મન્ના ડે :: ચલે જા રહેં હૈ…. : ૧૯૪૨-૧૯૪૬

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ

મન્ના ડે, મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ – ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) ફિલ્મ સંગીતના સૌથી વધુ સર્વતોમુખી પ્રતિભાવાળા કલાકારોની પ્રથમ હરોળમાં સન્માનભર્યું સ્થાન પામનાર કલાકાર છે. તેમના શાળાના દિવસો દમ્યાન તેમની પહેલી પસંદ કુસ્તી રહેતી. તેઓ ઓલ બેંગાલ રેસલીંગ કોમ્પિટીશનની ફાઇનલ સુધી પહોંચી ચૂક્યા હતા. કુટુંબમાં સંગીતના વાતવરણનો પ્રભાવ ઘણો એટલે કદાચ નિયતિએ તેમને ૧૯૪૨માં તેમના કાકા કેસી ડે સાથે મુંબઈ મોકલીને તેમની સામે પાર્શ્વગાયનની અફાટ દુનિયા ખુલ્લી મૂકી દીધી. હિંદી, બંગાળી, ભોજપુરી, અવધી, પંજાબી, આસામી, ઉડિયા, ગુજરાતી, કોંકણી, મરાઠી, કન્નડ, મલયાલલી, સિધી જેવી અનેક ભાષાઓમાં ફિલ્મી અને ગૈર-ફિલ્મી મળીને ૪૦૦૦થી વધુ ગીતોમાં તેમનો સ્વર ગૂંજતો રહ્યો છે. હિંદી ફિલ્મોમાં ૧૯૪૨માં કે સી ડેથી લઈને ૨૦૦૬માં શમીર ટંડન સુધી ૧૦૨ જેટલા ચાર પેઢીના સંગીતકારો સાથે તેમણે કામ કર્યું. તેમના સમયના દરેક પાર્શ્વગાયક સાથે તેમણે ગીત પણ ગાયાં છે.

મન્ના ડેની કારકીર્દીને નોંધપાત્ર પ્રવેગ બક્ષનાર ગીત તરીકે ‘મશાલ’ (૧૯૫૦)નાં ‘ઉપર ગગન વિશાલ’ બાબતે લગભગ બધાં સહમત થાશે. એ પછી દો બીધા જમીન (૧૯૫૩)નાં બે યુગલ ગીતોએ તેમની કારકીર્દીને વિશાળ અંતરિક્ષમાં લઈ જવા માટે એસ્કેપ વેલોસિટી પૂરાં પાડતાં રૉકેટ્સનું કામ કર્યું એમ કહેવાય છે. વચ્ચેનાં વર્ષોમાં અનિલ બિશ્વાસ સાથેનાં તેમનાં અમુક ગીતો કે શંકર જયકિશન સાથે રાજ ક્પૂર માટે તેમણે ગાયેલાં ‘આવારા’ (૧૯૫૧)નાં ગીતોએ તેમની કારકીર્દીની ગતિને ક્યારે પણ ધીમી તો પડવા જ ન દીધી. તેમની ૧૯૪૨થી લઈને ૧૯૯૨ દરમ્યાન ગાયેલાં હિંદી ફિલ્મોનાં ૧૪૦૦ જેટલાં ગીતોમાંથી ૭૫૮ ગીતો તેમણે તેમની કારકીર્દીના મધ્યાહ્ન સમાં ૧૯૫૩થી ૧૯૬૯નાં વર્ષ દરમ્યાન ગાયાં છે.

તેમની યાદને તાજી રાખવા તેમનાં ખુબ જાણીતાં અને થોડાં ઓછાં જાણીતાં ગીતોને અમુક ચોક્કસ વિષયમાં વર્ષવાર ગોઠવીએ તો પણ એવી શ્રેણી થોડાં વર્ષો સુધી ચાલતી રહી શકે. પરંતુ આપણી આ શ્રેણીમાં તો આપણે યાદોની ઊંડી ગર્તામાં વિસરાતાં જતાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ કરવાનું નક્કી કરેલ છે. એટલે હવેથી દર વર્ષના મે મહિને આપણે મન્ના ડેનાં સાવ ન સાંભળ્યાં હોય કે સાવ વિસારે પડેલાં હોય એવાં જ ગીતોને યાદ કરીશું.

આજના અંકની શરૂઆત આપણે તેમની કારકીર્દીનાં, ફિલ્મ ‘તમન્ના’નાં યુગલ ગીતથી કરીશું.:

જાગો આયી ઉષા પંછી બોલે – તમન્ના (૧૯૪૨) – સુરૈયા સાથે – સંગીતકાર: કે સી ડે – ગીતકાર: એસ કે કાલીઆ

કેવો યોગાનુ યોગ છે કે સુરૈયાની કારકીર્દી ની (એ જ વર્ષની) પહેલી જ ફિલ્મ ‘શારદા’નાં અતિસફળ રહેલાં ગીતના શબ્દો – પંછી જા પીછે રહા બચપન મેરા (શારદા (૧૯૪૨)-માં પણ પંછીને રૂપક બનાવાયેલ છે. આ ગીત ગાતી વખતે સુરૈયા માંડ ૧૩ વર્ષનાં હશે. આજનાં પ્રસ્તુત યુગલ ગીતમાં ૦૦.૪૦ સમયે સંભળીશું તો જણાશે કે સુરૈયાના અવાજની કિશોરવયની કુમાશની સાથે મન્ના ડેના પુરુષ અવાજનું સાહજિક ગાંભીર્ય કેટલી સહેલાઈથી ભળી જાય છે

ગયી, તૂ ગયી, ત્યાગમયી, તૂ ગયી, તેરી અમર ભાવના અમર રહી – રામ રાજ્ય (૧૯૪૩)- સંગીતકાર: શંકર રાવ વ્યાસ – ગીતકાર: રમેશ ગુપ્તા

એવું કહેવાય છે કે ‘રામ રાજ્ય’નાં ગીતો ગવડાવવા માટે નિર્માતા પ્રકાશ ભટ્ટ અને સંગીતકાર શંકર રાવ વ્યાસ ગયા હતા તો કે સી ડે પાસે, પરંતુ કે સી ડે અન્ય કલાકાર માટે પોતાનો સ્વર આપવા સહમત ન થયા. મન્ના ડે પણ ત્યાં હાજર હતા. એટલે આ ગીતો તેમને ફાળે આવ્યાં.

ફિલ્મમાં મન્ના ડેએ બીજાં બે ગીત – અજબ વિધિકા લેખ કિસી સે પઢા ન જાયે અને દૂર દૂર નગરિયા તેરી – પણ ગાયાં છે. .

ભૂલા ભટકા પથ હારા મન શરણ તુમ્હારી આયા, કહ દો ના ગોપાલ – જ્વાર ભાટા (૧૯૪૪) – પારૂલ ઘોષ સાથે – સંગીતકાર: અમિલ બિશ્વાસ – ગીતકાર: નરેન્દ્ર શર્મા

‘જ્વાર ભાટા’ દિલીપ કુમારની સૌથી પહેલવહેલી ફિલ્મ છે. મન્ના ડેને પણ આ ફિલ્મ દ્વારા ફિલ્મ સંગીતમાં નવી પેઢીનાં સંગીતને પ્રવેશ આપનાર આદ્યસંગીતકાર અનિલ બિશ્વાસ હેવા સંગીતકાર સાથે કામ કરવાનો અનુભવ મળ્યો. અનિલ બિશ્વાસે મન્ના ડેનો ઉપયોગ બહુ સિમીતપણે કર્યો છે, પણ જેટલો પણ કંઈ કર્યો છે તેમાં મન્ના ડેની ગાયકીની કળાને નીખરવાની પૂરતી તક મળી છે. પરિણામે તેમની કારકીર્દીને હંમેશાં સંપોષિત પ્રવેગ મળતો રહ્યો.

ઓ પ્રેમ દિવાની સંભલ સંભલ કર ચલના – કાદંબરી (૧૯૪૪) – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: નરેન્દ્ર શર્મા

હિંદી ફિલ્મ સંગીતને વિન્ટેજ એરાની નાટ્ય શૈલીમાંથી બહાર લાવવામાટે અનિલ બિશ્વાસનુજે પર્યોગો કરતા હતા તેને અનુરૂપ આ ગીત આવો જરૂર કહી શકાય.

ક્યું જાને અપને બનતે હૈ બેગાને – ભાગ ૧ અને ૨ – મીના (૧૯૪૪) – અજ્ઞાત ગાયિકા સાથે – સંગીતકાર: હરિ પ્રસન્ન દાસ – ગીતકાર: પંડિત ફણિ

આજે આપણને મન્ના ડેની જે ગાયકી યાદ છે તેની બહુ જ નજદીક કહી શકાય એવી શૈલીમાં ગવાયેલું ગીત.

યે રંગ બીરંગી ડોર હૈ – મઝદૂર (૧૯૪૫) – અમીરબાઈ કર્ણાટકી સાથે – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી

આ ગીતમાં મન્ના ડે ફરી વિન્ટેજ એરાની શૈલી તરફ ઢળતા જણાય છે.

હૈ ગગન મેં બાદલ ઠહરે હુએ – વિક્રમાદિત્ય (૧૯૪૫)- રાજ કુમારી સાથે – સંગીતકાર: શંકર રાવ વ્યાસ – ગીતકાર રમેશ ગુપ્તા

હિંદી ફિલ્મ સંગીતની ઐતિહાસિક નોંધોં મુજબ આ ગીત એ સમયે ખૂબ જ લોકપ્રિય રહ્યું હતું. વિન્ટેજ એરાનાં સ્ત્રી ગાયિકાઓના અવાજનું ઘેરાપણું એ સમયનાં ગાયનની એક ખાસ લાક્ષણિકતા ગણાતી હતી. રાજકુમારીના અવાજનું વિન્ટેજ એરાનું એ ઘેરા સૂરનું પ્રાધાન્ય ધ્યાન ખેંચે છે, તો સામે મન્ના ડે આપણને તેમના ‘૬૦ના દાયકાના અવાજની ઝલક દેખાડી જાય છે.

એક ચકોરી દેવ સે અપને – વિક્રમાદિત્ય (૧૯૪૫) – સંગીતકાર: શંકર રાવ વ્યાસ – ગીતકાર: રમેશ ગુપ્તા

શંકર રાવ વ્યાસ અને મન્ના ડેનો સહયોગ હવે મન્ના ડેને ફિલ્મના મુખ્ય ગાયકના સ્થાન પર લાવી ચૂક્યો છે. ફિલ્મમાં આ ઉપરાંત મન્ના ડેનાં ચાર સૉલો અને એક સમુહ પ્રાર્થના ગીત છે. કમનસીબે એ ગીતોની ડીજિટલ લિંક નથી મળી શકી.

પ્રિયે એક બાર મન મંદિરમેં તુમ રૂમઝુમ કરતે આના – મેરા ગીત (૧૯૪૪)- ગીતા રોય સાથે – સંગીતકાર: શંકર રાવ – વ્યાસ – ગીતકાર: રમેશ ગુપ્તા

યે જગ મતલબ કા હૈ ડેરા ક્યોં કરતા હૌ તૂ મેરા મેરા – રૂપા (૧૯૪૪) – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: રામમુર્તિ

ફિલ્મની વાર્તામાં કોઈ ચોક્કસ સંદેશો આપવા બેકગ્રાઉન્ડમાં ગવાતાં ગીતો મૂકાતાં. મન્ના ડે તેમની કારકીર્દીમાં આવાં ઘણાં ગીતો ગાયાં છે.

રામ નામ સે મન કે હો જાતે શુધ્ધ વિચાર – વાલ્મિકી (૧૯૪૬) – સંગીતકાર: શંકર રાવ વ્યાસ -ગીતકાર: મહેશ ગુપ્તા એમ એ

શંકર રાવ ગુપ્તાએ પણ મન્ના ડેના સ્વરને બેકગ્રાઉન્ડમાં ગવાતાં ગીત માટે ઉપયોગમાં લીધો છે.

શ્રી એસ પી ચેટર્જીએ તેમના બ્લૉગ પર મન્નાડેનાં ગીતોની ઑડીઓ લિંક્સ મૂકી છે. નીચેનાં ગીતો ત્યાંથી લીધેલાં છે.

હર એક કદમ સોચ કે – બીસવીં સદી (૧૯૪૫)- સંગીતકાર પન્નાલાલ ઘોષ

પરદેસ મુસાફિર જાતા હૈ, ઊઠા હૈ આબોદાના – દિલ (૧૯૪૬)- આ ગીતમાં ગાયક તરીકે પ્રબોધ ડેનું નામ છે – સંગીતકાર ઝફર ખુર્શીદ – ગીતકાર શમ્સ લખનવી

અલ્લાહ ખ઼તા ક્યા થી – દિલ (૧૯૫૬)- આ ગીતમાં ગાયક તરીકે પ્રબોધ ડેનું નામ છે – સંગીતકાર ઝફર ખુર્શીદ – ગીતકાર શમ્સ લખનવી

નૈનો કે બાદલ બરસ રહે – ઈન્સાફ (૧૯૪૬) – એચ પી દાસ – ડી એન મધોક

અય નૌજવાન વીરતા કી હૈ કસૌટી આજ – મેરા ગીત (૧૯૪૬) – શંકર રાવ વ્યાસ – ગીતકાર રમેશ ગુપ્તા

ઓ દુનિયા જરા સુન લે – કમલા (૧૯૪૬) – અમીરબાઈ કર્ણાટકી અને સાથીઓ સાથે – સંગીતકાર: જ્ઞાન દત્ત

આ સમયનાં આટલાં ગીતોની સૉફ્ટ લિંક્સ નથી મળી શકી :

યેહ પ્રેમકી રીત – કવિતા (૧૯૪૪) – સંગીતકાર: શંકર રાવ વ્યાસ – ગીતકાર: રમેશ ગુપ્તા

રાજ દ્વાર પે બજ ઊઠી શહનાઈ – મહા કવિ કાલીદાસ (૧૯૪૪) – સંગીતકાર: શ્રીધર પલસેકર – ગીતકાર: રમેશ ગુપ્તા

દિન આયે, દિન જાયે, – મહા કવિ કાલીદાસ (૧૯૪૪) – સંગીતકાર: શ્રીધર પલસેકર – ગીતકાર: રમેશ ગુપ્તા

ક્યા જ઼ુલ્મ કભી જીત ગયા…જીત હમારી હૈ – મઝદૂર (૧૯૪૫) – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી

પરિત્રાણાય સાધૂનાં..અવતાર લિયા જુગ જુગ – પ્રભુ કા ઘર (૧૯૪૫) – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

તુમ નાથ હો ફિર મૈં અનાથ ક્યોં – પ્રભુ કા ઘર (૧૯૪૫) – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ક્યૂં રૂઠ ગઈ હૈ ધરતી – ધરતી (૧૯૪૬) – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર પંડિત: ઈન્દ્ર

દિલ ચુરાનેકે લિયે – દૂર ચલેં (૧૯૪૬) – આ ગીતમાં પણ ગાયક તરીકે પ્રબોધ ડેનું નામ છે – સંગીતકાર: કે સી ડે

ઓ જી મોરે બાલમવા – ઈન્સાફ (૧૯૪૬) – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: ડી એન મધોક

આપણી દરેક પૉસ્ટને વિષય સંબંધિત મોહમ્મદ રફીના ગીતથી અંત કરવાની પરંપરા અનુસાર આજના અંકની પૂર્ણાહુતિ કરવા યોગ્ય ગીતની શોધ કરતાં, સોનિક-ઓમીએ સંગીતબધ્ધ કરેલ મન્ના ડે- મોહમ્મદ રફીનું પ્રકાશિત ન થયેલ ફિલ્મનું એક યુગલ ગીત મળી આવ્યું છે. જોકે, ગીત આજના આ અંક માટે નક્કી કરેલ સમયકાળનું નથી.:

હમને માના કી હમ હૈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *