વિમાસણ – ભૂતકાળની સફર

Facebooktwitterredditpinterestlinkedinmail

સમીર ધોળકિયા

આપણે સૌ મનમાં અને મનમાં ભૂતકાળની સફર કરતા હોઈએ છીએ – ખાસ કરીને, આપણા વતનની કે જેમાં આપણી ઉંમર ઇચ્છીએ એટલી નાની થઈ જાય છે અને તે ધારેલી ઉંમરે આપણે એ ધૂળિયા રસ્તાઓ પર ફરતા-રમતા થઈ જઈએ છીએ. કોઈ વ્યક્તિ એવી નહિ હોય જેણે ભૂતકાળની આવી સફર ન કરી હોય.

સામાન્ય રીતે ભૂતકાળને સંભારવો તે મોટી ઉંમરની વ્યક્તિઓનું લક્ષણ છે (જયારે ભવિષ્ય ટૂંકું હોય છે અને ભૂતકાળ લાંબો) પણ ભૂતકાળમાં એક ટૂંકી લટાર મારી આવવાની લાલચ કોઈ છોડતું નથી, ભલે તે યુવાન હોય. નોકરી કરતી વખતે કોલેજના ચિંતામુક્ત -જવાબદારીમુક્ત દિવસો જરૂર યાદ કરવામાં આવે છે. જે લોકોએ જે જગ્યાએ બાળપણ વિતાવ્યું હોય તે જ જગ્યાએ પોતાનાં બાકીનાં વર્ષો પણ ગાળ્યાં હોય તેઓને વતનની યાદ આવવાનો સવાલ ઊભો થતો નથી કારણ કે તેઓ વતનથી દૂર ગયા જ નથી હોતા.

અહીં આપણે એ સંજોગો વિષે વાત કરીએ છીએ જ્યાં કાયમી વસવાટ નું સ્થળ અને વતન દૂર દૂર હોય.

અહી સવાલ એ વિચાર્યો છે છે કે જયારે આપણે વતનનો એ પ્રવાસ ખરેખર કરીએ ત્યારે આપણો અનુભવ કેવો હોય છે? જે લોકો વારંવાર પોતાના વતન જતા હોય તેમને આ અનુભવ પહેલી વાર થયો હશે પણ પછી તો વારંવાર જવાથી વતનને મળવાનો અહોભાવ ઓછો થઈ જતો હશે તે નક્કી. આગ્રાના વતનીઓ માટે તાજમહાલ એક રોજીંદો સામાન્ય અનુભવ હશે જયારે આપણને તે જોતાં અહોભાવ અને લાગણીઓ ઉભરાય!

મારા મિત્રો વિદેશથી અહીં વતનમાં આવતા હોય ત્યારે તેઓના અનુભવો અને તેમ જ અહીંના આપણા જ દેશી વિસ્થાપિતો પોતાના વતનમાં જાય ત્યારે કેવો અનુભવ હોય છે, તે સરખાવવા પ્રયત્ન પણ કર્યો છે. હા, અનુભવ દરેક વ્યક્તિ વ્યક્તિએ અલગ હોવાનો જેથી બધા અનુભવો ઝીલવા શક્ય નથી પણ એક ન્યૂનતમ સામાન્ય અનુભવ વિષે વિચારી શકાય.

વતનથી જુદાઈ જેટલી વધારે એટલી જ વતન અને તેના લોકોને મળવાની ઉત્કટતા વધારે. આપણે બધા એમ ઇચ્છતા હોઈએ છીએ કે નાનપણની કે ભૂતકાળની બધી ચીજો આપણે જે હાલતમાં છોડી ગયા હોઈએ તે જ હાલતમાં રહે અને સમય તે જ હાલતમાં સ્થિર થઈ જાય એટલે કે જૂની બધી વસ્તુઓમાં કંઈ ફેરફાર ન થવો જોઈએ. જેવી નાનપણમાં કે ભૂતકાળમાં જોઈ હોય તેવી જ રહેવી જોઈએ! ફેરફારો દિમાગને ચલિત કરી નાખે અને ભૂતકાળમાં જવાની મજા મારી નાખે. જો બધી જ વસ્તુઓ, મકાનો, રસ્તાઓ વી. ફરી ગયા હોય તો બધી મજા મરી જાય અને બીજી વાર ત્યાં જવાનું મન પણ ન થાય. જીવંત વ્યક્તિઓ તો કુદરતી રીતે બદલાઈ જાય પણ ઘર, તળાવ, કુવો કે રસ્તાઓ, મકાનો વ.  માનવ કે કુદરતના ધક્કા વગર બદલાતાં નથી તેથી તે નિર્જીવ વસ્તુઓ જીવંત વ્યક્તિ કરતાં વધુ પ્રિય થઈ જાય છે. જયારે ભૂતકાળની સફર કરવાની હોય ત્યારે જેટલા ઓછા ફેરફાર – વસ્તુ કે વ્યક્તિમાં – થયા હોય તેટલી સફરની મજા વધુ. જાણે એક ટાઇમ મશીનમાં બેસીને ભૂતકાળનો પ્રવાસ ની મજા લેવાની હોય …

ફેરફાર/ ન ફેરફારના અનુભવ પછી આ પ્રવાસીને જયારે જીવંત વ્યક્તિઓ એટલે કે સગાંવહાલાં, મિત્રો મળે છે. ત્યારે અપેક્ષા તો એવી જ હોય કે તેઓમાં પણ કંઈ ફેરફાર ન થયો હોવો જોઈએ પણ મોટે ભાગે એવું બનતું નથી. છોકરાઓ યુવાન થઈ ગયા હોય અને યુવાનો પ્રૌઢ થઈ ગયા હોય તો અનુભવ-ખેલ થોડો બગડવા માંડે છે. આમાં મજાની વાત એ છે કે પ્રવાસીની પોતાની ઉંમર ભલે વધી હોય પણ તેને એમ ઈચ્છા હોય છે કે બીજી વ્યક્તિઓની ઉમર ન વધી હોય! ઉંમર તો વધી જ છે તો વ્યક્તિઓમાં મોટો ફેરફાર ન થવો જોઈએ. જો કે આ ફેરફાર, આ અનુભવ સાથે આખરે તો બધા તાલમેલ મેળવી લે છે કારણ કે આ ફેરફારો થોડે ઘણે અંશે અપેક્ષિત હોય છે અને પોતાનામાં પણ થયેલ ફેરફારો જોઈ અનુભવી શકાય તેવા હોય છે.

જે લોકોનું વતનમાં રહેવાનું ચાલુ જ હોય તેઓ કોઈ વાર પ્રવાસીઓની લાગણી સમજી શકતા નથી અને તેઓનો પ્રત્યાઘાત ઘણી વાર બિલકુલ સામાન્ય(લાગણી ના કોઈ પણ ઉભરાવ વગરનો) હોઈ શકે છે જે આવનાર પ્રવાસીને ઠંડો કે ભાવવિહીન અને નિરાશ કરે તેવો લાગે છે.

આ ભૂતકાળના પ્રવાસીઓના શરૂઆતના દિવસો તો મોટે ભાગે નશામાં જ જાય છે. જે નશો ભૂતકાળની યાદોના પહેલા સ્પર્શનો હોય છે. દરેકે દરેક રસ્તાઓ, મકાનો અને વ્યક્તિઓ તેને ઉષ્માથી આવકાર આપે છે, પ્રતિભાવ આપે છે. આ વખતે પ્રવાસીઓના અંતરમાં આનંદ આનંદ થઈ જાય છે. આ નશીલી પ્રતિક્રિયાઓ વચ્ચે કોઈ એવી વ્યક્તિ પણ મળી આવે છે જે બિલકુલ સામાન્ય વ્યવહાર કરે છે કે જાણે આપણે વતનની બહાર ગયા જ ન હોઈએ! પણ તેવા અપવાદો પ્રવાસીના ઉત્સાહને ઠંડો નથી પડવા દેતા. પણ ધીમે ધીમે દિવસો વીતે છે અને ખરી મજા શરૂ થાય છે. પ્રવાસીની “નવીનતા” અને તેની ચમક કુદરતી રીતે ઓછી થતી જાય છે. અને તેને હવે રોજિંદા લોકસમૂહના ભાગ રૂપે ગણવામાં આવે છે. પણ પ્રવાસીને મન તો હજી તે પ્રવાસી જ છે. તે હજી ભૂતકાળ ની સ્મૃતિઓના તાણાવાણામાં જ અટવાયેલો હોય છે.(ઓહો ,તમે કેટલા બધા વખત પછી મળ્યા ?!) તેથી તેની અપેક્ષાઓ અને તેને મળતા પ્રતિભાવો વચ્ચે અંતર વધતું જાય છે, જે શરૂઆતમાં આઘાત જરૂર પહોંચાડે છે પણ ધીમે ધીમે તેને પણ સમજાય છે કે સ્મૃતિના આ પરપોટામાંથી બહાર આવવું ફરજીયાત છે!

બીજી વાત એ છે કે ભૂતકાળના પ્રવાસીઓ મોટે ભાગે કોઈ ખાસ સ્મૃતિ પાછળ પડ્યા નથી હોતા. તેઓ તો તે જૂના અને બિલકુલ ગુંચવણ વગરના, જવાબદારી વગરના સમયગાળામાં ફરીથી રહેવા માગતા હોય છે. ભલે તે સાવ થોડા સમય માટે કેમ ના હોય. કહેવાય છે કે સ્મૃતિના પરપોટામાં ખૂબ શાંતિ અને સુખ હોય છે જે વ્યક્તિને થોડા સમય માટે વર્તમાનમાંથી છુટકારો અપાવે છે. પણ પરપોટો કેટલું ટકે? દરેકે વર્તમાનમાં તો આવવું જ પડે છે. અને આ પ્રવાસીઓ પણ વર્તમાનમાં પાછા આવે જ છે. હા, જેનો ભૂતકાળ ખરાબ યાદોથી ભરેલ હોય તેઓ સ્વાભાવિકપણે તે જૂના દિવસો ફરીથી જીવવા ન જ ઇચ્છે. તેઓ ભૂતકાળને યાદ કર્યા વગર વર્તમાન અને ભવિષ્યનો જ વિચાર કરે છે.

પરદેશથી આવનારને તો વતનથી દૂર રહ્યાનો સમયગાળો વધારે હોય છે તેથી તેઓનો લાગણીઓનો ઉછાળ વધારે હોય છે. જો કે હવે આધુનિક શોધો જેવી કે skype કે WhatsApp થી પરદેશીઓ અને દેશ માં જ દૂર રહેતા વિસ્થાપિતો બહુ જ સહેલાઈથી વતન અને વતનના લોકોથી નિયમિત ધોરણે સંપર્કમાં રહી શકે છે. પણ તાદૃશ જોવાની અને મળવાની મજા કંઈક જુદી જ હોય છે. લાંબા સમય પછી આવતા વિદેશી પ્રવાસી કે દેશીઓ જયારે વતનમાં આવે ત્યારે જોવા જેવું હોય છે. એક બાજુ પોતાની દૃષ્ટિ નવી થઈ ગઈ હોય અને બીજી બાજુ પોતાની જૂની દુનિયામાં કોઈ ફેરફાર ના થયો હોય તેવી ઇચ્છા! સાથે સાથે, જો કોઈ ફેરફાર થયો હોય તો એ જોવાનો રોમાંચ. એટલે કે નવી દૃષ્ટિએ જૂનું તેમ જ નવું જોવાનું….સાંસ્કૃતિક આંચકો પણ વિદેશથી આવનાર ને વધુ લાગવાનો કારણ કે જે આર્થિક કે સામાજિક મૂલ્યો અહીં બદલાયાં હોય તેની પ્રવાસીઓને ખબર ઓછી હોય છે. વિશ્વ નાનું થવાથી ફેરફારો વિષે નવાગંતુકોને ખબર તો હોય છે પણ માનસિક તૈયારી પૂરતી નથી હોતી. વીસ વર્ષ પહેલાં તો વતનમાં પાછા આવનારને બધું જ નવું નવું લાગતું, પણ આજે એવું નથી. પણ તેથી પ્રવાસીઓને પોતાના ભૂતકાળના પ્રવાસનો રોમાંચ કદી ઓછો નથી થવાનો.

કેટલીક વાર ભૂતકાળનો પ્રવાસ જૂનાં સ્થળોનો નથી હોતો પણ હયાત અને હયાત ન હોય તેવાં સ્વજનો સાથે ગાળેલ સમયનો હોય છે. એવાં પ્રિયજનો સાથે ગાળેલ મધુર પળોની પણ બીજી વાર મુલાકાત લેવાનું મન કોને ના થાય ?

મોટે ભાગે એવું પણ થાય છે કે થોડા દિવસોના પ્રારંભિક ઉત્સાહ પછી એમ થાય કે ક્યારે પોતાની હાલની નવી વર્તમાન દુનિયામાં પાછા જઈએ! શરૂઆતના ઉત્સાહ પછી દેશી-વિદેશી બંનેને વર્તમાન ઘર, વ્યવસ્થા વગેરે યાદ આવવા માંડે છે. પણ વર્તમાન સ્થળે આવી ગયા પછી થોડા સમયે ધીરે ધીરે પાછી મિત્રો ની યાદ , ભૂતકાળ ની યાદો, દિમાગમાં સળવળવા માંડે છે અને એક બે વર્ષ પછી ફરીથી તે ભૂતકાળના એક વધુ પ્રવાસ માટે માનસિક રીતે તૈયાર થઈ જાય છે! દરેક પ્રવાસી ને બે ઘર અને બે માનસિકતા હોય છે : એક નવી અને એક જૂની. નવામાં એક વાસ્તવિકતા હોય છે જે બદલાતી રહે છે જયારે જૂનામાં એક સ્થિર અને વીતી ગયેલી તવારીખ હોય છે જેમાં કોઈ ફેરફાર નથી થઈ શકતો. ફેર તો થાય છે ફક્ત આપણા જોવાના દૃષ્ટિકોણમાં, જેમાં વર્તમાન જૂની આંખોથી મૂલવવાનો હોય છે અને તે પણ લાગણીના જોશની સાથે.

સમય અને નવી વૈજ્ઞાનિક શોધોને કારણે ભલે વિશ્વ નાનું થઈ ગયું હોય પણ વ્યક્તિઓનું પોતાના બાળપણ , કિશોરાવસ્થા કે યુવાનીના ચિંતામુક્ત દિવસો ફરીથી જીવવાનું -અનુભવવાનું આકર્ષણ ક્યારેય ઓછું નહિ થાય. 

 

છેલ્લે થોડું અંગત.

જયારે મારા વતન ભુજ જવાનું થાય ત્યારે પહોંચવા સમયે ભુજિયો ડુંગર ૨/૩ કિલોમીટર અગાઉથી દેખાય એટલે મનમાં આનંદ આનંદ થઈ જાય. કેટલાં બધાં વર્ષોથી અડીખમ ઊભો છે આ જુનો મિત્ર! શરૂઆતમાં હમીરસર તળાવ, ઓલ્ફ્રેડ હાઇસ્કુલ જેવાં વર્ષો પહેલાં હતાં તેવાં જ શીતલ અને મધુર ભાવે મસ્તક પર હાથ ફેરવતાં લાગે. પણ થોડા દિવસ પછી (જે ૪ કે ૪૦ દિવસ હોઈ શકે)નવા વતન અમદાવાદની ધમાલ, પ્રદુષણ, ઊર્જા વગેરેની યાદ આવવા માંડે……….

ભૂતકાળમાં લટાર મારવી ગમે, રહેવું નહિ ! ખરું ને ?


શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com  સરનામે થઈ શકશે


નોંધઃ

અહીં મૂકેલ ઈમેજ નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રાકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

9 comments for “વિમાસણ – ભૂતકાળની સફર

 1. May 14, 2018 at 7:50 am

  સમજી લો કે ગામડાંમાં ચોથી સુધી અભ્યાસ કરવાની સગવડ હોય.

  બાજુના ગામમાં સાતમી કે અગીયારમી સુધી અભ્યાસ માટે ફરજીયાત જવું પડે અને જુની યાદોની શરુઆત થાય.

  અગીયારમી પાસ થયા પછી?

  ભુગોળ પ્રમાણે પૃથ્વી તો ગોળ છે પણ ના છુટકે શહેરમાં ભણવા જવું પડે અને દુનીયાની સફર શરુ થાય. શહેરી વાતાવરણની અસર થાય. 

  શાળાનું યુનીફોર્મ અને ગામડાંની લાયબ્રેરી યાદ આવવા માંડે. કચ્છ જેવા પ્રદેશમાં વરસાદની તંગી હોય એટલે માંટીકામ કે રસ્તા આસપાસના ખાડા માંટીકામ યાદ આવે.  

  વાંચતા અને લખતાં ફાવી જાય એટલે છ, સાત કે આઠ દાયકાની સફર લખવાનું શરું થાય. કોંમ્પ્યુટર અને કી બોર્ડની સગવડથી બ્લોગ બની જાય તો બધું જીવંત થઈ જાય. મોબાઈલ અને એંન્ડ્રોઈડ સગવડ હોય એટલે ફોટા, લખાંણ ખરેખર જીવંત થઈ જાય….

 2. May 14, 2018 at 8:15 am

  પચાસ હજાર કે બે લાખ વરસ અગાઉ માણસ બે પગે ચાલતા શીખ્યો અને જંગલના ઝાડ ઉપરથી જમીન ઉપર રહેવાની શરુઆત કરી. 

  પછીતો સમુહમાં રહેવું અને ગામડાં બનવા લાગ્યા. 

  પાંચ સાત હજાર વરસથી નાઈલ નદી કે સીંધુ નદી પરનો વસવાટ યાદ આવવા લાગ્યો. કચ્છમાં ધોળાવીરા સંસ્કૃતી આજે પણ દેખાય છે.

  …..   વાહ વાહ …. કહેવાય છે કે સ્મૃતિના પરપોટામાં ખૂબ શાંતિ અને સુખ હોય છે જે વ્યક્તિને થોડા સમય માટે વર્તમાનમાંથી છુટકારો અપાવે છે.

  • samir dholakia
   May 19, 2018 at 2:13 pm

   પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર

 3. Anila Patel
  May 14, 2018 at 8:36 pm

  ભૂતકાલની સફર અત્યંત રોમાંચક રહી.સ્ત્રીઓનેતો આ સફર કરવાની અદમ્ય ઇચ્છા હોય પણ તક મલવી બહુ દુર્લભ. મનેતો જે જે જગ્યાએ રમેલી એ તડકો, એ વરસાદ, એ ઠંડક, એની કુમાશ અને એની પ્રખરતાએ યથાતથ મગજમાં કંડારાયેલી છે. એ જે સ્વરુપમાં માણ્યુછે એજ સ્વરુપમાં માણવું છે.પણ અફસોસ તે હિ નો દિવસા: ગતા: અને તે હિ નો માનવા: ગતા:.

  • samir dholakia
   May 19, 2018 at 2:18 pm

   પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.ભૂતકાળ ની સફર હમેશા એક શૈક્ષણિક અનુભવ હોય છે. કોઈ વાર સારો અને કોઈ વાર નરસો. પણ સફર હમેશ મઝેદાર હોય છે.

 4. May 15, 2018 at 2:21 am

  દરેક ડાયાસ્પોરાના મનની વાત . પણ એમના અવનવા અનુભવો પ્રકાશિત ન થાય – એમાં જ શાણપણ છે !

  • samir dholakia
   May 19, 2018 at 2:19 pm

   પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર .આપની”શાણપણ ” ની વાત રોચક લાગી !

 5. May 15, 2018 at 7:39 am

  પોસ્ટના અંતે લેખકે લખેલ છે કે ….ભૂતકાળમાં લટાર મારવી ગમે, રહેવું નહિ ! ખરું ને ?

  એ લાઈનની ઉપર અંગતમાં હમીરસર તળાવ અને હાઈસ્કુલની યાદ લખેલ છે. ન ભુલાય એ યાદો ન ભુલાય……

  • samir dholakia
   May 19, 2018 at 2:21 pm

   આપની વાત સાચી છે. અમુક યાદો અમીટ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *