





એક સમયે મારું ઘર ભરેલું ભરેલું હતું, ઘરના પ્રત્યેક ખૂણામાંથી તેઓના અવાજ આવતા હતા. સવારના પહોરમાં થતી દોડદાડ અને સાંજના સમયે તેઓનો કલશોર મારા કાનમાં ગૂંજતો રહેતો હતો. એ કલશોર મારાં સંતાનોના કોલેજમાં ગયા પછી શમી ગયો. હવે હું હતી ને દિવાલો હતી. બેજ…અમે બે જ… પણ વાર-તહેવારે સંતાનો જ્યારે ઘરે આવે છે ત્યારે હું મારા નબળા થયેલા પગમાં સ્પ્રિંગ લગાવી દોડતી રહું છું અને ફરી નવા કલશોરની નવી પળોને મારી સ્મૃતિમાં ઝીલી લઉં છું. આ કેવળ મારી વાત નથી આ વાત એ બધાં જ મા-બાપોની હશે જેમના સંતાનો તેમનાથી દૂર હશે. જૂના ઘરથી દૂર રહી પોતાના બાળકોનું એક નવું ઘર ભવિષ્યમાં નિર્માણ પામે તે માટેનો ઝૂરાપો એ એકલાં મા-પિતાનો નથી હોતો પણ એ ઝૂરાપામાં એ ઘરનો ય મૂક સાથ હોય છે. ઘરની આવી સ્મૃતિ વિષે લખતાં કવિ શ્રી બાલમુકુંદ દવેની કવિતા” જૂનું ઘર ખાલી કરતાં” ની યાદ આવી ગઈ :
ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો.
ઘર….મારું ઘર…તમારું ઘર…. અમારું ઘર……… આપણું ઘર…..આપણાં સૌના ઘરના નિર્માણમાં ભલે અનેક સામગ્રીઓનો ઉપયોગ થતો હોય પણ અંતે તેમાં રહે છે કેવળ ત્રણ વ્યક્તિત્ત્વ. તે છે પ્રેમ, નફરત અને મિત્રતા. અમારે ત્યાં ઘરની શરૂઆત મિત્રતાથી શરૂ થાય છે. બે મિત્રો બનેલાં છોકરા-છોકરીઓ પોતાનાં પાર્ટનર ને સમજવા લિવ-ઇનમાં રહેવા જાય ત્યારે એક ઘર લઈ લે છે. મેરેજ પછી બીજું ઘર આવે છે અને જો લગ્ન વિચ્છેદમાં આવે ત્યારે તે એક છતનો કોઈ અર્થ ન હોવાથી તે ઘર છોડી દે છે. મને યાદ છે કે અમે જ્યારે ઘરની તલાશમાં હતાં ત્યારે અમારી એજન્ટ મિસ લીલી કબાટ જોઈને કહેતી કે, અહીં કેવળ મેનના કપડાં છે અથવા કેવળ લેડીના કપડાં છે. માટે જરૂર આ ડિવોર્સી હશે. (અમેરિકામાં ક્લોઝેટ હંમેશા ખુલ્લા હોય છે તેથી તાળાં લાગતાં નથી) તેથી આ ઘર સેલ પર મૂક્યું છે. જો ક્લોઝેટમાં બંનેના કપડાં હોય તો અનુમાન થતું કે આ લોકો મોટા ઘરમાં શિફ્ટ થઈ રહ્યાં છે માટે આ ઘર સેલમાં મૂક્યું છે. આવું મિસ લીલીનું અનુમાન સાચું પણ પડતું.
બૂટ હાઉસ:-
આ ઘરની વાત કરતાં મને મારી લાઈફમાં જોયેલાં અજનબી ઘરોની પણ યાદ આવે છે. અમારા પેન્સિલવેનિયામાં એક બૂટ હાઉસ છે. જેમાં ત્રણ બેડરૂમ, કિચન, લિવિંગ રૂમ, બે ફૂલ બાથરૂમ છે. આ બૂટ હાઉસના ઓનરનું નામ છે મહલોન હેંઇન્સ. મી. હેંઇન્સે આ ઘર મૂળે એક આઇસ્ક્રીમ પાર્લરના રૂપમાં બંધાવ્યું હતું પણ પાછળથી આ પરિવાર અહીં જ રહેવા લાગ્યો. જો’કે આ ઘરમાં એક રૂમ એવો પણ છે જ્યાં લોકો વન નાઈટ માટે રહી શકે છે.
બિઝારે હોમ:-
બીજુ હાઉસ મે જોયેલું ન્યૂ જર્સીમાં છે. તે હાઉસના ઓનર છે રિકી બોસ્કેરાનો. મી.રિકી એક આર્ટિસ્ટ છે તેથી તેણે પોતાનાં ઘરમાં બિઝારે વસ્તુઓ, કલર્ડ અને સ્ટેઇન્ડ ગ્લાસ, રિલીજીયસ વસ્તુઓ વગેરેથી બનાવેલ છે. આ ઘર એક પ્રાઈવેટ પ્રોપર્ટી છે પણ આ ઘરને જોવા માટે ખાસ ટૂર નીકળે છે.
સ્લૂહાઉસ:-
ત્રીજું હાઉસ મે આઇડાહોમાં જોયેલું. આ હાઉસનું નામ છે સ્લૂહાઈસ. આ ઘર લૂરી કાર્ટર દ્વારા બનાવવાંમાં આવ્યું હતું. આ ઘરને સજાવવામાં ખાલી બોટલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘર મૂળે એક શોપ હતી જેમાં મેઝ જેવા રૂમ, ફેક રૂમ, અને હિડન પેસેજ બનાવવાંમાં આવેલાં. લૂરી પોતે સ્પિરિટ્સમાં બહુ માને છે, તેથી સ્પિરિટ્સને બોલાવવાની વિધિ આ ઘરમાં કરતો રહે છે. અમે એક આર્ટ હાઉસ તરીકે આ ઘર જોવા તો ગયાં, પણ બહાર લગાવેલાં બોર્ડથી જ અમારા પગ તે ઘર બહાર ઠહેરી ગયાં અને અમે અંદર જવાનું માંડીવાળી બહારથી જ નીકળી ગયાં.
પેપર હાઉસ:-
ચોથું ઘર અમે મેસેચ્યુસેટ્સમાં જોયેલું. આ ઘરનું નામ છે પેપર હાઉસ. આ ઘરના ઓનર મી. સ્ટેનમન હતાં. તેઓ મૂળે મિકેનિકલ એન્જિનિયર હતાં અને પેપર મિલમાં કામ કરતાં હતાં. તેઓએ આ ઘર ૧૯૨૨માં એક સમર હાઉસ તરીકે બનાવેલ. આ ઘરની અંદરની બધી જ વસ્તુઓ પેપર, પેપર ક્લિપ, પેપર ગ્લૂમાંથી બનાવેલ છે. કેવળ સામાન્ય વસ્તુઓ જ નહીં પણ ગ્રાન્ડફાધર ક્લોક, બેડ્સ, ડાઈનિંગ ટેબલ જેવી વસ્તુઓ પણ પેપરમાંથી બનાવવામાં આવી છે. અમે ગયાં ત્યારે ત્યાં રૂફનું કામકાજ ચાલતું હતું આ રૂફ પણ પેપરથી બનાવવાં આવી હતી. આજે આ ઘરનું ધ્યાન સ્ટેનમન પરિવારની ભાણેજ રાખે છે. પણ વિઝિટર માટે આ ઘર આખું વર્ષ ખુલ્લું હોય છે.
મારા જોયેલાં અજબ ગજબ ઘરોની દુનિયામાંથી બહાર આવીને જોઈએ કે આપણાં બોલિવૂડ ગીતોમાં ઘર અને ઘર શબ્દથી જોડાયેલ શબ્દોનો ય ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે આ વિષયને બહાને કેવળ ગીતોની પ્રથમ પંક્તિઓ ગણગણાવી લઈએ.
૧) ઘર આયા મેરા પરદેશી …..૧૯૫૧ – આવારા
૨) કિસકા મહેલ હૈ યહ, કિસકા ઘર હૈ યહ – ૧૯૭૪ – પ્રેમ નગર
૩) સંદેશે આતે હૈ હમે તડપાતે હૈ ……૧૯૯૭ – બોર્ડર
૪) ઘર આજા પરદેશી તેરા દેશ બુલાયે રે…….૧૯૯૫ – દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે
૫) યેહ તેરા ઘર યેહ મેરા ઘર…….૧૯૮૨……. સાથ સાથ
૬) ઘર સે નિકલતે હી, કુછ દેર ચલતે હી……૧૯૯૬….. પાપા કેહતે હૈ
૭) મેરા સોણા સજન ઘર આયા…..૨૦૦૩ – દિલ પરદેશી હો ગયા
૮) મુજે સાજન કે ઘર જાના હૈ……૨૦૦૧ – લજ્જા
આ બોલીવૂડ ગીતોનું લિસ્ટ લાંબુ છે જ પણ ઘર શબ્દ સાથે જોડાયેલાં કેટલીક ફિલ્મો પણ આવેલી.
૧૯૬૩ માં દેવઆનંદ અને નૂતનજી અભિનીત “તેરે ઘર કે સામને” આવેલી.
“ઘર ઘર કી કહાની” નામની બે ફિલ્મો બનેલી પહેલી ફિલ્મ ૧૯૭૦ માં આવેલી અને બીજી ૧૯૮૮માં આવેલી. પહેલી ફિલ્મમાં બલરાજ સહાની અને નિરૂપા રોય હતાં. બીજી ફિલ્મમાં રિશી કપૂર અને જયાપ્રદા હતાં.
૧૯૭૮ માં વિનોદ મહેરા અને રેખા અભિનીત “ઘર” આવેલી.
૧૯૮૪ માં મિથુન ચક્રવર્તી અને રંજિતા અભિનીત “ઘર એક મંદિર” આવેલી.
૧૯૮૫ માં તનુજા, ડો.શ્રીરામ લાગુ અને સચિન અભિનીત “ઘરદ્વાર” આવેલી.
૧૯૯૧ માં રાજકિરણ અને મીનાક્ષી શેષાદ્રી અભિનીત “ઘર પરિવાર” આવેલી. ૧૯૯૨માં વર્ષા ઉસગાંવકર અને મિથુનની “ઘર જમાઈ” આવેલી.
૧૯૯૩ માં ભાગ્યશ્રી અભિનીત “ઘર આયા મેરા પરદેશી આવેલી”.
૧૯૯૪માં રિશી કપૂર અને જૂહી ચાવલા અભિનીત “સાજન કા ઘર” નામની ફિલ્મ આવેલી.
“ઘર કી ઇજ્જત” નામની પણ બે ફિલ્મો આવેલી. પ્રથમ ફિલ્મ ૧૯૪૮ માં આવેલી જેમાં દિલિપકુમાર હતાં અને બીજી ૧૯૯૪ માં આવેલી જેમાં રિશી કપૂર અને જૂહી ચાવલા હતાં.
૧૯૯૬ માં જીતેન્દ્ર અને શ્રીદેવી અભિનીત “ઘર સંસાર” આવેલી.
આ બધી ફિલ્મોમાં ૧૯૭૦ માં આવેલી જયાભાદુરીની ક્લાસિક મૂવી “પિયા કા ઘર”ને કેમ ભૂલી શકાય?
૧૯૮૯ માં રાજેશ ખન્નાની “ ઘર કા ચિરાગ” નામની ફિલ્મ આવેલી. સંસારની કહાનીથી લઈ મંદિર, ઇજ્જત, દ્વાર, સાજન, પિયા, પરિવારને જેમ ઘર જોડે છે તેમ આ ઘરમાં સંસાર પરિવાર ન હોય ત્યારે ઘર ભૂતિયું દીસે છે.
આપણી ફિલ્મોમાં એક “ભૂતિયા ઘર” નામની ફિલ્મ પણ ૨૦૧૪ માં આવેલી.
આપણાં ગીતોનું જેમ આ ફિલ્મોનું લિસ્ટ પણ મોટું છે તેથી આજે આપણે અહીં જ વિરામ લઈએ પણ હમણાં હમણાં ખાલી થયેલાં ઘરની એક વેદનાને ય જોઈ લઈએ.
અંતે:-
જે વ્યક્તિથી ઘરનો ખૂણેખૂણો ભરેલો હતો તે ઘરનાં સમસ્ત ખૂણાઑ પણ આજે સૂનમૂન થઈ બેસી ગયાં. ખાલી થયેલાં એ ઘરના પ્રત્યેક ખૂણા પર બંગડીઓ વગરનો એક સુનો હાથ વારંવાર ફરી કંઈક યાદોને સ્પર્શ કરી લેવા ઠાલો ઠાલો ફરે છે. ઘરનાં દરેક રૂમમાંથી બસ એક અવાજની જ રાહ જોવાઈ રહી હતી પરંતુ તે અવાજનાં શબ્દો મૌન બનીને બેસી ગયાં હતાં. પરંતુ મૌન કંઇ બોલતું નથી તેવું નથી પણ શબ્દોએ, ભાવોએ, યાદોએ, વિતેલી વાતોએ, વર્ષોએ અને ક્ષણોએ આજે આંસુનું રૂપ લઈ લીધું છે.
પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ || purvimalkan@yahoo.com
ખાલી ઘર…
https://gadyasoor.wordpress.com/2007/10/29/vacant_house/
ઘર સાથે ગીતો અને ફિલ્મો જોડી લેખ રસપ્રદ બનાવ્યો.
બહુ સરસ લેખ છે. ગીતો તરફ લઈ જતી લિન્ક ગમી. એ બહાને આ ગીતો ય સાંભળી લીધા. પૂર્વીબેન પાકિસ્તાનના પ્રવાસની વાતોનો લેખ ક્યારે મૂકશો? ફૂલછાબમાં તો વાંચું chhu પણ અહીં મૂકો તો શાંતિથી વંચાય.