કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૪૦

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

સ્નેહા આજે સાચું બોલવાના મૂડમાં હતી એટલે કહ્યું, ‘એક શરતે કિશુ!’ કહી કિશનના શ્વાસોછ્વાસની ગતિ અને તેનો પ્રતિભાવ સાંભળવા એ અટકી.

‘બોલ, તારી શરત, હું સાંભળું છું’ કિશનનો સ્વસ્થ અવાજ સ્નેહાએ સાંભળ્યો.

છતાં ય સંકોચ મિશ્રિત સ્વરે તે બોલી, ‘ કિશુ, લગ્ન પછી પણ જ્યાં સુધી હું…. શારીરિક સંબંધ માટે તૈયાર ન હોઉં…’

તેના અધૂરા વાક્યને વચ્ચે જ અટકાવી કિશને દુઃખભર્યા અવાજે કહ્યું, ‘ હું તારી ઉપર કોઈ જ બળજબરી નહી કરું એની તને ખાતરી હજુ ય નથી થઈ ? (પછી એક મોટા નિશ્વાસ સાથે) મને લાગે છે સ્નેહા, તું મને ઓળખી જ શકી નથી !’

જોકે સ્નેહાને પોતાને જ એના બોલવાની પોકળતા સમજાઈ ગઈ હતી છતાંય શું બોલવું તે ન સૂઝતાં બોલી, ‘પ્લીઝ કિશુ, આવો મોટો આરોપ મારી ઉપર ન મૂક !’

કિશનની ઘવાયેલી લાગણી એના બોલવામાં સ્પષ્ટ થતી હતી, ‘ભલે સ્નેહા, તું વિચારીને જવાબ આપજે’ કહી ફોન મૂકી દીધો.

કિશનના સ્નેહનું કેવું મોટું અપમાન થઈ ગયું તેનો સ્નેહાને ખ્યાલ આવ્યો.

આંખમાં આવેલા આંસુઓએ તેને કિશનના મનની ઉદારતા સમજાવી. ડૂસકાં ન નીકળી જાય એ ડરે એ આગલા રૂમમાંથી, વચલા રૂમમાં બેઠેલા ધનુબાની નજરે ન ચઢી જવાય એની કાળજી રાખી, ઝડપથી માળ પર એના રૂમમાં જતી રહી.

ખૂબ રડી લીધા પછી એને ખ્યાલ આવ્યો કે કોઈ ક્યારનું બારણું નૉક કરે છે. સરલાબહેન કેંદ્રમાંથી પાછા આવી ગયાં અને ત્યારે સ્નેહાને નીચે ન જોતાં તેને શોધતાં તેના રૂમમાં ગયાં. સ્નેહાની રડી રડીને સૂઝી ગયેલી આંખો જોતાં તેમને જબરો ધ્રાસકો પડ્યો, ‘શું થયું મારી દીકરીને ? કહી એને ગળે લગાવી.

માંડ માંડ ખાળેલા ધ્રૂસકાંઓને ખભો મળ્યો એટલે બમણા વેગે વહેવા માંડ્યા.

સરલાબહેને ધીરજ રાખી એને રડવું હોય ત્યાં સુધી રડવા દીધી.

જ્યારે એમણે જોયું કે સ્નેહાના ડૂસકાં શમ્યા ત્યારે માથે હાથ ફેરવી પૂછ્યું , ‘મને કહેવાનું યોગ્ય લાગતું હોય તો મને કહીશ કે કેમ આટલું બધું રડવું આવ્યું ?’

‘ફોઈ, તમે બધા આટલા બધા સારા કેમ છો?’

સરલાબહેને મોકળે મને હસતાં હસતાં કહ્યું, ‘તારા સવાલનો જવાબ તારે જ આપવો પડે એવો સવાલ તેં પૂછ્યો છે. ચાલ, હવે એ કહે કે સવાર સવારનાં તને કોણે આટલી બધી રડાવી ?’

વાત કરતાં કરતાં તેમની નજર સ્નેહાની બાજુમાં પડેલા મોબાઈલ ઉપર પડી. એટલે અંદાજ તો આવી જ ગયો કે ક્યાં તો સ્નેહાએ એના મમ્મી – પપ્પા સાથે વાતો કરી હશે અને રડવું આવ્યું હોય તે સ્વાભાવિક છે અથવા કિશન સાથે વાત થઈ હશે – પણ કેમ આટલું બધુ રડવું આવ્યું તેનો ખ્યાલ આવી શક્યો નહી.

એમની મુંઝવણનો જવાબ, સ્નેહા એક મિત્રને કહે એટલી સરળતાથી સરલાબહેનને, લગ્ન પછી થતાં શારીરિક સંબંધ વિષેના એના ભયની વાત કરી જે એણે થોડીવાર પહેલા કિશનને કરી હતી.

સરલાબહેન પણ એનો હાથ પંપાળતાં પંપાળતાં વિચારમાં પડ્યાં. થોડી ગડમથલને અંતે એમણે કબૂલ કર્યું, ‘સાચું કહું સ્નેહા, આ તારા ભયને સમજવાની મારી તાકાત નથી દીકરા. છતાંય એક બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીને સમજવા બીજી સ્ત્રી પ્રયત્ન કરે તેમ હું કરવા ટ્રાય કરું છું’

પછી સહેજ અટકીને પૂછ્યું, ‘કિશને શું કહ્યું ?’

સ્નેહાની આંખો ફરી છલકાઈ ઊઠી, પછી માંડ માંડ રડવા પર કંટ્રોલ કરી કહ્યું , ‘મારા એ પ્રશ્ને એને ખૂબ તકલિફ આપી, ફોઈ. એણે કહ્યું કે હું એને ઓળખી જ શકી નથી ! સાચે જ મેં એની લાગણીનું કેટલું મોટું અપમાન કરી નાંખ્યું એ વિચારીને મને રડવું આવે છે.’

સરલાબહેન એ બન્ને વચ્ચેના પ્રેમ અને ખાસ કરીને દીકરાની સમજણ પર વારી ગયાં .

મલકીને બોલ્યાં, ‘મારી ભોળી પારેવડી, હવે મારે એ ન કહેવાનું હોય કે ફોન કરીને મારા કિશુને મનાવી લે !’

સ્નેહાએ ફોન કરીને કિશનને મનાવી તો લીધો પણ કિશનને ભવિષ્યમાં રાખવી પડતી ધીરજનો ખ્યાલ આવી ગયો.

જેમ જેમ એ સ્નેહાની આ વાત પર વિચાર કરતો ગયો તેમ તેમ સ્નેહા સાથે જ જિંદગી જીવવાનો એનો નિર્ણય નિશ્ચયમાં ફેરવાતો ગયો.

સરલાબહેનનું સંવેદનશીલ કાળજું કિશનને જો વારસામાં ન મળ્યું હોત તો આજની સ્નેહાની શરતથી એનું મન લગ્ન માટે ડગુમગુ થઈ ગયું હોત !

ઘરમાં ધીમે ધીમે લગ્નની તૈયારી શરુ થવા માંડી હતી. મનુભાઈએ સ્નેહાના મમ્મી-વીણાબહેન અને ભાઈ રોહન, જેઓ લગ્નમાં આવવાનાં હતાં, તેમને માટે જરૂરી ડોક્યુમેંટસ તૈયાર કરાવી અને મોકલાવી દીધાં.

કિશન, નમન અને નંદાની એક્ઝામની તારીખો ધ્યાનમાં લઈને લગ્નની તારીખો નક્કી કરવામાં આવી.

મનુભાઈની ઈચ્છા તો પોતાના પહેલા સંતાનનાં લગ્ન ધામ્ધૂમથી કરવાની હતી પરંતુ વ્યવહારુ સરલાબહેનને એમ કરવાનું બે કારણસર યોગ્ય ન લાગ્યું – એક તો પ્રીતનાં મૃત્યુને ધ્યાનમાં રાખીને અને બીજું, એ જ રકમ કિશન-સ્નેહાને સૅટલ થવા માટે આપી શકાય .

નંદાએ વચ્ચેનો રસ્તો કાઢ્યો. તેના સૂચન મુજબ એ લોકોનાં મેરેજ રજીસ્ટર કરાવી અને પછી સાદાઈથી હિંદુવિધિથી લગ્ન કરવા અને કિશન ગ્રેજ્યુએટ થઈ ગયાની પાર્ટીમાં પછી જેને બોલાવવા હોય તેને બોલાવી શકાય.

આજે સ્નેહાના આનંદની અવધિ નથી! નર્કની યાતનાને પાછળ છોડી, સ્વર્ગીય સુખના પ્રદેશમાં એ તેની વહાલી મમ્મી અને ભાઈ રોહનને મળવાની છે.

કિશને તેને આગળથી ચેતવી, ‘મમ્મી અને ભાઈને જોતાં જ તને ભાવિન સાથેનાં લગ્ન યાદ આવશે જ પરંતુએ યાદોને ન જીતવા દેવી હોય તો તેનો સામનો કરજે. અમને સૌને તારી સાથે અને મને તારી અંદર અનુભવજે, પછી જોઈએ કે કોણ જીતે છે?’

વીણાબહેન અને રોહનને લેવા ગયેલાં સ્નેહા, મનુભાઈ અને સરલાબહેનને કિશન સીધો એરપોર્ટ પર જ મળ્યો. પેલી – લગ્ન પછી સ્નેહાને સતાવતાં શારીરિક સંબંધના ડરની વાત થયા પછી પહેલીવાર જ બન્ને મળ્યા. કિશન એટલી તો સહજતા અને સંયમથી સ્નેહાને મળ્યો કે થોડી ઘણી રહી ગયેલી શંકા પણ સ્નેહાના મનમાંથી નીકળી ગઈ. કોઈની નજર પડે નહીં તેમ આસ્તેથી સ્નેહાએ કિશનનો હાથ પકડી લીધો. કિશને એની સામે વહાલથી જોયું અને સ્નેહા મીણની જેમ પીગળી ગઈ.

વીણાબહેન અને રોહનને સામેથી આવતાં જોઈ સ્નેહા નાનકડી છોકરીની જેમ દોડી અને બંને જણને વળગી પડી. ત્રણેય જણની આંખો, તેમના વહી નીકળેલાં આંસુ મળવાના આનંદના છે કે વીતી ગયેલી યાતનાનાં છે તે છૂટાં પાડી શકી નહીં. સરલાબહેને નજીક આવી ત્રણેય જણને વાંસે હાથ ફેરવ્યો ત્યારે વીણાબહેનને અન્યોની હાજરીની પ્રતિતિ થઈ. વીણાબહેન સરલાબહેનને વળગી ફરી રડી પડ્યાં.

કયા જન્મોના પુણ્યે, આ સાવ જ અજાણ્યા દેશમાં એમની દીકરીને ખરે સમયે મળ્યા અને તે પણ પડોશી બનીને ! આ વિચાર જ્યારે જ્યારે વીણાબહેનને આવે છે ત્યારે ત્યારે આંખમાં આંસુ સાથે ઈશ્વરનો આભાર માન્યો છે. પરંતુ આજે સરલાબહેનને પ્રત્યક્ષ જોઈને તેમનામાં જ પ્રભુનો સાક્ષાત્કાર કર્યો.

લાગણીઓની મૂંગી આપ-લે પછી સૌને કળ વળી. એક તરફ શાંતિથી ઊભા રહેલા મનુભાઈ અને કિશનને નમસ્કાર કરવા વીણાબહેનનાં હાથ જોડાઈ ગયાં. કિશન નજીક આવ્યો, પગે લાગ્યો અને વીણાબહેન કાંઈ સમજે તે પહેલાં તેમને બાથમાં સમાવી લીધાં.

આશ્વાસનનાં શબ્દો કરતાં કિશનનાં આ વહાલે જે હૈયાધારણ વીણાબહેનને આપી તે સહન ન થતી હોય તેમ તેમનું રડવું અટકતું નહોતું.

આખરે સૌએ કાર ભણી પ્રયાણ કર્યું. કિશનની કારમાં સ્નેહા, સરલાબહેન અને વીણાબહેન બેઠાં. રોહનને લઈને મનુભાઈ એમની કાર તરફ ગયાં. સરલાબહેને આખરે વીણાબહેનને ‘સમ’ આપ્યાં પછી જ આભાર માનતાં અટક્યાં.

સ્નેહાએ કારની પાછલી સીટ પર બેઠેલાં મમ – મમ્મી તરફ જોઈને કહ્યું, ‘સાચું કહું, આપણે સૌએ ભાવિનનો આભાર માનવો ન જોઈએ ?

અત્યાર સુધી કિશને જે કામ સ્નેહાના માનસને તૈયાર કરવા માટે કર્યું હતું તે કેટલું સફળ થયું, તે સ્નેહાના આ હળવા વાક્યે પૂરવાર કરી આપ્યું. સૌ હસી પડ્યાં અને કિશને પાછળ બેઠેલાં બન્ને જણની પરવા કર્યા વગર સ્નેહાને નજીક ખેંચી તેના કપાળે ચુંબન કર્યું.

બીજે દિવસે લતાબહેનનો ફોન આવ્યો અને સૌના આશ્ચર્ય વચ્ચે તેમણે લગ્ન સુધી, વીણાબહેન, રોહન અને સ્નેહાને પોતાના ઘરે રહેવા માટે આમંત્રણ આપ્યું. પછી પુત્રના મોતની ઉદાસી ખંખેરતાં હોય તેમ વીણાબહેનને પૂછ્યું,’ હું તમારી દીકરીને દત્તક લઉં તો તમને વાંધો નથીને?

કોઈ અંધશ્રધ્ધામાં માનતા ન હોવા છતાંય સરલાબહેનથી આ પ્રેમને કોઈનીય નજર ન લાગી જાય તેવી પ્રાર્થના ભગવાનને થઈ ગઈ !

લતાબહેનના દિલના છાને ખૂણે દીકરીની ઝંખના રહી હતી એટલે સ્નેહાની માસી બનીને, અને એ રીતે પ્રીતના મૃત્યુએ સર્જેલા શૂન્યાવકાસને પણ ભરી દીધો. લગ્નની સંપૂર્ણ તૈયારીની જવાબદારી લતાબહેને પોતાના માથે લઈ લીધી. નીલેશકુમારનો એકાદ દિવસ સારો તો વળી બે-ત્રણ દિવસ ડિપ્રેશનમાં જાય છે.

લગ્નને આડે ચાર દિવસ રહ્યા છે. પહેલાં રજિસ્ટર અને પછી સીધાં મંદિરે સૌ જશે. ત્યાં મંદિરના મહારાજ બધી તૈયારી કરી રાખશે એવી વ્યવસ્થા કોઈ પણ અંતરાય વગર થઈ ગઈ !


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *