ત્રણ ગ઼ઝલ

Facebooktwitterredditpinterestlinkedinmail

-પારુલ ખખ્ખર

                             (૧)

તકતી – ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

મ્હેંકતી ગુલ્લાબજળની છાંટ જેવી છું સજન,
આવ પાસે બેસ, ગંગાઘાટ જેવી છું સજન.

ઝળહળાવી ના શકું દીવાનખાનાને છતાં,
ગોખમાં જલતી રહેલી વાટ જેવી છું સજન.

જો તને હો થાક મબલખ, ને વિસામાની કદર,
તો ઘુઘરિયાળી હિંડોળાખાટ જેવી છું સજન.

કેમ જોડી જામશે તું કિંમતી રેશમ સમો,
હું તો ખરબચડી ને માદરપાટ જેવી છું સજન.

ફક્ત તારા નામના સિક્કા પડે, સોદા પડે,
એ નગરમાં એક નમણી હાટ જેવી છું સજન.

ભલભલા અડધી રમતમાં કેમ હારી જાય છે?
તું કહેને, હું કોઈ ચોપાટ જેવી છું સજન?

હું જ અંદર જળકમળવત્ ,હું જ અંદર જોગણી,
બ્હારથી હું રૂપ -રસની ફાંટ જેવી છું સજન.


 

                                     * * *

                             (૨)

તકતી – ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

દોડવામાં, થાકવામાં, હાંફવામાં વહી જશે,
ને સમય અંતે નિસાસા નાંખવામાં વહી જશે.

જાત માટે વાપરો તો શક્ય છે સુધરી શકો,
આ બધી ગાળો બીજાને ભાંડવામાં વહી જશે.

છે હજુંયે તક દિવાલોને બનાવો ઘર તમે,
આવડત નહિતર દિવાલો લાંઘવામાં વહી જશે.

જો ધરાથી સ્હેજપણ અળગા થયાં તો જાણજો,
આયખુ ઊંચા મિનારા આંબવામાં વહી જશે.

કાં કવિતા છોડ ‘પારુલ’,કાં ઉઠાવી લે કલમ,
કિંમતી વર્ષો હથેળી વાંચવામાં વહી જશે.

                                             * * *

                                   (૩)

તકતી – ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા


છોડી દીધેલો દાખલો વર્ષો પછી સમજાય તો પકડો કલમ,
કોરી હથેળી પર ભૂંસેલું નામ જો વંચાય તો પકડો કલમ.

આવે છતાં આવે નહીં, આવ્યા પછી બટકે અને છટકે ખરો
નાટક અને નખરાં શબદનાં આપને પોસાય તો પકડો કલમ.

વાસ્યું ધડાકાભેર ને ભીડ્યો ચસોચસ આગળો એ દ્વાર પર,
હળવેકથી ઇચ્છા ટકોરા મારતી દેખાય તો પકડો કલમ.

પકડો કલમ ને ત્યાં અચાનક હાથ છોડી દે કવિતા શક્ય છે,
એવી ક્ષણે ચીરી ત્વચા જો આંગળાં કોળાય તો પકડો કલમ.

સૌ વીરડા રૂઠે અને સાચી પડે મૃગજળ વિશેની વાયકા,
રેતી ભરેલી આંખમાં જો વાદળી ઘેરાય તો પકડો કલમ.

ફાટી ગયેલા વસ્ત્રને સાંધી શકો ને થીગડું મારી શકો,
પણ કાળની મૂંગી થપાટે પોત જર્જર થાય તો પકડો કલમ.

વળગી જશે , ભરખી જશે જઇ ચોટલી બાંધો સ્મરણના પ્રેતની
માથું પછાડી ત્યાં અધૂરી લાગણી વળ ખાય તો પકડો કલમ.

 

                                                  * * *

સંપર્ક સૂત્રો:-

મોબાઈલ – ૯૪૨૯૮ ૮૯૩૬૬
ઈ મેઈલ – parul.khakhar@gmail.com
બ્લોગ – mypinkpoems.wordpress.com

5 comments for “ત્રણ ગ઼ઝલ

 1. anopsinh jadeja
  May 20, 2018 at 11:03 am

  Very nice..

 2. Ashesh Mehta
  May 20, 2018 at 1:18 pm

  Nyc ? one

 3. Bhagwan thavrani
  May 21, 2018 at 1:24 pm

  ત્રણેય ગઝલો અત્યંત સુંદર..દરેક શેર અર્થપૂર્ણ અને સંવેદનસભર…!
  જિયો !

 4. કિશોર બારોટ
  May 28, 2018 at 11:42 pm

  ત્રણેય ગઝલો સંઘરવા જેવી. અભીનંદન

 5. યોગેશ
  January 14, 2019 at 2:30 am

  ત્રણે ગઝલો અદ્દભૂત… પોરબંદર માં રૂબરૂ સાંભળવાનો આસ્વાદ અનેરો રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *