





– બીરેન કોઠારી
અકસ્માત એટલે અણધાર્યો બનાવ. સામાન્ય રીતે માર્ગ પર થતી વાહનોની ટક્કર માટે આ શબ્દ વપરાય છે, કેમ કે, તે આયોજિત નહીં, આકસ્મિક જ હોય છે. ગયા સપ્તાહે ઊત્તર પ્રદેશમાં થયેલા આવા એક અકસ્માતના સમાચાર હલબલાવી નાંખે એવા હતા. કુશીનગર નજીક માનવરહિત રેલ્વે ફાટક ઓળંગીને પસાર થતી સ્કૂલ વાન એક ટ્રેનની અડફેટે ચડી ગઈ અને તેર બાળકો મૃત્યુ પામ્યાં. ડ્રાઈવર સહિત બીજાં કેટલાંક બચ્યાં એમની હાલત ગંભીર છે.
આવો અકસ્માત થાય એટલે રાબેતા મુજબ તંત્ર દોડતું થઈ જાય, તપાસનું નાટક ચાલે અને કોઈકને દોષી ઠેરવી દેવામાં આવે એટલે વાત પૂરી. આવા અકસ્માતનું પુનરાવર્તન ન થાય ત્યાં સુધી બધું એમનું એમ ચાલતું થઈ જાય. આ કાર્યપ્રણાલિ કેવળ ઊત્તર પ્રદેશમાં જ છે એવું કેમ કહેવાય! આપણા દેશની આ તાસીર છે. આ કિસ્સામાં પણ એમ ન થાય તો જ નવાઈ! મુખ્યમંત્રી યોગીએ કહી દીધું કે પ્રાથમિક ધોરણે આમાં ડ્રાઈવર દોષિત છે. તેણે કાને ઈયરફોન લગાડેલા હતા. તેની ઉંમર બાબતે પણ કેટલીક શંકા છે. દુર્ઘટના સ્થળે પાટા પર બેસી ગયેલા સ્થાનિક રહીશોએ મુખ્યમંત્રીને જોઈને સૂત્રોચ્ચાર કર્યા ત્યારે યોગીજીએ કહ્યું, ‘ યે નારેબાજી બંદ કરો. યે નૌટંકી બંદ કરો.’
આવા વિરોધી દેખાવો ‘નૌટંકી’ હોવાની યોગીજીની વાત ખોટી તો નથી. નૌટંકીમાં બધાં દૃશ્યો અગાઉથી આયોજિત હોય છે. એ મુજબ તે ભજવાતાં રહે છે. નારાબાજી નૌટંકીનો એક અંક હોય તો તેના બીજા અંકો કેવા હતા એ પણ જાણવા જેવું છે. ડ્રાઈવરની વય ઓછી હતી, તેણે ઈયરફોન ખોસેલા હતા અને રેલ્વે ફાટક પાસે ઊભેલા ‘ગેટમિત્ર’ દ્વારા અપાયેલી ચેતવણીને તેણે અવગણી હતી. એક અંક આ છે.
બીજા અંકમાં ‘ડિવાઈન મિશન સ્કૂલ’ નામની એ શાળાની વાત આવે છે. આ પરિવહનની વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવી હતી. અને શાળા પરવાનગી વિનાની હતી. યોગ્ય વિકલ્પના અભાવે માવતરોએ પોતાનાં બાળકોને આ શાળામાં મૂક્યા હતા. સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર શાળાના વાહનના ચાલકને ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આ કિસ્સામાં ડ્રાઈવરની ઉંમર જ શંકાસ્પદ જણાઈ છે, ત્યાં એના અનુભવની ચકાસણી કરવાની વાત ઘણી દૂરની ગણાય.
નૌટંકીનો ત્રીજો અંક એટલે રેલ્વે સત્તાધીશો. દેશના તમામ માનવરહિત રેલ્વેફાટકો પર કર્મચારીની જોગવાઈ તાકીદને ધોરણે કરવાની વાત બહુ પહેલાં કરવામાં આવી હતી. હજી એ સમયાવધિ લંબાવાઈ રહી છે. પાટા પરથી ગાડી ખડી પડવાની દુર્ઘટનાઓના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પણ માનવરહિત રેલ્વે ફાટક પરના અકસ્માતો ઘટવાનું નામ નથી લેતા. કમિશન ઑફ રેલ્વે સેફ્ટી નામની રેલ્વેની સુરક્ષા માટેની વિશેષ સંસ્થા 1961 થી અસ્તિત્વમાં છે, છતાં હજી ઘણું પાયાનું કામ બાકી રહ્યું છે. વિશ્વ બૅન્ક દ્વારા હાઈ-વીઝીબીલીટી એન્જિનો, સ્પષ્ટ રીતે નિર્દેશીત ફાટકો તેમજ રેલ્વે સુરક્ષા માટેના અલાયદા નિયામક માટેની ભલામણો કરેલી છે, જે ખરેખર તો તદ્દન પાયાની કહી શકાય. આમ છતાં, મૂળભૂત સુરક્ષાના મામલે હજી ઘણો લાંબો પંથ કાપવાનો છે.
રેલ્વેનો આ અકસ્માત પહેલો નથી, એમ છેલ્લો પણ નહીં હોય. દરેક અકસ્માત થાય એટલે એની એ જ ઘટનાઓનું પુનરાવર્તન જાણે કે અગાઉથી આયોજિત હોય એ રીતે થતું રહે છે. આ જોઈ-વિચારીને એમ લાગે કે આખી ઘટનામાં સૌથી વધુ જવાબદાર હોય તો મૃત બાળકો અને તેમનાં માબાપ જ છે.
કેમ તેમણે પોતાનાં બાળકોને એક અમાન્ય શાળામાં ભણવા મૂક્યાં? બાળકોને સારી ગુણવત્તાવાળું શિક્ષણ અપાવવાની લ્હાયમાં તેમણે સરકારી શાળાને શું કામ અવગણી? શાથી તેઓ શાળાના સંચાલકોની દાદાગીરીને તાબે થયા અને શાળાની પરિવહન વ્યવસ્થાને અપનાવી? કાને ઈયરફોન લગાવીને વાહન ચલાવતા ડ્રાઈવરને તેમણે શાથી ટોક્યો નહીં? પોતે ભૂલ પર ભૂલ કરતા રહ્યા અને છેલ્લે અકસ્માત થયો ત્યારે વિરોધ પ્રદર્શિત કરવા માટે પાટા પર બેસી જવાનું? મુખ્યમંત્રી વિરુદ્ધ નારાબાજી કરવાની?
આ ઘટના ભલે ઊત્તર પ્રદેશમાં બની. ગુજરાતમાં એ ન બને એની કોઈ ખાત્રી ખરી? પોતાના બાળકને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અપાવવાની લ્હાયમાં માબાપ મોંઘીદાટ ફી ચૂકવવા તૈયાર હોય છે. ઘણી શાળાના સંચાલકો હવે ખુલ્લેઆમ કહે છે કે શિક્ષણ વેપાર બની ગયું છે. પણ એ વાત સદંતર ખોટી છે. વેપારમાં નાણાં ચૂકવીને સામે તેટલા મૂલ્યની ચીજવસ્તુ લેવામાં આવે છે. શિક્ષણમાં મોટે ભાગે કેવળ એકપક્ષી વ્યવહાર હોય છે. જે ચીજ માટે નાણાં પડાવવામાં આવે છે તેની સામે એ ચીજ મળે છે કે કેમ એ મોટો સવાલ છે. પણ આ સવાલ નાણાં ચૂકવનારને ભાગ્યે જ થાય છે. નાણાં ચૂકવવામાં જ તેની અપેક્ષાનું શમન થઈ જાય છે. શાળાના સંચાલકો આદેશ કરે ત્યાંથી જ પાઠ્યપુસ્તકો, ગણવેશ, પગરખાં ખરીદવાં અને તેમની જ પરિવહન પ્રણાલિ સ્વીકારવાના આદેશ પાછળ ગુણવત્તાનો આગ્રહ કારણભૂત નથી, પણ ઈજારાશાહીને ખુલ્લંખુલ્લું પ્રોત્સાહન છે, જેની હવે કોઈ શરમ રહી નથી. અદાલત ગમે એવા આદેશો બહાર પાડે કે માર્ગદર્શિકાઓ બનાવે, તેનો અમલ કોણે કરવો છે તે ચિંતા? અને આ બાબતે કેવળ શાળા સંચાલકોને શું કામ દોષ દેવો? આપણે સામાન્ય નાગરિકો પણ ક્યાં પાછા પડીએ એમ છીએ?
આ બધાના પરિણામસ્વરૂપ ક્યારેક આવી કોઈ દુર્ઘટના બને ત્યારે તેને અકસ્માત ગણવામાં આવે છે. આ અકસ્માત નથી. આયોજિત દુર્ઘટના છે, જેનું આયોજન ભલે કોઈએ નથી કર્યું, પણ એ માટેના તમામ સંજોગો ઊભા કરવામાં સૌનું નાનુંમોટું પ્રદાન છે. મુશ્કેલી એટલી જ છે કે છેવટનું નુકસાન એક નાગરિક તરીકે આપણે ભોગવવાનું આવે છે.
જાનહાનિ સર્જતી કોઈ દુર્ઘટના બને ત્યાર પછી તે શી રીતે થઈ એની ઉપરછલ્લી તપાસ કરવાને બદલે આવી દુર્ઘટનાના નિવારણ માટેનાં પગલાં વેળાસર લેવામાં આવે તો એ વધુ યોગ્ય ગણાય. નિવારણનાં પગલાં લેવાય એ માટેની જાગૃતિ નાગરિકોમાં ક્યારે આવશે એ સવાલનો જવાબ સૌએ પોતપોતાની રીતે મેળવવો રહ્યો.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩-૫-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
નૌટંકી મા કેટલા અંક હોય? પોસ્ટમાં ઘર થી નીશાળ માં બાળકો ને બસમાં જવું પડે છે એ નાટક છે.
ઘરની નજીક ની શાળા છોડી લાંબે જાય એ વીષય છે. પ્રાથમીક ધોરણ આઠ સુધી સરકારી કે અન્ય શાળામાં છેવટે અભ્યાસક્રમ તો સરખો જ હોય છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર કે કચ્છના ગામડાંમાં અને અરબ દેશમાં કે આફ્રીકાના ગામડાંમાં છેવટે શું શીખડાવે છે? આ શીક્ષણ ફરજીયાત છે અને લગભગ આખી દુનીયામાં સરખો અભ્યાસક્રમ હોય છે જેમાં બાળક સારો નાગરીક અને ખગોળશાસ્ત્ર કે ચીત્રકાર બની શકે છે.
દરેક શાળામાં બધા બાળકોને લગભગ એક જ પ્રકારનું શીક્ષણ મળતું હોવા છતાં નજીકની શાળા છોડી બાળક બસમાં મુસાફરી કરે છે પછી નાટક શરુ થાય છે. યેનકેન બસ, ડ્રાઈવર, રસ્તો, ફાટક, રેલ્વે, સલામતી, વગેરે વગેરે એક પછી એક અંક ખુલતા જાય છે.
… જોઈ-વીચારીને એમ લાગે કે આખી ઘટનામાં સૌથી વધુ જવાબદાર હોય તો મૃત બાળકો અને તેમનાં માબાપ જ છે…. લેખકે સ્પષ્ટ અને વંચાય એ રીતે લખેલ છે પણ માબાપને સમજાવે કોણ ? બસમાં જતા બાળકો ફી વધુ આપે છે અને ખર્ચ વધારે કરે છે.