વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : અવાજ પ્રદૂષણ

Facebooktwitterredditpinterestlinkedinmail

વેબ ગુર્જરીની પ્રકાશન નીતિનો કેન્દ્રવર્તી વિચાર નવા નવા વિષયો, અને લેખકો,ને અહીં રજૂ કરવાનો રહ્યો છે.

આજે હવે ‘વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી’ વિષય આપણા વવિધ્યપૂર્ણ રસથાળમાં ઉમેરીએ છીએ. આ શ્રેણીના લેખક શ્રી જગદીશભાઈ પટેલ છે.

શ્રી જગદીશ પટેલ (જ.૧૯૫૭)નો જન્મ અને ઉછેર નાસીકમાં થયો.૧૯૭૭માં કેમીકલ એન્જીનિયરીંગમાં ડીપ્લોમા મેળવ્યા બાદ તેમણે વડોદરા આસપાસના રસાયણ એકમોમાં ૧૯૯૮ સુધી કામ કર્યું. ૧૯૮૨માં એમણે એકમના કામદારો અને સુપરવાઇઝરોને સંગઠીત કરવામાં ફાળો આપ્યો.૧૯૯૮ સુધી આ સંગઠનમાં રચના અને સંઘર્ષના અનેક કામ કરતા રહ્યા. મુંબઇમાં ૧૯૮૫માં વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી અંગેના એક તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ કામદાર ચળવળના ભાગરુપે આ વીષય પર કામ કરવાની તેમને જરુરીયાત સમજાઇ. તેને પગલે ૧૯૮૬માં “વ્યાવસાયિક સ્વાસ્થ્ય સુરક્ષા મંડળ”ની અન્ય સાથીઓ સાથે સ્થાપના કરી.

૧૯૮૭મા “કામદાર,વ્યવસાય,સ્વાસ્થ્ય” નામની અનિયતકાલિક પત્રિકા શરુ કરી જે ૧૯૯૮થી દ્વિમાસિક કરી. નામ ‘સલામતી’ રાખવામાં આવ્યું. ૨૦૧૭નાં ડીસેમ્બરમાં તેનું પ્રકાશન બંધ થયું છે પણ ફરી ટુક સમયમાં શરુ થાય તેવા પ્રયાસ જારી છે.

આ શ્રેણી જૂન, ૨૦૧૮થી દર મહિનાના ત્રીજા બુધવારે પ્રકાશિત થશે.

– વેબ ગુર્જરી સંપાદક મંડળ

 

અવાજ પ્રદૂષણ

જગદીશ પટેલ

વડોદરામાં વ્યવસાયિક આરોગ્ય પર એડવાન્સડ કોર્સનું આયોજન દિલ્હીની “પ્રિયા” સંસ્થાએ કરેલું. તે પ્રસંગે, ૧૧ જુલાઈ, ૧૯૮૭, શનીવારને દિવસે ‘કામદાર,વ્યવસાય,સ્વાસ્થ્ય’ એવા લાંબા વિચિત્ર નામે પહેલો અંક પ્રકાશિત કર્યો. બહુ ઓછા સમયમાં અંક તૈયાર કર્યો ત્યારે નામ સૂઝતું ન હતું – જે સુઝ્યું તે આપી પ્રેસમાં લખાણ આપી દીધું. એ પહેલા અંક્નું લખાણ આજે પણ પ્રસ્તુત લાગે છે. આમ તો આ સાયન્સ ફિક્શનનો પ્રયોગ ગણાય. વ્યવસાયિક આરોગ્યના સાહિત્યમાં ગુજરાતીમાં આવો પ્રયોગ પહેલો હશે તેમ માનું છું પણ ખાતરી નથી. એ દ્રષ્ટિકોણથી જોવા વાચકોને વિનંતી.

મગન મીલીંગ પ્લાન્ટ ઓપરેટર છે તેના સાહેબ તેને વારંવાર ટોકે છે કે મગન પ્લાન્ટમાં બેસતો નથી, ફર્યા કરે છે. કામચોર છે. મગનને અવારનવાર ઝગડા થાય છે એ આ કચકચથી કંટાળી ગયો છે.

જયંતી એની સાથે જ કામ કરે છે પણ એને કોઈ વઢતું નથી. સાહેબ એનાં વખાણ કરે છે—એ સીન્સીઅર છે. પ્લાન્ટમાં બેસી રહે છે પણ ગયા અઠવાડીએ અકસ્માતમાં એનો પગ ભાંગી ગયો. કહેવાય છે કે પાછળથી આવતા વાહને હોર્ન માર્યું પણ જંયતી સાંભળી ન શકયો અને અકસ્માત થયો.

કીરણ આખી કંપનીમાં એકલો એકલો ફર્યા કરે છે તેને કોઈ ભાઈબંધ— દોસ્તાર નથી. એની સાથે વાત કરવા ઉભા રહીએ તો પણ ખાસ ઉભો ન રહે. ઉભો રહે તો એકની એક વાત ચાર વાર પુછે ત્યારે એને સમજાય. એ પણ કંટાળી ગયો છે.

મગન, જયંતી કીરણ ત્રણે આમ તો સારા નોર્મલ માણસો છે. તેમની આવી વર્તણુંક માટે એમનો વાંક નથી પણ એમના ખુબ અવાજ કરતા પ્લાન્ટ જવાબદાર છે. મગનથી અવાજ સહન થતો નથી એથી એ પ્લાન્ટથી દુર જ ફર્યા કરે છે. પ્લાન્ટમાં બેસે તો કંટાળી જાય છે. એને કાનની કોઈ તકલીફ નથી. જયંતી ડરપોક છે. ડરનો માર્યો એ અવાજ સહન કરીનેય પ્લાન્ટમાં બેસી રહે છે. પરીણામે કાને એને દગો આપવાનું શરૂ કર્યું છે. એ કારણે જ એને અકસ્માત થયો. કીરણને કોઈ કશી વાત કરે તો સંભળાય ખરું પણ સ્પષ્ટ સંભળાતું નથી. તેથી સામાની વાત તેને જલ્દી સમજાતી નથી. કાનની વ્યાધી શરૂ થવાની એ નીશાની છે.

પણ ત્રણેમાંથી કોઈને ખાસ ખબર નથી કે વધુ પડતા અવાજને કારણે આવું થાય છે. તેમને અવાજ ગમતો નથી જ પણ ત્રણેમાંથી કોઈએ આ અવાજ ઓછો થવો જોઈએ એવી માગણી કરી નથી. એ લોકો કહે છે એમાં અમે શું કરીએ? અવાજ કંઈ આપણી ઈચ્છા મુજબ ઓછો—વધારે કરી શકાય? આ તે રેડીઓ છે? આ તો મશીન છે—મશીન.

અમે કહ્યું, હા, ભાઈ હા રેડીઓ નથી, મશીન છે. પણ મશીનનો અવાજ ઓછો કરવાની પણ રીત હોય છે. દા.ત. મશીનની ચોતરફ કવર કરવું, ધાતુને બદલે પ્લાસ્ટીકના સ્પેરપાર્ટ વાપરવા, ધુજારી ઓછી કરવા તેની નીચે સ્પ્રીંગવાળા પેડ મુકવા, વચ્ચે આડશ ઉભી કરવી, પાઈપો પર ફલેકસીબલ કલેમ્પ મારવા વગેરે. અવાજ થવાનું કારણ શોધી તેને દુર કરવાના ઉપાય કરો તો આગળનું કામ સહેલું છે. પણ, એ તો મન હોય તો માળવે જવાય.

પણ દુર્ભાગ્યે મગનની કંપનીવાળાને માળવે જવું જ ન હતું અને મગનને આ બાબત કોઈ માહીતી ન હતી. કામદારો જો અવાજને કારણે થતી તકલીફ બાબત જાણતા હોય અને અવાજ ઓછો કરવાનું શકય છે એ જાણતા હોત તો મગનને એના સાહેબ સાથે ઝગડા થતા ન હોત, એનું ઈન્ક્રીમેન્ટ રોકાયું એ ન રોકાત, જયંતીનો પગ ભાંગત નહી અને કીરણ કાનને કારણે બીજી કંપનીમા ઈન્ટરવ્યુ આપવા ગએલો તે ફેલ થાત નહી.

અમે મગનને મળ્યા અને આ વાત સમજાવી ત્યારે એ સમજ્યો ખરો. પણ, અમે પુછયું કે તમારા પ્લાન્ટમાં અવાજ કેટલો થાય છે ત્યારે એ મુંઝાયો. અવાજને આકાર નથી હોતો કે જેથી એ હાથના ઈશારે અમને સમજાવે કે અવાજ આટલો “મોટો” હતો કે આટલો “નાનો” હતો. માથું ખંજવાળતાં એણે કહ્યું, “બહુ એટલે બહુ જ અવાજ આવે છે.” મગનને ખબર ન હતી કે જેમ કાપડ મીટરમાં મપાય કે દુધ લીટરમાં મપાય એમ અવાજ ડેસીબલમાં મપાય અને મીટરની પટ્ટી કે લીટરના પવાલા જેવું ડેસીબલ માપવાનું સાધન પણ હોય છે. ભલે એ પટ્ટી કે પવાલા જેટલું સાદુ ન હોય પણ એ સાધન વડે આપણે આપણા પ્લાન્ટમાં કેટલા ડેસીબલ અવાજ થાય તે માપી શકીએ. અમારી સાથેના કાનના ડોકટરે મગનને કહ્યું કે, ૯૦ ડેસીબલ જેટલો અવાજ આઠ કલાક સુધી સાંભળીએ તો કાનને નુકશાન થતું નથી પણ ૧૪૦ ડેસીબલ અવાજ થોડીક ક્ષણો માટે જ સાંભળીએ તો પણ નુકસાન થાય.

હવે, આ વાત ચાલતી હતી ત્યારે મગન, કીરણ, જયંતી વીગરે સીવાયના બીજા કામદારો “આમાં શું સાંભળવાનું છે” કહી ચાલતા થયા ત્યારે અમારી સાથેના ડોકટરે તેમને પાછા બોલાવી કહ્યું કે “ભાઈ, તમને કીરણ કે જયંતી જેવું થયું નથી એ સારું છે. પણ આ બાબત તમારે સમજવું જોઈએ. એનું કારણ એ છે કે કાનમાં એકવાર બહેરાશ આવે એટલે થઈ રહ્યું. એની કોઈ દવા નહી. એ કાયમ માટે ખરાબ થઈ જાય, કાન રીપેર થએલો સાંભળ્યો છે?” એક બટકબોલો તરત બલ્યો, “ડોકટર, તારે પેલાં ભુંગળાં અને હાંભળવાનાં મશીન નહીં આવતાં?” ડોકટરે જવાબ આપ્યો, “ભુંગળાં તો ભુંગળાં જ હોય છે. તેનાથી અવાજ માત્ર મોટો થાય. પણ સ્પષ્ટ ન થાય. એનાથી જોઈએ એવું સંભળાય નહી. કોઈ દવાથી કાનની સાંભળવાની શક્તી પરત આવતી નથી. માટે કાન તો ખાસ સાચવવા જોઈએ.”

બધાને માટે આ નવી વાત હતી. બધા આ સાંભળી થોડા ચીંતીત થએલા જણાયા. એક જણે પુછયું, “ડોકટર,વધુ અવાજથી કાન પર અસર થાય એ તો સમજયા. પણ એ સીવાય બીજું કશું થાય?” “વધુ અવાજથી કંટાળો આવે, અનીદ્રા જેવું લાગે, સાવ થાકી ગયા જેવું નર્વસનેસ—થાય. તમારી કાર્યક્ષમતા પર અસર થાય એટલે કે ધાર્યું કામ તમે કરી ન શકો, નોકરીમાં ગુલ્લા વધવા માંડે, આંખનાં પોપચાં દુખે, તેથી ધ્યાનથી જોઈને કામ કરવાનું થાય ત્યારે આંખો દુખે, માથું દુખે અને પચનતંત્ર અનીયમીત થાય. આ બાબત વધુ સંશોધન ચાલે છે અને અમે લાગે છે કે તેના કારણે બ્લડપ્રેશર વધી જાય, નસો સાંકડી થાય, લાંબા સમયે હ્રદય પરનો બોજ વધી જાય. તે ઉપરાંત હોર્મોન્સનું અનીયમીત ઝરણ થાય અને મગજ પર તાણ વધી જાય” ડોકટરે સમજાવ્યું.

તેથી તમારી કંપનીમાં જયાં પણ અવાજ વધુ હોય, તે ઓછો કરવા મેનેજમેન્ટને દબાણ કરો. તે તમારી સંગઠનશકતી દ્વારા અવાજ ઓછો થઈ જ શકે. પણ તમે પુરતું દબાણ ઉભું કરવાની સ્થીતીમાં કદાચ ન હો તો ઓછામાં ઓછું વધુ અવાજ વાળી જગ્યાએ કામ કરતી વખતે કાનના રક્ષણ માટે મળતાં “મફ” અથવા “પ્લગ” જે અનુકુળ હોય તે, વાપરવાનો આગ્રહ રાખો પણ. સાવધાન! આ સાધનો પહેરી આઠ કલાક કામ કરવું શકય નથી, લાંબો સમય પહેરવાથી ચામડીના રોગો થવાની શકયતા છે. સુરક્ષાત્મક સાધનો કાયમી ઉપાય નથી.

(૨) શું કરશોઃ

૧. તમારા કારખાનામાં અવાજનું કેટલું પ્રમાણ છે તે મપાવો અને તે અવાજ વધુ હોય તો ઓછો કરવા માટે યુનીયન દ્વારા માગણી કરો.

૨. થોડા થોડા સમયગાળે તમારા કાનની સાંભળવાની શકતી ડોકટર પાસે મપાવો. તે બાબત શરમ—સંકોચ રાખશો નહી. ઈ.એસ.આઈની એ માટે મદદ લો

૩. અવાજ માપવા અને ઓછો કરવા અંગે ફેકટરી ઈન્સ્પેકટરની કચેરીને વીનંતી કરો.

૪. જાહેર ઉજવણીના પ્રસંગે લાઉડસ્પીકરના બીનજરૂરી ઉપયોગને ટાળો.

(૩) યાદ રાખોઃ

૧. અવાજ ઓછો કરવાનું શકય છે. સાદી યુકતીઓ દ્વારા પણ અવાજ ઓછો કરી શકાય છે, તેમાં ખર્ચ આવતું નથી.

૨. અવાજને કારણે બહેરાશ આવે છે પણ અચાનક એક દીવસ તમને સંભળાતું બંધ થાય એવું થતું નથી, પણ બહેરાશ ખુબ ધીમે ધીમે તમને ખબર ન પડે એ રીતે આવે છે. તેથી એ બાબત બેદરકાર રહેશો નહી

૩. બહેરાશની કોઈ દવા, કોઈ ઉપાય નથી એ કાયમી હોય છે.

૪. બહેરાશ આવ્યા પછી તમારા કામમાં ભુલો થાય, ઠપકો મળે, અકસ્માત વધે, તમે સમાજથી દુર થતા જાવ, ઘરમાં પણ કુંટુંબીજનો સાથે નીરર્થક ઝગડા વધે અને નોકરી ઉપર પણ ભય ઉભો થાય.

(૪) આટલું જાણોઃ

કારખાનાના અવાજને કારણે એટલે કે વ્યવસાયને કારણે બહેરાશ આવે તો એ બહેરાશ કામદાર વળતર ધારા (ચેપ્ટર ૨, શીડયુલ ૩, પાર્ટ બી) મુજબ વળતર પાત્ર છે. ઈ એસ આઈ એકટ મુજબ પણ તેનું વળતર મળવા પાત્ર છે.

ડેસીબલ એવું માપ છે જેમાં દર ત્રણ અંકે અવાજ ડબલ થાય છે એટલે કે ૯૦ ડેસીબલ કરતાં ડબલ અવાજ હોય તો તે ૯૩ ડેસીબલ થાય.

૨૦૦ ડેસીબલ અવાજમાં એટલી શકતી છે તે તમારી ચામડીને બાળી શકે. હવે એવાં શસ્ત્રો પણ શોધાઈ રહ્યાં છે.

અમેરીકામાં વ્યવસાયને કારણે ૧,૬૦,૦૦૦ કામદારોએ સાંભળવાની શકતી ગુમાવી હોવાનો ભય સેવાય છે. ઓસ્ટ્રેલીયામાં જુદો જુદો વ્યવસાય કરતા દરેક વ્યવસાયના ૫,૦૦૦ કામદારોને તપાસાયા. તેમાંથી લગભગ ત્રીજા ભાગના કામદારોને બહેરાશ આવી હોવાનું જણાયું. ઈટાલીમાં ૭૪૩ સ્ટીલ વર્કરને તપાસ્યા, તે બધા વધુ ઓછે અંશે કાનની તકલીફમાં હતા જયારે ફાન્સમાં ફોર્જીંગ કામના તપાસાએલા કામદારોમાંથી અડધો અડધ કામદારોને કાનની તકલીફ હતી. ભારતમાં એવું કોઈ સંશોધન થએલું જાણમાં નથી.

એક અભ્યાસ મુજબ કામને કારણે જુદા જુદા વ્યવસાયમાં સાંભળવાની શકતી ગુમાવનારા કામદારોનું પ્રમાણ આ મુજબ છે. ફાઉન્ડ્રીમાં ૪૦ ટકા, તેલ મીલમાં ૩૨.૭, ટકા કાપડમીલમાં ૩૨.૬ ટકા, રીફાઈનરીમાં ૨૮.૨ ટકા, ખાતર કારખાનામાં ૧૯.૮ ટકા અને વીજળી કંપનીમાં ૮૧ ટકા.

આ હતો અમારો પહેલો અંક.

આટલા વર્ષના અંતરાલ બાદ ઉપર જણાવેલી વિગતમાં એક અગત્યનો ફેરફાર એ થયો છે કે ફેક્ટરી એક્ટની જોગવાઈમાં સુધારો થયો છે અને અવાજની મર્યાદા (થ્રેશોલ્ડ લીમીટ વેલ્યુ – ટી.એલ.વી.) ૯૦ થી ઘટાડી ૮૫ ડેસીબલ કરી છે. આ દરમિયાન અવાજને કારણે કેટલા કામદારો અસર પામે છે તેના ઘણા અભ્યાસો ભારતમાં થયા છે અને તેની વિગતો ક્યારેક આપીશું.

હવે આટલા વર્શ પછી અવાજના જોખમના વ્યાપ ને વિસ્તાર માત્ર કામના સ્થળ સુધી સીમિત રહ્યા નથી. મોબાઈલના ઇઅર ફોન કાનમાં ભરવી રાખેલા નાગરિકોની વસ્તી મોટી છે. ૬ એપ્રિલના સ્થાનિક અખબારમાં સમાચાર છે કે વડોદરા નજીક રણોલી ગામમાં જાનમાં નાચી રહેલો ૨૫ વર્ષીય રણજીત પગી અચાનક ચક્કર આવીને પડી ગયો અને મૃત્યુ પામ્યો અને આવો આ ગામમાં એક વર્ષમાં ડાંસ કરતાં મૃત્યુનો ત્રીજો બનાવ છે. અહેવાલ વધુમાં જણાવે છે, “ડીજેનાં અવાજનું આઉટપુટ ખુબ જ વધુ હોવાને કારણે અને તે ડીજેની બાજુમાં જ ડાન્સ કરતો હોવાને કારણે તેનું મૃત્યુ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.” ડીજે વાગતું હોય અને બાજુમાંથી પસાર થઇએ તો આપણા ધબકારા કેવા વધી જાય છે એ સૌનો અનુભવ છે. સંશોધનનો વિષય છે. જાહેર આરોગ્યની સમસ્યા કહેવાય. ગાધીનાગરમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ છે ત્યાં સુધી આપણો અવાજ પહોચે તો સારું. અવાજની મર્યાદાના કાયદા ક્યાં? ડીજેના રાક્ષસી અવાજ પર કાબુ મેળવવા કશુંક તો કરવાની જરૂર છે.


 

શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

10 comments for “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : અવાજ પ્રદૂષણ

 1. May 7, 2018 at 6:54 am

  કાપડ મીટરમાં મપાય કે દુધ લીટરમાં મપાય એમ અવાજ ડેસીબલમાં મપાય અને મીટરની પટ્ટી કે લીટરના પવાલા જેવું ડેસીબલ માપવાનું સાધન પણ હોય છે.

  સલામતી અને અવાજ પ્રદુષણમાં – પોસ્ટમાં સહેલાઈથી સમજાવેલ છે કે અવાજ ઓછો કરી શકાય છે. ખાસ કરીને – જાહેર ઉજવણીના પ્રસંગે લાઉડસ્પીકરના બીનજરૂરી ઉપયોગને ટાળો.

  • B.M.Upala
   May 7, 2018 at 3:41 pm

   How to convince to new generation?

  • ઈશ્વર યોગી
   May 30, 2018 at 6:13 pm

   Congratulations
   જગદીશ ભાઈ
   કારખાના નો અવાજ અને ગામડામાં ઘાન્ઘાટ અને એને કોઇ રોકી નાશકે .એ છે D J saund નો અવાજ લગ્ન સરા શરુ થાય એટલે ડી જે ના માલિકો ઓપરેટરોને સુચના કરીને વગાડવાનુ શરુ કરાવે પ્રચાર માટે અને જેનો અવાજ વધારે એની માં ગ વધારે અને કિંમત પણ વધારે એટલે એ ધંધા તરીકે ઉપયોગ થઇ રહ્યો છે એ અવાજ વૃદ્ધો અંને દુર્બળ માણસો થી થતું નથી એ થી બચવા દુર દુર જવા નુ પસંદ કરેછે પણ એવી અવાજ ન પહોંચે એવી સ્થળો પણ નથી મળતા આના ઉપર નિયંત્રણ કોણ કરે ? કેવી રીતે ? એવી કોઇ સુવિધા છે ?

  • May 31, 2018 at 6:21 am

   આ ભારત હોય તો ભુલ કબુલ કરનારા અને સુધારો સુચવનારા જન્મે પણ આતો ઈન્ડિયા છે એટલે અવાજ ઉઠાવનારા પણ પ્રદુષણ રૂપે જોવામાં આવે છે ભાઈ ગુન્હાહીત કૃત્ય કરનારને માફી મળે અને એ સામે આગળી કરે એને શીક્શા ભોગવવી .
   હવે ભુલો કરવી એપણ એક યોજના બની ગઇ છે
   જો અખબારે ચઢવુ હોયતો ભુલો કરતાં શીખો અને બદનામ થવું હોય તો આ`ગળી ચિંધો જુવો પછી મઝા….

 2. Anila Patel
  May 7, 2018 at 2:12 pm

  આ લેખ વાંચતાની સાથેજ મનેજકુમારની ‘ શોર ‘ ફિલ્મ યાદ આવી ગઇ.

 3. Rajendra Jaiswal
  May 7, 2018 at 4:16 pm

  Thank you, Sh Jagdishbhai for brief, it needs to known by each worker of industries (Noisy or not).

  It’s very informative and need the actions to aware the peoples involve in such industries.

  With Best Regards and again thank you for your best efforts always…

  Rajendra Jaiswal

 4. Jagdish Patel
  May 30, 2018 at 5:14 pm

  Thank you all for your encouraging comments.

  Jagdish

 5. alabhai khamal
  May 30, 2018 at 5:45 pm

  આપનો આ લેખમાં રહેલી જાણકારી વધુ લોકો સુધી સરળતાથી પહોંચાડવામાં ઉપયોગી બનશે.

  શું આપણે અવાજ પ્રદુષણનું પ્રમાણ માપી શકીએ ખરા ?
  કેમ કે અમારા વિદ્યાર્થીઓ ક્ષેત્રકાર્ય ગામોમાં જાય ત્યારે ત્યાં ઉત્પાદન કરતી ફેક્ટરીઓ અને અવાજ પ્રદુષણ સંદર્ભમાં લોક જાગૃતિ કરી શકાય.

 6. May 30, 2018 at 6:34 pm

  Excellent efforts. Will share with health workers for dissemination in community.

 7. Subhash Yadav
  May 31, 2018 at 11:14 am

  Thank you Jagdishbhai for this article on Noise pollution. It is a grave threat and needs to be researched further, especially the effects of noise of DJ on health. Thanks once again.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *