ફિર દેખો યારોં : ‘દાલ’મિયા મેં કુછ કાલા હૈ?

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

આપણા દેશનાં ઐતિહાસિક સ્થળો જોવા-ફરવાનો જેને શોખ હશે તેઓ ‘આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્‍ડિયા’ (એ.એસ.આઈ.) ના ભૂરા રંગના પતરાથી પરિચીત હશે. જે તે સ્થળની માલિકી આ વિભાગની છે અને તેને નુકસાન પહોંચાડનારને અમુકતમુક સજા થશે એવી ચેતવણી લખેલું પતરું અચૂક લગાવેલું દેખાશે. પણ ઘણાં સ્થળો એવાં છે કે તેનો ઈતિહાસ તો ઠીક, તેનું નામ સુદ્ધાં સૂચવવામાં ન આવ્યું હોય. જાળવણીના અભાવે જે તે પુરાતત્ત્વ સ્થળ સાવ અવાવરુ બની રહ્યું હોય એવા દાખલા અનેક જોવા મળશે. સદીઓ પુરાણો સાંસ્કૃતિક વારસો જાળવવાનું જ જેનું કામ છે એ સરકારી સંસ્થા પોતાની ફરજ બરાબર બજાવી રહી છે ખરી? આવો સવાલ ઘણાં સ્થળોની હાલત જોઈને થયા વિના રહે નહીં.

દેશભરનાં આશરે 3,600 ઐતિહાસિક સ્થળો આ સંસ્થાના તાબામાં આવે છે. કેટલાંક અતિ જાણીતાં સ્થળોએ તે કાર્યરત હોય એ જણાઈ આવે, પણ એવાં સ્થળો સાવ ગણ્યાંગાંઠ્યાં હશે. બીજા અસંખ્ય સ્થળો રેઢાં પડેલાં છે. એક અહેવાલ મુજબ ‘એ.એસ.આઈ.’એ પોતાની ભૂમિકા જે તે સ્મારકની જાળવણી કરવાને બદલે તેમાં પ્રવેશનીતિ કે દબાણ અટકાવવા પૂરતી જ મર્યાદિત કરી રાખી છે. જો કે, એ કામ પણ તે યોગ્ય રીતે કરી શક્યું નથી એમ ક્રોમ્પ્ટ્રોલર એન્‍ડ ઑડિટર જનરલ (કેગ)નો 2013 નો અહેવાલ જણાવે છે. આ અહેવાલ મુજબ, એ.એસ.આઈ.ના તાબા હેઠળનાં નેવુથી વધુ સ્મારકો ગુમ થયેલાં જણાયાં છે અને તેનો પત્તો મેળવવાના તેના પ્રયાસો બિનઅસરકારક દર્શાવાયાં છે. એ.એસ.આઈ.ની કથળેલી કામગીરી વિશે બીજી પણ અનેક ટીપ્પણીઓ આ અહેવાલમાં છે, જેનો અર્થ એ છે કે પોતાના ભાગની તેની કામગીરી તે યોગ્ય રીતે કરી રહી નથી.

આ માહિતીના પ્રકાશમાં તાજેતરમાં લાલ કિલ્લાની જાળવણીનું કાર્ય દાલમિયા ભારત જૂથને સોંપાયું હોવાના સમાચારને મૂલવવા જેવા છે. વર્તમાન સરકારે પાંચ વર્ષ માટે દેશના કેન્દ્રસ્થ કહી શકાય એવા સ્મારકની જાળવણીનો આ ઔદ્યોગિક જૂથ સાથે કરાર કર્યો એ સાથે જ ‘લાલ કિલ્લો વેચાઈ ગયો’નો હોબાળો શરૂ થઈ ગયો. અલબત્ત, કરારની સંપૂર્ણ વિગતો હજી બહાર નથી પાડવામાં આવી.

અસલમાં વર્તમાન સરકારે ‘એડોપ્ટ અ હેરિટેજ’ (સ્મારકને દત્તક લો) યોજના સપ્ટેમ્બર, 2017 માં આરંભી હતી, જેમાં દેશભરનાં કુલ 93 સ્મારકો યા સ્થળોને દત્તક લેવાની એટલે કે લોકભાગીદારીના ધોરણે જાળવણી કરવાની દરખાસ્ત હતી. ફતેહપુર સીક્રી, ભીમબેટકાની ગુફાઓ, ચિત્તોડગઢ સહિત બીજાં અનેક ઐતિહાસિક-સાંસ્કૃતિક સ્થળોનો આમાં સમાવેશ થતો હતો. ઘણા કોર્પોરેટ જૂથો તેમજ બિનસરકારી સંગઠનોએ આમાં રસ દેખાડ્યો હતો. પણ આ યોજના હેઠળ કરારબદ્ધ થનાર દાલમિયા ભારત જૂથ સર્વપ્રથમ છે. તે પ્રથમ છે, પણ આખરી નહીં હોય એ સ્પષ્ટ છે. કેમ કે, આની સમાંતરે આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લામાં આવેલા ગંડીકોટના કિલ્લાની જાળવણીનો કરાર પણ આ જૂથ સાથે કરવામાં આવ્યો છે. આવાં કોર્પોરેટ જૂથ ‘મોન્યુમેન્‍ટ મિત્ર’ તરીકે ઓળખાશે.

પુરાતત્વ સ્મારકોની વાત આવે ત્યારે તેમાં ત્રણ મુખ્ય પાસાં હોય છે: જિર્ણોદ્ધાર (રિસ્ટોરેશન), સંરક્ષણ (કન્‍ઝર્વેશન) અને જાળવણી (મેન્‍ટેનન્‍સ). આ પૈકી હાલ જે મર્યાદિત વિગતો બહાર આવી છે તેમાં કેવળ જાળવણીની જ વાત છે. પ્રતિ વર્ષ આ ઔદ્યોગિક જૂથ પાંચ કરોડ રૂપિયા જાળવણી માટે ફાળવશે અને પાંચ વર્ષ સુધી આમ થશે. જાળવણીમાં મુખ્યત્વે જે તે સ્થળે પ્રવાસીઓ માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે. અહીં એ બાબત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે કે લાલ કિલ્લા જેવા મહત્ત્વના સ્થળે જે સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો રહે છે તે જોતાં તેના થકી થતી આવક પણ પ્રચંડ છે. આ સંજોગોમાં કેવળ જાળવણી માટે કોઈ ઔદ્યોગિક જૂથને સ્મારક સોંપવું કેટલું વાજબી છે એ મુખ્ય સવાલ છે. આવાં પુરાતત્ત્વ સ્મારકોને વિવિધ પરિબળોને કારણે દિન બ દિન ઘસારો લાગતો જાય એ એક કુદરતી ઘટના છે. લાલ કિલ્લામાં પણ એ રીતે ઘણું નુકસાન થયેલું છે. તેનું સંરક્ષણ અને જરૂર હોય તો જિર્ણોદ્ધાર કરવાની વાત આમાં ક્યાંય આવતી નથી.

‘બિઝનેસ સ્ટાન્‍ડર્ડ’માં પ્રકાશિત એક લેખમાં લાલ કિલ્લા અને ગંડીકોટ કિલ્લા બાબતે દાલમિયા જૂથ સાથે થયેલા કરારના સામ્ય તેમજ તેમાં રહેલી કેટલીક વિસંગતિઓ તરફ આંગળી ચીંધવામાં આવી છે. બન્ને સ્મારકો માટેનો આરંભિક કરાર પાંચ વર્ષનો છે, જે ત્યાર પછી પરસ્પર સંમતિથી લંબાવી શકાશે. કાર્યક્ષેત્ર બાબતે પણ બન્નેમાં સામ્ય છે. તેમાં સ્મારક ફરતેના બગીચાની જાળવણી, પીવાના પાણીની, શૌચાલયની, બાંકડાઓની તેમજ સામાન્ય પ્રકાશવ્યવસ્થાની જોગવાઈનો સમાવેશ થાય છે. ક્ષતિપૂર્તિ માટેની શરતો સમાન છે. એ મુજબ ‘એ.એસ.આઈ.’ દ્વારા કોઈ પણ પ્રકારની ‘ક્ષતિ, મૂલ્ય કે ખર્ચ’નો દાવો કરવામાં આવે તો કોર્પોરેટ જૂથની એ જવાબદારી ગણાશે નહીં. સુવિધા શુલ્કના નામે સામાન્ય મુલાકાતીઓ પાસેથી આ જૂથ કોઈ પણ પ્રકારનાં નાણાં વસૂલી શકશે નહીં. અર્ધવ્યાપારી પ્રવૃત્તિઓ માટે ‘વાજબી દર’ વસૂલવાનો રહેશે અને તેમાંથી થયેલી આવક એક અલાયદા બૅન્‍ક ખાતામાં જમા કરાવવાની રહેશે, જે કેવળ સ્મારકની જાળવણી માટે જ વપરાશે.

બન્ને સ્મારકોના કરારમાં મુખ્ય તફાવત હાથ ધરાનારી પ્રવૃત્તિઓનો છે. લાલ કિલ્લામાં દાલમિયા જૂથ વર્ચ્યુઅલ રિઆલિટી, થ્રી-ડી મેપિંગ પ્રોજેક્શન, સ્પર્શી શકાય એવા ટેક્ટાઈલ નકશા તેમજ રાત્રિચર્યા જેવી સુવિધાઓ ઊભી કરશે, જેમાંની એક પણ ગંડીકોટ કિલ્લામાં નથી. ગંડીકોટમાં કચરાપેટી, બગીચો, સી.સી.ટી.વી. જેવી મૂળભૂત સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અહીં વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે, જે લાલ કિલ્લામાં નથી. સૌથી મોટો ફરક બન્ને સ્થાને મૂકાનારા દાલમિયા ભારત જૂથના નામસૂચક પાટિયાંનો છે. લાલ કિલ્લા પર આ પાટિયાનું કદ, ડિઝાઈન એ.એસ.આઈ. દ્વારા મંજૂર કરાવવાની રહેશે અને તે ‘સુયોગ્ય તેમજ સુરુચિપૂર્ણ રીતે’ લખાયેલું હોવું જરૂરી છે. ગંડીકોટ કિલ્લા બાબતે એવી સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વિશ્વભરમાં વિખ્યાત સ્મારકોની જાળવણીમાં કોર્પોરેટ જૂથોની હિસ્સેદારીની પ્રથા પ્રચલિત છે. આપણા દેશમાં હજી આનો આરંભ થયો છે. જો કે, આ કામ માટે નિર્ધારીત સરકારી ખાતું પોતાની ફરજ બજાવવામાં ઊણું ઉતરે ત્યારે તેની કાર્યક્ષમતાને સંકોરવાને બદલે કોર્પોરેટ જૂથને તે સોંપી દેવાનું પગલું વિચિત્ર છે. છતાં પુરાતત્ત્વ પ્રેમીઓ, અભ્યાસુઓ, ઈતિહાસકારો હજી આ ઘટનાને નિહાળી રહ્યા છે. તેમની ચિંતા એક જ છે કે આ કાર્ય એવી રીતે હાથ ન ધરાવું જોઈએ કે જેથી આગળ જતાં ખોટી પરંપરા ઊભી થાય. આમ ન થાય એ માટે ભૂમિકાની સ્પષ્ટતા હોવી જરૂરી છે અને તેના માટે આ કરારની તમામ વિગતોને જાહેરમાં મૂકવી અનિવાર્ય બની રહે છે. એમ કરવાથી સરકાર પોતાના આ પગલામાં, પોતાના ઈરાદામાં લોકોનો વિશ્વાસ પેદા કરી શકે એ સંભાવના ખરી. ખોટા રાજકીય હોબાળાથી કશો અર્થ સરતો નથી. એક નાગરિક તરીકે આપણે પણ આ સ્થળોનું ઐતિહાસિક મહત્ત્વ સમજીને ત્યાં ગંદકી કે નુકસાન ન કરીએ તો એ આપણું પ્રદાન ગણાશે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦-૫-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *