





–પીયૂષ મ. પંડ્યા
લોકમાનસમાં સામાન્ય છાપ એવી છે કે વિજ્ઞાન ખુબ જ શુષ્ક વિષય છે અને વૈજ્ઞાનિકો તેમ જ વિજ્ઞાન ભણનારાં-ભણાવનારાં હંમેશાં ઉંચાં નેણ રાખી, એકદમ ગંભીર મુદ્રામાં એમની પ્રયોગશાળામાં સામાન્ય જનને સમજ ન પડે એવી પ્રવૃત્તિઓ કરતા રહેતા હોય છે. પણ આ ક્ષેત્રમાં સાડા ચાર દાયકાથી વધુ સમય ગાળ્યો હોવાથી સમજાયું છે કે વિજ્ઞાનના અભ્યાસીઓ પણ સાહિત્ય, સંગીત, રમતગમત, રાજકારણ અને અન્ય બધી જ સાંપ્રત બાબતોમાં રસ ધરાવતા હોય છે. વળી સતત વાસ્તવિકતા સાથે કામ પાડતા રહેતા હોવાથી આવા લોકોમાં વિશિષ્ટ પ્રકારની રમૂજવૃત્તિ જોવા મળતી રહે છે.
આજની કડીમાં આપણે માઈક્રોબાયોલોજી વિષયને લગતાં કેટલાંક વ્યંગચિત્રો માણીએ. આમ તો માઈક્રોબાયોલોજી એ વિજ્ઞાનની ત્રણ મુખ્ય શાખાઓ પૈકીની બાયોલોજીનો જ ભાગ છે, પણ એનું અવતરણ પ્રમાણમાં મોડું થયું અને એનો વિકાસ છેલ્લા દોઢ સૈકામાં જ થયો હોવાથી આ ‘યુવાન’ શાખાનું આગવું સ્થાન બની રહ્યું છે. અત્રે રજૂ થતાં વ્યંગચિત્રોમાં સુક્ષ્મ સજીવોની ખાસીયતોને ધ્યાનમાં રાખી, કટાક્ષ ઉભો કરવામાં આવ્યો હોવાનું સમજાશે.
*****
માઈક્રોબાયોલોજીનો ઉલ્લેખ થાય એટલે જે નામ સૌથી પહેલાં યાદ કરવું પડે એ છે એન્ટની વૉં લેવાનહૉક. આ ડચ કારીગરે માત્ર કુતૂહલવશાત અખતરાઓ કર્યા કર્યા અને છેવટે એક સુક્ષ્મદર્શકયંત્ર બનાવ્યું. એના વડે ખાબોચીયાના પાણીનું નિરીક્ષણ કરી, સુક્ષ્મજીવોની સૃષ્ટીને પહેલી વાર દુનિયા સમક્ષ ખુલ્લી મૂકી. એના પછી જે વૈજ્ઞાનિકોએ આ શાખાના વિકાસ માટે પાયાનું કામ કર્યું એમાં લૂઈ પાશ્ચરનું નામ મોખરે રહે છે. ઉપરના ચિત્રમાં બે સુક્ષ્મ સજીવો બતાડ્યા છે, જેમાંથી એક કહે છે કે “લેવાનહૉક અને પાશ્ચર મારા માનીતા છે, કારણકે એકે આપણી હસ્તી પ્રસ્થાપિત કરી અને બીજાએ આપણે ય મહત્વના છીએ એમ દુનિયાને સમજાવ્યું.” આમ, વ્યંગ કરવા સાથે એ બન્ને વૈજ્ઞાનિકોને યશ આપવાનો ઉપક્રમ છતો થાય છે.
‘કાર્ટૂનસ્ટોક.કોમ’ નામની વેબસાઈટ ઉપરથી મળી આવેલા આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટ એસ.હેરિસ /S. Harris એટલે કે સિડની હેરિસ છે, જેઓ વિજ્ઞાન, ગણિત અને ટેકનોલોજી વિષયક કાર્ટૂનો બનાવવા માટે જાણીતા છે. વિવિધ વિષય પરનાં તેમનાં કાર્ટૂનો તેમની વેબસાઈટ http://www.sciencecartoonsplus.com/index.php પર માણી શકાશે.
****
સૌ પ્રથમ ‘પેથોજેનિક’ શબ્દનો અર્થ સમજીએ. કેટલાંક સુક્ષ્મ સજીવો માણસ ઉપરાંત વિવિધ સજીવોમાં રોગ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આવાં રોગકારક સજીવો પેથોજેનિક કહેવાય છે. જો કે મોટા ભાગનાં સુક્ષ્મ જીવો તો નિર્દંશ જ હોય છે. ઉપરના ચિત્રમાં પ્રયોગશાળાની અંદર એક ચંબુમાં રહેલો એક સુક્ષ્મ જીવ બીજાને કહી રહ્યો છે કે, “હું આ માણસ(પ્રયોગો કરી રહેલા વૈજ્ઞાનિક)થી ગળે આવી ગયો છું. ચાલ, આપણે ઘાતકી (પેથોજેનિક) બની જઈએ.” આવું કહેનારા જીવના ચહેરા ઉપર ક્રોધના હાવભાવ સ્પષ્ટ જોઈ શકાય છે, જ્યારે સાંભળનારાના મોં ઉપર લાચારીના ભાવ દેખાય છે. રોગ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય તો હોય, જે ‘સાત્વિક’ સજીવ હોય એનામાં એ વિકસી શકે નહીં. અહીં એક શાશ્વત સત્ય પણ ઉજાગર થાય છે કે બહુ સીધા હોય એને કોઈ પણ ટપલી મારી જાય. જો એવી પરિસ્થિતીથી બચવું હોય તો ફુંફાડો મારવાની ક્ષમતા કેળવી લેવી પડે. અહીં કાર્ટૂનીસ્ટનું નામ જોવા મળતું નથી.
*****
આ મજેદાર કાર્ટૂનમાં બે સુક્ષ્મ જીવોની વ્યથા દેખાય છે. ‘પાપારાઝી’ શબ્દ હવે આપણાથી અજાણ્યો નથી રહ્યો. કોઈ વ્યક્તિની જાણ બહાર અને એની પરવાનગી લીધા વિના એની તસવીરો લેનારા કે એની અંગત માહિતી જાણવાનો અશોભનિય પ્રયત્ન કરનારાઓ માટે આ પ્રયોગ થાય છે. અહીં બે સુક્ષ્મ સજીવો એમનો અભ્યાસ કરનારાં વૈજ્ઞાનિકો માટે પાપારાઝી શબ્દનો ઉપયોગ કરે છે, દુનિયા ભલે એમને વૈજ્ઞાનિક કહે, આ બે હસ્તીઓ માટે તો એ પોતાના એકાંતમાં ભંગ પાડનારાં જ છે. વળી બારીક નજરે જોતાં ખ્યાલ આવે છે કે આ બન્ને મહાનુભાવો સુક્ષ્મદર્શકમાં પોતે દેખાય નહીં એવી રીતે છેક ‘પાળે’ જઈ બિરાજ્યા છે! પાપારાઝીથી બચવાનો રસ્તો એ જ છે કે એની નજરની પહોંચથી આઘા રહેવું. એ કિમીયો અજમાવવામાં આવ્યો જોઈ શકાય છે.
’ક્રીસ્ટૂન.કોમ’ નામની વેબસાઈટ ઉપર પ્રકાશિત આ કાર્ટૂન બલ્ગેરિયન કાર્ટૂનિસ્ટ ક્રીસ્ટો કોમારનીત્સ્કી/ Christo Komartnitski દ્વારા બનાવાયેલું છે.
*****
અહીં ચિત્રકારે શ્લેશનો જબરદસ્ત ઉપયોગ કર્યો છે. મધ્ય પૂર્વ/ મીડલ ઈસ્ટ – Middle East – માં દાયકાઓથી ચાલી રહેલા યુધ્ધથી આપણે વાકેફ છીએ. સુક્ષ્મજીવોનો એક પ્રકાર યીસ્ટ – Yeast- નામે જાણીતો છે. યીસ્ટનો ઉચ્ચાર ઘણાં ઈસ્ટ કરતાં હોય છે. અત્રે એ જાણવું જરૂરી છે કે કાચની મધ્યમ કદની ડબ્બી જેવા અને પેટ્રીડીશ તરીકે ઓળખાતા ખાસ પાત્રમાં યોગ્ય પોષકમાધ્યમ ઉમેરી, સુક્ષ્મ જીવોની મોટી વસાહત ઉગાડી શકાય છે. આ ચિત્રમાં જોઈ શકાય છે એમ આવી ત્રણ પેટ્રી ડીશમાંની વચ્ચેની ડીશમાં બોમ્બ ધડાકા અને આગ વડે યુધ્ધ જેવું દ્રશ્ય સર્જાયું છે. એમાં યીસ્ટની વસાહત હશે એમ નીચે આપેલા લખાણ ઉપરથી સમજી શકાય છે. વ્યંગકાર કહે છે કે મીડલ(મધ્યની પેટ્રીડીશમાંના) યીસ્ટ(ઈસ્ટ)માં ફરીથી યુધ્ધ ફાટી નીકળ્યું છે!
આ કાર્ટૂન નીક કીમ/Nick Kim નું છે, જેઓ ન્યુઝીલેન્ડ ખાતે એન્વાયર્નમેન્ટલ કેમિસ્ટ તરીકે કાર્યરત છે.
****
સુક્ષ્મ જીવો પૈકીનાં બેક્ટેરિયામાં વિવિધ પ્રકારના આકારો જોવા મળે છે. એમાંના રોડ્સ – દંડાણુ – તરીકે ઓળખાતાં બેક્ટેરિયા લાંબાં અને પાતળાં એટલે કે લાકડી જેવાં હોય છે. અન્ય પ્રકાર કોકાઈ – ગોલાણુ – દડા જેવાં ગોળ હોય છે. પ્રસ્તુત કાર્ટૂનમાં એક રોડ એના દીકરાને ઓછું ખાવાની સૂચના આપતાં કહે છે કે આમ ને આમ તો તું (પાતળીયા) રોડમાંથી કોકાઈ જેવો (ગોળાકાર જાડીયો!) દેખાવા લાગીશ!
આ કાર્ટૂનના કલાકાર અનુરાગ પરાંજપે છે.
*****
આપણે સહુએ એક સુવાક્ય જરૂરથી સાંભળ્યું છે, ‘રોગને થતો અટકાવવો એ રોગની સારવાર કરતાં બહેતર છે.’ (Prevention is better than cure). સુચારુ જીવનશૈલી કેળવવા ઉપરાંત કેટલાંક આરોગ્યવર્ધક દ્રવ્યો લેવાથી માણસની રોગપ્રતિરોધક શક્તિમાં વધારો થાય છે. હવે તો ‘પ્રોબાયોટિક’ તરીકે ઓળખાતાં ઉત્પાદનો પણ મળવા લાગ્યાં છે, જેના સેવન વડે માણસની રોગપ્રતિરોધકશક્તિમાં એવો સુધારો થાય છે કે જો ચેપ લાગે તો ય રોગ થતો નથી. આવી રોગપ્રતિરોધક પ્રવૃત્તિને અહીં રોગકારક જીવાણુની દ્રષ્ટીથી મૂલવવામાં આવી છે. એ કહે છે કે હું ધિક્કારું છું આવી દવાઓને, જે આપણે માણસને ચેપ લગાડ્યા પછી કશું ય નુકસાન કરીએ એના પહેલાં જ આપણી પાછળ પડી જાય છે!
આ કાર્ટૂન પણ સિડની હેરિસે બનાવેલું છે.
****
એન્ટીબાયોટીકના વ્યાપક વપરાશનું એક અનિચ્છનિય પરીણામ એ આવ્યું છે કે કેટલાંય રોગકારક બેક્ટેરિયા હવે એનો સામનો કરવા સજ્જ થઈ ગયાં છે. હકિકતે આ એક કુદરતી પ્રક્રિયા છે, એની વિગતોમાં ઊંડા ન ઉતરતાં માત્ર એટલું સમજીએ કે એન્ટીબાયોટીકની ઘાતક અસરથી બચવા માટે એનાથી સંવેદનશીલ બેક્ટેરિયાના ડી એન એ( વારસાગત લક્ષણોના પ્રાદુર્ભાવ અને વહન માટે જવાબદાર રાસાયણિક અણુ)માં ચોક્કસ પ્રકારના ફેરફારો થવા જરૂરી છે. આ વ્યંગચિત્રમાં આવા એક સંવેદનશીલ જીવાણુને એન્ટીબાયોટીક સામે પ્રતિરોધ કેળવી ચૂકેલો જીવાણુ દરખાસ્ત મૂકતો કહે છે, “બચુ, સુપરબગ (એક કરતાં વધારે એન્ટીબાયોટીક સામે પ્રતિરોધી) બનવું છે? લે, આ તારા જિનોમ( ડી એન એ ના કુલ જથ્થા)માં લગાડી દે.” એના હાથમાં જે ચિપિયાકાર રચના દેખાય છે, તે ડી એન એ નો નાનકડો ટૂકડો છે, જેના વડે આવો પ્રાકૃત્તિક ફેરફાર શક્ય છે. નીચે લખેલી વિગત વળી કટાક્ષમાં ઉમેરો કરે છે. ત્યાં લખ્યું છે એ પ્રમાણે આ ઘટના કોઈ હોસ્પીટલના રસોડા પાસે આકાર લઈ રહી છે. આ પણ એક નોંધનીય અને ચોંકાવનારી બાબત છે. એક રોગની સારવાર માટે હોસ્પીટલમાં જતો દર્દી ઘણી વાર બીજા રોગનાં વધારે ભયજનક જીવાણુઓનો ભોગ બની જાય છે. અને આવી ઘટનામાં હોસ્પીટલમાંથી આપવામાં આવતું ભોજન ઘણી વાર ભાગ ભજવી જાય છે. આ કાર્ટૂનમાં ખાસ કરીને સંવેદનશીલ કોષ એકદમ નિર્દોષ બાળક જેવો દેખાય છે, જ્યારે એન્ટીબાયોટીક સામે પ્રતિરોધ કેળવી ચૂકેલા કોષનો હૂલીયો ચિત્રકારે આબાદ બનાવ્યો છે. કોઈ નીવડેલો અસામાજિક લક્ષણોથી ભરેલો ગુંડો હોય એવું જોતાંની સાથે જ જણાઈ આવે છે.
આ કાર્ટૂનના કાર્ટૂનીસ્ટ નીક કીમ છે.
*****
સુક્ષ્મ જીવોમાં પ્રજજન મુખ્યત્વે અલિંગી પ્રકારે( નર અને માદાના સંયોગ વગર) થાય છે. એમાં પણ સૌથી વ્યાપક પધ્ધતિ દ્વીભાજનની છે, જ્યાં એક કોષ ધીમે ધીમે કદમાં તેમ જ આંતરિક રચનામાં વૃધ્ધિ પામે છે અને છેવટે એના બે સરખા ભાગ થઈ જાય છે, જે બન્ને સ્વતંત્ર કોષ તરીકે જીવવા લાગે છે. પ્રસ્તુત કાર્ટૂનને સમજવા માટે આનાથી વધારે માઈક્રોબાયોલોજી જાણવી જરૂરી નથી. રેસ્ટોરાંમાં એક યુગલ બેઠું છે અને સ્ત્રીમિત્ર બેવડાવા લાગી છે. સામે બેઠેલો જણ ભારે આશાવાદી લાગે છે, કારણ કે એ વિચારે છે કે આહા, હવે તો બબ્બે બહેનપણીઓનો સાથ મળશે! એની જગ્યાએ નિરાશાવાદી હોત તો વિચારતો હોત કે અરેરે, હવે વધુ મોટું બીલ ચૂકવવું પડશે!
આ કાર્ટૂન કાર્ટૂનસ્ટોક.કોમ વેબસાઈટ પરથી મળ્યું છે, જે પેટ્રિક ફોર્ડ/Patrick Forde દ્વારા બનાવાયું છે.
*****
અહીં કાર્ટૂનિસ્ટે ‘જીન્સ’ શબ્દ ઉપર આબાદ શ્લેશ કર્યો છે. એક નાઈટક્લબની બહાર ઉભેલા ચોકીદારની સામે જે બેવડી સર્પાકાર હસ્તિ દેખાય છે તે કોઈ પણ સજીવનાં આનુવંશિક લક્ષણો માટે જવાબદાર એવા અણુ – ડી એન એ – નો એક ચોક્કસ લક્ષણને માટે કાર્યરત એવો નાનકડો ટૂકડો છે, જેને વૈજ્ઞાનિક પરિભાષામાં જીન કહેવામાં આવે છે. હવે આ કાર્ટૂનમાં બતાડેલ ક્લબ ઉમરાવો માટેની હોવી જોઈએ. આવી ક્લબોમાં ચોક્કસ પરિધાનધારીઓને (ડ્રેસ કોડ અનુસાર) જ પ્રવેશ મળતો હોય છે. અત્યારના યુગમાં સૌથી વધારે પહેરાતાં એવાં જીન્સનાં વસ્ત્રધારીને ત્યાં પ્રવેશબંધી હોય છે. કેમ કે, આવી ક્લબોમાં ‘ફોર્મલ વેર’ એટલે કે પ્રસંગ મુજબનું પરિધાન કરવાનું હોય છે. સામાન્યપણે જીન્સ ‘કેઝ્યુઅલ વેર’ ગણાય છે, તેથી તેનો સમાવેશ આવી ક્લબોના ડ્રેસ કોડમાં થતો નથી. અહીં જીન્સ મહાશયને એ કારણથી દાખલ થવાનો પ્રયત્ન કરતા રોકવામાં આવે છે. ચોકીદાર ડી એન એ ના એ ટૂકડાને કહી રહ્યો છે, “સોરી ભાઈબંધ, અહીં જીન્સને પ્રવેશ નહીં મળે.”
સ્ટીવ વેઈડ/ Steve Waid નામક કાર્ટૂનીસ્ટનું આ ચિત્ર છે, પણ તેમના વિશે બીજી ખાસ માહિતી ઉપલબ્ધ નથી.
*****
ગેરી લાર્સને/ Gary Larson બનાવેલા આ વ્યંગચિત્રમાં ‘માઈક્રોબાયોલોજી’ શબ્દ ઉપર શ્લેશભર્યો કટાક્ષ છે. અંગ્રેજી શબ્દ ‘માઈક્રો’નો શબ્દશ: અર્થ ‘સુક્ષ્મ’ થાય છે. આ ચિત્રમાં પરીક્ષાની તૈયારી કરી રહેલા મહાશયના હાથમાં અત્યંત નાના કદનું એક પુસ્તક જોઈ શકાય છે. અને નીચે લખ્યું છે, ‘રોજર એની માઈક્રોબાયોલોજીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.’ માઈક્રો શબ્દનો ચોપડીયો અર્થ લઈ, પાઠ્યપુસ્તકને જ સુક્ષ્મ/માઈક્રો કદનું બતાડ્યું છે. વળી અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આટલી ઝીણી ચોપડી વાંચવાના પ્રયત્નમાં રોજર એવો તો વાંકો વળી ગયો છે કે એ લગભગ એક સુક્ષ્મદર્શકયંત્ર જેવા આકારમાં ઢળી ગયેલો જણાય છે! ઉપરાંત એના ચશ્માંના કાચ ઉપર પણ નજર નાખવા જેવી છે, જે લાક્ષણિક રીતે ‘સોડાબોટલ કાચ’ લાગે છે., જે અતિશય ઝીણા અક્ષર વાંચવા માટે જરૂરી છે.
અમેરિકન કાર્ટૂનિસ્ટ લાર્સન ચિત્રવિચિત્ર વિષયો પરનાં કાર્ટૂન બનાવવા માટે જાણીતા છે. તેમનાં કાર્ટૂનની પુસ્તકશ્રેણી The Far side તરીકે જાણીતી છે.
*****
આ વ્યંગચિત્રને સમજવા માટે થોડી માહિતી જરૂરી છે. પૃથ્વી ઉપર જ્યારે જીવનની શરૂઆત થઈ ત્યારે વાતાવરણ હાલની સરખામણીમાં અત્યંત વિપરીત હતું. મહદઅંશે ખુબ જ ગરમી, તો કોઈ જગ્યાએ ખુબ જ ઠંડી પડતી હતી, એસીડ્સના વરસાદો થતા હતા અને ક્ષારોનું પ્રમાણ અતિ ઉંચું રહેતું હતું, ઓક્સીજન એકદમ પાંખી માત્રામાં હતો અને મુખ્યત્વે કાર્બન ડાયોકસાઈડ વ્યાપ્ત હતો. આમ, અત્યારની સાપેક્ષે જોતાં આત્યંતિક વાતાવરણ હતું. એમાં જે જીવસૃષ્ટી નીપજી, એ અત્યંત પ્રાથમિક કક્ષાનાં સુક્ષ્મ જીવોની બનેલી હતી. કરોડો વર્ષોની ઘટમાળ દરમિયાન વાતાવરણમાં ક્રમશ: ફેરફારો થતા ગયા અને પોતાની જાતને એને અનૂકુળ બનાવી, અલગ અલગ સુક્ષ્મ જીવો અસ્તિત્વમાં આવતા ગયા. અહીં રસપ્રદ બાબત એ છે કે પેલા શરૂઆતમાં પ્રાદુર્ભાવ પામેલા સુક્ષ્મ જીવો હજી પણ પૃથ્વી ઉપર ટકી રહ્યા છે! જ્યાં હાલના સંજોગો કરતાં અલગ વાતાવરણ સર્જાય, ત્યાં એ બધા અચૂક હાજરી પૂરાવે છે.
આટલી પશ્ચાદભૂ પછી આપણે આ કડીનું અંતિમ કાર્ટૂન માણીએ. એમાં અત્યારના જમાનાના સુક્ષ્મ જીવો કોઈ અજાણી જગ્યાએ ભૂલા પડ્યા હોય એવું લાગે છે. દિશાસૂચક પાટીયામાં બતાડ્યું છે એમ આ ભોમકામાં ગરમ, ઠંડા, ક્ષારીય, ઝેરી વગેરે પ્રદેશો આવેલા છે અને એના મૂળ રહેવાસીઓ આરામથી ધુબાકા મારતા જોઈ શકાય છે. અજાણ્યા ‘મુસાફરો’ને ઉદ્દેશીને એક કહે છે, “આત્યંતિક (વાતાવરણ) એટલે તમે શું કહેવા માંગો છો? અમને તો અહીં જલ્સા છે!” અર્થાત એમને માટે તો એ વાતાવરણ કે જે સામાન્ય બેક્ટેરિયાને આત્યંતિક લાગે, એ જ અનૂકુળ છે.
અહીં કલાકારનું નામ જાણવા મળતું નથી.
*****
શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com
એક ચોક્કસ વૈજ્ઞાનિક શાખાને લઈને બનાવાયેલાં આવાં વ્યંગચિત્રો આપણા દેશમાં ખાસ જોવા મળતાં નથી. આપણા કાર્ટૂનીસ્ટો મોટે ભાગે રાજકારણ અને સાંપ્રત સામાજિક સમસ્યાઓને લઈને ખુબ જ રોચક કાર્ટૂન્સ બનાવે છે. આવા વિષયને લગતાં કાર્ટૂંન્સ પણ આપણાં સામયિકોમાં જોવા મળતાં થાય એવી આશા રાખીએ.
આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.
– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com
Disclaimer:
The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.
Interesting and funny.
saras…
Very interesting & realistic.
Very exhilarating.
સુંદર! મેં, પક્ષી, પ્રાણીઓ, જનાવર, જીવડાં, ફીશ.. ક્રીચર્સ પર કાર્ટુન્સ બનાવેલ છે, કોમેન્ટમાં ઇમેજ પોસ્ટીંગ ઓપ્શન નથી, પણ વેગુ ઇચ્છે તો મારાં આ વિષય પરનાં કાર્ટુન્સ પસ્ટ થઇ શકે.
ઈમેજ પોસ્ટીંગ બાબત ઉપરની કોમેંટમાં ઉલ્લેખ છે.
સમાચાર પત્રોમાંથી આખું લંખાંણ જ્યારે ઈમેજ બનાવી મુકવામાં આવે છે ત્યારે બરોબર વંચાંતુ નથી. ઘણીં વખતે કાર્ટુન કે ઈમેજ જલ્દી દેખાતા નથી અને એની આજુ બાજુ જે લખાંણ હોય એને વાંચવા તકલીફ થાય છે. ઈમેજને કોપી કરી વાંચવું પડે છે.
જન્મભુમી સમાચાર પત્રમાંથી આવતા ઈમેજ વાંચવા માથાકુટ કરવી પડે છે.