કેડી ઝંખે ચરણ ; પ્રકરણ – ૩૮

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

સાયમન પાસેથી જાણવા મળી તે ખબર વહેલી અથવા મોડી તો એ લોકોને આપવાની જ હતી એ વિચારી ઑફિસરે સમાચાર આપતાં પહેલા એક્ ઊંડો શ્વાસ લીધો. પછી ચારેય જણની સામે જોઈ કહ્યું, ‘ તમે કહ્યું તે મુજબ મા-બાપ અને દીકરા વચ્ચે થયેલી આ દુર્ઘટનામાં મા બચી ગઈ છે અને જોખમની બહાર છે. ફાધરનું જીવન જોખમમાં છે અને દુઃખ સાથે કહેવાનું કે દીકરાનું મૃત્યુ લમણાંમાં ગોળી લાગતાં તરત જ થઈ જવા પામ્યું હતું.’

મનુભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. સરલાબહેને રડવાનો અવાજ બહાર ન નીકળી જાય એટલા માટે મોંએ હાથ રાખી રોકવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. કિશન અને સ્નેહા રડતી આંખે એ બંનેના વાંસે હાથ ફેરવાતાં રહ્યાં. આ કુટુંબને પ્રાયવસી આપવા માટે ઑફિસર કિશનનો ખભો થપથપાવી રૂમ બહાર નીકળી ગયો.

સ્મશાનમાં નીલેશકુમારનું કલ્પાંત અને લતાબહેનની કોરી ધકોડ આંખો સૌની ચિંતાનું કારણ હતી. પરંતુ ત્યારે અને ત્યાર પછી પણ બધાં ક્રિયાકર્મો જેમ તેમ પતાવવા પડ્યાં. નણંદને સાચવવા સ્રલાબહેનને અને બનેવીને સાચવવા મનુભાઈને પોતાની લાગણી ઉપર ખૂબ સંયમ રાખવો પડતો હતો.

અને તેમના ત્રણેય સંતાનો – કિશન, નમન અને નંદા , કેટલાય દિવસો થઈ ગયા પછી પણ, પ્રીતની યાદ આવતાં જ કેમેય કર્યા રડવું ખાળી શકતાં નથી.

આ ગમખ્વાર ઘટનાથી એક દંપતી, યુવાન પુત્ર વગર અનાથ થઈ ગયું ! પોતાની આંખ સામે જ દીકરાને લમણામાં ધડધડા ગોળી ઝીંકતો જોવો એ દૂર્ઘટનાને કોઈ પણ ઉપનામ આપવું અશક્ય છે. લતાબહેન અને નીલેશકુમાર માટે તો પુત્રનું મૃત્યુ આખી જીંદગી માટે ઊઘાડો ઘા થઈ રહેવાનું છે. શરીર પર કરેલાં ઑપરેશનોને તો ટાંકા મારીને પણ બંધ કરી દેવાય પરંતુ આ ઘા એવો પડ્યો છે જે હંમેશ માટે ખુલ્લો જ રહેવાનો છે, તેના ઉપર વિચારોની માંખ બણબણતી રહેશે અને પશ્ચાતાપનું પરું નીકળતું રહેશે અને છતાંય ગયેલો દીકરો કદીય પાછો આવવાનો નથી !

આખા સમાજને માટે શરમજનક આ ઘટના થોડા દિવસમાં વિસરાઈ જશે, વળી એક ‘ લેસ્બિયન’ યુવતી કે ‘ ગે ‘ યુવાન ચૂપ ચાપ સહન કરતો કે કરતી રહેશે, અથવા બળવો પોકારી તેની સાંકડી દુનિયામાં અટવાઈ જશે યા તો કોઈ મનથી નબળા યુવાનને , મા-બાપની ઈચ્છા સામે લાચાર બની કોઈ નિર્દોષ છોકરીની આગળ તેની નબળાઈ છતી કરવી પડશે અને…અને એ નિર્દોષ છોકરીની જીંદગી……કોઈ અંત નથી આ કુદરતની લીલાનો અને માણસની દંભી મનોવૃત્તિનો ! કંઈ કેટલાય કિશનો, નમનો, નંદાઓ, સરલાબહેનો, મનુભાઈઓ ફરી એમની દુનિયામાં જોતરાઈ જશે પણ……કોણ અને ક્યાં સુધી લતાબહેનોને અને નીલેશકુમારોને દુનિયા આશ્વાસી શકશે ?

હિંદી ફિલ્મોમાં ‘ગે’ વ્યક્તિની હાંસી ઉડાવાતી જોઈને હસતાં માતા – પિતાઓને ક્યાં ખ્યાલ છે કે એક દિવસ કદાચ એમનું સંતાન જ…. કુદરતે જેવાં તેઓને બનાવ્યા છે તેવા સ્વીકારી શકશે ખરાં ? આવા કાંઈ કેટલાય સવાલો નંદાના મનમાં ઊઠે છે. આ કમનસીબ ઘટનાએ એના આખા અસ્તિત્વને હચમચાવી નાંખ્યું છે !

ધીમે ધીમે સૌ પોતપોતાની રોજીંદી ઘટમાળમાં પરોવાતાં ગયાં. નીલેશફુઆ અને લતાફોઈને માંડ માંડ કાઉંસેલિંગ માટે સમજાવી કિશન, નમન અને નંદા પોત પોતાની યુનિ.માં જોતરાઈ ગયાં. મનુભાઈ અને સરલાબહેન પહેલાં રોજ પછી એક એક દિવસને આંતરે અને પછી દર અઠવાડિયે લતાબહેન અને નીલેશકુમારને ત્યાં જાય છે.

નાથ હરીનાં સભ્યોએ પણ આ અસહ્ય પરિસ્થિતિમાં નીલેશકુમાર અને લતાબહેનને ખૂબ સાથ આપ્યો. અને સંપ્રદાયના વડીલે એ બંને જણને ધર્મિક પ્રવૃત્તિઓની વધારે જવાબદારીઓ સોંપી અને ‘નાથ’ને ગમ્યું તે ખરું કહી અશ્વાસ્યા.

પરંતુ જ્યારે નીલેશકુમાર એકલા પડે છે ત્યારે, તેમણે પ્રીતને આખરી કહેલું વાક્ય, ‘ચલ હટ હિજડા, કાળુ મોઢું કર તારું’ યાદ આવે છે અને વિહવળ બની જાય છે. તેમને માથું પછાડી, હાથ જોડી પ્રીતની માફી માંગવી છે પણ હવે…. એમનો અપરાધીભાવ એમને – આખા મકાનને કોતરતી ઊધઈની જેમ કોતરે છે ! કાઉંસેલિંગ પણ ઝાઝી અસર નથી કરી શકતું.

લતાબહેને નાથ હરિના કાર્યકર્તાઓને એક સાચી સલાહ આપી, ‘આપણે સૌએ આપણા ધર્મનું કામ કરવું જોઈએ એ બરાબર પરંતુ તેમાં જો બેલેંસ નહી રાખીશું અને સમયનું વિભાજન જો યોગ્ય રીતે કરીશું નહી તો કદાચ ધર્મને બચાવી શકીશું પરંતુ આપણા બાળકો અને સગા-સંબંધીઓને ખોઈને, કરવું શું યોગ્ય છે ? અમે અમારી ભૂલ ત્યારે સમજ્યા જ્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. અને એટલે જ તમને સૌને વિનંતી કરું છું કે નાના બાળકોવાળા સભ્યોને એવી જવાબદારીઓ સોંપો કે જેથી ધાર્મિક કાર્યો કરવાની સાથે સાથે ઘર, બાળકો અને કુટુંબીજનોનું ધ્યાન પણ રાખી શકે.’

ધનુબાને તો હજુ પણ પ્રીતે આ પગલું કેમ ભર્યું તે જ સમજાતું નથી. એમના આક્રંદમાં એક જ પ્રશ્ન દોહરાવ્યા કરે છે, ‘હું ઉપર જવાની ઉંમરે જીવું છું , પહેલા મારો જુવાન જોધ દીકરો, હવે દોહોત્ર….ક્યાં અટકીશ પ્રભુ ?

શાસ્ત્રોમાં કહ્યું છે તેમ દુઃખનું ઓસડ દહાડા, તેમ હવે સૌ સૌના જીવનમાં ફરી ગોઠવાવા માંડ્યા છે.

સરલાબહેન અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાની સાથે સાથે વાંચવાની ભૂખને સંકોરે છે અને અધ્યનકેંદ્રમાં જઈને શાસ્ત્રોને સમજવાનો પ્રયત્ન કરતાં કરતાં જીવનને સમથળ બનાવવા મથે છે. પરંતુ એક પોસિટિવ ચેંઈજ આવ્યો છે અને તે એ કે તેઓ યુવાનો તરફ વધુ સંવેદનશીલ બન્યા છે.

કિશનની સ્નેહા તરફની લાગણીને આમ તો સૌએ વધાવી લીધી પરંતુ એક વખત સ્નેહા ઘરમાં નહોતી ત્યારે પોતાનો સાચો અભિપ્રાય જણાવ્યા વગર ધનુબાથી રહેવાયું નહીં, ‘સરલા, આપણા કિશનને માટે ન્યાતમાંથી સ્નેહા કરતાંય રૂપાળી અને ભણેલી છોકરી મળશે. આમ ઉતાવળ કરીને…..ગમે તે કહે પણ આમ તો સ્નેહા તરછોડાયેલી તો કહેવાય જ ને?’

સરલાબહેન’ ‘બા, કિશનને સ્નેહા જ ગમે છે, સ્નેહા જેવી કે વધારે ભણેલી કે રૂપાળીનો સવાલ જ ઊભો થતો નથી.’

ધનુબાની વાતની જરાય અસર ન થવાથી થોડા ગુસ્સામાં બોલ્યા, ‘તું શાની ના પાડે, તારી તો પડોશીની દીકરી ઠકાણે પડશેને !’

સરલાબહેનથી હસ્યા વગર ન રહેવાયું, ‘બા, પડોશીની દીકરી મહત્વની કે દીકરો અગત્યનો ? કિશન મારો દીકરો છે તે કેમ ભૂલી જાઓ છો? મા-બાપ કહે ત્યાં અને તેની સાથે જ પરણી જવાના જમાના ગયા, બા.’

આગળ શું બોલવી તેની ગતાગમ ન પડવાથી ધનુબા , ‘તું જાણે ને તારી વાત. આ તો મારે જે કહેવું હતું તે કહ્યું.‘ કહી ચૂપ થઈ ગયા.

સરલાબહેન હસીને બોલ્યા, ‘જુઓ બા, એકવાર એ લોકો બીજી જાત કે ન્યાતની છોકરી સાથે લગ્ન કરે તો મા-બાપ અને વડીલોએ એ સ્વીકાર્યા વગર છૂટકો નથી કારણ એ લોકો તો એમનું ધાર્યું કરવાના જ છે. માટે એ લોકોને સાથ આપીશું તે આપણે તો સુખેથી રહી શકીશું, બાકી પછી તો એમના નસીબ. ન્યાતની છોકરી સાથે પણ ડિવોર્સ ક્યા ઓછા થાય છે? બાકી વધારે સ્ટ્રીક થઈએ કે વિરોધ કર્યા કરીશું તો ક્યાં તો ભાગીને પરણી જશે કે પછી ન કરવાનું….’

બોલીને સરલાબહેન અટકી ગયાં, પ્રીતના પડેલા ઘા પરનો પોપડો અજાણતા જ ઊખડી ગયો!

થોડીવાર રહીને ધનુબાને આશ્વાસતાં કહ્યું, ‘ બા, આપણે આપણા બાળકોને કોઈ પણ સંજોગવસાત્ આ સાવ જ જુદી સંસ્કૃતિવાળા દેશમાં ક્યાં તો લઈ આવ્યા કે જન્મ આપ્યો, એ લોકોએ અહીં આવવાનું પસંદ નહોતું કર્યું, બરાબરને ?’

ધનુબા સમજવાનો પ્રયત્ન કરતાં હતાં તેમણે માથું હલાવી ‘હા’ કહી.

‘હવે તમે જ કહો તમે અહીં આવ્યા તે પહેલાં, આવી સાવ જ જુદી સંસ્કૃતિમાં બાળકોને કેવી રીતે ઉછેરીશું તેનો વિચાર કર્યો હતો ખરો?’

પછી થોડો વિચાર કરી ઉમેર્યું, ‘આ જ્યાં હું દર અઠવાડિયે પ્રવચન સાંભળવા જાઉં છું તેમાં પંડિતજીએ કરેલી વાત જો વિચારીએ તો આવા સંજોગોમાં આપણને થોડી માનસિક રાહત મળે, તેઓ કહે છે કે સૌમાં ભગવાન વસ્યા છે તે અનુભવીએ તો, બીજા વિષેના આપણા વિચારો ચોક્કસ બદલાય.’

ધનુબાએ સરળતાથી એમનો વિચાર પ્રદર્શિત કર્યો, ‘એ બરાબર પણ મને તો લાગે છે કે પહેલાં મારી અંદરના ભગવાનને ઓળખું પછી બીજાની અંદરના ભગવાનને ઓળખવાની પીડા વહોરું.’

આટલી ગંભીર વાતાવરણમાંય સરલાબહેનને હસ્વું આવી ગયું. તેમણે ઘણીવાર અનુભવ્યું છે કે સાવ અભણ ધનુબા ક્યારેક ખૂબ મોટી વાત કરી જાય છે, જેમ હમણા કહ્યું તે કટલું સાચું છે ! ’મારી અંદરના ભગવાનના અવાજને અવગણી બીજાની અંદરના ભગવાનને ઓળખવા જવાની વાત કેટલી દંભી છે !

ચારેક મહિનાથી અધ્યયન કેંદ્રમાં જતાં થયેલાં સરલાબહેને અવલોક્યું છે કે મોટાભાગના સભ્યો, વગર સમજ્યે પોપટની જેમ મોટી મોટી વાતો કરતા હોય છે જે સામે વાળાના અંતરને જરાય અડક્યા વગર માથા ઉપરથી જ જતી રહેતી હોય એમ લાગે. જો કે અત્યાર સુધી એમણે સ્નેહાની ચેતવણીને ધ્યાનમાં રાખી પ્રવચન સિવાય બીજા કશામાં જ રસ દર્શાવ્યો નથી. પણ પેલા શારદાબહેન અને કુમુદબહેન તેમને એમ થોડાં જ જંપવા દે?

એક દિવસ સરલાબહેનની ઓળખાણ એમના કેંદ્રના મુખ્ય કાર્યકર્તા સાથે કરાવી અને એ વ્યક્તિ અહીંનો કારોબાર સંભાળે છે જાણી એમને ખૂબ નવાઈ લાગી કારણ કે…….


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

2 comments for “કેડી ઝંખે ચરણ ; પ્રકરણ – ૩૮

 1. Dipak Desai
  May 7, 2018 at 4:55 pm

  સુંદર

  • Nayna
   May 8, 2018 at 10:16 pm

   Thanks

Leave a Reply to Nayna Cancel reply

Your email address will not be published. Required fields are marked *