કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૯

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

તાજેતરમાં જ પ્રીતનાં ફ્યુનરલ સંબંધે આ ભાઈને મળવાનું થયું હતું, તે વખતનું તેમનું તોછડું અને તુમાખીભર્યું વર્તન સરલાબહેનને યાદ આવ્યું. અહીં આટલો નમ્ર અને વિવેકી દંભી દેખાવ અને પોતે જ અનુભવેલી તેમની તદ્દ્ન વિરોધી વર્તણૂક ! છતાંય તેમની વાતો વિવેકથી સાંભળી અને ઘરે આવતાં રહ્યાં. જોકે એ ભાઈ બોલ્યા નહોતા છતાંય તેમણે ઓળખ્યા જરુર હતાં એટલે જ બે મિનિટમાં વાત આટોપી ખસી ગયા હતાં.

પ્રીતનાં મૃત્યુને હજુ બે મહિના થયાં છે છતાં પરિસ્થિતિ એવી છે કે કિશન-સ્નેહાના લગ્ન કરી જ લેવા પડે એમ છે, નહીં તો સ્નેહાને ભારત ડીપોર્ટ કરવામાં આવે. મનુભાઈ અને સરલાબહેનને ‘ તેમનાં પ્રથમ પુત્રનાં લગ્ન આમ ઉતાવળથી કરવા પડશેનો’ વસવસો પ્રીતનાં મૃત્યુએ નહીંવત્ કરી નાંખ્યો છે.

ભાવિનને થોડી સજા થઈ. સ્નેહા હવે લગ્ન કરવાની હોવાથી તેને ખાધાખોરાકીનો કોઈ ખર્ચ આપવાનો નથી પરંતુ અત્યાર સુધીનો બધો જ ખર્ચ અને તેને પહોંચાડેલી માનસિક અને શારીરિક યાતનાના બદલામાં જે વળતર આપવું પડશે તે ઈંસ્ટોલમેંટમાં, ટૂકડે ટૂકડે ભરવા માટે કબૂલ થયો.

કિશન માટે સ્નેહાના પ્રેમની સાથે સાથે તેના તરફ માન પણ વધવા માંડ્યું. કારણ યુ.કે. જેવા પાશ્ચાત્ય દેશમાં જન્મ્યો અને ઊછર્યો છે તોય ક્યારેય એણે અજુગતી માંગણી નથી કરી. એટલું જ નહીં , હજુ ય ભાવિન સથેના એના પાંચ પાંચ મહિનાના અત્યાચારનો પડછાયો લઈને જીવતી સ્નેહા માટે સાચા અર્થમાં મિત્ર બની કિશન અડીખમ એની પડખે ઊભો છે.

કાંઈ કેટલીય વાર સ્નેહા કિશન સાથે હોય તો પણ , ભાવિને એને વગર વાંકે , ખબર નહીં શાની સજારૂપે કરેલા બળત્કારો યાદ આવતાં જ એ સાવ અલિપ્ત થઈ જાય છે. કોરી આંખે રડતી સ્નેહાને છાની રાખવાની આવડત માત્ર કિશનમાં જ છે. એ ધારતે તો સાથે ભણતી કેરોલાઈને આપેલું આહ્વાન સ્વીકારી લીધું હોત.પરંતુ સરલાબહેને સીંચેલા સંસ્કારે એને એવા પ્રલોભનોમાંથી પાર ઉતાર્યો છે.

સ્નેહાને ઘણીવાર લગ્નનો વિચાર કરતાં કમકમા આવી જાય છે. છતાંય જીવનનો મોટામાં મોટો નિર્ણય લેવાનો સમય આ જ છે અને….અને…કિશનનો ભર્યો ભર્યો પ્રેમ, હૂંફાળો સાથ અને ઘરનાં પ્રત્યેક સભ્યોનો ખુલ્લા દિલનો આવકાર જ એને પાછી ફરીને ભાગતાં રોકે છે. નંદા અને નમન પણ એને સાચા અર્થમાં સમજે છે અને એટલે જ એને મિત્રોની ખોટ જરાય લાગતી નથી. મનુભાઈ એમના સ્વભાવ મુજબ સ્નેહા તરફ પ્રેમ દર્શાવી શકતાં નથી પરંતુ સ્નેહા એમની નજરમાં એ શોધી લે છે.

સરલાબહેન સ્નેહાને ઘણીવાર તેમની સાથે અધ્યયન કેંદ્રમાં આવવાનું કહે છે જેથી વિચારોને થોડી જુદી દિશા મળે. દરવખતે સ્નેહા ‘આજે નહી’ કહી વાતને ત્યાં જ અટકાવી દે. એ દિવસે રવિવર હતો અને અધ્યયન કેન્દ્રમાં આવવા માટે ફરી સરલાબહેને સ્નેહાને આગ્રહ કર્યો, ‘ સ્નેહા ત્યાં પ્રવચનમાંથી તને ખૂબ સાંત્વન મળશે. આ જોને મને જ, પ્રીતના મૃત્યુ વખતે વેરવિખેર થઈ જવાની અણી ઉપર જ હું હતી ત્યારે જ મેં પંડિતજીનું મૃત્યુ ઉપરનું પ્રવચન સાંભળ્યું અને મારી મૃત્યુ તરફ એક નવી જ દ્રષ્ટી ખૂલી. ઈશ્વર અને કુદરત તરફથી મળતાં પ્રત્યેક આઘાતને સમજીને જીવવાનું મને બળ મળ્યું. તું એકવાર આવ બેટા, તારી ઉપર થયેલા અત્યાચારો ભૂંસાવાનાં તો નથી, પરંતુ એ વિચારોનો સામનો કઈ રીતે કરવો તેનું કદાચ માર્ગદર્શન તેમની પાસેથી મળેય ખરું.’

સ્નેહા ઉદાસ ઉદાસ મલકી, બોલી,’ ફોઈ, મારે અમને થયેલા અનુભવો તમારી ઉપર લાદવા નથી એટલે હું તમને કહેતી પણ નથી અને અટકાવતી પણ નથી. પરંતુ એ અમારા અનુભવો એટલા તો દુઃખદાયક છે કે એ ભૂલી શકાય એવા નથી. ઓન ધ કોંટરરી, ફોઈ, પ્રવચનકાર, તેમના વારસ અને અન્ય કાર્યકરોની વાણી અને વર્તન વચ્ચેની મોટી ખાઈ અમે જે અનુભવી છે, એ, ત્યાં ફરી અવવાથી મોટી જ થતી રહેશે, બીલિવ મી ફોઈ. એક જ વાક્યમાં કહું તો મારા પપ્પા , કેટલાય વર્ષો સુધી ઘણી બધી વાતો તરફ દુર્લક્ષ સેવતા રહ્યાં . પરંતુ આખરે જે અનુભવ થયો, ત્યારે પાછા આવી માત્ર આંખોમાં આસું સાથે બોલ્યા હતાં, ‘ હિપોક્રસી ધાય નેઈમ ઈઝ અધ્યયન કેંદ્ર ! હવે ક્યારેય હું ત્યાં પગ મુકીશ નહીં.’

પછી એક મોટો શ્વાસ લઈ બોલી, ‘ફોઈ, મારે લીધે તમે તમારો વિકાસ અટકાવો તેમ ક્યારેય ન ઈચ્છું. તમે ખુશીથી જાઓ. કિશન અને તમારા સૌના સાથથી જરૂર હું એ નર્ક યાતનાનો સામનો કરી શકીશ. સાચ્ચે જ ફોઈ, તમે મારે ચિંતા ન કરો.’

શૂઝ પહેરતાં સરલાબહેન માટે હાથમાં વિંટર કોટ લઈને ઊભેલી સ્નેહાએ તેમને કોટ પહેરવામાં મદદ કરી અને આગળનું બારણું ખોલી આપ્યું.

દર રવિવારે સ્નેહા ઇંડિયા ફોન કરી અહીંની પરિસ્થિતિ, મમ્મી અને પપ્પાને વર્ણવતી રહે છે તે મુજબ આજે ય હજુ તો એ ફોન જોડવા જાય છે જ ત્યાં તો ફોનની રીંગ વાગી. સ્ક્રીન ઉપર કિશનનું નામ વાંચી મલકીને થોડીવાર રીંગ વગવા દીધી. કિશનને તડપાવવાનું ગમે, પણ એટલું ય ન તડ્પાવે કે એ ફોન મૂકી દે. એટલે થોડી રીંગ પછી ફોન ઊપાડ્યો. સામે છેડેથી જેમ ધાર્યું હતું તેમ જ થયું, ‘ સ્નેહુડી, કેમ આટલી બધી વાર લગાડી ?’

સ્નેહા : કેમ અમારે કાંઈ બીજું કામ ન હોય ?

કિશન : એ સ્નેહા, હમણા મેં ક્યાંક ‘કામ’નો એક એક બીજો અર્થ વાંચ્યો તે પ્રમાણે….

સ્નેહા : શટ અપ ! આજકાલ બહુ રીસર્ચ કરવા માંડી છે ને કાંઈ ! ભણવામાં ધ્યાન આપ કિશુ, આ છેલ્લુ વર્ષ છે, સમજ્યો?

કિશન : હું ફેઈલ થઈશ તો, વાંક તો તમારો જ નીકળવાનો છે એ સમજી જજો મેડમ.

સ્નેહા : ચલ હટ, કિશુ, હવે એ કહે કે તું ક્યારે આવીશ? પ્રીતનાં મૃત્યુ પછી બે જ વાર તું આવ્યો છે…. આઈ મીસ યુ સો મચ. (પછી થોડું અચકાઈને બોલી) એસ્પેશ્યલી લગ્નનાં વિચાર માત્રથી મન એટલું તો ગભરાઈ જાય છે ને ત્યારે તો ખાસ જ .

કિશન : ઓ.કે. સ્નેહા મને તું કહીશ કે એ વાત યાદ આવતાં તું એક્ઝેક્ટલી શું અનુભવે છે ?

સ્નેહા થોડું વિચારીને બોલી, ‘ કિશુ, મને ભાવિન સાથે ચૉરીમાં ફરેલા ફેરા, એનો સાવ જ સંવેદનહીન સ્પર્શ…અને … પ્રથમ રાત્રીએ કરેલી બળજબરી અને…..’

રડવાની અણી પર આવી ગયેલી સ્નેહાને કિશને કહ્યું, ‘એક સમજુ છોકરીની જેમ ઊંડો શ્વાસ લે સ્નેહુ.’

સ્નેહાએ બેત્રણ ઊંડા શ્વાસ લીધા.

કિશન :‘જો સ્નેહા, એ તારી યાતનાની યાદોને દફનાવી દેવા માટે તો હું તને મારું દિલ ફાડીને પ્રેમ કરું છું. હું સાચે જ સમજું છું કે એ ભૂલવું તારે માટે સહેજે સહેલું નથી જ. પરંતુ તું…’

સ્નેહા: ‘ કિશન ઘરનાં બધાં જ લોકો મને સમજવાનો એટલો તો પ્રયત્ન કરે છે કે એ વિચાર માત્રથી હવે મારી બીજી મુંઝવણો કહેતાં હું અચકાઉં છું, તું સમજે છે ને કિશુ ?’

કિશન: ‘ તો તું જ કહે , અમે શું કરીએ ?’

બન્ને તરફ થોડી સેંકડ ચૂપકીદી છવાઈ ગઈ.

કિશને વાતને આગળ વધારી, ‘જો સ્નેહા, હવે તો અહીંયા અને ઇંડિયામાં પણ લગ્ન વગર પણ સાથે રહેવાનું કોમન થતું જાય છે. તને લગ્ન કરવાથી તકલિફ થતી હોય તો…’

તેને આગળ બોલતો અટકાવી સ્નેહાએ કહ્યું , ‘ના, કિશન, લગ્ન વગર તો હું કોઈ કાળે સાથે ન રહું.’

કિશનની ધીરજની આ છોકરી સાચે જ કસોટી કરે છે!

કિશન, ‘જો લગ્ન નહીં કરીશું સ્નેહુ, તો ગવર્મેંટ તને ડિપોર્ટ કરી દેશે, અને કાન ખોલીને સાંભળ, હું કોઈ પણ કાળે એ થવા દેવાનો નથી જ .‘

સ્નેહા ચૂપચાપ સાંભળતી હતી પછી સાવ જ એક અસંબધ્ધ સવાલ પૂછી બેઠી, ‘ કિશન, કદાચને હું ઇંડિયા જતી રહું તો તું લગ્ન કરી મારી સાથ ઇંડિયા કાયમ માટે રહે ખરો?’

કિશને પળનોય વિલંબ વિના કહ્યું, ‘ હા, ચોક્કસ, જો એમ કરવાથી તારી પેલી કારમી યાદો ભૂંસાઈ જવાની હોય તો… તારો ખોવાઈ ગયેલો આત્મવિશ્વાસ પાછો આવવાનો હોય તો. ઇંડિયા જવાથી તું તારા અંતરથી ય બધી યાદોને અહીં છોડીને જઈ શકીશ ? તો, હા જરૂર હું તારી સાથે ઇંડિયા તો શું તું કહે ત્યાં આવવા તૈયાર છું !’

એવું નથી કે સ્નેહા કિશનની વાત નથી સમજતી, એને હવે તો કિશન સિવાય કોઈ જ ન ખપે એ પણ એટલું જ નિશ્ચિત છે, છતાંય મનની મુંઝવણ ઘટતી નથી.

કિશનને સ્નેહાને મનાવતાં ખૂબ સરસ હવે તો આવડવા માંડ્યું છે, ‘જો સ્નેહુ, તું હમણા, આ ક્ષણે, કલ્પનામાં મારા બાહુપાશમાં જ છે, સાંત્વન મળ્યું ?’

સ્નેહા મલકીને બોલી, ‘તું તો છે…ક હમણા કહે છે, હું તો મને ત્યાં ક્યારની બેઠેલી કલ્પું છું!’

કિશને ગંભીરતાથી એને પૂછી જ લીધું, ‘સ્નેહુ, વિલ યુ મેરી મી ?’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *