સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૧૪). બેક્ટેરીયા/જીવાણુઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

પીયૂષ . પંડ્યા

આપણે ગઈ કડીમાં જાણ્યું કે મનુષ્યશરીર સાથે બેક્ટેરિયાનો વિશિષ્ટ નાતો રહેલો છે. આજે એ વિશે વધુ વાત કરીએ. એક તંદુરસ્ત એવા પુખ્ત વયના સરાસરી કદના માણસનું શરીર લગભગ ૧૦૧૩ એટલે કે એક ઉપર તેર મીંડાં ચડાવીએ એટલા(એક નીલ જેટલા) વિવિધ પ્રકારના માનવીય કોષોનું બનેલું હોય છે. આવા માનવ શરીરની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં અને શરીરની અંદર તેમ જ બહારની સપાટી ઉપર અનિવાર્ય રીતે મળી આવતાં હજારો પ્રકારનાં બેક્ટેરિયાની સંખ્યા લગભગ ૧૦૧૪ એટલે કે એક ઉપર ચૌદ મીંડાં ચડાવીએ એટલી(દસ નીલ) હોય છે! આમ, એક માનવશરીર સાથે તેના પોતાના બંધારણીય કોષો કરતાં દસ ગણા વધારે બેક્ટેરિયાના કોષો સંકળાયેલા હોય છે. છે ને ગળે ન ઉતરે એવી વાત? પણ અનેકાનેક પ્રયોગો પછી વૈજ્ઞાનિકોએ આ હકિકત પ્રસ્થાપિત કરી છે. વળી પ્રભાવિત કરી દે એવી બાબત તો એ છે કે આમાંનાં ઘણાં બધાં બેક્ટેરિયા આપણું જીવન ટકાવી રાખવા માટે અમૂલ્ય ફાળો આપે છે. હજી આગળ વધીને જાણીએ તો ચોંકી જવાય એવી બાબત એ છે કે એમાંનાં અમુક બેક્ટેરિયા તો આપણે માટે અનિવાર્ય છે, જો એ મિત્રોનો ટેકો ન મળે તો માનવ શરીરનું અસ્તિત્વ જોખમાઈ શકે!

જ્યારે વૈજ્ઞાનિકોને આ હકિકતની જાણ થઈ ત્યારે એમાંના કેટલાકે એ સહેલાઈથી સ્વીકારી ન હતી. અમુકોએ ચોક્કસ પ્રકારના પ્રયોગો આદર્યા. સ્વાભાવિક રીતે જ પ્રયોગો કરવા માટે મરઘી જેવાં પક્ષી કે પછી ગીનીપીગ, ઉંદર કે બીલાડી જેવાં પ્રાણીઓ પસંદ કરવામાં આવ્યાં. પ્રયોગશાળામાં એક નાની કોટડી બનાવવામાં આવી, જ્યાં કોઈ પણ રીતે બહારના વાતાવરણનો સીધો સંપર્ક ન રહે અને તેથી કોઈ પણ પ્રકારનાં બેક્ટેરિયાની ઉપસ્થિતી એમાં હોય નહીં. આવી કોટડીમાં પક્ષી/પ્રાણીના નવજાત બચ્ચાને રાખી, એને જરૂરીયાત મુજબનાં હવા, ખોરાક અને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી. પણ એ દ્રવ્યોમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયાનો એકાદો કોષ પણ દાખલ ન થઈ જાય એ માટેની પૂરતી તકેદારી લેવામાં આવી. પરિણામે પ્રયોગ હેઠળ રહેલું બચ્ચું બેક્ટેરિયાના સહેજેય સંપર્કમાં ન આવે એની ખાત્રી કરી લેવામાં આવી.. આવા એક કરતાં વધુ પ્રયોગો વિવિધ પક્ષીઓ/પ્રાણીઓ ઉપર કરવામાં આવ્યા અને દરેકમાં એક સમાન પરિણામો જોવા મળ્યાં, જ્યાં ખુબ જ યોગ્ય માત્રામાં હવા, ખોરાક અને પાણી મળતાં હોવા છતાં બેક્ટેરિયાના સંસર્ગ વગર રખાતાં પ્રાણીઓ સ્વસ્થપણે ઉછરી ન શક્યાં અને કેટલાંક તો અકાળે મૃત્યુ પામ્યાં. આ પરથી તારણ એ નિકળ્યું કે દરેક પ્રાણીશરીર માટે અમુક બેક્ટેરિયા અનિવાર્ય છે. એમની ગેરહાજરીમાં યોગ્ય વૃધ્ધિ કે વિકાસ ન થઈ શકે એટલું જ નહીં, જીવન પણ લાંબું ટકી શકતું નથી. આ પ્રકારના પ્રયોગો Germ free life/Gnotobiotic life/જીવાણુરહિત જીવન(પ્રણાલી) તરીકે પ્રચલિત થયા અને અનેક પ્રકારનાં સંશોધનોમાં ઉપયોગી નીવડ્યા.

હવે આપણે આ બાબત માત્ર અને માત્ર મનુષ્યના સંદર્ભે આગળ વધારીએ. માતાના શરીરમાં બેક્ટેરિયાથી લગભગ અક્ષુણ્ણ રહેલા બાળકના ગર્ભમાંથી બહાર આવવાના ઘટનાક્રમની સાથે જ એનો જુદા જુદા પ્રકારનાં બેક્ટેરિયાના સંસર્ગમાં આવવાનો સિલસિલો ચાલુ થઈ જાય છે. જન્મના થોડા કલાકોમાં તો એના શરીરમાં અને એની સપાટી ઉપર વિવિધ પ્રકારનાં બેક્ટેરિયા હાજર થઈ જાય છે. યાદ રાખીએ, આમાંનાં મોટા ભાગનાં આપણે માટે અનિવાર્ય એવાં મૈત્રીપૂર્ણ બેક્ટેરિયા હોય છે. આવાં મિત્રો મનુષ્યશરીરને પોતાની ચયાપચય ક્રિયાઓ દ્વારા મુખ્યત્વે બે રીતે ઉપયોગી નીવડે છે. ચયાપચયની ક્રિયા બે તબક્કાઓમાં વહેંચાયેલી હોય છે — સંષ્લેષણ અને વિઘટન. હવે કેટલાંક બેક્ટેરિયા સંષ્લેષણાત્મક પ્રક્રિયાઓ દ્વારા મનુષ્યના શરીરને માટે અત્યંત જરૂરી એવાં રાસાયણિક દ્રવ્યો બનાવે છે. Image result for Escherichia coliબીજાં કેટલાંક બેક્ટેરિયા વિઘટનાત્મક પ્રક્રિયાઓ દ્વારા આપણા શરીરમાં ઉત્પન્ન થયેલાં અને આપણને નૂકસાન પહોંચાડી શકે એવાં દ્રવ્યોને દૂર કરી, આપણને નૂકસાન થતું અટકાવે છે. આ સિવાય આપણી આસપાસના વાતાવરણમાં હાજર હોય અને આપણા શરીરમાં પ્રવેશવા કોશિષ કરી રહ્યાં હોય એવાં અનિચ્છનિય હાનીકારક જીવાણુઓને એમના ઈરાદામાં નિષ્ફળ બનાવવામાં આપણી સાથે રહેતાં કેટલાંયે બેક્ટેરિયા ખુબ જ મહત્વનો ફાળો આપતાં રહે છે. આમ, આપણી સાથે રહેતાં અને અનેક રીતે આપણને ઉપયોગી થતાં રહેતાં બેક્ટેરિયા Normal flora of human body/ મનુષ્ય શરીરનાં સાહજીક રહેવાસી જીવાણુઓ કહેવાય છે. જન્મથી આપણી સાથે અનિવાર્યપણે જોડાઈ જતાં આવાં સુક્ષ્મ સજીવો આપણા છેલ્લા શ્વાસ સુધી આપણો સાથ નિભાવે છે. અહીં એક ઉદાહરણ આપવું ઉચિત રહેશે. Escherichia coli /એશ્કેરીશીયા કોલાઈ નામે ઓળખાતાં બેક્ટેરિયા આપણા શરીર સાથે સંકળાયેલાં જીવાણુઓ પૈકી સૌથી વધુ જાણીતાં છે. આપણા પાચનમાર્ગમાં મહદઅંશે મોટા આંતરડામાં રહેતાં આ બેક્ટેરિયા મનુષ્ય શરીર માટે અત્યંત જરૂરી એવું K2 નામે જાણીતું વીટામીન બનાવે છે. આપણું શરીર વીટામીન-B ના વિવિધ પ્રકારો જાતે બનાવી નથી શકતું. આ ઘટકો પણ આંતરડામાં રહેલાં બેક્ટેરિયા બનાવી, આપણને પૂરા પાડે છે. આ ઉપરાંત અન્ય ઘણી રીતે આ મિત્રો આપણને ઉપયોગી નીવડતા રહે છે. તેમ છતાં કેટલાક વિશિષ્ટ અપવાદરૂપ સંજોગોમાં અનેક રીતે મૈત્રીપૂર્ણ વર્તાવ કરતા એશ્કેરીશીયા કોલાઈના કોષો મનુષ્ય શરીરને પારાવાર નૂકસાન પહોંચાડવાની હદે પણ જતા રહે છે.

આ વાત આટલા વિસ્તારથી એટલા માટે કરી કે સામાન્ય રીતે માણસો આ અદ્રશ્ય સજીવોથી ડરતા રહે છે. વળી આજના બજારીકરણના યુગમાં તો જાહેરાતના કસબીઓ આપણા ડરમાં સતત વધારો કરતા રહે છે. આપણને ઠસાવી દેવામાં આવે છે કે આપણી આસપાસ ચોમેર ભયંકર એવા અદ્રશ્ય દૈત્યો રૂપી જીવાણુઓ ફરી રહ્યાં છે અને એ આપણા શરીરમાં દાખલ થઈ, આપણને ખતમ કરી દેવાના પેંતરા રચી રહ્યાં છે. જો એમનાથી બચવું હોય તો આપણે ચોક્કસ જંતુનાશકથી હાથપગ ધોયા જ કરવા એ અનિવાર્ય છે. હકિકતે આટલી બધી કાળજી લેવાની જરાયે જરૂર નથી. હા, સ્વસ્થ જીવન માટે સ્વચ્છતા જરૂરી છે, પણ યાદ રાખીએ કે આપણા વાતાવરણમાં ઘૂમી રહેલાં જીવાણુઓમાનાં મોટા ભાગનાં તો એકદમ નિર્દોષ છે. એ પૈકીનાં અમુક આપણે માટે મિત્રરૂપ છે અને હા, કેટલાંક હાનિકારક છે. એમનાથી પણ આ જાહેરાતના જાદૂગરો ડરાવે છે એટલા ડરવાની જરૂર નથી. એવાં જીવાણુઓ આપણા શરીરમાં દાખલ થઈ પણ જાય, આપણું શરીર અને એમાં વસવાટ કરી રહેલા આપણા સુક્ષ્મ મિત્રો એવાં જીવાણુઓથી આપણું રક્ષણ કરવા સક્ષમ હોય છે. રોગ થવાની સંભવિતતા અત્યંત પાતળી હોય છે. ટૂંકમાં, સ્વચ્છતાનો આગ્રહ ચોક્કસ રાખીએ, એની ઘેલછા રાખવાની જરૂર નથી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

1 comment for “સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૧૪). બેક્ટેરીયા/જીવાણુઓ

  1. May 18, 2018 at 8:00 am

    પોસ્ટની શરુઆતમાં લેખકે એક નીલ કોષ અને દસ નીલ બેક્ટરીયાનો ઉલ્લેખ કરેલ છે. વીચાર કરો બે સો વરસ અગાઉ બેટકરીયા વીશે આપણને શું જ્ઞાન હતું?

    છતાં કંઇક અનુભવ કે નીરીક્ષણ કરી એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી કાઢી. છેલ્લા ચાલીસ વરસમાં શીતળાના બધા વાઈરસનો ખાતમો નીકળી ગયો.

    પોસ્ટના અંતમાં લેખકે જાહેરાતો અને બજારીકરણનો ઉલ્લેખ કરેલ છે. ખરેખર સુક્ષ્મ જીવ સૃષ્ટી વીશે જેટલું જાણીએ એટલું ઓછું છે. 

    લેભાગુઓ જેમાં બજારીકરણના વેપારીઓ અને આપણાં દેશના સાધુ, ગુરુ, મહારાજ, મહાત્માઓ દેશની પ્રજાની અજ્ઞાનતામાં વધારો કરે છે. રાજકરણીઓ એને ખુલ્લે આમ ટેકો આપે છે. ગરીબ, મહીલાઓ, બાળકો અને દલીત ઉપર અત્યાચાર માટે અજ્ઞાનતા જવાબદાર છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *