





દીપક ધોળકિયા
(૧) માખીઓને બચાવો!
યુરોપિયન યુનિયને આખી દુનિયામાં ખેતરોમાંસૌથી વધારે ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવા ‘નિયોનિકોટિનોઇડ્સ’ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું છે. આ પેસ્ટીસાઇડ માખીઓ માટે પ્રાણઘાતક હોવાનું જણાયું છે.
૨૭મી એપ્રિલ, શુક્રવારે યુરોપીયન યુનિયને આ નિર્ણય લીધો એ વખતે નિયોનિકોટિનોઇડ્સ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે અસંખ્ય લોકો એકઠા થયા હતા.
માખીઓ અને બીજી જીવાતો લગભગ પોણા ભાગના પાકોના ફલીકરણમાં ભાગ ભજવે છે અને એ રીતે અન્ન ઉત્પાદનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. યુરોપિયાન યુનિયને હાથ ધરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આ જંતુનાઅશક મધમાખીઓ અને બીજી માખીઓ માટે ઘાતક છે.
આમ તો, આ પ્રતિબંધ આ વર્ષના અંત સુધીમાં અમલી બની જશે, પરંતુ માત્ર ગ્રીન હાઉસોમાં જ એનો ઉપયોગ કરી શકાશે. કેટલાકે આના વિશે અસંતોઢ દાખવતાં કહ્યું છે કે એનો અર્થ એ કે ગ્રીન હાઉસમાંથી નીકળતા પાણીમાં આ દવા હશે અને એ બહાર પ્રદૂષણ ફેલાવશે. બીજી બાજુ નૅશનલ ફાર્મર્સ યુનિયને નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું છે કે માખીઓના આરોગ્ય વિશે કંઈ પણ કર્યા વિના પ્રતિબંધ મુકાય છે તેનો અર્થ એ કે ખેતીને નુકસાન કરે એવી જીવાતો પર પણ એ વાપરી નહીં શકાય.
સંદર્ભઃ theguardian.com/environment-bee-harming-pesticides
૦-૦-૦
(૨) હવે કૃત્રિમ ભ્રૂણ તૈયાર છે!
ડચ વૈજ્ઞાનિકોએ ઉંદરના શરીરમાંથી શુક્રાણુ અને અંડ લીધા વિના બીજા કોશોમાંથી ભ્રૂણની રચના કરી છે. Nature journal માં સ્ટેમ સેલના ક્ષેત્રમાં મળેલી આ મોટી સફળતાનું વિવરણ આપવામાં આવ્યું છે. ભ્રૂણો એક ડિશમાં બનાવ્યા અને થોડા દિવસ એમને જીવતી માદાના શરીરના ગર્ભાશયની પાતળી દીવાલ સાથે જોડી રાખવામાં આવ્યા હતા.
પરંતુ આનો ઉપયોગ ક્લૉનિંગ માટે કે નવા મનુષ્ય કે પ્રાણી બનાવવા માટે નહીં થાય. આ બનાવવાનો હેતુ વહેલો ગર્ભપાત થઈ જવાનાં કારણો સમજવા માટે છે. ઘણી વાર સ્ત્રીને ખબર પડે કે એ ગર્ભવતી થઈ છે તે પહેલાં જ ગર્ભપાત થઈ જતો હોય છે. આવું કેમ થાય છે તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ભ્રૂણની રચનામાં જ કંઈ ખામી રહી જતી હશે.
સ્ટેમ સેલ અપરિપક્વ કોશો છે અને શરૂઆતના જીવનકાળમાં એ કોઈ પણ પ્રકાર તરીકે વિકસે છે. માસ્ટ્રિખ્ટ યુનિવર્સિટીના મર્લિન ઇન્સ્ટીટ્યૂતના ડૉ. નિકોલસ રિવરોન કહે છે કે એમણે ઉંદરના બે પ્રકારના સ્ટેમ સેલ લીધા અને એમને જોડ્યા, પરિણામે એમને ભ્રૂણ (બ્લાસ્ટોસિસ્ટ) જેવી રચના મળી જેમાં ઑર અને બાળકનું સર્જન કરનારા ગોળીના આકારના કોશો પણ છે.
સંદર્ભઃ http://www.bbc.com/news/health43960363
૦-૦-૦
(3) આધાશીશીની બીમારી
આધાશીશીની બીમારીથી દુનિયામાં કરોડો લોકો પિડાય છે. પરંતુ જેનેટિક અભ્યાસમાં જણાયું છે કે જેમનામાં યુરોપીયન જીન હોય તેમને આ બીમારી વધારે થાય છે!
પચાસ હજાર વર્ષ પહેલાં આપણા પૂર્વજો આફ્રિકાથી નીકળ્યા અને આખી દુનિયાના જુદા જુદા પ્રદેશોમાં પહોંચીને ત્યાં ઠરીઠામ થવા લાગ્યા. આમ એ જ્યાં ગયા ત્યાંના વાતાવરણને અનુકૂળ થવામાં એમના જીનમાં પણ ફેરફારો થયા હશે. વૈજ્ઞાનિકોને લાગ્યું કે આધા શીશીનાં મૂળ આવી કોઈ ઘટનામાં તો નથી ને?
આપણામાં એક જીન છે – TRPM8. આ એક જ જીન એવો છે કે જેને કારણે આપણે ઠંડીનો અનુભવ કરીએ છીએ અનીએ એની પ્રતિક્રિયા આપીએ છીએ. વૈજ્ઞાનિકોએ જોયું કે આ જીનની પહેલાંની એક રૂપાંતરિત આવૃત્તિ પણ છે જે ૨૫ હજાર વર્ષ પહેલાં આપણા પૂર્વજોના ભાઈઓ, પિતરાઈઓ ઊંચાઈવાળા પ્રદેશોમાં વસ્યા એમનામાં એનો વિકાસ થયો. નાઇજીરિયાના લોકોમાંથી માત્ર પાંચ ટકામાં આ જીન છે જ્યારે ફિનલૅન્ડના ૮૮ ટકા લોકોમાં ઠંડી સામે પ્રતિક્રિયા આપે એવા જીન્સ છે. આધાશીશીની બીમારીનું કારણ એક જીન છે તે તો વૈજ્ઞાનિકો પહેલેથી જાણતા હતા પણ એનું કારણ પચાસ હજાઅર વર્ષ જૂનું છે તે હવે જાણી શકાયું છે.
સંદર્ભઃ
(જાણકારો માટે) http://journals.plos.org/plosgenetics/article?id=10.1371/journal.pgen.1007298
સરળ સમજૂતી માટેઃ https://www.sciencedaily.com/releases/2018/05/180503142921.htm
૦-૦-૦
(૪) પરણવું હોય તો….!
પરણવા માગતા હો અને તમારી ઉંમર ૫૯થી ઉપર હોય તો તમે પરણી શકશો કે નહીં તે કેમ નક્કી થઈ શકે? તમે કોઈની સાથે હાથ મિલાવો – તમારી પસંદગીની ‘છોકરી’ સાથે – તો એ તરત જાણી લેશે કે ;છોકરો’ પરણવા લાયક છે કે કેમ! તમે તમારા હાથમાં કન્યાનો હાથ લો ત્યારે તમારી પકડ મજબૂત હશે તો તમારો ઘર સંસાર ફરી શરૂ થઈ શકશે અને પકડ ઢિલી હશે તો છોકરી હાથથી ગઈ સમજો!
કોલંબિયા યુનિવર્સિટીની મેઇલમૅન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ અને એજિંગ સેંટરના સંશોધકોએ આ અભ્યાસ કર્યો છે. એમણે એવું પણ તારણ આપ્યું છે કે સ્ત્રીઓની બાબતમાં હાથની પકડની શરત લાગુ નથી પડતી.
હાથની પકડ તમારું સ્વાસ્થ્ય કેવું છે તે સૂચવે છે. અભ્યાસમાં જણાયું કે સ્ત્રીઓ મજબૂત પકડ હોય તેવા હાથવાળી વ્યક્તિને પરણવાનું પસંદ કરે છે. વૃદ્ધાવસ્થાએ પહોંચેલી નવી જોડી પરિચારકની મદદ લેવાનું ટાળે છે, જ્યારે ઢીલી પકડવાળા ભાઈ બિચારા પરણ્યા વિના રહી જાય છે અને એમની સંભાળ લે એવાની પણ જરૂર પડે છે.
સંશોધકોએ નૉર્વેના એક શહેરમાં પાંચ હજાર કેસો તપાસ્યા. એ બધાની ઉંમર ૫૯ અને ૭૧ વચ્ચે હતી. એમને એક નરમ દડો દબાવવાનો હતો. તે પછી એમણે એ પરણેલા છે કે નહીં, અને સામાન્ય સ્વાસ્થ્ય કેવું છે તેનો અભ્યાસ કર્યો તો જોવા મળ્યું કે ઉંમર નહીં પણ હાથની મજબૂત પકડ એમાં ભાગ ભજવે છે. નરમ પકડવાળા લોકો એકલા હતા. એમને પોતાની સંભાળ લેવા માટે મદદની જરૂર હતી. સરકારો પણ આ જાણીને પોતાની નીતિઓ બનાવવી જોઈએ!
૦-૦-૦
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી
બરોબર વાંચો…. પોસ્ટમાં લખેલ છે કે ….પચાસ હજાર વર્ષ પહેલાં આપણા પુર્વજો આફ્રીકાથી નીકળ્યા…. અને પછી જીનમાં ફેરફાર થતાં આધાશીશી ની શરુઆત થઈ.
વેદ અને ઉપનીષદમાં ઠેર ઠેર બ્રાહ્યણ, ક્ષત્રીયનો ઉલ્લેખ છે એ ઋષી મુની આચાર્ય ગુરુ કે ઠોઠ નીશાળીયા ને હવે ક્યારે જ્ઞાન થશે કે આ ઉંચ નીચ કે નાત જાત તો ઉપજાવી કાઢેલ છે બાકી બ્રાહ્મણ કે ક્ષત્રીય બધા વર્ણસંકર જ છે. સમજો ચંગીઝખાન કે અકબર ઔરંગઝેબના વારસદાર…
પોસ્ટમાં એની ઉપર તો કૃત્રીમ ભૃણ વીશે છે. લાગે છે હવે આ ગુરુ આચાર્યને હારાકીરી કરવાનો વારો આવશે….
બરોબર વાંચો…. પોસ્ટમાં લખેલ છે કે ….પચાસ હજાર વર્ષ પહેલાં આપણા પુર્વજો આફ્રીકાથી નીકળ્યા…. અને પછી જીનમાં ફેરફાર થતાં આધાશીશી ની શરુઆત થઈ.
વેદ અને ઉપનીષદમાં ઠેર ઠેર બ્રાહ્યણ, ક્ષત્રીયનો ઉલ્લેખ છે એ ઋષી મુની આચાર્ય ગુરુ કે ઠોઠ નીશાળીયા ને હવે ક્યારે જ્ઞાન થશે કે આ ઉંચ નીચ કે નાત જાત તો ઉપજાવી કાઢેલ છે બાકી બ્રાહ્મણ કે ક્ષત્રીય બધા વર્ણસંકર જ છે. સમજો ચંગીઝખાન કે અકબર ઔરંગઝેબના વારસદાર…
પોસ્ટમાં એની ઉપર તો કૃત્રીમ ભૃણ વીશે છે. લાગે છે હવે આ ગુરુ આચાર્યને હારાકીરી કરવાનો વારો આવશે….