સાયન્સ ફેર : … તો ઓવરસ્માર્ટ લોકોનો ઇમોશનલી ‘ડમ્બ’ જમાનો આવશે!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

માનવ મગજની ઉત્ક્રાંતિ અને એના પરિણામો ઉપરની આ લેખમાળાના ૨ હપ્તા દરમિયાન આપણે જોયું કે માનવ મસ્તિષ્કની ઉત્ક્રાંતિ હજી ચાલુ જ છે. ઉત્ક્રાંતિએ અતિશય ધીમી પ્રક્રિયા છે, જે હજારો વર્ષોના સમયગાળા દરમિયાન થાય છે. માનવનો પૂર્વજ વાનર હતો, જે ઉત્ક્રાંતિની સાથે વિકસતો ગયો, એની બુદ્ધિમતા વિકસતી ગઈ. આ બધું હજારો વર્ષોના સમયગાળા દરમિયાન બન્યું છે. માનવ મગજ-મસ્તિષ્કની ઉત્ક્રાંતિ હજી ય સતત ચાલુ જ છે. માણસનું મગજ આજે જેવું છે, એવું થોડા હજાર વર્ષો પછી નહી હોય. થોડાક હજાર વર્ષ પછી એ આજની સરખામણીએ બહેતર બન્યું હશે! આજની સરખામણીમાં ભવિષ્યનો માનવી નિ:શંકપણે વધુ સ્માર્ટ હશે, એ બાબતે સહુ એકમત છે. પરંતુ મૂળ મુદ્દો ‘જીનેટિક એનહેન્સમેન્ટ’ દ્વારા પ્રાપ્ત થયેલી ‘કૃત્રિમ સ્માર્ટનેસ’નો છે.

૦૪-૦૫-૨૦૧૮ના ‘મગજની ઉત્ક્રાંતિ માત્ર થોડા મહિનાઓમાં જ થઇ જાય તો?!‘ અંકમાં આપણે જોયું કે થોડા વર્ષો પહેલા ચાઈનીઝ મૂળના અમેરિકન ડૉ બ્રુસ લેહન અને એમની ટીમે અમેરિકાની વિખ્યાત શિકાગો યુનિવર્સીટી માટે સંશોધન કરતી વખતે મસ્તિષ્કમાં આવેલા બે બદલાવની શોધ કરી. ડૉ લેહનની ટીમ મૂળભૂત રીતે માઈક્રોસેફેલી નામની એક બિમારી ઉપર સંશોધન કરી રહી હતી. આ બિમારીનો ભોગ બનનાર બાળકો જન્મથી જ સામાન્ય કરતાં નાના કદનું મગજ ધરાવનારા હોય છે. સંશોધન દરમિયાન ખબર પડી કે માઈક્રોફેલીન અને એએસપીએમ નામના જનીન મસ્તિષ્કની વૃદ્ધિ માટે જવાબદાર હોઈ શકે છે. ડૉ લેહનની ટીમે માઈક્રોફેલીન અને એએસપીએમ સહિતના બીજા ૨૦ જેટલા જનીનોનો અભ્યાસ કરીને જણાવ્યું કે આ જનીનો વાનરમાંથી ઉતરી આવેલા માનવોમાં, સસલા અને ઉંદરોની સરખામણીમાં વધુ ઝડપથી વિકાસ પામ્યા છે. જેને પરિણામે માનવના મગજની બૌદ્ધિક ક્ષમતાઓ પણ ઝડપથી વિકાસ પામી છે. માનવ મસ્તિષ્કમાં ઉત્ક્રાંતિની સાથે, છેલ્લા ૬૦,૦૦૦ વર્ષો દરમિયાન આવેલો આ બદલાવ ‘જીનેટિક એનહેન્સમેન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે, કેમકે આ બદલાવ પાછળ જનીન-જીન્સમાં થયેલા ફેરફારો જવાબદાર છે. અને ચિંતાનો મૂળ વિષય પણ આ જ છે. બે મુદ્દા દ્વારા એ સમજીએ.

મુદ્દો ૧ : હાલના સમયમાં પણ ગર્ભવતી મહિલાઓમાં ‘પ્રિનેટલ ટેસ્ટીંગ’ અનિવાર્ય ગણવામાં આવે છે. પ્રિનેટલ ટેસ્ટીંગ એટલે બાળકના જન્મ પહેલા, માતાના શરીરમાં ઉછરી રહેલા ગર્ભનું પરીક્ષણ. અહીં અવતરનારુ બાળક મેલ છે કે ફીમેલ, એવા જેન્ડર ટેસ્ટની વાત નથી. પણ ડોક્ટર્સ પ્રિનેટલ ટેસ્ટીંગ દ્વારા નક્કી કરે છે કે આવનારું બાળક ડાઉન સિન્ડ્રોમ જેવા જીનેટિક ડીસઓર્ડરથી પીડાતું તો નથી ને! હવે ડાઉન સિન્ડ્રોમ વિષે તો જાણકારી છે, એથી એ વિષેનું પરીક્ષણ ઉપયોગી નીવડે છે. હવે ડૉ લેહનની ટીમે મસ્તિષ્કનું કદ અને બુદ્ધિમતા માટે જીન્સને જવાબદાર ઠેરવ્યા, એનો મતલબ એમ કે આ જીન્સમાં પણ ક્યારેક ને ક્યારેક બદલાવ – મ્યુટેશન જોવા મળ્યું જ હશે! એવું મનાય છે કે છેલ્લે આવો બદલાવ સત્તરેક હજાર વર્ષ પહેલા થયો હશે. હવે જો એ સમયે પણ પ્રિનેટલ ટેસ્ટીંગ્સ થતાં હોત, તો એ સમયના ડોક્ટર્સે અનેક બાળકોનો ગર્ભપાત કરાવ્યો હોત! કેમકે જીન્સમાં આવનારા કોઈ પણ પ્રકારના બદલાવને શંકાની નજરે જ જોવામાં આવે છે! રખે ને બાળક કોઈ અસાધ્ય જીનેટિક બિમારીનો ભોગ બન્યું હોય તો, એમ વિચારીને ડોક્ટર્સે હજારો ભ્રૂણહત્યા કરી નાખી હોત! સારું થયું કે એવું કશું થયું નહિ, પણ આજની તારીખે જ્યારે પ્રિનેટલ ટેસ્ટીંગ ઉપલબ્ધ છે, ત્યારે પણ જીનેટિક એનહેન્સમેન્ટ સારી દિશામાં થઇ રહ્યું છે કે ખરાબ દિશામાં, એ કોણ નક્કી કરે? ફિલ્મોની ભાષામાં કહીએ, તો જીનેટિક મ્યુટેશનમાંથી પસાર થયેલું બાળક ‘સુપર હીરો’ બનશે કે ‘સુપર વિલન’ એ કઈ રીતે ખબર પડે?

 મુદ્દો ૨ : આ મુદ્દો વધુ રસપ્રદ છે. ધારો કે વૈજ્ઞાનિકોએ કોઈ એવો જીન્સ મોડીફાઈ કરી નાખ્યો, જેનાથી માણસની બૌદ્ધિક અને શારીરિક ક્ષમતામાં અનેકગણો વધારો થઇ જાય એમ છે, તો શું થાય? ઉંદર ઉપર આવા પ્રયોગ થઇ ચૂક્યા છે. વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં જીનેટિક મ્યુટેશન દ્વારા સામાન્ય ઉંદરને ‘શ્વાર્ત્ઝનેગર માઉસ’ બનાવી ચૂક્યા છે. (શ્વાર્ત્ઝનેગર નામ જાણીતા હોલીવુડ કલાકાર આર્નોલ્ડ શ્વાર્ત્ઝનેગર પરથી લેવાયું છે, જે પોતાના બાવડેબાજ શરીરને કારણે સતત આઠ વાર મિ. યુનિવર્સનો ખિતાબ જીતી ચૂક્યો છે.) આ શ્વાર્ત્ઝનેગર માઉસ બીજા સામાન્ય ઉંદરોની સરખામણીએ ક્યાંય વધુ ઝડપે, ઘણા લાંબા અંતર સુધી દોડી શકે એમ હતું! ઉંદરો પર જેટલી આસાનીથી આવો પ્રોસેસ થઇ શકે છે, એટલી આસાનીથી માણસો પર આવી કરામત નથી થઇ શકતી. કેમકે હ્યુમન ઓર્ગેનીઝમ ક્યાંય વધુ ગૂંચવાડા ભરેલું છે. પરંતુ એનો અર્થ એવો ય નથી કે ભવિષ્યમાં વૈજ્ઞાનિકો હ્યુમન જીન્સ એનહેન્સમેન્ટ નહિ જ કરી શકશે! ગમે ત્યારે ય વિજ્ઞાન એટલું આગળ તો જશે જ કે કૃત્રિમ રીતે જીનેટીકલી એનહેન્સ્ડ સંતતિ પેદા થઇ શકે!

clip_image002

અને આજના કરતાં અનેકગણા સ્માર્ટ, શક્તિશાળી, બુદ્ધિશાળી માણસો પેદા થશે. પણ તો પછી પેલી માનવ સહજ મુગ્ધતાનું શું? ઓવર સ્માર્ટ માણસો પ્રેમ અને દોસ્તી કરી શકશે? એકબીજાનું બાલિશપણું અને મૂર્ખામી સહન કરી શકશે? મીઠા લડાઈ-ઝગડા કરીને ય… એકબીજાની ભૂલોને માફ કરીને ય એકબીજાની નજીક રહી શકશે? આવનારો ‘ઓવર સ્માર્ટ’ જમાનો કદાચ ‘ઇમોશનલી ડમ્બ’ અને સ્વાર્થી સાબિત થશે! કવિ વારિજ લુહારની આ પંક્તિઓની જેમ જ…

હોય નજદીકી છતાંયે દૂર થાતાં જાય છે,
ભેદ સઘળાં એટલે ઘેઘૂર થાતાં જાય છે.

પુષ્પનો જયકાર બોલો તો જ એ મ્હેકી શકે !!
બાગમાં એવાં હવે દસ્તૂર થાતાં જાય છે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

2 comments for “સાયન્સ ફેર : … તો ઓવરસ્માર્ટ લોકોનો ઇમોશનલી ‘ડમ્બ’ જમાનો આવશે!

 1. vimla hirpara
  May 18, 2018 at 5:14 am

  જ્વલંતભાઇ, નમસ્તે, તમારા લેખના અનુસંધાનમાં કહુ તો માણસ બન્ને રીતે ડંબ થશે. આજે દસ ટકા બુધ્ધીજીવી શોધો કરે છેને નેવું ટકા ઉપયોગ કરે છે.માનવસ્વભાવ આળસું છે.એટલે તો શ્રમ ઓછો કરવો પડે એવા મશીનો શોધાય છે. આજે કેલકયુલેટર, ફોનમાં નંબરોની નોંધ, ગુગલમાં ફટાફટ સ્પેલીંગો ને બીજી માહીતિ. માણસની યાદશકિત ઘટતી જાય છે. કારમાં જીપીસ એટલે રસ્તો યાદ રાખવાની કે શૌધવાની કે મગજ કસવાની જરુર નહિ. હવે કુદરતના નિયમ પ્રમાણે જે અવયવનો ઉપયોગ નથાય તે કાળક્રમે નાશ પામે. એમાં હવે રોબોટનો ઉમેરો થયો. લાગે છે કે માણસ શારીરિક ને માનસિક બન્ને રીતે ક્ષીણ થઇ જશે.

 2. May 18, 2018 at 8:13 am

  સીતેર વરસ અગાઉ તાલુકા મથક શું છે અથવા ક્યાં આવેલ છે એ ખબર ન હતી. સવારના વહેલા જરુર ઉઠી જતા પણ સાંજના જલ્દી સુઈ જવું પડતું. વીજળી કે ઈલેક્ટ્રીસીટી અમુક શહેરો પુરતી મર્યાદીત હતી.

  જમાનામાં ફેરફાર થતા ગયા. પ્રાદેશીક ભાષામાં પુસ્તકો છપાતા ગયા. સીમીત જ્ઞાન જાહેર થવા લાગ્યું. કોંમ્પ્યુટર અને મોબાઈલમાં હવે ગુજરાતી ટાઈપ કરવાનું સહેલું થઈ ગયું. કોલસા ઈંન્જીનની રેલ્વે કરતાં ડીઝલ અને વીજળી ઈંન્જીનની ગાડીઓની સગવડ વધવા લાગી. મુસાફરી સસ્તી અને સહેલી થવા લાગી.

  મોટા મોટા ડેમ થતાં પાણીની સગવડ પણ સહેલી થવા લાગી. નર્મદા ડેમ કે એની આજુબાજુના ડેમમાં જે મીઠું પાણી ભરાય છે એ વીજ્ઞાનને આભારી છે.

  વીમાની સેવા જે અમુક વર્ગ પુરતી મર્યાદીત હતી એ હવી સામાન્ય માણસ માટે ઉપયોગી થવા લાગી. મનોરંજન આંગળીના વેઢા ઉપર આવી ગયું.

  હજી નવી નવી શોધો આપણાં જીવનમાં રોજે રોજ કંઈક નવું લાવે છે અને આપણે કામમાં વ્યસ્ત થતા જઈએ છીએ. નાના નાનીને ઘરે બે ચાર કે અઠવાડા સુધી રહેવાનો હવે ક્યાં જમાનો છે?

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *