





-વલીભાઈ મુસા
(૧)
ભેટ માંહે તલવાર બદલે (હઝલ)
માત્રામેળ છંદ – હરિગીત (દરેક ચરણમાં ૨૮ માત્રા, યતિ ૧૪ અને ૧૬ માત્રાએ)
ભેટ માંહે તલવાર બદલે ભેટવાનું રાખ તું
અહંભાવ ને ફાંદ ત્યાગી ભેટવાનું રાખ તું
અવરોધતી તવ ફાંદ ભૂંડી ચસોચસ તુજ ભેટણું
એ પેરે તુજ હૈડેથી અભિમાન છેટું રાખ તું
ફાંદ તો આમેય લજવે કદીયે ન લાગે રૂડું
હુંપણુંય સાવ ભૂંડું ગાંઠે આ વાતું રાખ તું
પાદરક્ષકો વોહોરતાં તવ પગ પડે ખોખા મહીં
લોકો મહીં ફાંદ કાજે ન નીચાજોણું રાખ તું
લંકાપતિ રાવણ તણુંય ગુમાન ધૂળધાણી થયું
તું તો ભલા ખેતમૂળી એ સોચવાનું રાખ તું
‘અભી મોંન મારા કહ્યા, અભિમોંન તો હે સોડના’
બાવા વેણ સાંભળીને સમજી જ જાવું રાખ તું
બથ ભરવા જ તું ચહે તો મદનેય રહ્યો ગાળવો
કાજે ફાંદનિયમન ‘વલી’ ન ઉદર ભુખાળું રાખ તું
– વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
Post-face :
पेट और Ego कम हो तो…
आदमी किसी से भी
गले मिल सकता है…!!!
(એક વોટ્સએપ મિત્રના અજાણ્યા સ્રોતના Quote ઉપરથી પ્રેરિત)
* * *
(૨)
પરિશ્રમ વણ નથી (હઝલ)
તકતી – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા (હઝજ)
પરિશ્રમ વણ નથી કોઈ જ બીજો માર્ગ તુજ પાસે
વગર જોરે જ શૌચાલય જઈ બેકી કરી તો જો
રતુમડી ને મદીલી આંખવાળો આખલો ભટકે
અટકચાળું જ કરવા કાજ પૂંછડું આમળી તો જો
પ્રદૂષણ વાતના અટકાવ કાજે કાયદાઓ છે
છડેચોકે વ જાહેરે અધોવાયુ તજી તો જો
કશુંયે ના કઠિન એવીય ગુલબાંગો નરી પોકળ
દબાવી પેસ્ટને પાછી ટ્યુબે દાખલ કરી તો જો
કદી ગુસ્સે ન થાવું એ ડહાપણ ડોળવું મિથ્યા
ભલા તું કો’કનો તુજ નાક પર મુક્કો ખમી તો જો
સમયના મૂલ્યની વાતો કહેતો તું ફરે જ્યાંત્યાં
ગપાટા ગામના મારે જરા હાથે ઘડી તો જો
નગારાં ઢોલ પોકળ છે વગાડી જાણતાં સૌએ
મુશળને હાથમાં લઇને ‘વલી’ પીટી જરી તો જો
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
* * *
(૩)
પિયર ગઈ, ગઈ ભલે (હઝલ)
તકતી – લગાલગા લગાલગા લગાલગા લગાલગા
પિયર ગઈ, ગઈ ભલે, તરત જ આવ તું પ્રિયે
નહાવું મુલતવી અરે, તરત જ આવ તું પ્રિયે
બિઅર્ડ તો જટા થતી, ફકીર શો હું દીસતો
વિલંબ ના હવે ખપે, તરત જ આવ તું પ્રિયે
ઉદાસ કીર પિંજરે, તરત જ આવ તું પ્રિયે
વળી ઉદાસ છું હુંયે, તરત જ આવ તું પ્રિયે
દિવસ થયા ભલે જ કમ, થયા યુગો સમા પ્રિયે
તડપ ખમીશ ના હવે, તરત જ આવ તું પ્રિયે
સવારસાંજનાં અજીઠ વાસણો ભર્યાં ભર્યાં
મલિન સરવ, રફેદફે, તરત જ આવ તું પ્રિયે
સમજું હવે હું મૂલ્ય તવ, ગઈ તું જ્યારની ડિયર
તું મેઘ સમ વરસ ઘરે, તરત જ આવ તું પ્રિયે
વિરહ ન તું ખમી શકે, ‘વલી’ જરાય આટલો
મરણ સમે કહીશ કે, તરત જ આવ તું પ્રિયે?
–વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
* * *
સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો
ભાઈ, આ વાંચવાની બહુ મજા પડી. દિવસ સુધારી ગયો, થોડા મિત્રોને મોકલાવી…..તેઓ નો દિવસ સુધારવા
કલ્પના રૂપાળી સ્વીકારો અભિનંદન