ગણપત ગઠ્ઠો

Facebooktwitterredditpinterestlinkedinmail

ભરત ચકલાસિયા

ગણપત ગઠ્ઠો કોઈનાથી ઓગળે તો તે ધારશીડાની વહુ ઝમકુડીથી જ! ગામના ચોરા પર ત્રણ પગથિયાં ચડીને ઊભા રહો, એટલે ગણપત હરિલાલ શેઠનું મોં જોવા મળે. એમના લાં…આં…બા નાકના ટોચકા પર જ કાળો મસ થયેલો અને એ મસમાંથી ચાર પાંચ વાળ ઊગીને ઊભા જ રહેતા. ગણા શેઠના કપાળની બખોલમાં બન્ને આંખો એવી રીતે ફિટ થયેલી હતી કે તમને એમ લાગે કે એ તમારી સામે જુએ છે, પણ હકીકતમાં તે બાજુવાળાને જોતા હોય! આ પ્રકારની આંખને ‘ફાંગી’’ જાહેર કરવામાં આવેલી છે!

ઝમકુને આ ફાંગી આંખોને કારણે જ ગેરસમજ થયેલી. ઝમકુડી એના ધણી સાથે ગણા શેઠની ઊંચા પગથારવાળી દુકાને તેલ લેવા ગયેલી, એ વખતે ગણા શેઠે એના વર ધારશીડાને કહેલું, ‘ભઇ, તારી નાતમાં તું કાંક ઠીક માણહ સો, અને પાછું તારી હારે મન ફાવેય ખરું. તું તારે જ્યારે જરૂર હોય ત્યારે આવતા રે’વુ. હું તન કોઈ દી ના નઇ પાડું, ફદિયા બદિયા (રૂપિયા-પૈસા) તારે જોતા કરતા હોય તો ગણા શેઠ જીવે સે તાં લગણ (ત્યાં સુધી) તારે બીજાની દુકાને લાળ પડવાની નઇ, હું હમજયા!’

આ ‘હું હમજયા’ એમના વાક્યમાં છેલ્લે બોલાતું જ! અને એ વખતે તેઓ હસી પડતા અને તેમના જડબામાં ગેરહાજર આગળના બે દાંતની જગ્યામાંથી થૂંકનો આછો ફુવારો છૂટતો. તેમના હોઠ પર મકાઈના ડોડાના રેસા જેવી મૂછોને પલાળીને સીધો જ એ ફુવારો ધારશી અને ઝમકુના ચહેરા પર ઊડ્યો!

‘હાય મૂઆ શેઠ, તમી તો મારું થોબડું ભરી મેલ્યું.’ ઝમકુએ મેલી સાડીના છેડાથી મોં લૂછતાં છણકો કર્યો.

‘ભઈ, હવે ચે દિ નઇ હશો ઇ તન’ય નઇ હાંભરતું હોય! પડી રે ને બાપા’. એનો ધણી ધારશી કે જે ગણા શેઠની મહેરબાની મેળવીને ધન્ય થઈ ગયેલો તે ઝમકુ ઉપર ખિજાયો, કારણ કે આવા શબ્દોને કારણે શેઠ નારાજ થાય તે પોસાય તેવું નહોતું. તેને તો શેઠની ફાંગી આંખોનો પરિચય હતો જ! પણ ઝમકુ સમજી કે શેઠે એના ધણીની હાજરીમાં જ પોતાને જ્યારે મન થાય ત્યારે આવવાનું કહ્યું. સંઘરેલો સાપેય કામ લાગે એમ માનતી ઝમકુએ શેઠનું આ ‘નોતરું’ સંઘરી રાખવાનું નક્કી કર્યું. વખત આવ્યે આવા શેઠિયાઓ જ કામ લાગે એ વાત આ ઝમકુડી બરાબર સમજતી.

ગણપત હલ્યાલ ગઠ્ઠો કહો, એટલે નાનુ છોકરું પણ છેક પાદરેથી ગણા શેઠની દુકાને તમને મૂકી જાય એવું એમનું નામ. એમનું માથું ઉપરથી સાંકડું અને બન્ને જડબાં ખૂબ પહોળાં હતાં. નાકના ટોચકા પર ઉગેલા વાળવાળા કાળા મસને કારણે તેઓ ખૂબ ભાગ્યશાળી છે એમ ગામના જટા ગોરે સાવ જુઠ્ઠી ભવિષ્યવાણી ભાખીને સારી એવી દક્ષિણા હરિલાલ શેઠ (ગણપતના પિતા) પાસેથી ખંખેરેલી, એમ બીજા ઓછી પ્રેક્ટિસવાળા ગોર કહેતા.

ગણપત શેઠના સાંકડા માથામાં છૂટાછવાયા જેટલા પણ વાળ હતા, એ બધા ચોવીસ કલાક ઊભા જ રહેતા. એમના કાન મસ્તકથી દૂર રહીને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસરને કારણે જ કદાચ જમીન તરફ નમેલા રહેતા અને કાનમાંથી નીકળેલા વાળના ગુચ્છા ખભાને સમાંતર રહેતા. એમનું આ આખું માથું ધડ પર ૬૦ અંશના ખૂણે નમેલું રહેતું અને પેટના મોટા ઘેરાવાના કારણે તેઓ થડા પર બેઠા હોય, ત્યારે મોટી ગાંસડી પર નાનું પોટલું પડેલું હોય એવું તમને લાગે. ઝમકુને ફદિયાના બદલે આ રૂના ઢગલા જેવા કૂણાકૂણા શેઠને ગૂંદવામાં કઈ વાંધાજનક લાગેલું નહિ. પરંતુ ગણપત શેઠ બિચારા કુળવાન અને ખાનદાન વાણિયા હતા, એટલે એમણે તો ઝમકુની કોઈ જ નોંધ લીધેલી નહિ.

નાક પરના એ મસના કારણે હોય કે પછી ગણપત શેઠની આવડતના કારણે હોય, ગમે તેમ પણ શેઠની હાટડી ધમધોકાર ચાલતી. ઉપરવાળાની દયાથી શેઠને ઘેર ડામર કરતાં થોડા ઉજળેવાન કહી શકાય તેવા રૂડા રૂપાળા ત્રણ દીકરા જાગીને સૂવે ત્યાં સુધી ગડદાપાટું કરતા રહેતા. આ તૂમડાં જે વેલા પર બેઠેલાં એ શેઠાણી સાગના સોટા કરતાં થોડાં જાડાં અને સિસમના લાકડા કરતાં થોડાં ઉજળા વાને હતાં. એમના ચોત્રીસ કિલો વજનના શરીર રૂપી છોડવા પર આવાં ફળ કેવી રીતે આવ્યાં તે રહસ્ય હજુ સુધી વણઉકલ્યું જ રહેલું!

ગણાશેઠના ગળે આ કદરૂપીને બાંધી દેવામાં એમના પિતાશ્રી હલ્યાલ શેઠ ભાગ ભજવી ગયા હતા. એમનું મૂળ નામ તો હરિલાલ હતું, પણ ગામઠી જબાનમાં ‘હલ્યાલ’ થઈ ગયેલું! એમની જુવાની રંગીન હતી, એમના આંટાફેરા ‘વાસ’ બાજુ વધુ રહેતા. ‘નાતજાતના વાડા તો માણહે બનાવ્યા છે, ઉપરવાળાએ તો સવને સરખો જ અવતાર દીધો છે’ એમ સૌને સમજાવતા. દુકાને પળી તેલ લેવા આવતી ચીંથરેહાલ ગરીબને તેલ મફતમાં આપીને તેનું તેલ કાઢી લેવાનો ‘ઉપકાર’ કરતા. એમનો એ વખતનો જાજરમાન પલંગ હજુ પણ ગણા શેઠની દુકાનની પાછળના ભાગમાં ગાદી વગરનો શોભતો પડી રહેલો છે, પણ ગણા શેઠ એ પલંગ ઉપર કદી બેઠાય નથી.

હરિલાલના રંગીલા સ્વભાવને કારણે એ સમયમાં શેઠ હજારોના દેવામાં ડૂબી ગયેલા અને એકબે વાર ઇજ્જત બચાવવા એમને પોતાના ખાસ દોસ્ત પાનચંદની મદદ લેવી પડેલી. પાનચંદે પોતાની ચાર આની પાના જેવી દીકરીને ગણપત નામના દોઢના બોલ્ટ ઉપર પરાણે ચડાવી દેવાની શરતે દેવું ભરપાઈ કરીને હલ્યાલ શેઠની હલાલ થતી ઇજ્જતને બચાવેલી અને હલ્યાલ શેઠે પોતાના ચીભડા જેવા દીકરા ગણપતને પાનચંદની કટાઈ ગયેલી અને ત્રણ ઠેકાણેથી પાછી આવેલી છ(છો)રીથી હલાલ કરેલો!

એ વાતને તો વરસો વીતી ગયાં. હરિલાલ પછી તો એ સૂકા વેલાનાં તૂમડાં રમાડીને હરિને વાલા’ય થઈ ગયા અને જતાં જતાં કહી ગયેલા કે ‘જો દીકરા ગણપત, જીવનમાં મૂંઝાવું નહિ. તારો સસરો રૂપિયાનું ઝાડવું જ છે, જે દી આપણે તાણ પડે તે દી ખંખેરી લેવું અને આનંદથી જીવવું. આપે એવા હારે સંબધ રાખવો અને કાપે એવાથી દૂર રે’વુ!”

પરંતુ ગણપતને એમની એકેય શિખામણ કામ લાગી નહિ. એણે તો પોતાના ભાગ્યને શણગારવા માંડ્યું. દુકાનમાં સવારથી સાંજ સુધી બઉ મહેનત કરતા. ગ્રાહકોને સારો જવાબ અને સસ્તો માલ મળી રહેતો. કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને શેઠ ઉધારમાં પણ આપતા. ક્યારેક કોઈ રૂપિયા ના આપી શકે તો, ‘તું તારે થાય ત્યારે દેજે, મૂંઝાતો નહિ’ એમ કહી પેલાના મોં પર થૂંકનો  છંટકાવ કરતા. ક્યારેક ફાંગી આંખોને કારણે ગેરસમજ થતી, પણ આફ્ટર ઓલ ગામમાં ગણપતશેઠની બોલબાલા તો રહેતી જ. ગણપતશેઠ દુકાનના કામને જ ઓળખતા, એમને હજુ સુધી બીજા કોઈ ‘કામ’ નો પરિચય થયો જ નહોતો. એમને કોઈ લાલચમાં નાખીને છેતરી શકતું નહિ, એટલે એમનું નામ ગણપત ગઠ્ઠો પડી ગયેલું; કારણ કે આ ગઠ્ઠો કોઈથી પીગળતો નહિ. એમની ફાંગી આંખોને કારણે જ એમને ઝમકુડી આગળ પીગળવું પડેલું.

વાત કંઈક આ પ્રમાણે બની હતી :

એક દિવસ ધોમ ધખતી ઉનાળાની બપોરે ગામડા ગામની સૂકી ભઠ સીમનો ઉનો વાયરો વંટોળિયો બનીને ગામની શેરીઓમાં ધૂળની ડમરી ઉડાડી રહ્યો હતો. એવે વખતે તકિયાને બેવડ વાળીને હાથની કોણી નીચે દબાવીને ગણાશેઠ દુકાનમાં બપોરની કાગા નિંદર માણી રહ્યા હતા. બપોરના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ હજુય દાઢમાંથી ઝરી રહ્યો હતો. સૂકા ભાંઠા જેવા શરીરનાં માલકણ ગૌરી(!) શેઠાણી રસોઈ એવી સ્વાદિષ્ટ બનાવી જાણતાં કે જમનાર આંગળાં ચાટી ચાટીને જમતાં. ગણપતશેઠને તો આગ્રહ કરી કરી ને જમાડતાં જાણે કે પહેલીવાર સાસરીમાં જમાઈ પધાર્યા હોય એવી રીતે જ શેઠાણી શેઠને રોજ પ્રેમથી પરાણે વધુ જમાડી દેતાં. પરંતુ પોતે બે રોટલીથી વધુ જમતાં જ નહીં, એટલે એમના સૂકા ઠુંઠા જેવા શરીર પર લોહી ચડતું જ નહીં!

એવે વખતે એકાએક કોઈક દોટ મૂકીને દુકાનમાં પેઠું હતું. હજુ તો ગણા શેઠ ઝબકીને આંખ ચોળી રહ્યા હતા, ત્યાં તો ‘મારો, પકડો….’ એવા હાકલા પડકારા કરતું પચાસેક લોકોનું ટોળું દુકાન તરફ ધસી આવ્યું. ગણા શેઠ ઊભા થઈને બહાર આવે તે પહેલાં જ ટોળું ગેરમાર્ગે દોરાયું. જો કે એનું કારણ પણ શેઠ પોતે જ હતા. શેઠે આળસ મરડીને હાથ લાંબા કર્યા જે સામેની શેરીની દિશા સુચવતા હતા, એટલે લોકટોળાનો આગેવાન સમજ્યો કે આપણો શિકાર આ તરફ ગયો છે તેમ શેઠ જણાવી રહ્યા છે!

શેઠ દુકાનમાં તપાસ કરવા ગયા તો બાજરીની ગુણ પાછળ એક નારી દેહ લપાઈને બેઠો હતો. એ ઝમકુ શેઠની ફાંગી આંખોમાં દૃશ્યમાન થઈ.

‘અલી એ..ઇ, આંય ચ્યાં ગુડાણી, નીકળી જા બા’ર, કોણ છો?’ શેઠ નાક પરના વાળ ખેંચતા ગુસ્સે થયા.

‘તમારી ગૌ છવ, નીરણપૂળો નો કરો તો કંઈ નઇ, પણ ખાટકીને હવાલે નો કરશો ભૈ શાબ! ઇ ધણ ખૂંટ જેવા મને મારી મારીને છોતરાં કાઢી નાખશે, મારી આ કાયા માથે કે’ર વરહાવશે. શેઠ તમી જ તો કીધું’તું કે જ્યારે મન થાય ત્યારે આવતી રે’જે, એટલે આજ દોટ મૂકીને તમારા શરણમાં આવી છઉં, રાખો તો ઠીક નકર પછ તમારી ઇછા’ ઝમકુએ શેઠના પગ પકડ્યા.

‘ઠીક, તું ઓલ્યા ધારશીડાની બયરી છો, નઇ? તે શા હારું આ ટોળું વાંહે થયું ઇ ભહશો ?’ ગણાશેઠે ઝમકુની ચોળીમાં માંડ સમાતી છાતી પર ફાંગી નજર ફેરવતાં પૂછ્યું.

ઝમકુ પુરુષ માત્રની નબળી નસ જાણતી જ હતી. તે તરત જ શેઠ તરફ સરકી. તેના માંસલ અને ભરાવદાર સીના પર ગણા શેઠ ફાંગી આંખે ત્રાટક કરી રહ્યા. એમણે બિચારાએ કદી પણ આવી કસાયેલી અને માદક શરીરવાળી માદાનો આસવ કર્યો નહોતો, એટલે નેત્રકામનો નશો ધીરે ધીરે તેમના મગજમાં વાજિંત્રો વગાડવા લાગ્યો. તેમના શરીરમાં દોડતું હલ્યાલ શેઠનું લોહી ધમાચકરડી મચાવવા લાગ્યું.

શેઠે પુછેલા સવાલનો જવાબ આપવો જરૂરી નથી એ સમજાઈ જતાં જ ઝમકુ શેઠની સાવ લગોલગ આવીને ઊભી રહી.

‘શેઠ તમી તો તારણહાર સવો. ગરીબના બેલી સવો. અમી તો તમારા જ સવી. તમારા સરણે જ સવી. જરાય પારકાં નો માનશો ભયસાબ!’ આમ કહી શેઠને વળગી પડી. ઘડીભર શેઠ ધ્રૂજી ઊઠ્યા. જિંદગીમાં કદી આવો અનુભવ થયો નહોતો. ઝમકુ પોતાની જાળ વધુ બિછાવે તે પહેલાં જ દુકાનના પગથિયેથી અવાજ આવ્યો, ‘ગણાશેઠ, ખાંડનો શું ભાવ છે?” આવનાર ગ્રાહક રૂડા ભગતે શેઠ અને ઝમકુને બથ ભરીને ઉભેલાં જોઈ લીધાં.

‘ઠીક ઠીક બપોરા હાલતા લાગે સે! હશે ભઈ, સૂકા ભાંઠાના મુસાફરને લીલીવાડીનો નેહ તો રે જ ને બાપા! લ્યો, હવે હું કલાકેક પસે આવીશ. આ જીભ ઉપર સાકરનાં ગળપણ નો સુકાય ઇનું ધ્યાન રાખજો એટલે બવ! આડી અવળી નઈ થવા દેવી, હમજયા ગણા શેઠ, મોજું કરી લ્યો!’ પછી આંખ પર હાથનું નેજુ કરીને ઝમકુ તરફ જોઈને ઉમેર્યું, ‘ઠીક.. આ તો ઓલ્યા ધારશીડાનું બયરું લાગે છે, હવે આંખે બવ હુંજતું તો નથ, પણ માણહ ઓળખવી હો! હે ભગવાન, આવું જ દેખાડવું’તું તારે? ઇના કરતાં તો આંધળો કર્યો હોત, તોય હારું હતું! હરિ કરે ઇ ખરી.’ રૂડા ભગતે થોડામાં ઘણું કહી હંકારી મૂકી.

શેઠનાં બારેય વહાણ ડૂબવા માંડયાં. થોડીવાર પહેલા જે ઉન્માદ મગજ પર છવાયો હતો, તે પળવારમાં તો ગાયબ થઈ ગયો. તેની જગ્યાએ આબરૂ જવાની બીક અને ધૂળની ડમરીની જેમ ધસી આવેલી ઝમકુ ઉપર દાઝ ચડી બેઠી. હજુ પણ ઝમકુ શેઠને ચોંટેલી જ હતી.

‘ઇ તો વયા જ્યા!’ ઝમકુએ આંખો પટપટાવી.

શેઠે તેને ધક્કો મારીને દૂર હડસેલી. ઉપાડીને દાઝના ભર્યા એક અડબોથ (તમાચો) ઝમકુના મોઢા પર ઝીંકતાં તેઓ ઓચર્યા, ’હાળી રાંડ, ખરા બપોરે આંયાં કાળાં કામાં કરવા ગુડાણી છો. તારે તો આબરૂ જેવું કંઈ હોય નઇ, તારો બાપ રૂડિયો આખા ગામમાં મારો ફજેતો કરશે. ઇ નીસનો કેવો ભગતનો દીકરો સે તે આખું ગામ જાણે સે!’’ ગણાશેઠ કાળામેંશ થઈ દુકાનના થડા પર ગોઠવાયા.

‘હવે જી થયું ઇ, મન મોટું રાખજો બાપલા. ઇ ભગતડાને ખાંડબાંડ દેતા રેજો એટલે ઇ કોઈને નઇ કે! પણ મને મૂંગી રાખવા તો કંઈક દયો, મારે તો હાવ મફતમાં જ લાફો ખાવાનો થયો. આ તો મારા ધણી હારે તમારે હારાવાટ (સારો સંબધ) સે એટલે હું કંઈ બોલી નઈ, નકર આ ઝમકુને હાથ અડાડવાવાળાને હજી જનમ લેવાનો બાકી સે શેઠ!’ ઝમકુએ થડા પાસે આવીને શેઠ સામે મોરચો ખોલ્યો.

‘ હેં..?’ ગણા શેઠ આ વળતા હુમલા માટે બિલકુલ તૈયાર નહોતા. ફાંગી આંખે ઝમકુને તાકી રહ્યા.

‘હેં શુ, હું ઝમકુ છઉં ઝમકું. ખરા બપોરે દુકાનમાં બોલાવી’તી, રૂડા ભગત સાક્ષી સે, ઝટ રૂપિયા ગણી દ્યો નકર, હમણે માણહ ભેગાં કરીશ. મોટા શેઠિયા થઈને અમ ગરીબની આબરૂ લૂંટી સે તમી!” થોડીવાર પહેલાંની ગાય હવે વાઘણ થઈને ઘુરકવા માંડી.

‘પણ મેં ચ્યાં તને બોલાવી’તી, તું ધોડીને મારી દુકાનમાં સંતાણી’તી. ઓલ્યા ટોળાથી એક તો મેં તને બસાવી …’

શેઠ ઝમકુને નજીકના ભૂતકાળની વધુ યાદ દેવડાવે તે પહેલાં જ વાઘણ બનેલી ઝમકુ વીફરી. ‘તે કાંઈ મફતમાં નથી બસાવી, સારું થાજો રૂડા બાપાનું, વખતસર આવી પોંચ્યા, નકર આજ હું મારા ધણીને મોઢું દેખાડ્યા જેવી નો રે’ત. મારી તો લાજ લૂંટાઈ જાત, આજ તો! લ્યો, હવે લાંબુ નો કરવાનું હોય તો હઝાર રૂપિયા દઈ દયો, હાલો’

શેઠના નાક પર જે બેચાર વાળ હંમેશાં ખડા રહેતા તે અચાનક વળી પડ્યા. માથામાં કોઈએ બોથડ પદાર્થ માર્યો હોય તેમ ફાંગી આંખોમાં અંધારું છવાઈ જવા લાગ્યું.

‘લ્યો, હવે ઝટ કરો, મારે મોડું થાય છે; કે પછી બોલાવું ઘરમાંથી ગવરી શેઠાણીને?’ ઝમકુએ દુકાનની પાછળ જ પડતા ઘરમાં જવાના દરવાજા તરફ ડગલું માંડતાં કહ્યું.

”તારા બાપગોતરમાં કોએ હજાર રૂપિયા ભાળ્યા સે? હાળી કજાત, તારા ડોહા હજાર રૂપિયા ચ્યમ થાય ઇનું ભાન છે?’

‘તો પાનસે દ્યો, પાનસે પસી હળવે હળવે કરી દેજો!’

શેઠને ઊભા થઈને પેલીનો હડિયો જ ટીપી નાખવાનું મન થયું, ’કેમ તારા બાપ પાંહેથી મેં ઉછીના લીધા’તા તે હળવે હળવે કરી દઉં?’

શેઠ વેપાર કરી જાણતા. આવા કિસ્સાઓમાં કઈ રીતે કામ લેવું તે અનુભવ નહોતો પણ કોઈને એમને એમ સાવ મફતમાં પૈસા આપી દે તો તો એ ગણપત શેઠને ‘ન ઓગળે એવો ગઠ્ઠો’નું જે બિરુદ મળેલું તે નકામું જ જાય ને!

કારણ વગરનું આ બ્લેકમેઇલીંગ તેમને ઘણની જેમ માથામાં વાગતું હતું. આખરે ઘણી બધી લમણાઝીંક પછી પણ સો રૂપિયા તો આપવા જ પડ્યા. બસ તે દિવસથી રૂડા ભગત અને ઝમકુને ‘જોતું કરતું’ સાવ મફતમાં જોખી દેવું પડતું. ગામમાં ખોટી વાતો થાય અને આબરૂના કાંકરા થાય તેના કરતાં થોડી ખોટ ખાઈ લેવાનું શેઠે મુનાસિબ માન્યું. પરંતુ પેલાં બન્ને મફતિયાંઓના લોભને કોઈ થોભ ના રહ્યો. અમસ્તુંય સાવ મફતમાં મળતું હોય તો કોઈ ઓછું લે જ શું કામ? 

ધીરે ધીરે ગણા શેઠ નામની ખાણને વધુ ને વધુ ખોદવાનું શરૂ થયું. રૂડાભગત ખાંડમાંથી નાહવા ધોવાના સાબુ, કાજુ, બદામ, ઘી, તેલ અને ઘરમાં જરૂરી બીજી ચીજવસ્તુઓ ખેંચી જવા મંડ્યા. ઝમકુ પણ અવારનવાર પચાસ-સો રૂપિયા અને ચીજ વસ્તુઓ ઉપાડવા માંડી. ક્યારેક દુકાનમાં સાફસફાઈ કરી આપવાનો ઉપકાર પણ કરતી. ગામને સમજાતું જ નહીં કે ગણપત શેઠ જેવો ચીકણો માણસ આ બગભગત રૂડિયા અને ગામની ઉતાર ઝમકુડીના હાથમાં આવી કઈ રીતે ગયો!

પરંતુ દરેક વાત કે જે શરૂ થઈ હોય તે પૂરી તો થાય જ છે. ગવરી શેઠાણીએ ઓગળતા જતા ભરથારને કઈ ચિંતા સતાવે છે એનું પગેરું પતિને પૂછ્યા વગર કાઢી લીધું. પોતાના નિર્દોષ પતિને બોરડીના ઝાડની જેમ ખંખેરી રહેલાં આ બે જનાવરને જેર કરવાનો કારસો પણ ઘડી કાઢ્યો.

બીજા દિવસે ગણપતશેઠના થડા પર શેઠના સાળા મૂળચંદ શેઠે આસન લીધું. બનેવી સાથે બનેલા બનાવની બીના જાણીને તાબડતોબ તે આવી પહોંચ્યો હતો. બનેવી ‘બીમાર’ હોવાથી તેમને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા!

ત્રીજા દિવસે બપોરે બે વાગ્યે ‘હરિ કરે ઇ ખરી’ની હાંક પાડતા રૂડાભગત દુકાનનાં પગથિયાં ચડ્યા.

‘એક નાવાનો સુગંધી સાબુ દેજો અને બે કિલો બદામ જોખજો શેઠ, હમણે હમણે કાંઈ યાદ રે’તું નથ. એટલે ઘી તો પડ્યું સે થોડુંક, તે કીધું કે થોડોક બદામ પાક બનાવડાવીને ખાઉં, તો ઓલ્યુ બપોરવાળું કોઈને કેવાય નો જાય!!’ આંખો ચૂંચી કરીને ભગત ફરી વદયા,’ એ.. હરિ કરે ઇ ખરી બાપલા’

તમે રૂડા ભગત નઈ?’ મૂળચંદે ભગતની વાત પરથી ઓળખ્યા.

‘હા, હો! પણ તમારી ઓળખાણ નો પડી, ચ્યાં જ્યા ગણાશેઠ?’ ભગતે દુકાનની અંદર ઘર તરફ પડતા દરવાજા તરફ નજર કરી.

‘ઈમ ને બવ મઝા નથી રે’તી હમણે હમણે! એટલે હવાફેર માટે મોકલ્યા સે. હું ઇમનો સાળો મૂળચંદ.તમે મુજાતા નઈ, તમારે જે જોતું કરતું હોય ઇ આપવાનું કઈને જ ગયા સે!’

મૂળચંદે ભગતનું માપ કાઢતો હોય તેમ માથાથી પગ સુધી નજર નાખીને કહ્યું.’ હા ભઈ હા, ઇ તો મારે શેઠ હારે સંબધ જ એવો સે ભઈ!’

‘તે તમે કાંક બપોરવાળું કોઈને કે’વાય નો જાય ઈમ કાંક બોલ્યા ને!’ મૂળાએ મૂળ કાઢવા પ્રયત્ન કર્યો.

‘ઇ તો હું ને ગણાશેઠ જ જાણઇ ભઈ, તમે તમારે કીધું એટલું કરો ને ભઈશાબ, હરિ કરે ઇ ખરી!’ ભગતે હુકમ આપ્યો.

‘તે ચેટલા ટેમથી અમારા બનેવીનું ઊભા ગળે ઓગાળો છો? હરિ કરે ઇ ખરી કે ખોટી? ‘ મૂળચંદે જરાક અવાજ ઊંચો કર્યો.

‘ઇ તમારા બનેવીને જ પુંસવું ભાઈ, અમને ભગતને મોંમાં આંગળાં નો નખવશો, બાપલા!’ ભગતે કંટાળીને કહ્યું.

= = =

‘બવ હારું હો ભગત, બદામ થોડીક ઘટે ઈમ છે. લ્યો, હું અંદરથી લઈ આવું!’ કહીને મૂળચંદ ઘરમાં ગયો. થોડીવારે નહાવાના ડઝન સાબુ અને પાંચ કીલો બદામ લઈને આવ્યો.

‘લ્યો ભગત, લાવો થેલી, તમારા જેવા ભગત માણહને વારે વારે આવવું પડે ઈમાં કાંઈ અમારી શોભા? તમતમારે દાબો બે મોઢે!’

રૂડા ભગત તો અચરજ પામી ગયા. ‘વા ભઈ વા, તમે ગણા શેઠની ગણતરી શેઠમાં રેવા દેશો કે નઈ ઇ તો હરિ ને ખબર!’ થેલી આપતાં ભગત બોલ્યા. મૂળચંદે થેલીમાં બધું નાખી આપ્યું, એટલે ‘હરિ કરે ઇ ખરી’ કહેતા ઘર તરફ હંકારી ગયા.

છેક સાંજે ભગતના ઘરની ખડકીની સાંકળ કદી ન ખખડી હોય એટલા જોરથી ખખડી. સુગંધી સાબુથી નાહીને ભગત બદામનો વાટકો ભરીને ઓસરીમાં ખાટલી પર ગોદડાંનો ગોટો વાળીને બનાવેલા તકિયા પર શરીર ટેકવીને એક એક બદામ નો આસ્વાદ માણી રહ્યા હતા. વરસો પહેલાં ભગત વિધુર થયેલા અને સંતાનો તો હતાં જ નહીં. ભગત પછી ભગતીના મારગે ચડી ગયેલા એટલે એકલા જ જીવન વિતાવતા. ઝમકુ જેવી ભગતાણીઓ ભગતનાં ‘ભજન’ સાંભળવા આવતી જતી!

‘અલ્યા કોણ ઇ મરવાનો થયો સે? તારી ડોહી બારસખ સોતી ઉખડી જાય એટલી બધી ચ્યમ ખખડાવ સ?’ રૂડા ભગતે ઘરમાં બોલવાની સ્પેશ્યલ લેંગ્વેજમાં બે ચાર ગાળો પણ ઠબકારી.

પરંતુ ગાળ સાંભળીને તો પેલો ખખડાવનાર વધુ ખિજાયો. તેણે ભગત ખોલવા આવે તેની રાહ જોયા વગર ખડકી ઉપર પાટુ પ્રહાર ચાલુ કરતાં બરાડો પાડ્યો, ’ખોલ એ..ઇ ભગતડા, બારો નીકળ સાલ્લા ચોરટા!’ ભગતના મોતિયા મરી ગયા. બદામનો વાટકો વેરાઈ ગયો.

દોટ મૂકીને એમણે ખડકી ખોલી. તાલુકેથી આવેલા બે પોલીસ જમાદારમાથી એકે ભગતને તરત જ એક અડબોથ ઝીંકી દીધી.

બપોરના સમયે ગણા શેઠની દુકાનમાં ઘૂસીને પાંચ કિલો બદામ અને નહાવાના ડઝન સાબુની ચોરી કરવા બદલ ભગતને ‘મુદ્દામાલ’ સાથે પકડવામાં આવ્યા!

ગણા શેઠ અને મૂળચંદ દુકાનના ઓટલે આવીને ઊભા. ભગતને દોરડાથી મુશ્કેટાટ બાંધવામાં આવ્યા. પાછળ ગામના છોકરા, પુરુષો અને જોણું જોવા ભેગી થયેલી જનતા ભગતની ઠેકડી ઉડાડતાં આવી રહ્યાં હતાં. પોલીસવાળાઓએ ભગતનો વરઘોડો આખા ગામમાં ફેરવ્યો હતો. જ્યારે ગણા શેઠની દુકાને આ જમેલો પહોંચ્યો, ત્યારે એ બેઉ એક સાથે બોલ્યા, ‘હરિ કરે ઇ ખરી!’

રૂડા ભગતે દોડીને ગણાશેઠના પગમાં પડતું મૂક્યું. ’બાપ શીદને આ ધોળામાં ધૂળ નખાવી? તમારી ગાય છવ, બાપા મને છોડાવો.’ ભગત આજીજી કરીને રડી પડ્યા.

‘ઓલ્યું બપોરવાળું……’મૂળચંદ બોલ્યો.

‘તમારી દુકાન પાંહેથી નીકળું તોય ભડાકે દેજો, ભાઈસાબ. સાચુંખોટું ઉપરવાળો જાણે, હું કાંઇ કરતાં કાંઇ જાણતો જ નથી. બાપ, હવે તો છોડાવો.’ ભગતે મૂળચંદના પગ પકડ્યા.

ગણા શેઠે ભગત સામેનો ચોરીનો કેસ પાછો ખેંચીને ભગત પર બહુ જ મોટો ઉપકાર કર્યો. મૂળચંદની તાલુકાની પેઢીના દરવાજે રાખેલા બન્ને વોચમેન કે જેઓ પોલીસની ખાખી વરદી પહેરીને નકલી પોલીસ બનીને આવેલા તેમને રાત્રે વાળુપાણી કરાવીને રવાના કર્યા.

‘મૂળિયા, તેં તો ભારે કરી હોં, ભારે ખેપાની નીકળ્યો હોં, પણ ઓલી ઝમકુડી….’ ગણા શેઠે સાળાની પીઠ થાબડતાં ઝમકુનો ડર બતાવ્યો.

‘હવે ઇ બે બદામની ઝમકુડી કોઈ દી નહિ આવે જીજુ, ભગતની દશા જોઈને! આખું ગામ ભેગું થ્યું’તું,એટલે ઇને સમાચાર મળી જ ગયા હોય. વળી આવે તો કેજો ને આપડે તો ઘરની જ પોલીસ છે ને!’ મૂળચંદ ખડખડાટ હસી પડ્યો અને ગણા શેઠ પણ ઘણા દિવસો પછી ખખડી પડ્યા.

અને સાચે જ ત્યાર પછી ક્યારેય ગણપતશેઠની ફાંગી આંખોએ ઝમકુડીને જોઈ જ નહીં!

 

* * *

સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Bharat Chaklasiya <bharat5469@gmail.com>

મોબાઈલ – ૯૯૨૫૩ ૭૯૦૯૭

* * *

(સુરત ખાતે શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત એવા શ્રી ભરત ચકલાસિયા ઘણાં વર્ષોથી સાહિત્યનું વાંચન અને સર્જન કરે છે. નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ તેમના ખાસ રસના વિષયો છે. તેમની એક એકથી ચઢિયાતી એવી હાસ્યવાર્તાઓ એ એમનો મૂલ્યવાન ખજાનો છે. ‘પ્રતિલિપિ’ જેવી વેબસાઈટ્સ ઉપર તેમની વાર્તાઓ પ્રસિદ્ધ થાય છે. વાર્તામાંના તળપદી બોલીમાંના પાત્રોના સંવાદોમાંથી વાચકો અનેરો લુત્ફ લઈ શકે છે. ‘વેબગુર્જરી’ ઉપર તેઓશ્રીનું આ પ્રથમ પદાર્પણ છે. અત્રે આ વાર્તા પાઠવવા બદલ તેમને ધન્યવાદ. – ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

5 comments for “ગણપત ગઠ્ઠો

 1. samir dholakia
  May 13, 2018 at 2:39 pm

  Bharatbhai has got art of story telling.
  Thanks !

  • Bharat chaklashiya
   June 2, 2018 at 11:45 pm

   આભાર, સમીરભાઈ. પ્રતિલિપિ પર મારી અન્ય રમુજી વાર્તાઓ મહેમાનગતિ, ભડનું ફાડીયું, દલાની દગડાઈ વગેરે વાંચશો. આપને ખૂબ મજા પડશે.

 2. Niranjan Mehta
  May 14, 2018 at 5:54 pm

  બહુ સરસ અને શૈલી પણ રોચક. અભિનંદન.

  • Bharat chaklashiya
   June 2, 2018 at 11:46 pm

   આભાર, મહેતાસહેબ. પ્રતિલિપિ પર મારી અન્ય રમુજી વાર્તાઓ મહેમાનગતિ, ભડનું ફાડીયું, દલાની દગડાઈ વગેરે વાંચશો. આપને ખૂબ મજા પડશે.

 3. June 26, 2019 at 9:25 pm

  Very nice story. I like it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *