





– રજનીકુમાર પંડ્યા
“તને યાદ છે આજ કઈ તારીખ થઈ ?”
વહ્યે જતી તારીખો ક્યાં યાદ રહે છે ? એટલે તો કલાકોની ગણતરીની બાજુમાં કાંડાઘડિયાળમાં પણ તારીખ માટે એક ચોકઠું ફાળવવામાં આવ્યું છે. જો કે એ જોવા માટે બેતાળાના ચશ્મા ચડાવવા પડે.
છતાં મેં મગજને જરા કષ્ટ આપ્યું. આવી ગઈ તારીખ યાદ હતી. આજ બારમી એપ્રિલ છે. પણ શું છે તેનું ? મેં કંટાળીને અમુલને પૂછ્યું :
“તમને યાદ નથી, મોટાભાઈ !” એ બોલ્યો: “આજ આપણા બાપુજીની નવમી મરણતિથિ નહીં ?”
હા, હા, યાદ આવ્યું. બાપુજીને ગુજર્યે આજ નવ વરસ પૂરા થતા હતાં. મને યાદ ન રહ્યું !
“બપોરે બાર ને ત્રણ મીનીટે” એ બોલ્યો : “ખરૂં! યાદ આવ્યું !”
આવ્યું. કેમ ના આવે ? બાર વાગે હું બજારમાંથી શાક લઈને પાછો આવ્યો હતો. એ પછી ત્રણ મિનિટમાં બાપુજી ડોક ઢાળી ગયા હતા. મેં અત્યારે ઘડિયાળમાં જોયું. બારને માથે પાંચ મિનિટ થઈ હતી.
પરીક્ષામાં નાપાસ થઈ ગયાના ભાવથી હું અમુલ સામે જોઈ રહ્યો. મારાથી પાંચ વર્ષ નાનો, પણ કેવું કોમ્પ્યુટર બ્રેઈન હતું એનું ? મારી સામે તાકી રહ્યો હતો. હોઠના એક ખૂણેથી એણે વાકું સ્મિત ફરકાવી દીધું. ફરી તાકી રહ્યો. હું ભોંઠામણ અનુભવીને નીચે જોઈ રહ્યો
.”અને એક બીજી વાતકહું ?” એણે પૂછ્યું. ભલે, આટલા મહિને મારે ઘેર આવ્યો હતો – થાકેલો હતો. છતાં ખુરશીમાં પગ વાળીને બેસતો નહોતો. બસ, મારા ઘરનું નિરીક્ષણ જ કરી રહ્યો હતો. “બીજી વાત કહું?” બોલીને એણે ચારેય દિવાલો તરફ એક સરસરી નજર નાખીને કહ્યું : “ગાયત્રી માતા, તમે, ભાભી હિમાંશુ જેવો ટચુકડો બાબો પણ…અરે, તમારો અમેરિકા ગયેલો મિત્ર પણ…. વાહ! કોણ કોણ ભીંતે મઢાઈને ટિંગાય છે! આ તરફ અમેરિકાના એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગનું જબરૂં વોલપેપર, ત્યાં પણે ગામઠી ઢબના ચાકળા ચંદરવા ! વાહ, શું ડેકોરેશન કર્યું છે તમે તમારા ઘરનું ! દાદ દઉં છું. બસ ખાલી કહેવાનું એટલું જ ખાસ કે દીવાલે આ બધું વળગાડ્યું છે, પણ એક બા-બાપુજીનો ફોટો જ તમને ના મળ્યો ?’
તીર હતું. મેં ચુકાવી દેવાની નબળી કોશિશ કરી. કહ્યું : “એવું છે ને, અમુલ કે આ બધા વચ્ચે આવા ફોટા કેવા… કેવા…” મને માંડ માંડ શબ્દો મળ્યા: “કેવા અલગ અલગ તરી આવે !”
એણે ઝડપથી ટેબલ પર મૂકેલી પોતાની બ્રીફ-કેઈસ ખોલી, કાગળો ઉભરાતા હતા. પણ તરત જ એમાંથી એક નાનકડી સુખડની પેટી એણે કાઢી. એમાં બા-બાપુજીના ફોટા જોડાજોડ ગોઠવેલા હતા.એક મોટો ઊંડો શ્વાસ લઈને એણે મને એ પેટી બતાવી. : “જુઓ, ગમે તેટલા લાંબા પ્રવાસમાં હોઉં, ગમે ત્યાં હોઉં, પણ સવારે ઉઠતાવેંત આ સુખડની… પ્યોર માયસોર સેન્ડલવુડની છે હો ! પેટી ખોલીને બા-બાપુજીના ફોટા સામે એક અગરબત્તી સળગાવવાની, એની સુગંધ એમને દેવાની અને પછી એમના આશીર્વાદ લેવાના. પછી જ ભગવાનની પૂજા! ચાનો પ્યાલોય પછી.”
હું કશું બોલ્યો નહીં.
થોડી વારે એ બોલ્યો : “મોટાભાઈ, તમે ખરેખર લાગણીહીન થઈ ગયા છો. તમને તમારી પદવીનો, પૈસાનો અને સત્તાનો નશો ચડ્યો છે. નહીંતર કંઈ બાપુજીને- બાને સાવ ભૂલી જાઓ ?ફોટો પણ નહીં !”
********
એ બાથરૂમમાં ગયો કે તરત જ મને એ દિવસની એ ઘડી યાદ આવી ગઈ. બારને ત્રણ મિનિટ બાપુજીએ ડોક ઢાળી દીધી હતી. ત્રણ જ મિનિટ પહેલા હું પહોંચ્યો હતો. પાડોશી કહેતા હતા કે માત્ર મને મોં-મેળો કરવા માટે જ એમણે પ્રાણને રોકી રાખ્યો હતો. ખબર નથી કે પ્રાણ જેવી કોઈ ચીજ છે કે નહીં, અને હોય તો પણ એને રોકી શકાય કે નહીં? પણ મેં જ્યારે એમના ચહેરા સામું જોયું ત્યારે પવનની એક હળવી લહેરના અભાવે ડાળી પર વળગી રહેલા પીળા પાન જેવો લાગ્યો હતો. મને શાકની થેલી સાથે ઉંબરામાં આવેલો જોઈને જેમની ફિક્કી આંખોમાં એક ચમકારો આવ્યો હતો. જીભ ઉપાડીને કશુંક કહેવા કોશિશ કરી હતી પણ…
મહાસુખભાઈ બારણામાં ઊભા હતા. માયાળુ પાડોશી ! એમણે મને આગળ વધતો અટકાવીને કાનમાં કહ્યું હતું. : “હમણાં જ અમુલભાઈ એમની સાથે મિલકત બાબતે ન બોલવાનું બોલી ગયા. ત્યારથી એમને અસુખ થઈ ગયું છે. શ્વાસ ચડ્યો હતો. હવે ઠીક છે પણ….
એમની વાત પૂરી સાંભળવાનો વખત નહોતો. હું ઝડપથી આગળ વધ્યો હતો અને એમના ઓશીકે ઉભેલા અમુલ તરફ જોયું હતું. એની આંખોમાં ધૂંધવાટ હતો. થોડી વાર પહેલાં કંઈક –બોલાઈ સંભળાઈ ગયું હોય અને પછી બાપુજીની આ કટોકટીભરી સ્થિતિના કારણે આગળ સંભળાવી ન શકાયું હોય કંઈક એવો ધૂંધવાટ.
એકાએક બાપુજીને ડચકું આવ્યું. એમ મને લાગ્યું. મેં અમુલ તરફ ફરી નજર કરી. ઈશારાથી કહ્યું : ‘ગંગાજળ.’
એણે તરત જ બાપુજીના પલંગ નીચેથી કાઢી આપ્યું. કદાચ બાપુજીના મરણનો પગરવ એને પણ સંભળાયો. ધૂંધવાટ શમી ગયો. અને સામાન્ય માણસના ચહેરા પર કોઈનુંય મરણ નજર સમક્ષ થતું જોઈને આવે એવી અલિપ્ત કરૂણાની લાગણી જન્મી. મેં ગંગાજળની ચમચી બાપુજીના ઉઘાડા મોંમાં ટોઈ પછી અમુલ તરફ ગંગાજળ લંબાવ્યું. ગમે તેવા મતભેદ બાપુજી સાથે એને હતા. અને ક્યારેક તો હુમલો કરી બેસવાની હદે…. છતાં પણ એ પણ એમનો જ દિકરો હતો. એના હાથે પણ ગંગાજળના બે ટીપાં પડવા જોઈએ. મેં પાત્ર લંબાવ્યું. એણે લીધું – બાપુજીની નજર સામે આવ્યો.બાપુજીની બુઝાતી નજર જોતાં જોતાં એણે પણ એમના મોંમાં ગંગાજળ મુક્યું. પછી હળવેથી એણે બૂમ મારી :”પિતાજી….”
પણ બાપુજી હવે નહોતા. બારને ત્રણ મિનિટે ! બહુ વાર સુધી ઘરમાં રડારોળ ચાલી હતી. પછી બધી જ વિધિઓ આટોપાઈ. અમારી બંનેની કાંધે ચડીને બાપુજી સ્મશાને ગયા. સ્મશાનમાં લાંબા ચિપીયાથી ચિતા સંકોરાતી હતી અને અંગારા ઉડતા હતા ત્યારે અમુલે મારી નજીક કાનમાં કહ્યું હતું : ‘બાપુજીની નાગપુરવાળી મિલકતના દસ્તાવેજ તમારી પાસે છે ને ? સાચું કહેજો.’
“નથી” મેં કહ્યું : “તને શંકા હતી તો બાપુજીને પૂછી લેવું હતું ને ? તું તો અહીં હતો. હું જ આજ સવારે બહરગામથી આવ્યો છું.”
“અરે એમના મર્યાની પંદર મિનિટ અગાઉ જ મેં એમને પૂછ્યું હતું. શું સમજ્યા ? પણ એ એમ સીધી રીતે હા પાડે એમ ક્યાં હતા? એટલે…”
બોલાયા કરતાં વધારે વાત હું પામી ગયો એમ એને લાગ્યું હોય એમ એ એકદમ મૂંગો થઈ ગયો. પણ વાત મારા મનમાં છૂટા મુકાયેલા કાળા સાપોલીયાની જેમ સળવળવા માંડી .બાપુજીએ મને એકાંત મળતાં જ કહ્યું હતું. :”ભાઈ, લાગે છે કે અમુલ મારો જીવ લેશે.”
“કેમ ?” મેં પૂછ્યું હતું.
“રોજ ઊઠીને મારો જીવ ખાય છે. ક્યારેક નાગપુરની મિલકત વિશે એને શંકા જાય છે. ક્યારેક દાહોદની દુકાન વિષે. પાછું પૂછે છે ય કેવી રીતે ? કે જાણે પોલીસ ચોરની પૂછપરછ કરતો હોય.”
“હું એને સમજાવીશ, બાપુજી” મેં કહ્યું : ‘કે અત્યારે તમે બિમાર છો ત્યારે તો કમસે કમ આવી વાત ન કાઢે.”
બાપુજી નિ:શ્વાસ નાખીને મોં ફેરવી ગયા. બોલ્યા : “તું એને શું સમજાવવાનો હતો, મોટા ! એ નાનપણથી જ આવો છે. તારી બાની જિંદગી પણ હું તો માનું છું કે એણે જ ટુંકાવી છે.
બાની વાત એ વખતે ભીના ચોકથી ઉઘડતા ચિત્રની જેમ તરત જ મારી નજર સામે સ્પષ્ટ થઈ આવી. બાએ અમારા મજીયારામાંથી એકવાર મકાન મરામતનો મોટો ખર્ચ કરી નાખ્યો હતો. બાપુજી એ વખતે બે માસ માટે ઈંગ્લેન્ડ ગયા હતા. પણ અમુલે બાની ખબર લઈ નાખી હતી : “તમે બંને હવે ઘરડાં થયાં.આ મિલકતો તો અમને સોંપો ! ને ન સોંપો તો કંઈ નહીં, પણ આમ આડેધડ ખર્ચા કાં કર્યા કરો ?
“મોટાએ કંઈ વિવાદ કર્યો નથી’ બા બોલ્યા હતા : “અમે તો પૂછ્યું ય હતું. ને તું અહીં ક્યાં હતો ?”
“મોટાએ હા પાડી હોય તો….” અમુલે ક્રોધભરી નજરે મારી તરફ જોઈને કહ્યું: “તો એના ખિસ્સામાંથી લઈ લો. અમારા મજીયારામાંથી શું કામ આટલી મોટી રકમ ઓછી કરો છો ?”
એ પછી બા પોતાના સ્વભાવ મુજબ ઉગ્ર થઈ ગઈ હતી. એની આંખોમાં લોહી ઘસી આવ્યું હતું. હૃદયના ધબકારા વધી ગયા હતા. લોહીનું દબાણ વધી ગયું હતું. એ એકદમ બેભાન થઈ ગઈ હતી. પાડોશીઓ ધસી આવ્યા હતા.
“ભાઈ” મેં અમુલને કહ્યું હતું : “તું શું કામ ચિંતા કરે છે ?હું એ રૂપિયા આપી દઈશ. પછી ? પણ શું કામ તું બાને ઉશ્કેરે છે ? તને ખબર તો છે કે એમને આવું થાય ત્યારે બી.પી વધી જાય છે.”
“અરે….અરે….” એ પગ પછાડતાં બહાર નીકળી ગયો હતો ને જતાં જતાં બોલ્યો હતો : “ઢોંગ કરે છે ઢોંગ… આ એક જાતનું ઈમોશનલ બ્લેકમેઈલીંગ છે. સમજ્યા ! ને તમેય એમાં સામેલ છો. મને ખબર છે.”
મારે કાળજે ઘા લાગી ગયો હતો.
બાપુજીએ બાની વાત યાદ કરી ત્યારે મને આ વાત યાદ આવી ગઈ હતી. અમુલના સ્વભાવને કારણે બાને વારંવાર આવા હુમલા આવતા હતા. એમાંથી જ કદાચ….જો કે, કદાચ એ એકલું કારણ ન પણ હોય. પણ એમાંથી જ… એમને બ્રેઈન હેમરેજ જ થઈ ગયું હોય ને માત્ર પ્રૌઢ કહેવાય એવી જ ઉંમરે અમને છોડીને એ ચાલી ગઈ હોય !
બાપુજી બોલ્યા હતા : તેં જેટલી ટાઢક અમને આજ સુધી આપી એટલો જ ત્રાસ અમુલ આપે છે. ખબર નથી પડતી ભગવાનને ત્યાં કેવો ન્યાય છે ? એક તરફ સુખ છે, તો બીજી તરફ દુઃખનો ઢગલો શું કામ ખડકે છે ?’
“બાપુજી”મેં કહ્યું હતું : “અમુલ આમ બકબક કરે એટલું જ. બાકી એના મનમાં કોઈ પાપ નથી.”
“પાપ કોને કહેવાય ?” બાપુજી બોલ્યા હતા : ‘પાપનો વાસ માત્ર મનમાં જ હોય ? જીભ પર આવીને પાપ ન બેસે ?” પછી થોડી વાર અટકીને બોલ્યા હતા : “ક્યારેક ક્યારેક એમ થાય છે કે અમુલ જેવા દિકરા કરતાં એ ન હોય એ સારું. અમારે તું એક બસ હતો, ભાઈ…” બાપુજી રડી પડ્યા હતા.
આ વાત મને એમની સળગતી ચિતા સામે યાદ આવી ગઈ. એ આંસુ હવે અંગારા બનીને હવામાં ઉડતા હતા !
ત્યાં જ અમુલે ફરી મારા કાન પાસે આવીને કહ્યું : “ઠીક છે. જનાર તો ગયા. તમે નીતિથી વરતજો. નાગપુરવાળી મિલકત.”
અમે ઘેર પાછા ફર્યા ત્યારે સાંજના સાડાસાત થઈ ગયા હતા. “ઘરમાં બાપુજી નથી”નો તીવ્ર અહેસાસ મગજમાં ઉઠ્યો. એક અવ્યક્ત ડુસકું સમગ્ર શરીરમાં પ્રસરી ગયું. એ વખતે સામે અમુલ બેઠો બેઠો ગંભીર ચહેરે કોઈ આગંતુકને કહેતો હતો : “બરાબર બાર ને ત્રણ મિનિટે દેહ છોડ્યો. મેં પણ છેલ્લામાં છેલ્લું એમના મોંમાં ગંગાજળ મુકેલું.”
“ભાગ્યશાળી થઈ ગયા.’ સાંભળનાર બોલ્યો હતો.
***** ***** *****
બાથરૂમમાંથી બહાર આવીને અમુલ ટુવાલથી શરીર લુછવા માંડ્યો. બા-બાપુજીના જોડાજોડ ફોટોગ્રાફવાળી સુખડની પેટી બંધ કરતાં પહેલાં એણે પ્રણામ કર્યા. પછી પેટી બંધ કરીને બ્રીફકેઈસમાં મુકી. પછી મને વિચારમાં પડી ગયેલો જોઈને બોલ્યો : “બા-બાપુજી તો મોટા મનના હતા. તમે કદાચ એમ વિચારતા હો કે મેં એમને એમના મરતા સુધી દુઃખી કર્યા તો સમજી લો કે એ વાત સાચી નથી. ને પછી તર્ક ઉપર તર્કની ઈંટ મુકતાં એ બોલ્યો : “ને ધારી લો તમારા મનથી, કે એમ હોત, તો પણ મને એનું દુઃખ છે, બસ ? હા, પસ્તાવો.વિપુલ ઝરણું સ્વર્ગથી….. શું ? બાકી જે હોય તે. બાકી પસ્તાવો કરનાર માણસ હંમેશા મહાન કહેવાય છે. હું એ રીતે પણ સારો કહેવાઉં તમારા કરતાં કારણ કે તમે તો કોઈ પણ જાતના પસ્તાવામાંથી પણ ગયા…”
“સાચી વાત છે.” મેં કહ્યું : “તારી વાત સાચી છે.”
“બાકી તો” એ બોલ્યો : “તમે એમને આમ સાવ ભુલી જશો એ નહોતું ધાર્યું. સ્વર્ગમાં એમનો આત્મા બહુ દુભાયો હશે. અરે, તમે એમનો એક ફોટો ઘરમાં ટિંગાડતા શરમાઓ છો !”
હું કંઈ બોલ્યો નહીં. જમીન ભણી જોઈ રહ્યો. એ જોઈને એણે કહ્યું : “બોલો, હું મોકલાવું ? મારા ખર્ચે મઢાવીને ?”
મેં એની બ્રીફ-કેઈસ તરફ નજર કરી. મારા મા-બાપ પુરાયેલાં હતાં.
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા:
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
વાહ શું મનના ભાવોની અભિવ્યક્તિ !
Wonderful story of human fraility. We feel totally involved in the story.
Thanks
વાહ! આને ખુબ જ મળતી આવતી સત્યઘટના જાણું છું તેથી આ વાર્તા વધારે રોમાંચક લાગી.
૧૬ મી મે ૨૦૧૫ મારા પ્રિય પત્નીના મૃત્યુનો પ્રસંગ યાદ કરાવી ગયો. આભાર શ્રી રજનીભાઈ.
Bahu j HradaySparshi che…….