ઠાકોર તેજલ
શાળા – અંધ કન્યાશાળા, અમદાવાદ
એક નાનું ગામ હતું. તેમાં થોડાં ઘણાં ખેતરો હતાં. આ ગામમાં એક સુંદર વાડી પણ હતી. તેમાં અનેક પ્રકારનાં શાકભાજી વાવ્યાં હતાં. જેમકે રામજી રીંગણ, તેની પત્ની દોઢી દૂધી, તેમનો છોકરો બટુ બટાકો અને છોકરી ચાંપલી ચોળી, કાકા કારેલા અને કાકી કોબી, મામા મૂળાભાઈ અને મામી ડુંગળી, ટીનુ ટામેટું, ગૌરી ગવાર, ભીંડા, વાલોર અને નાનકડું વાલજી વટાણું જેવા અનેક શાકભાજીઓ હળીમળીને પ્રેમથી રહેતાં હતાં.
આ બધાંને પ્રેમ કરતાં વૃદ્ધ બીટભાઈ, કંકોળાભાઈ અને કોળાભાઈ પણ રહેતાં હતાં. એક દિવસ રામજી રીંગણને વિચાર આવ્યો કે, ‘મારા દીકરા બટુની લગ્નની ઉંમર થઈ ગઈ છે.’ આ વાત રામજી રીંગણે પોતાના પરિવારજનોને કહી. એ વખતે ત્યાં દાદા બીટભાઈ, કોળાભાઈ અને કંકોળાભાઈ પણ હાજર હતા. તેઓએ કારેલાકાકા અને કોબીકાકીને બટુ માટે છોકરી શોધવાં મોકલ્યાં. બીજા દિવસે સવારે કાકા અને કાકી બટુ માટે છોકરી શોધવાં નીકળ્યાં. રસ્તામાં તેમને લટક મટક ચાલતી કેરી દેખાઈ. તે ખૂબ જ સુંદર હતી. તરત જ કાકીએ કાકાને કહ્યું, “આપણા બટુ સાથે આ લટકમટક કરતી છોકરી પરણાવીએ તો ?” કાકાએ હા કહી છોકરીનું નામ પૂછ્યું. જવાબમાં લટકમટક કરતી છોકરીએ કહ્યું કે, “મારું નામ કટુ કેરી.” કોબીકાકીએ પૂછ્યું, “તું ક્યાં રહે છે ?” કટુએ કહ્યું, “એ સામે પેલી વાડી જુઓ છોને ત્યાં.” કેરી કૂદીને બોલી, “મારે મોડું થાય છે. હું જાઉં છું.”
કાકા-કાકી કેરીને રજા આપીને ઘરે તરફ પાછા ફર્યા. તેઓએ ઘેર આવીને રીંગણભાઈને અને દૂધીભાભીને કેરી વિશે કહ્યું. ભાઈ-ભાભીએ કહ્યું, “કાલે સવારે આપણે બટુ માટે બટરાની જોવા જઈશું.” બીજા દિવસે સૂર્યોદય થતાં સૌ પરિવારજનો નાહી ધોઈ તૈયાર થઈ ગયા, પણ બટાકું તો ઊઠ્યું જ નહોતું. એટલામાં દોઢા દૂધીબહેન તેને ઊઠાડવા ગયા. તેણે બટુને કહ્યું,“બટુ ઊઠ, આજે તારા માટે છોકરી જોવા જવાનું છે.” બટુ તો પથારીમાંથી ટપાક કરતો ઊઠી ગયો. નાહી-ધોઈ અને હીરોની જેમ તૈયાર થઈ ગયો. સૌ પરિવારજનો કેરીને ઘેર જવા નીકળ્યા. રસ્તામાં ચોળીએ બટુને ધક્કો માર્યો. બટુભાઈ ગબડીને ધૂળવાળા ગંદા થઈ ગયા. એટલામાં દૂધીએ ચોળીને ટપલી મારતા કહ્યું, “કેમ બટુને ધક્કો માર્યો ? ચાંપલી ચોળીએ કહ્યું,“બટુ માટે છોકરી શોધી તો મારા લગ્ન ક્યારે કરશો ?” આ વાત સાંભળી સૌ પરિવારજનો હસવા લાગ્યા. ચોળીના પપ્પા અને કાકાએ ગુસ્સો કરતાં કહ્યું, “અરે ! ચાંપલી તારા પણ લગ્ન થશે પણ તારા ભાઈ બટુના તો થવા દે.” એટલામાં દોઢી દૂધી અને કોબી કાકીએ કહ્યું, “બટુના મામાનું ઘર નજીક છે. આપણે ત્યાં જઈએ. ત્યાં જઈ આપણે બટુને ફરી તૈયાર કરી લાવીએ.” એમ કહી સૌ મૂળામામા અને ડુંગળીમામીને ઘેર ગયા અને બટુને ફરી સુંદર તૈયાર કરી દીધો. જતાં જતાં મૂળાભાઈ અને ડુંગળીમામીએ બટુને પોતાના આશીર્વાદ આપ્યા.
ત્યાર પછી તેઓ કેરીની વાડીએ પહોંચ્યાં. જ્યાં કેરી રહેતી હોય છે. એટલામાં કેરીના પપ્પા ગાજરભાઈ અને કેરીના મમ્મી ગોટમટોળ નારંગીબહેને આટલાબધાં લોકોને પોતાના ઘેર આવતા જોઈને સૌને આવકાર આપ્યો અને તેમને ફૂલોથી વધાવ્યાં. બધાંને સોફા પર બેસાડ્યાં. અને ચા નાસ્તો કરાવતાં પૂછ્યું, “આપ સૌ અમારા ઘરે શા માટે આવ્યા છો ?” એટલામાં કારેલા કાકા ઊભા થઈને બોલ્યા, “તમારી દીકરી કેરીનો હાથ અમારા બટુ માટે માંગવા આવ્યા છીએ.”નારંગીબહેન કમર લચકાવતા ઊભા થઈને બોલ્યા, “આ અમારા માટે સદભાગ્યની વાત કહેવાય.” આ વાત સાંભળી સૌ ખુશ થયા. ગાજરભાઈ લહેરાતા લહેરાતા બોલ્યા, “હવે આપણે આ શુભલગ્ન ક્યારે લઈશું ?” ત્યાં તો ચાંપલી ચોળી ઊભી થઈ ને બોલી,“આ લગ્ન વેલેનટાઈન ડેના દિવસે મંગલમય રહેશે.” આ વાત પર સૌ ગુસ્સે થાય છે. પણ કેરીના પરિવારજનો કહે છે, “કશો વાંધો નથી આપણે આ લગ્ન એ જ દિવસે રાખીશું.”
વાત પૂરી થતા સૌ છૂટા પડ્યા અને સૌ પોતપોતાના કામમાં લાગી ગયા. કંકોત્રી છપાઈ અને વાડીએ કંકોત્રી મોકલાઈ. આ રીતે વાડીમાં રહેતા તમામ મિત્રોને કંકોત્રી પહોંચાડી દીધી. રામજી રીંગણે પણ સૌ સગાં સંબંધીઓને કંકોત્રી આપી. કંકોત્રીમાં લખ્યું હતું કે ‘અમારા વહાલા બટુભાઈના લગ્ન ગાજરભાઈની સુપુત્રી સાથે 14 ફેબ્રુઆરીના દિવસે નક્કી કરવા આવ્યાં છે. સૌ પરિવારોને વહાલભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.’ એટલામાં ચાંપલી ચોળી બોલી,“જમવાનો સમય રાત્રે રહેશે. તેથી તમે સવારે આવો તો જમીને આવજો.” એટલામાં ટીનુ ટામેટું બોલ્યું, “કોઈએ ખાલી હાથે આવવું નહીં અને ચાંલ્લાની શરૂઆત રૂપિયા 51થી કરવી.”
આમ લગ્નની ધામધૂમથી તૈયારીઓ થવા લાગી. એક દિવસ સૌ પરિવારજનો બજારમાં ખરીદી કરવાં જવાં નીકળ્યાં હતાં. ત્યારે દાદાએ અને કાકાએ કહ્યું, “બટુના લગ્નની કોઈ વસ્તુ બાકી ન રહેવી જોઈએ.” એટલામાં કોબીકાકીએ કહ્યું, “બધી ખરીદી થઈ ગઈ છે.” પછી તો સૌ ઘર તરફ પાછાં ફર્યાં. જોતજોતામાં લગ્નની તારીખ તો આવી ગઈ. બટુભાઈ ખૂબ જ ખુશ હતા. લગ્નની આગલી રાત્રે તેમને ઊંઘ પણ ન આવી. ને આમને આમ સવાર થઈ ગઈ. સૌ પરિવારજનો નાહી ધોઈને તૈયાર થઈ ગયા. બટુભાઈને પણ વરરાજાના કપડા પહેરાવીને તૈયાર કરી દીધા. પછી તો જાન લઈ નીકળ્યા, ગીત ગાતાં ગાતાં કે ‘હાલો હાલો બટુભાઈની જાનમાં, કેરી ભાભીને લેવા.’ ગાતાં ગાતાં સૌ કેરીના આંગણે પહોંચી ગયાં. બટુના આંગણે પહોંચતા સૌએ તેમનું સ્વાગત કર્યું અને વર-વધુને મંડપમાં બેસાડ્યાં. ચીકુ મહારાજ મંત્ર બોલવા લાગ્યા. સુંદર શણગારેલી વાડીમાં બટુ અને કેરીના શુભલગ્ન પૂરેપૂરી વિધી-વિધાન સાથે સંપૂર્ણ થયા. ત્યારબાદ બટુ તેની સુંદર અને વહાલી પત્નીને લઈને હરખભેર પાછો ફર્યો અને તેઓ સુખેથી રહેવાં લાગ્યાં.
૨૦૧૮ની સ્પર્ધાની વિજેતા વાર્તા
‘વાર્તા મેળો’ સ્પર્ધાનું આયોજન દર્શા કિકાણી આત્મન ફાઉન્ડેશન, અને વિચારવલોણું પરિવાર, અમદાવાદ તેમ જ પ્યોરિટી ફ્લેક્ષ લિ., વડોદરા,ના સહયોગથી કરે છે.
સંપર્ક: દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com







તેજલ બહેનની કલ્પના શક્તિને સો સલામ. કદાચ આપણે આવી વાતોને બાળચેષ્ઠા સમજીને હસવામાં કાઢી નાંખીએ, પણ આવી જ વાર્તાઓ પરથી બનાવેલ કાર્ટૂન ફિલ્મોનું બિલિયને બિલિયન ડોલરનું માર્કેટ છે.
આ એક જ વિડિયો જુઓ …
https://www.youtube.com/watch?v=b21_lqLET0s
અહીં પાત્રો શાક ભાજી છે !!!
https://www.youtube.com/results?search_query=veggie+tales
અને આવાં તો અસંખ્ય વિડિયો આ રહ્યાં …
લગન માટે વાડી હોય કે મહાજનવાડી પણ આ રામજી ભાઈ અને બટુક ભાઈની લગન માટેની વાડી શાળાની વીદ્યાર્થીની જ બતાવી શકે છે.
ખગોળ શાસ્ત્રમાં અબજો નીહારીકાઓ અને દરેક નીહારીકામાં અબજો તારાઓ આંખ મીચી કલ્પના કરી શકાય પણ વાર્તામાં કરેલ કલ્પના સમજતાં વીચાર જરુર કરવો પડે.
ચીકુ મહારાજ મંત્ર બોલવા લાગ્યા. સુંદર શણગારેલી વાડીમાં બટુ અને કેરીના શુભલગ્ન પૂરેપૂરી વિધી-વીધાન સાથે પુર્ણ થયા. વાહ વાહ !!!!
લગન માટે વાડી હોય કે મહાજનવાડી પણ આ રામજી ભાઈ અને બટુક ભાઈની લગન માટેની વાડી શાળાની વીદ્યાર્થીની જ બતાવી શકે છે.
ખગોળ શાસ્ત્રમાં અબજો નીહારીકાઓ અને દરેક નીહારીકામાં અબજો તારાઓ આંખ મીચી કલ્પના કરી શકાય પણ વાર્તામાં કરેલ કલ્પના સમજતાં વીચાર જરુર કરવો પડે.
ચીકુ મહારાજ મંત્ર બોલવા લાગ્યા. સુંદર શણગારેલી વાડીમાં બટુ અને કેરીના શુભલગ્ન પૂરેપૂરી વિધી-વીધાન સાથે પુર્ણ થયા. વાહ વાહ !!!!
સૌથી વધુ આનંદની વાત એ છે કે વાર્તા લખનાર પ્રજ્ઞાચક્ષુ દીકરી છે. એણે કદાચ કાર્ટૂન ફિલ્મ જોઈ પણ નહીં હોય!
આજે કૈક અલગ જ પિરસ્યુ છે દર્શાબેન !
પ્રજ્ઞાચક્ષુ કન્યા નો કલ્પના વૈભવ અદ્ભુત લાગ્યો.
વાક્યરચના સરળ પરંતુ મઝા આવી, શબ્દ-ચિત્ર જોતા હોય તેવુ લાગ્યુ.
Something offbeat – વાચતા વાચતા હું બાળક બની ગયો.
Thank you very much, Ketanbhai! Keep reading!
આહા દર્શાબેન અજબ પાત્રો ની ગજબ કલ્પના કરીને તેજલબહેને એક અનોખી મૌલિકતા પીરસી. ચોળી નો બટાય ને ધક્કો મારવો ને મામા મામી ના ઘરે ફરી તૈયાર થવું, તેમના આશીર્વાદ, ચીકુ મહારાજ નું ગોરપદુ અરે ભાઈ વાહ .. વાર્તા વાંચતાં લગ્ન ગીત તો સંભળાઈ ગયા પણ ક્યાંક ઢોલ-નગારા વાગ્યા હોત તો મેં પણ સાથે નાચી લીધું હોત.
બાળ વાર્તા બાળક બની ને જ વંચાય એ ધ્યાન રાખીએ તો વાર્તા ના હાર્દ ને સંપૂર્ણ રીતે માણી શકાય.
આ ક્ષેત્રમાં પ્રદાન બદલ દર્શાબેન ને ખૂબ અભિનંદન
Thank you very very much, Dilipbhai!
સુંદર કલ્પના. એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની માટે આ અભિનંદનને પાત્ર.
આપનો ખૂબ ખૂબ આભાર!
બહેન તેજલે ખૂબ સુંદર કલ્પનાઓ કરી છે. દીકરી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં આપણી નજર સમક્ષ એક અનેરો પ્રસંગ રજુ કરી ગઈ છે. ખૂબ ખૂબ અભિનંદન
Thank you very much, Dipti.
હવે પછી વાર્તા મેળો ક્યારે યોજાશે?
જણાવવા વિનંતી. આભાર