ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :::: ભાગ ૧: ગુલામી :::: પ્રકરણ ૧૨: ઔરંગઝેબ, કંપની અને બંગાળ

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

(ઔરંગઝેબનો જન્મ ૧૬૧૮ની ૨૪મી ઑક્ટોબરે ગુજરાતના દાહોદમાં થયો હતો અને ૪૦ વર્ષની વયે ૧૬૫૮ના મે મહિનાની ૨૩મીએ એ ગાદીએ બેઠો. ૧૭૦૭માં એનું મૃત્યુ થયું.)

જહાંગીર અને શાહજહાંના સમયથી જ બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપની હિંદુસ્તાનમાં જામવા લાગી હતી. સત્તરમી સદીમાં કંપની હિંદુસ્તાન આવી ત્યારે જહાંગીરનું શાસન હતું. ૧૬૩૩માં મચિલિપટ્ટનમના ફૅક્ટરે ઓડિશાના મોગલ સુબેદારની પરવાનગીથી બાલાસોર અને હરિહરપુરામાં ફૅક્ટરીઓ બનાવી. તે પછી ૧૬૪૦માં મદ્રાસમાં એમણે સેંટ જ્યૉર્જ ફોર્ટ ઊભો કર્યો. પરંતુ બંગાળમાં ઔરંગઝેબે એમને ઘણીબધી છૂટ આપી.

મદ્રાસમાં કંપનીનું કામકાજ ઢીલું પડ્યું હતું. એ જ હાલત હુગલીની ફૅક્ટરીની હતી, એટલે કંપનીને બંગાળમાં બીજું કોઈ સ્થાન જોઈતું હતું. બંગાળમાં કંપનીને સોના અને ચાંદીના બદલામાં મોંમાગ્યો માલ મળતો હતો. ગાદી માટે ઔરંગઝેબની ખૂનામરકી વખતે એનો સાથી, બંગાળનો હાકેમ શાઇસ્તા ખાન લડાઈઓમાં વ્યસ્ત હતો અને વહીવટ કથળ્યો હતો. અંગ્રેજોને વેપારમાં બધી છૂટ હોવા છતાં સ્થાનિકના અધિકારીઓ એમની પાસેથી પૈસા પડાવતા હતા.

આથી, ૧૬૮૨ સુધીમાં કંપની અને મોગલોના સંબંધો બહુ જ બગડી ગયા. કંપની ટૅક્સ આપવા તૈયાર નહોતી અને મોગલ શાસકો એમનો માલ જવા દેતા નહોતા. એટલે કંપનીએ પોતાનાં હિતોના રક્ષણ માટે બળનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

ઔરંગઝેબના કરવેરામાં પણ ભેદભાવ હતો. મુસ્લિમ વેપારીઓ પર અઢી ટકા, જ્યારે બીજા પર પાંચ ટકાનો વેરો હતો. એણે બિનમુસ્લિમો પર જઝિયા વેરો પણ લાગુ કરી દીધો હતો. કંપની આના માટે તૈયાર નહોતી.

દરમિયાન હુગલીની ફૅક્ટરીના પ્રેસીડેન્ટ જૉબ ચાર્નોક સામે એના ભારતીય એજન્ટો અને વેપારીઓએ ૪૩ હજાર રૂપિયાનો દાવો માંડ્યો. હિંદુસ્તાની જજનો ચુકાદો ચાર્નૉકની વિરુદ્ધ આવ્યો પણ એ દંડ ચુકવવા તૈયાર નહોતો.

૧૬૮૬ના ઑક્ટોબરમાં કંપનીએ હુગલીની ફૅક્ટરીમાં ૪૦૦ની ફોજ ઊભી કરી લીધી. બીજી બાજુ શાઇસ્તા ખાન પણ તૈયાર હતો. એણે ૩૦૦ ઘોડેસવારો અને ૩,૦૦૦ સૈનિકો હુગલીમાં ગોઠવી દીધા. શહેરના ફોજદારે કંપની સાથે લેવડદેવડ બંધ કરાવી દીધી. ૨૮મી તારીખે કંપનીના ત્રણ સૈનિકોએ બજારમાં ઘૂસવાની કોશિશ કરી પણ ઝપાઝપીમાં એ ઘાયલ થયા અને કેદ પકડાયા. કંપનીની ફોજના માણસો એમને છોડાવવા ગયા પણ મોગલ ફોજે એમને મારી ભગાડ્યા અને કંપનીનાં જહાજો પર તોપમારો કર્યો. સામેથી કંપનીએ વધારે કુમક મોકલી, એના હુમલામાં ફોજદારના ઘરને આગ લાગી ગઈ. અંગ્રેજી ફોજે એક મોગલ જહાજને પણ કબજામાં લઈ લીધું. ફોજદારની ટુકડીના છ માણસ મરાયા અને ચારસો-પાંચસો ઘરો બળી ગયાં. ફોજદાર પોતે ભાગી છૂટ્યો.

શાઇસ્તા ખાનને આ સમાચાર મળતાં એણે મોટું ઘોડેસવાર દળ મોકલ્યું. અંગ્રેજો ડિસેમ્બરની ૨૦મીએ હુગલીથી બધું વીંટીને ભાગ્યા અને સૂતાનટી ટાપુ (આજનું કોલકાતા) પર પહોંચ્યા. હવે એમનું કંઈ ચાલે એમ નહોતું એટલે એમણે સમાધાનનો માર્ગ લીધો અને સૂતાનટીમાંથી વેપારની પરવાનગી માગી. શાઇસ્તા ખાન પણ વાતચીત કરતો રહ્યો પણ એનો હેતુ અંગ્રેજોને અંધારામાં રાખીને ફોજ ઊભી કરવાનો હતો.

૧૯૮૭ના ફેબ્રુઆરીમાં ફરી લડાઈ ફાટી નીકળી. મટિયા બુર્જ, થાણા (આજનું ગાર્ડન રીચ) અને હિજલી પર અંગ્રેજોનો કબજો થઈ ગયો.

હિજલી એક નાની જાગીર હતી. ચાર્નૉકે હિજલીનું રાજ્ય જીતી લીધું. કૅપ્ટન નિકૉલસને આ પહેલાં જ હિજલીના બંદર પર કબજો કરી લીધો હતો. (Hijli_Kingdom). હિજલીનો મોગલ સરદાર લડાઈ વિના જ ભાગી છૂટ્યો હતો. હિજલીમાં અંગ્રેજોએ પોતાનો બધો નૌકા કાફલો એકઠો કરી લીધો. હિજલી ફળફળાદિમાં સમૃદ્ધ હતું અને સમુદ્ર કાંઠે મીઠું પણ પાકતું હતું. પરંતુ મેલેરિયાનો ભારે પ્રકોપ હતો.

તે પછી માર્ચમાં અંગ્રેજોએ ઓડિશાના બાલાસોર પર કબજો જમાવ્યો. અને ઔરંગઝેબના શાહઝાદા આઝમ અને શાઇસ્તા ખાનનાં બે જહાજ કબજે કરી લીધાં. આમ વાત વધી ગઈ.

હવે મોગલોની ૧૨,૦૦૦ની ફોજે હિજલી પર ચડાઈ કરી. અંગ્રેજો આ વખતે ઊંઘતાં ઝડપાયા. એમના ૨૦૦ સૈનિકો માર્યા ગયા. બીજા સોએક મૅલેરિયામાં સપડાયા હતા. તેમ છતાં એમણે ચાર દિવસ સુધી લડાઈ કરી અને મોગલોને હંફાવ્યા.

છેવટે જૂનની ચોથી તારીખે મોગલ સરદારે શાંતિ માટે દરખાસ્ત મોકલી. અંગ્રેજોએ કબૂલ કરી અને ધૂમધડાકા સાથે હિજલી છોડ્યું. શાઇસ્તા ખાને એમને ઉલૂબેડિયામાં પોતાનું કામકાજ કરવાની છૂટ આપી. આમ જૉબ ચાર્નૉક ૧૬૮૭ના સપ્ટેમ્બરમા સૂતાનટી પાછો આવ્યો.

પરંતુ, આ બાજુ મુંબઈ પાસે પણ અંગ્રેજોએ મોગલોના નૌકા કાફલા પર હુમલા કર્યા હતા. ઔરંઅગઝેબ આ કારણે ગુસ્સામાં હતો. આથી શાઇસ્તા ખાનને અંગ્રેજો સાથેનો કરાર તોડવાનું જરૂરી લાગ્યું. એણે કંપનીને સૂતાનટી ખાલી કરીને હુગલી પાછા જવા ફરમાન કર્યું. પણ ચાર્નૉકે હવે ઢાકાના સુબેદાર સમક્ષ સૂતાનટીમાં જમીન ખરીદવાની અરજી કરી. આ વાટાઘાટો તો એક વરસ ચાલી.

મોગલ હાકેમો આ બધા સમાચાર ઔરંગઝેબ સુધી પહોંચાડતા હતા. એ ગોલકોંડા સામે લડાઈમાં પડ્યો હતો. એણે તરત જ બધા જ અંગ્રેજોને પકડી લઈને મોગલ સલ્તનતમાં જ્યાં પણ એમની ફેક્ટરી હોય તે કબજે કરી લેવાનો હુકમ આપ્યો અને રૈયતને પણ અંગ્રેજો સાથે વેપાર ન કરવાનું ફરમાન કર્યું. પરંતુ કંપની નૌકા યુદ્ધમાં મોગલો કરતાં વધારે શક્તિશાળી હતી. એટલે હજ માટે મક્કા જતાં જહાજોને એ આંતરવા લાગ્યા.

પરંતુ શાઇસ્તા ખાન પછી ઇબ્રાહિમ ખાન આવ્યો. એ અંગ્રેજોનો મિત્ર હતો. એણે એમને ફરી બંગાળ આવવાનું આમંત્રણ આપ્યું. નવા કરાર થયા અને ઔરંગઝેબે ૨૨મી ફેબ્રુઆરી ૧૬૯૦ના દિવસે ફરમાન બહાર પાડ્યું અને એમને ૧,૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો અને એમના બધા વાંકગુના માફ કરીને ફરી પહેલાંની જેમ બધી છૂટછાટો સાથે વેપાર કરવાની પરવાનગી આપી.

૨૪મી ઑગસ્ટે જૉબ ચાર્નૉક પાછો આવ્યો અને ઇબ્રાહિમ ખાને વરસના ૩,૦૦૦ રૂપિયા ચુકવવાની શરતે બંગાળમાં વેપાર કરવાની કંપનીને છૂટ આપી.

અંગ્રેજોના અધિકારો દરેક સ્થળે જુદા જુદા હતા. મુંબઈમાં એ સાર્વભૌમ હતા, મદ્રાસમાં અંગ્રેજ નાગરિકો પર ઇંગ્લિશ ચાર્ટર પ્રમાણે એમની હકુમત હતી, પણ બંગાળમાં અંગ્રેજો પર તો એમનું શાસન ઇંગ્લિશ ચાર્ટર પ્રમાણે હતું પણ હિંદુસ્તાની નાગરિકો માટે હવે કંપની એક જમીનદાર હતી!

મુખ્ય સંદર્ભઃ

1. An Advanced History of India, R. C. Mazumdar, H. C. Raychaudhuri, Kalikinkar Datta 3rd Edition, 1973, Macmillan India (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. History of Aurangzib by Jadu Nath Sarkar, Vol 5, 1952 M. C. Sarkar & Sons, Calcutta, (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

ઇંટરનેટ પરથી બીજીયે પૂરક સામગ્રી અને ફોટા લીધા છે જેના સંદર્ભ યોગ્ય સ્થાને મૂળ લેખમાં જ આપેલા છે. આ લેખ વ્યાવસાયિક હેતુ માટે નથી અને સંદર્ભમાં દર્શાવેલાં પુસ્તકો અથવા ઇંટરનેટ પરથી લીધેલી માહિતીનો ઉપયોગ પણ વ્યાવસાયિક હેતુઓ માટે નથી કર્યો.


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

2 comments for “ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :::: ભાગ ૧: ગુલામી :::: પ્રકરણ ૧૨: ઔરંગઝેબ, કંપની અને બંગાળ

 1. May 17, 2018 at 6:18 am

  ગુજરાતના દાહોદના ઔરંગઝેબના જમાનામાં ૪૦,૦૦૦ કે ૧,૫૦,૦૦૦ ની રકમથી નવાઈ તો લાગે છે. દેશમાં ભૃષ્ટાચારની શરુઆત ઔરંગઝેબના જમાનાથી થઈ.  કારભારીઓને ફાવટ આવતી ગયી.

  બરોબર વાંચો …   બંગાળમાં અંગ્રેજો પર તો એમનું શાસન ઇંગ્લિશ ચાર્ટર પ્રમાણે હતું પણ હિંદુસ્તાની નાગરિકો માટે હવે કંપની એક જમીનદાર હતી!…

  લાગે છે હવે પછીની પોસ્ટમાં દેશના ભૃષ્ટાચાર બાબત જરુર વધુ માહીતી મળશે….

 2. Kishor Thakr
  May 29, 2018 at 4:46 pm

  દીપકભાઈ બહુ રસપ્રદ ઇતિહાસ આપી રહ્યા છે, અહીં એક શરતચૂક તરફ ધ્યાન દોરું છું હિજલી પર અંગ્રેજોનો કબજો થઈ ગયો તે ફકરામાં આગળ એમ લખેલું છે કે 1987ના ફેબ્રુઆરીમાં ફરી લડાઇ ફાટી નીકળી તેમાં 1987 ના બદલે 1687 હોવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *