ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ === મ ણ કો ૧૬ ===

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

આજની આ કવિતામાં ન જૂના જમાનાની વાત છે ન કશુંક હાથમાંથી સરકી રહ્યાની, ન સામાજિક અન્યાયની ન માનવતાના આપણી નજર સમક્ષ થઈ રહેલા વસ્ત્રહરણની. આ કવિતામાં છે કેવળ જીવનનો, જીવતા હોવાનો, જીવતા રહેવાનો મહિમા. અહીં જીવનની તરસની, જિજીવિષાની વાત છે.

કહે છે, કવિતા એ સ્વયંને સમજવાનો સૌથી ખતરનાક રસ્તો છે અને કવિતા એ આત્ત્મકથાનો સૌથી અંતરંગ હિસ્સો પણ. ભગવત હમેશા કહેતા કે મારી કવિતાઓ એ જ મારી ડાયરી છે અને એ જ મારી આત્મકથા પણ. હું જે રોજબરોજ જીવું છું એ જ લખું છું. અલગ રોજનીશી અને આત્મકથાની પછી જરૂર જ ક્યાં રહી ? એમની આજની કવિતા પણ કદાચ એમણે ભોગવેલું, આત્મસાત કરેલું યથાર્થ છે.

બંગાળી સર્જક મૃણાલ સેનની હિંદી ફિલ્મ  ‘ એક દિન અચાનક ‘ એક અનોખી કૃતિ છે. એમાં આધેડ વયનો અને જુવાન પુત્ર – પુત્રીઓનો પિતા એવો નાયક એક સાંજે વરસતા વરસાદમાં  ‘ હમણાં આવું છું ‘ કહીને ઘરેથી નીકળે છે અને પાછો આવતો જ નથી. ભર્યું- ભાદર્યું દરેક રીતે સુખી દેખાતું કુટુંબ, ઘરબાર, પ્રતિષ્ઠિત નોકરી અને પાંચમાં પૂછાતો ભદ્ર પુરુષ અને સાવ આવું ! પત્ની, બે નવયુવાન દીકરીઓ અને દીકરો એમના જતા રહેવા વિષે પોતપોતાની સમજણ મુજબના તર્ક – વિતર્કો કરે છે તો વળી પડોશીઓ અને સમાજ પોતાની રીતે એમના આ રીતે ગુમ થઈ જવાનું આકલન કરે છે. બધા જ ધીમે ધીમે એમના અણધાર્યા જતા રહેવાની ઘટના પચાવીને સૌ – સૌની જિંદગીમાં પુન: ગોઠવાઈ જાય છે.

એમના જતા રહેવાના બરાબર એક વર્ષ પછી એમના પરિવારના સદસ્યો એવી જ એક વરસાદી સાંજે ગુમસૂમ બેઠા હોય છે અને ત્રણેય સંતાનો પિતા વિષે , વીતેલા વર્ષના અનુભવ- ખંડમાંથી પસાર થયા પછીનો અભિપ્રાય વ્યક્ત કરે છે. બહુધા ચુપ રહેતી એમની સરેરાશ ગૃહિણી પત્ની અચાનક ઉચ્ચારે છે, ‘ મને ઝાઝી કંઈ તો ખબર નથી પણ જતા રહ્યાના આગલા દિવસે એ કહેતા હતા કે જિંદગીનો મોટામાં મોટો કોઈ અફસોસ હોય તો એ કે માણસ પાસે કેવળ એક જ જીવન છે. એ કેવળ એક જ જીવન જીવી શકે છે! ‘

અફસોસ   જિંદગીનો  હો  તો  માત્ર  એક  છે

પરવરદિગારે  દીધી  છે  બસ  એક  જિંદગી ..

જિંદગી અને એની ખૂબસૂરતીની વાત આગળ વધારીએ એ પહેલાં આજની કવિતા :

                                                                   ===   ब चा   र हे गा   ===

 

विलीन होते होते भी आकाश में

फिर – फिर लौटता है जीवन क्षितिज पर

जाते – जाते भी

झाँक – झाँक जाता है

धरती की हरी – भरी गोद की तरफ़

फिर – फिर लौटतीं हैं

उखड़ती हुई सांसें

घुलती हैं ताज़ी हवा में

प्राण – वायु बनने के लिए

 

डूबते – डूबते भी

फिर – फिर लौटती है रोशनी आँखों में

और एक बार

और और एक बार

दुनिया को जी भर कर देखने के लिए

 

धरी रह जाएँगी सारी की सारी

घृणाएँ, कटुताएं

जल कर राख हो जाएँगी

रस्सी की तरह एंठी हुई

सारी की सारी

इर्श्याएं, अहम्मन्यताएं

 

बचा रहेगा

सिर्फ़ एक

प्यार के लिए पछाड़ें खाता

उठता – गिरता स्मृतिओं का समुद्र ….

                                                                – भगवत रावत

 

            ગુજરાતી ભાવાનુવાદ :

 

લુપ્ત થતાં – થતાં પણ આકાશમાં

વારંવાર પાછું ફરે છે જીવન ક્ષિતિજ પર

જતા – જતા પણ

ડોકિયું કરી લે છે

પૃથ્વીના લીલાછમ ખોળા ભણી

મંદ પડતા શ્વાસો

વારંવાર પાછા ફરે છે

અને ભળે છે હવામાં

ફરી પ્રાણવાયુ બનવા

 

ડૂબતાં – ડૂબતાં પણ

પરત ફરે છે જીવનની જ્યોત આંખોમાં

હજી એક વાર

વધુ એક વાર

દુનિયાને પેટ ભરી નીરખી લેવા માટે

 

પડી પડી સડશે

બધી જ ઘૃણાઓ, કડવાશો

બળીને ભસ્મ થઈ જશે

સીંદરીની જેમ અક્કડ

બધી જ ઇર્ષ્યાઓ, બધા જ ઘમંડ

 

બચી જશે

કેવળ એક

પ્રેમ કાજે હિલ્લોળા લેતો

પછડાતો – ઊઠતો સ્મૃતિઓનો સમુદ્ર …..

 

                                                          – ભગવત રાવત

પૂર્વભૂમિકાવાળી વાતના અનુસંધાને બીજી એક ફિલ્મનો કિસ્સો. મહાન બંગાળી ફિલ્મ સર્જક ઋત્વિક ઘટકની ફિલ્મ  ‘ મેઘે ઢાકા તારા ‘ ની વાત. ફિલ્મની નાયિકા નીતા, વિભાજનને કારણે વિસ્થાપિત બની કલકત્તા વસેલા ગરીબ પરિવારનો બોજો એકલપંડે વેંઢારે છે, શિક્ષિકાની નોકરી કરીને. પોતાની અંગત જિંદગી અને અરમાનોને કચડીને એ કુટુંબનો ચૂલો સળગતો રાખે છે. એના ઘરના બધા સદસ્યો એની એકલીની આવક પર નભતા હોવા છતાં એની અંગત ઈચ્છાઓ પ્રત્યે લાપરવા છે એટલું જ નહીં, એનું રીતસરનું શોષણ કરે છે.

ફિલ્મના અંતે નીતા ઢસરડા કરીને ક્ષયરોગમાં સપડાઈ મૃત્યુ ભણી ધકેલાય છે ત્યારે એના પરિવારજનો એને એકલીને દૂરના સેનેટોરિયમમાં મૂકી આવે છે. એનો મોટો ભાઈ એના ખબર કાઢવા સેનેટોરિયમમાં જાય છે ત્યારે, આખી જિંદગી વેઠ્યું હોવા છતાં એ ભાઈને વળગીને કરગરે છે, ‘ મારે જીવવું છે…મારે જીવવું છે ‘ ! આ દ્રષ્યો ટાંકવાનું તાત્પર્ય એ કે બધીજ વિટંબણાઓ અને મુશ્કેલીઓ છતાં દરેક સંવેદનશીલ માણસને જિંદગી ભરપેટ પીવાની તરસ હોય છે !

કવિ એટલે જ જિંદગીની તરસ વાળી વાતથી કવિતા આરંભે છે. જીવનથી વિદાય થતાં- થતાં જીવતો માણસ, જીવનને ભરપૂર માણી ચૂકેલો માણસ હજી વધુ જીવન ઝંખે છે. યાદ રહે, એટલા માટે નહીં કે એની કોઈ ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ અધૂરી રહી ગઈ છે પણ એટલા માટે કે જીવન દરમિયાન જ એણે મહેસૂસ કર્યું છે કે જીવનથી ખૂબસૂરત કોઈ ચીજ નથી ! એની બધી વિટંબણાઓ, યાતનાઓ, પીડાઓ અને વિસંગતિઓ  છતાં જીવન ચાહવાને કાબિલ છે. એટલા માટે કે આ બધું છે તો વિસ્મય, આનંદ, નિર્દોષતા, સ્મિત, કુદરત અને સૌથી ઉપરવટ- પ્રેમ પણ છે જ ને ! વિલીન થતાં – થતાં પણ એ છેલ્લો એક મરણિયો પ્રયત્ન કરી લે છે અને હસરતપૂર્વક નીરખી લે છે ધરતીમાતાનો લીલોછમ્મ ખોળો, જેને એ છોડીને જઈ રહ્યો છે.

ક્યાંક વાંચ્યું હતું,  ‘ જીવન ખૂબસૂરત છે ‘ અને એની નીચે ફુદડી કરીને ઝીણા અક્ષરોમાં લખ્યું હતું,  ‘ * શરતો લાગુ ‘ !  જિંદગી બધા માટે ખૂબસૂરત નથી અથવા બીજા શબ્દોમાં, એ બિનશરતી રીતે ખૂબસૂરત નથી !

જીવન કઈ રીતે ખૂબસૂરત છે અથવા હોઈ શકે એનું એક સાચુકલું દ્રષ્ટાંત. વર્ષો પહેલાં સૌરાષ્ટમાં એક બસ રાત્રિના સમયે માત્ર દસ – બાર મુસાફરોને લઈને એક ગામથી બીજે ગામ જતી હતી. ભરપૂર ચોમાસું હતું અને બારે મેઘ ખાંગા થયા હતા. રાત્રિના હાઈવે પરની એક હોટલમાં વરસતા ધોધમાર વરસાદે બસ ચા- પાણી માટે રોકાઈ. થોડીક વારમાં બસ ઉપડી પણ બે મુસાફરો રહી ગયા. એમણે પોતાની નજર સામે બસને ઊપડતી જોઈ,  ‘ રોકો, રોકો ‘ ની બૂમો પાડતા બસની પાછળ દોડ્યા પણ ખરા પરંતુ વરસાદની અફરાતફરીમાં એમની બૂમો કોઈને સંભળાઈ નહીં. બિચારાઓનો સામાન પણ બસમાં હતો. બન્ને આવી કપ્પી પરિસ્થિતિમાં પહેરેલ લુગડે અને અધરાતે અંતરિયાળ રઝળી પડ્યા !

કુદરતનું કરવું તે થોડેક આગળ જઈને એક નદીનો બેઠો પૂલ આવ્યો અને બસના ડ્રાઈવરે હિંમત કરીને પૂલ પરથી ધસમસતા પાણી ભાળ્યા છતાં પૂલ ઓળંગવાનો પ્રયત્ન કર્યો અને આખી બસ તણાઈને નદીમાં ખાબકી. મુસાફરોની મરણચીસો વચ્ચે પળવારમાં તો ઊંડા પાણીમાં ગરકાવ ! ડ્રાઈવરે – કંડક્ટર સહિત બધા ખતમ !

મજાની વાત હવે. પેલા  ‘ રહી ગયેલા ‘ બન્ને મુસાફરોએ હેરાન – પરેશાન અવસ્થામાં બીજા દિવસે છાપામાં  ‘ એમની ‘ બસ વિષે વાંચ્યું. એમની શું દશા થઈ હશે ? એ બન્ને તો રીતસરના બસની પાછળ ( અથવા મોતની પાછળ ) બૂમો પાડતા દોડ્યા હતા. યક્ષપ્રશ્ન એ કે આ બે જણની બાકીની જિંદગી કેવી ખૂબસૂરત ગણાય ? સંજોગો કે કુદરત કે સમય એમના પર જે પણ વિતાડે, એમણે તો બધું  ‘ મફત ‘ જ ગણવું જોઈએ ને !  તકલીફ એ છે કે  ‘ બચી ગયેલા ‘ ને બચી ગયાની કિંમત નથી, ભાન નથી નહીંતર જિંદગી આખી ઉત્સવ બની રહે !

The Goodbye Book નામનું એક અદ્ભુત પુસ્તક ફૂટપાથ પરથી હાથ લાગેલું. એ સંકલન હતું અને એમાં નામી – અનામી માણસોએ ઉચ્ચારેલા અંતિમ શબ્દો સંગ્રહ્યા હતા. એક ગુમનામ માણસના શ્વાસ છોડતા પહેલાંના છેલ્લા શબ્દો હતાં,  ‘ આહા ! મજા પડી ગઈ ! ‘ કેવી જબરી વાત અને કેવો માણસ ! આ માણસે ચોક્કસ જિંદગીને ખરા અર્થમાં માણી અને ચાહી હશે !

એક નિરાશાવાદી કવિએ લખ્યું :

मेरी  आज़ाद  रूह  को  फिर  से  क़ैदें – जिस्म  मत  देना

बड़ी   मुश्किल   से   काटी   है   सज़ा – ए – जिंदगी  मैंने …

એક પરમ – આશાવાદી કવિએ પ્રતિ – શેર લખ્યો :

मेरी  इस  रूह  को  फिर – फिर  से  क़ैदें – जिस्म  ही  देना

कि   इस   से   ख़ूबसूरत   क़ैद   कोई   हो   नहीं   सकती …

ઉપરની  ‘ બસ એક જ જિંદગી ‘ ના અફસોસ વાળી વાત વાંચ્યા પછી હવે સમજાશે કે જિંદગીને એના બધા આયામો સહિત  ‘ દિલ ફાડી ‘ ને ચાહતો માણસ શા માટે શ્રેષ્ઠ પુસ્તકો, શ્રેષ્ઠ આત્મકથાઓ, શ્રેષ્ઠ ફિલ્મો, શ્રેષ્ઠ સ્થળો અને શ્રેષ્ઠ વ્યક્તિઓને વાંચે- જુએ- ભમે અને મળે છે ? કારણ કે એને આ એક જ જિંદગીમાં અનેક જિંદગીઓ જીવી લેવાની તરસ હોય છે અને એ તરસ છિપાવવા ઉતાવળ કરવી પડતી હોય છે કારણ કે  ‘ એક જ તો જિંદગી છે ‘ !

જિંદગીના  રસને  પીવામાં  કરો  જલદી   ‘ મરીઝ ‘

એક  તો   ઓછી   મદિરા   છે  ને  ગળતું  જામ  છે ..

તો વળી ઉર્દૂમાં :

तंग  दामां ,  वक्त  कम ,  गुल  बेहिसाब

दस्ते  –   गुलची      इंतेखाब    इंतेखाब ..

ભગવત કહે છે તેમ, અત્યારે પહાડ જેવી લાગતી ઘૃણાઓ, વિકરાળ લાગતી કડવાશો કોઇક ક્ષણે સાવ ક્ષુલ્લક લાગશે. બધું જ બળીને ભસ્મ થશે એ પહેલાં જ એ મામૂલી ચીજો પાછળ સમય બરબાદ કર્યાનો વસવસો ઊભરી આવશે.

તને    કેમ   સમજાવું   સાધો    ભલા

ઉજાણી  છે  જીવન,  તપસ્યા  નથી !

માટે જ :

સ્પર્ધા  નથી,  અસ્તિત્વનો  ઉત્સવ  છે  જિંદગી

હાંફી   જવાય  એટલું   નાહક   ન   દોડ   યાર !

અંતે તો બુઝાતા ચક્ષુઓ સમક્ષ રહેશે માત્ર પ્રેમ યાચતો અને પછડાટો ખાતો સ્મૃતિઓનો સમુદ્ર !

બસો વર્ષ પહેલાં થઇ ગયેલા શાયર નઝીર અકબરાબાદીની એક દીર્ઘ નઝ્મનું શીર્ષક છે  ‘ બંજારાનામા ‘ . એ નઝ્મના થોડાક અંશો સાથે આ લાંબી વાતનું સમાપન ! ( હા, આ જ નઝ્મની ધ્રુવપંક્તિનો આધાર લઈને સંગીતકાર જયદેવે ફિલ્મ  ‘ સંકલ્પ ‘ મા મૂકેશનું એક સુંદર ગીત આપેલું ) :

टुक  हिर्सो – हवा को छोड मियाँ मत देस – बिदेस फिरे मारा

कज्जाक  अजल  का लूटे  है  दिन – रात बजा कर नक्कारा

क्या बधिया, भैंसा, बैल, शुतुर, क्या  गू में पल्ला सर – भारा

क्या  गेहूँ, चावल, मोठ, मटर,  क्या आग, धुंआं और अंगारा

 

सब  ठाठ   पड़ा   रह   जाएगा  जब   लाद  चलेगा  बंजारा ..

 

गर  तू  ही   लक्खी  बंजारा  और  खेप  भी   तेरी  भारी  है

ऐ  गाफ़िल  तुझ से  भी  चढ़ता  इक  और  बड़ा ब्योपारी है

क्या शक्कर, मिसरी, कंद, गरी,  क्या  सांभर मीठा खारी है

क्या दाख, मुनक्का, सोंठ, मिरच, क्या केसर, लौंग, सुपारी है

 

सब   ठाठ   पड़ा   रह  जाएगा  जब   लाद  चलेगा  बंजारा …

 

तू   बधिया  लादे   बैल  भरे   जो  पूरब  – पच्छिम  जावेगा

या   सूद    बढ़ा  कर   लावेगा  या  टोटा  –  घाटा   पावेगा

कज्जाक  अजल  का  रस्ते  में  जब  भाला  मार  गिरावेगा

धन – दौलत, नाती- पोता क्या, इक कुनबा काम न आवेगा

 

सब  ठाठ   पड़ा  रह  जावेगा,  जब  लाद  चलेगा  बंजारा …….


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

5 comments for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ === મ ણ કો ૧૬ ===

 1. May 9, 2018 at 1:45 am

  અમે કોમળ કોમળ – માધવ રામાનુજ
  https://www.youtube.com/watch?v=BMyoonb5DMo

 2. Kishorchandra Vyas
  May 9, 2018 at 12:14 pm

  “એક જ ઝીંદગી” માણવા ની દરેક ની જીજીવિષા, તરસ કે દોટ.. સ્વપ્ન આ બધુજ સુપેરે સમજાવવાની શ્રી ભગવાન થાવરાની જી કલમ માં સંવેદનાસભર જ્ઞાન સાથેની તાકાત જોઈ ને નતમસ્તક થવાયું !!! શ્રી રાવતજી ની ભાવસભર વાસ્તવિકતાથી ભરપૂર કવિતા ઓ ની આટલી સરસ છણાવટ જોઈ ને તેઓ જ્યાં હશે ત્યાં સુખ અનુભવતા હશે …કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિ ભાવવિભોર થઈ જાય !!! હૃદયથી શ્રી થાવરાનીજી ને અભિનંદન…

 3. Samir
  May 9, 2018 at 6:09 pm

  All 3 incidents narrated just melt our heart. Both movies are masterpiece and so is analogy narrated by Bhagwat Rawat through our ‘interpreter’ Thavranibhai.
  Thanks for the treat.

 4. May 10, 2018 at 7:46 am

  જો હું ચીની ભાષા ન જાણતો હોઉં અને સામેનો માણસ મારી સાથે ચીની ભાષામાં વાત કરે તો મને એમ લાગશે કે એ માણસ મારા કાનમાં કોગળા કરી રહ્યો છે.

  દાખલા તરીકે सब  ठाठ   पड़ा  रह  जावेगा,  जब  लाद  चलेगा  बंजारा …….

  આ વીચારમંચ માટે….ભાષા જેટલી રોજબરોજની ભાષાની નજીક એમ વાચકને એ કૃતિઓ વધારે સરળતાથી સમજાશે.

  ઉર્દુ કે ચીની ભાષા ઓછી મુકાય એ જરુરી છે.

 5. mahesh joshi
  May 11, 2018 at 6:41 pm

  डूबते – डूबते भी
  फिर – फिर लौटती है रोशनी आँखों में
  It is also said that men die many times in a life, Thus live many life ! But there are seldom , we find people like “Neeta” of ‘ મેઘે ઢાકા તારા ‘ . Yes, Bhagvat write on small small but touchy aspects of Day to Day life. Also enjoyed other three Heartfelt stories.
  Thanks For nice presentation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *