ફિર દેખો યારોં : ફાંસીનો ફંદો કસતાં પહેલાં……

– બીરેન કોઠારી

કુમળી વયની બાળકીઓ પર થતા બળાત્કારની ઘટનાઓ આજકાલની નથી. પણ હવે પ્રસારમાધ્યમોના યુગમાં તે બહાર આવવા લાગી છે. આવા સમાચારની જાણ થાય ત્યારે તેને જાણનારાઓની ઊગ્ર પ્રતિક્રિયાઓ આવે એ સ્વાભાવિક છે. આવા ઘૃણાસ્પદ અને અધમ કૃત્ય કરનાર પર ચોમેરથી ફીટકાર અને તેનો ભોગ બનનાર પ્રત્યે સહાનુભૂતિ વરસે છે. ગુનેગાર પર કડકમાં કડક પગલાં લઈને તેને આકરામાં આકરી સજા ફટકારવી જોઈએ એવી માંગ સામાન્યપણે ઊઠે છે. આ પ્રકારના ગુનામાં આરોપ પુરવાર થાય તો તેના માટે સજાની જોગવાઈ છે જ, પણ તેના માટેની કાનૂની પ્રક્રિયા એટલી અટપટી છે કે લોકોનો જાગી ઊઠેલો આક્રોશ આપમેળે શમી જાય છે. એક હકીકત એ પણ છે કે આવી દુર્ઘટનાઓ બને એ માટે કોઈ ચોક્કસ શાસક પક્ષને જવાબદાર ગણાવી ન શકાય, કેમ કે, તે મોટે ભાગે રાજકીય નહીં, વ્યક્તિગત હોય છે. દુષ્કર્મીને છાવરવા માટે કે ન્યાયપ્રક્રિયામાં અવરોધ ઊભો કરવા માટે રાજકીય પક્ષ પ્રયત્ન કરે એ ગંભીર બાબત ગણાય.

હમણાં હમણાં કેટલીક દુર્ઘટનાઓ ઊપરાઊપરી પ્રકાશમાં આવી. તેને પગલે વધુ એક વાર જનાક્રોશ ફાટી નીકળ્યો. આ વખતે આવી ઘટનાઓમાં કોમવાદ તેમજ રાજકારણ પણ ભળ્યું હોવાનું જોવા મળ્યું. કોમવાદ ભેળવવાથી મૂળ દુર્ઘટનાની તીવ્રતા ઓછી થતી નથી. હવે કેન્‍દ્ર સરકાર આવા કિસ્સામાં ફાંસી સુધીની સજા થઈ શકે એવો વટહુકમ લાવવાની પેરવીમાં છે. આ સમયે કેટલાક તથ્યો અને વિગતો પર એક નજર નાખવી જરૂરી છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્ઝ બ્યુરો (એન.સી.આર.બી.) દેશભરમાં ચોપડે નોંધાતા અપરાધોના આંકડા એકઠા કરીને તેનું વિશ્લેષણ કરતી સરકારી સંસ્થા છે. આવા અપરાધના નિવારણ માટે ફાંસીની સજાની જોગવાઈ કરવા સામે તેણે પ્રશ્નાર્થચિહ્ન મૂક્યું છે. આ માટે તેણે આપેલા આંકડા જોઈએ.

2016 માં બળાત્કારના કુલ 64, 138 કિસ્સાઓ અદાલતમાં આવ્યા, જે ભારતીય દંડસંહિતાની કલમ 376 મુજબ તેમજ બાળકો પર થતા દુષ્કર્મને અટકાવવા માટે બનાવાયેલા ‘પોક્સો’ (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્‍સીસ) કાનૂન અંતર્ગત નોંધાયેલા હતા. આ તમામ કિસ્સાઓમાંથી કેવળ 1,869 કિસ્સાઓમાં ગુનેગારને તક્સીરવાર ઠેરવી શકાયા. એટલે કે પૂરા ત્રણ ટકા પણ ન કહેવાય એટલા ઓછા પ્રમાણમાં આમ બન્યું.

વધુ એક બાબત પણ ધ્યાનમાં આવી. મહિલાઓ અને બાળકો સાથેના દુષ્કર્મોના કુલ 36,657 કિસ્સાઓમાંથી 34,650 કિસ્સાઓમાં, એટલે કે આશરે 94 ટકા કિસ્સાઓમાં દુષ્કર્મી તેનો ભોગ બનનારનો પરિચીત હતો. કાં તે પરિવારનો કોઈ સભ્ય હતો, કાં પડોશી હતો કે પછી કોઈ પરિચીત હતો.

બળાત્કારીને સજા તરીકે ફાંસીએ લટકાવવાના કાયદાને અમલમાં લાવતાં અગાઉ આ હકીકત યોગ્ય રીતે ધ્યાનમાં લેવા જેવી છે. આ કાયદાનાં આ પાસા બાબતે પૂરતી ચર્ચા થવી જોઈએ. ભારત એ અમેરિકા કે અન્ય કોઈ પશ્ચિમી દેશ જેવો યા કોઈ અરબી દેશ જેવો નથી. અહીં સામાજિક તાણાવાણા અતિશય ગાઢ રીતે ગૂંથાયેલા છે. આ પોત ભલે અન્ય ઘણી બાબતોમાં ઘસાતું જતું લાગે, પણ તે હજી સાવ ઘસાઈ ગયું નથી. સીધી ફાંસીની સજા થવાની હોય, અને એ સંજોગોમાં આરોપી પોતાનો જ કોઈ પરિચીત નીકળે તો તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં અગાઉ પીડિતાનો પરિવાર વિચાર કરે એ સ્વાભાવિક છે. અન્ય કોઈ જાગ્રત દેશ હોત તો વાત અલગ હતી, આપણે ભારતના સંદર્ભે વિચારવાનું છે. સર્વોચ્ચ અદાલતનાં ધારાશાસ્ત્રી વૃંદા ગ્રોવરના જણાવ્યા મુજબ આવા સંજોગોમાં પીડિતાનો પરિવાર ફરિયાદ નોંધાવતાં પાછો પડશે. તેને પરિણામે ગુનો દબાઈ જશે અને તેનો ભોગ બનનાર સાવ લાચાર બની જશે એ પણ શક્યતા છે. તપાસ અને કાનૂની કાર્યવાહીની પ્રક્રિયાને પૂરતી મજબૂત કર્યા વિના કેવળ સજાને આકરી બનાવવાથી ખાસ અર્થ સરતો નથી.

‘પોક્સો’ અંતર્ગત સુનવણી એક વર્ષમાં પૂર્ણ કરી દેવી પડે એવી જોગવાઈ છે. આમ છતાં, 2016ના અંત સુધીમાં 89 ટકા કેસમાં તે બાકી હતી. સુનવણીનો દર આટલો ઓછો હોય ત્યારે સજાની વાત તો ઘણી પછી આવે. ડિસેમ્બર, 2012 ના નિર્ભયા કાંડના અપરાધીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. આમ છતાં, આ પ્રકારના ગુનાઓમાં ખાસ ઘટાડો થયો નથી. આમ જણાવીને વૃંદા ગ્રોવર આ સજા બાબતે વટહુકમ લાવવાના સરકારના પગલાને ‘ટીકાને પહોંચી વળવા માટેનું લોકરંજક ગતકડું’ ગણાવે છે.

જોવા જેવી વાત એ છે કે જાન્યુઆરીમાં આવી સજાની તરફેણમાં દાખલ કરાયેલી લોકહિતની એક અરજી બાબતે સર્વોચ્ચ અદાલતે કેન્‍દ્ર સરકારને પ્રતિભાવ આપવા જણાવ્યું ત્યારે સરકારનો જવાબ હતો, ‘મૃત્યુદંડ દરેક બાબતનો જવાબ નથી.’ આમ થયાના ત્રણેક મહિના પછી કથુઆમાં જે બન્યું તેને પગલે સરકારે પોતાનું વલણ બદલ્યું.

‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રીલેખમાં જણાવાયા મુજબ જાતીય અપરાધ માટે મૃત્યુદંડની સજા કોઈ પણ સમાજની બદલાની ભાવનામાંથી ઉદ્‍ભવે છે. અનેક વિકસીત દેશોમાં હવે મૃત્યુદંડની સજાનું પ્રમાણ ઘટાડાઈ રહ્યું છે. તેને સ્થાને વધુ સારી નીતિગત જોગવાઈઓ તેમજ જોગવાઈઓના અસરકારક અમલ પર ભાર મૂકવાનું પ્રમાણ વધી રહ્યું છે. માર્ચમાં પ્રકાશિત પાર્લામેન્ટરી સ્ટેન્‍ડિંગ કમિટીના એક અહેવાલમાં જણાવ્યા મુજબ બાળકો પરના જાતીય અત્યાચારના કિસ્સાઓ મોટા પ્રમાણમાં નોંધાયા વિના રહે છે. કેમ કે, આવી બાબત સામાજિક કલંકરૂપ ગણાય છે, તેમજ માબાપનું વલણ આવી બાબતમાં પોલિસને સંડોવવાનું સામાન્યપણે હોતું નથી. નેશનલ લૉ સ્કૂલ ઑફ ઈન્ડિયા યુનિવર્સિટી (એન.એલ.એસ.આઈ.યુ.) દ્વારા ફેબ્રુઆરીમાં હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ, બાળકીઓ પરના બળાત્કારના 67 ટકા કિસ્સાઓમાં તેનો ભોગ બનનારાઓએ સુનવણી પડતી મૂકી હતી કાં પોતાનું બયાન બદલી દીધું હતું. હવે ‘પોક્સો’માં મૃત્યુદંડની જોગવાઈથી આ પ્રમાણ ઓર વધે એવી શક્યતાને નજરઅંદાજ કરી શકાય નહીં. આ અભ્યાસમાં એ બાબત પણ ધ્યાનમાં આવી કે બાળકોની જાતીય સતામણીના કેસ માટે અલાયદી અદાલતો નથી. સાક્ષીઓનાં બયાન નોંધવા માટે જૂજ અદાલતોમાં અલાયદા ખંડ છે. તેની આસપાસ પ્રતીક્ષા ખંડ કે બાથરૂમની જોગવાઈ નથી. એન.એલ.એસ.આઈ.યુ.ના અભ્યાસમાં દર્શાવ્યા મુજબ આ બાબતો ‘પોક્સો’ કાયદાની જોગવાઈથી વિપરીત છે.

બાળકીઓ પર થતા બળાત્કાર જેવા જઘન્ય કૃત્યનો કોઈ બચાવ હોઈ શકે નહીં. તેને પગલે પ્રચંડ લોકજુવાળ ઉઠે એ પણ સમજાય એમ છે. જે જોગવાઈઓ કરવામાં આવેલી છે તેનો સુયોગ્ય અમલ થાય તો પણ તેનાથી દાખલો બેસી શકે એમ છે. પણ એ લોકજુવાળના મોજાં પર પોતાની હોડી તરતી મૂકીને તેને પાર લઈ જવાનો પ્રયત્ન કરવો એ અપરાધ નહીં, આવડત ગણાય એ સ્થિતિમાં કાયદામાં થયેલો આવો સુધારો કાગળ પર કે સંભવિત ચૂંટણી ઢંઢેરા પર જ રહે એ શક્યતા વધુ છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૪-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

1 comment for “ફિર દેખો યારોં : ફાંસીનો ફંદો કસતાં પહેલાં……

  1. May 10, 2018 at 7:24 am

    ફાંસીનો ફંદો… ભારતમાં મહીલાઓ અને બાળકો ઉપર થતા અત્યાચારને રામાયણ અને મહાભારત સીધો સબંધ છે. આપણે ભલે વેદ, ઉપનીષદને સાહીત્યનો વારસો કહેતા હોઈએ પણ ક્ષત્રીય, બ્રાહ્મણ વગેરે વર્ણભેદ ત્યારથી જ દાખલ થયેલ છે. જે ગામડાની ખાપ પંચાયત સુધી ચાલે છે. દલીત પોતા નામમાં સીંહ ન લખી શકે કે ઘોડા ઉપર બેસી વરઘોડો કાઢી ન શકે.

    આ રામાયણ અને મહાભારતની કાલ્પનીક કથાઓને કારણે મહીલાઓ અને બાળકો ઉપર અત્યાચાર થાય છે અને સંસદ એ અત્યાચારને મદદ કરે છે. દીવાળી, રામ નવમી કે કૃષ્ણ અષ્ઠમીની રજાઓને ધારા સભ્યો ટેકો આપે છે જે આળકતરી રીતે અત્યાચારને મદદ કરે છે.

    લોકતંત્રમાં હવે જાગરુક નાગરીકોએ ફાંસીની સજાને બદલે આવા અનીતી ભર્યા નીર્ણયો સંસદ દ્વારા લેવાય છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ.

    હાલની સરકાર કે સુબ્રહ્મણમ સ્વામી જેવા સાંસદ દ્વારા રામ મંદીર બાબત અવાર નવાર સમાચાર આવે છે એમને મહીલા, બાળકો કે દલીત અત્યાચાર સાથે જોડવા જોઈએ.

Leave a Reply

You have to agree to the comment policy.