગેશકરે સાથ આપ્યો છે કિશોરકુમારને.

અન્ય એક ગીત હતું – મુઝે અબ દાદીઅમ્મા કા ઝમાના…

આ ગીત જાણે દાદીઅમ્માના જમાનાનું જ થઈ ગયું છે, એને નેટની દુનિયામાં તો શોધવું દુષ્કર છે. એટલે યાદ કરીને જ સંતોષ લઈ લઈએ.

હવે એક એવા ગીતની વાત કરીએ જે રીલિઝ જ ન થઈ શક્યું. ફક્ત ગીત નહીં એ ફિલ્મ પણ ફ્લોર પર જ પડી રહી.

ફિલ્મ હતી – આજ મુઝે જલ જાને ભી દો. ફિલ્મમાં નકશ લાયલપુરીનાગીત હતાં, અને વળી એની નોંધ લેવી પડે એવાં ગીત હતાં.

લડકીયોં કો ચાહિયે વો કોલેજ મેં સીખ લે, કિ લડકોં સે કૈસે કી જાતી હૈ બાત…

આ ગીત સાંભળશો એટલે કિશોરદાની બહુમુખી પ્રતિભા તો ઉજાગર થશે જ, સાથે મદનમોહનનાં સંગીતનું વૈવિધ્ય પણ ઉડીને કાને વળગશે.

અને આ ગીતથી તદ્દન અનોખો મિજાજ ફિલ્મનાં ટાઇટલ સોંગમાં સાંભળો, ગીત અને સંગીત બંને બસ સાંભળતાં રહેવાનું મન થશે

અનરીલિઝ્ડ રહેલું આ ગીત પછી ‘તેરે બગૈર’ નામનાં આલ્બમમાં રિલીઝ થયું અને ઘણી પ્રશંસા પામ્યું.

તો આ હતી મદન મોહનને સંગ કિશોર કુમારની સફર.

અને આજની સફર બસ અહીં સુધી, ફરીથી મળીશું આગળનાં મુકામ પર. ગાઈશું નવાં ગીત ને લહેરાવીશું હવાઓમાં સંગીત.


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *