મંજૂષા : ૧૧. નવરાશનો સમય સૌથી વ્યસ્ત સમય

Facebooktwitterredditpinterestlinkedinmail

-વીનેશ અંતાણી

એક સુપ્રસિદ્ધ લેખકને પ્રશ્ન પૂછવામાં આવ્યો: “તમે જ્યારે લખતા હોતા નથી ત્યારે શું કરો છો?” એમણે હસીને જવાબ આપ્યો” “હું મારી જિંદગી જીવું છું! જ્યારે હું લખવાના કામથી થાકી-કંટાળી જાઉં છું ત્યારે હું મારાં પૌત્ર સાથે રમું છું, મારા કૂતરા સાથે ગેલ કરું છું, સંગીત સાભળું છું. મારા ઘરની સફાઈનું કામ કરું છું, મારા બગીચામાં ક્યારા સાફ કરું છું… હું મારા નવરાશના સમયે સૌથી વધારે વ્યસ્ત હોઉં છું..” વડોદરાના માજી મહારાવ ફતેહસિંહ રાવ ગાયકવાડે આકાશવાણી વડોદરા પર આપેલા વાર્તાલાપમાં કહ્યું હતું કે જ્યારે તેઓ એમના કામકાજથી કંટાળીને નવરાશની પળોનો આનંદ માણવા માગે ત્યારે તેઓ ઘણી વાર રસોઈઘરમાં જઈને કોઈ વાનગી બનાવવા લાગે છે.

કામના અતિ દબાણ પછી વ્યસ્ત લોકોને આવી પ્રવૃત્તિ કરવાથી ઘણા ફાયદા થાય છે. જરૂરી નથી કે તમે તમારું મુખ્ય કામ જ સતત કરતા રહો. એકનું એક કામ કંટાળો આપે છે. એનાથી શારીરિક અને માનસિક થાક લાગે છે અને જે મહત્ત્વનું કામ કરી રહ્યા હોઈએ તેની ગુણવત્તા પર પણ અવળી અસર પડે છે. આજના યુગમાં લોકો એમના કામનું એટલું બધું દબાણ અનુભવે છે કે તેઓ સ્ટ્રેસનો ભોગ બનીને મોટી બિમારીમાં પણ ફસાય છે. એમનો સ્વભાવ ચિડિયો બની જાય છે. એ કારણે એમની અંગત જિદગી પર પણ નકારાત્મક અસર પડે છે. વ્યસ્ત લોકો એમના કામની વચ્ચે થોડો સમય કાઢીને જુદા પ્રકારની, નાનીનાની પ્રવૃત્તિ કરતા રહે તો એમને માનસિક અને શારીરિક રીતે ઘણી રાહત મળે છે અને એમની મુખ્ય કામ કરવાની ક્ષમતામાં પણ અકલ્પ્ય વધારો થાય છે.

નવરાશનો સમય વ્યસ્ત રહેવા જેટલો જ મહ્ત્ત્વનો છે. જીવનમાં વધારેને વધારે ઉત્પાદક પ્રવૃત્તિ કરવા વિશેનું માર્ગદર્શન આપતા એક વિચારકે કહ્યું છે: “જો તમે તમારી વ્યસ્તતામાં જ ગુંચવાયેલા રહેશો તો તમારા પોતાના માટે, તમારી જિંદગી માટે કેટલો સમય ફાળવી શકશો? તમારે તમારા કુટુંબ, તમારા મિત્રો, તમારા સમાજ માટે ફાળવવો પણ જરૂરી છે. જો તમે તમારા કામમાં જ ડૂબેલા રહેશો તો પછી તમારા વ્યક્તિત્વના વિકાસ અને તમારા આધ્યાત્મિક વિકાસ માટે ક્યારે સમય કાઢશો?”

કેટલાય લોકોને એમના કામનું વ્યસન થઈ જાય છે. કેટલાય પત્રકારો, કેટલી બધી કંપનીના ઉચ્ચ હોદ્દેદારો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલી કેટલીય વ્યક્તિઓ, કેટલાય ખેલાડીઓ, કેટલાય કળાકારો અને એવી તો અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને એમના કામ સિવાય બીજું કશું સૂઝતું જ નથી. તેઓ દિવસના ચોવીસ કલાકમાંથી મોટા ભાગનો સમય યા તો એમનું એકનું એક કામ કર્યા કરે છે અથવા તો એમની જવાબદારી વિશે ચિંતા કર્યા કરે છે. એમને નવરાશ એટલે શું એની ખબર જ હોતી નથી.

નવરાશનો અર્થ આળસમાં વિતાવેલો કે નિષ્ક્રિય રહીને વિતાવેલા સમય જેવો થતો નથી. કામની વચ્ચેથી શોધી કાઢેલો નવરાશનો સમય વ્યસ્થા જેટલો જ ઉત્પાદક હોય છે. આપણે આપણા કામના સમયની વ્યવસ્થા એવી રીતે કરવી જોઈએ કે એની વચ્ચે પૂરતી નવરાશ મળી શકે. ઘણા લોકો કામની વચ્ચે એમની ઓફિસમાંથી બહાર સડક પર નિરુદ્દેશ ચાલવા લાગે છે. એક બહુ મોટી કંપનીના ચીફ એક્ઝિક્યટિવની ઓફિસ એક પબ્લિક ગાર્ડનની બાજુમાં જ આવેલી હતી. તેઓ ઘણી વાર એમના કામની વચ્ચે અચાનક ઊભા થઈને એ બગીચામાં ચાલ્યા જતા અને કશું જ કર્યા વિના થોડો સમય ત્યાં નિરાંતે બેસતા અને ઝાડ-પાન જોયા કરતા, પક્ષીઓનો અવાજ સાંભળતા. એમનું કહેવું છે કે એમણે એવી રીતે વિતાવેલો સમય એમનામાં નવી જ ઊર્જાનો સંચાર કરતો હતો અને તેઓ એમની જવાબદારી વધારે ક્ષમતાથી પાર પાડી શકતા હતા.

દરેક વ્યક્તિએ પોતાના કામ અને નવરાશના સમયની વચ્ચે બેલેન્સ ઊભું કરવાની જરૂર રહે છે. આ વાત આજના અતિવ્યસ્ત જીવનમાં તો ખૂબ જ આવશ્યક બની ગઈ છે. માત્ર કામમાં જ ડૂબેલા રહેવાથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થતો નથી. ગૃહિણીઓએ પણ એમના ગૃહકામના દબાણની વચ્ચે થોડો સમય કાઢીને ટીવી જોવું, સંગીત સાંભળવું, મનગમતું પુસ્તક વાંચવું જેવી પ્રવૃત્તિ કરીને નવરાશની હળવી પળોને માણી શકે. કશા જ કારણ વિના પણ રિલેક્સ થવાની આદત કેળવવા જેવી છે. ઘણી વાર તો કશું જ ન કરવું એ પણ વ્યસ્તતાનો એક પ્રકાર છે.

વ્યસ્તતાની વચ્ચે થોડો સમય કાઢીને મૌન બેસી રહેવાથી પણ મન-મગજ અને શરીરનું સંતુલન વધે છે. એનાથી ઇચ્છાશક્તિ દ્રઢ બને છે. જૂના સમયમાં બોદ્ધ સાધુઓ એમના મનોબળને મજબૂત કરવા માટે મૌનનો મહિમા સમજ્યા હતા. કહેવાય છે કે થોડા સમય માટે પણ મૌન પાળવાથી વ્યક્તિની માનસિક તાકાત વધે છે, એની નિર્ણયશક્તિ પર હકારાત્મક અસર પડે છે અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. વ્યસ્તતાની વચ્ચેથી ચોરી લીધેલી નવરાશની પળોમાં આપણે કરેલી અર્થહીન લાગતી પ્રવૃત્તિ વાસ્તવમાં સૌથી વધારે ઉત્પાદક સાબિત થાય છે.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

2 comments for “મંજૂષા : ૧૧. નવરાશનો સમય સૌથી વ્યસ્ત સમય

 1. May 21, 2018 at 7:47 am

  સૌથી વ્યસ્ત સમય… લેખકે વ્યસ્ત કેમ રહેવું અથવા શું કરવું એ જણાંવેલ છે. મને તો નવાઈ લાગે છે આ સાઈટ ગુજરાતીઓ માટે વીચાર મંચ છે. સાઈટ ઉપર મુલાકાતીઓ અધધ આવે છે. પણ એમની પાસે કોમેંન્ટ લખવા સમય નથી અથવા પ્રેકટીશ નથી.

  મોરારી બાપુ હીંચકા ઉપર બેસી કવાલી સાંભળતા હોય પણ વીડીઓ કે ફોટોગ્રાફર કલાકાર કે સાથીદારોને બદલે બાપુને કેંન્દ્રમાં રાખી વીડીઓ કે ફોટો ઉતારે છે. જો કે રુપીયા આયોજકો આપતા હોય છે પણ પછી જોનાર વર્ગ કોમેન્ટ કરતો જ નથી. 

  પોસ્ટના અંતે તાકાત અને કાર્યશક્તી વધારવાનો નુશખો બતાવેલ છે. જેઓ વ્યસ્ત છે એમંણે નવરાશની પળ ચોરી કરવાની તક લઈ લેવી જોઈએ…

 2. Niranjan Mehta
  May 21, 2018 at 1:06 pm

  આપે જણાવેલ વાતથી હું સહમત છું કારણ હું પણ મારી જિંદગીમાં આ અભિગમ અપનાવું છું અને મૌનને પણ સ્થાન આપું છું. આભાર સુંદર લેખ બદલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *