યૂં કિ સોચનેવાલી બાત : કામ-દાતા બનતાં નથી, ઘડવાં પડે છે

આરતી નાયર

સરકાર અને તેની સાથે અન્ય કેટલાંય લોકોનું આજે સૂત્ર છે – કામ-લેતા નહીં કામ-દાતા બનો. આમ તો આ વાત કહેવાય છે આજના યુવા વર્ગને. પરંતુ આજનો યુવા વર્ગ તો આ બાબતે માટીના ઘડા પર કાઠલો ચડી ચૂકેલો વર્ગ કહી શકાય. આ સૂત્રને શિક્ષણનાં દરેક દરેક પાસાંમાં નીચેથી ઉપર ચડાવવા માટે નર્સરીથી જ બાળકોને ગળથૂથીમાં ઉતારવું પડે. વળી શિક્ષકોને પણ આ બાબતે દરેક તબક્કે માર્ગદર્શન અને તાલીમ પણ આપતાં રહેવું પડે. અમને તો શાળામાં શિક્ષકો લડી લડીને ડરાવતાં કે જો સરખી રીતે ભણશો નહીં તો તમને કોઈ નોકરી નહીં આપે. આ વિચારસરણી ધરમૂળથી જ બદલવી પડે.

કુટુંબને બે ટંકનું ભોજન રળી આપનાર એક માત્ર કમાઉ – વ્યક્તિ હોવાને કારણે ‘સલામત નોકરી’ની પસંદગીની માનસીકતા પણ છોડવી પડશે. આપણામાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે કંઈ પણ નવું એટલું ખોટું.એટલે કારકીર્દીની આ નવી કેડી ‘પૂરતી ફળદાયી” નીવડશે કે કેમ એ સવાલ આપણને મુંજવ્યા કરે છે.

શ્રધ્ધા રાખો. સમય આપો.

છોકરીઓમાં પણ પોતાની જાતને ‘સફળ નેતા’ તરીકે જોવાની વૃત્તિ નાનપણથી જ કેળવવી પડશે. અમારી સાથે કૉલેજમાં ભણતી ઘણી છોકરીઓ માટે ‘ભણી લ્યો એટલે એકાદબે વર્ષમાં લગ્ન થઈ જાય’, તેનાથી આગળની કોઈ દુનિયા જ નહોતી. લગ્ન મોડાં થાય એમ કરવું હોય તો અનુસ્નાતક કક્ષાનું આગળનું ભણવાનું શરૂ કરી દેવું પડે. પણ એ પછી પણ દુનિયા તો લગ્નજીવનમાં જ સમેટાઈ જતી. તમારી કારકીર્દી આટલી યુવાન વયે તમારાં સાસરાંની મનોવૃત્તિ પર આધારિત નસીબનો ખેલ બની રહેતી હોય તો તમારામાં રહેલો નેતૃત્વનો કે ઉદ્યોગસાહસિક થવાનો અંકુર ક્યાંથી વિકસી શકે?

બીજી એક વાત પણ ચોક્કસપણે સમજી લેવાની જરૂર છે. જો સમાજમાં કામ-દાતાઓ વધારવાં હશે તો તેમાંથી સ્વાભાવિકપણે નિપજતી નિષ્ફળતાઓને પણ પચાવવી પડશે. સ્ટાર્ટ-અપ્સની હિમશીલાઓની ટોચ પર દેખાતી સફળતાઓની પાછળ, સપાટી નીચે અનેકગણી નિષ્ફળતાઓ ધરબાયેલી પડી હોય છે. આપણો આજનો સમાજ પણ નવાં સાહસની નિષ્ફળતાને આભડછેટની નજરે જૂએ છે. જ્યારે અમેરિકામાં આવી સાહસિક નિષ્ફળતાને બીરદાવવામાં આવે છે.

ટૂંકમાં વાત આટલી જ છે – આજનાં યુવાનોમાંથી કામ-દાતાઓનો પ્રવાહ અચાનક જ નહીં ફૂટી નીકળે. એ માટે તો આજે આબાની કલમો વાવવી પડે, તેની સારી પેઠે માવજત પણ કરવી પડે, ત્યારે વીસેક વર્ષ પછી મીઠાં ફળના ટોપલા ઉતરે.


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.

Facebooktwitterredditpinterestlinkedinmail

3 comments for “યૂં કિ સોચનેવાલી બાત : કામ-દાતા બનતાં નથી, ઘડવાં પડે છે

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.