– ભગવાન થાવરાણી
૧.
લોક બે- ચાર ઠીક લાગે છે
બાકીના સૌની બીક લાગે છે
જોજનો દૂર ભાસતું સઘળું
એક બસ તું નજીક લાગે છે
જોડવા માટે આયખું લાગે
તોડવામાં ઘડીક લાગે છે
બીજું શું હોય આપણી વચ્ચે?
માત્ર અક્ષર અઢીક લાગે છે
બેઉ વચ્ચેની ઉગ્રતા જોતાં
મામલો તો જરીક લાગે છે …
૨.
દોરા – ધાગા, મંતર – જંતર , જાપ કર્યા છે
તોય ગુના ક્યાં એણે તારા માફ કર્યા છે!
માણસ જેવો માણસ ઢોતો મેલું તારું
માણસ થઈ તેં કેવાં – કેવાં પાપ કર્યાં છે!
દયા – ધરમના દેખાડા સૌ જૂએ છે એ
સમ ખાવા સત્કર્મ કોઈ ચુપચાપ કર્યાં છે?
સંત છે એ તો – ગુના આચરી રાતે – રાતે
રોજ સવારે સગવડિયા સંતાપ કર્યા છે
રજથી નીચા , નભથી ઊંચા માણસ માટે
તેં ઊઠીને ફુટપટ્ટીનાં માપ કર્યાં છે ….
૩.
પ્રથા કોઈ સાવ જ નવી કાઢીએ
જે સમજાય નહીં – ચીતરી કાઢીએ
વહાવીને લઈ જાય થીજેલ બધું
નસોમાંથી કોઈ નદી કાઢીએ
હશે કો’ક સાચુકલો જણ ભીડમાં
કરી આંખ બંધ ઓળખી કાઢીએ
ખબર છે નથી આ વતન આપણું
હવે આવી ગ્યા તો રહી કાઢીએ
પચાવો સહન થઈ શકે એટલું
જે સહેવાય નહીં તે હસી કાઢીએ
બળાપો, વ્યથા, વસવસો છે વૃથા
ચલો એક કવિતા લખી કાઢીએ
અગર મગ્ન છે જાતમાં સુજ્ઞ સૌ
ગઝલને સ્વયમ દાદ દઈ કાઢીએ …
૪.
એવું ઘણું છે જેને અંદર મૂકી દઉં છું
ભીતર દબાવી ઉપર પત્થર મૂકી દઉં છું
સાચો જ હોઉં તો પણ, એ સાચને સદંતર
યારી નિભાવવાને ખાતર મૂકી દઉં છું
સંબંધમાં જો લાગે લૂણો કદી સમયનો
ઠંડા કલેજે એમાં કાતર મૂકી દઉં છું
જાણું છું હૂંફ, સગવડ, આદર બધું અહીં છે
રુંધાય શ્વાસ જ્યારે, હું ઘર મૂકી દઉં છું
મોકા મળ્યા ઘણાયે સોંસરવા વારના – પણ
દુશ્મનની પીઠ જોઈ, ખંજર મૂકી દઉં છું …
૫.
પેટ ભરીને હસવું મારે, પેટ ભરીને રડવું
હસતાં – રડતાં મારું મુજને ફરી – ફરી સાંપડવું
નરક અમારા હિસ્સાનું તું અહીં જ આપી દેજે
લખચોરાશીના ફેરામાં નાહક ક્યાં આથડવું!
નિયતિ તારા ખેલ અમોને કદીય ના સમજાયા
ઢુકડું હો સ્ટેશન ને ટ્રેનનું પાટા પરથી ખડવું!
ઘડી – બે – ઘડી સંગ આપણો, હમણાં છૂટા પડશું
કાચ વગરની બારી ને આ પવન અંગે બાખડવું!
એવું નથી કે સીધા રસ્તા દીઠા જડતા ન્હોતા
અમને ગમિયું આડા રસ્તે પડવું ને આખડવું …
* * *
સંપર્કસૂત્ર :-
ઈ મેઈલ – bhagwan.thavrani@gmail.com






બધીજ ગઝલો ખૂબ સરસ પણ પાંચમી ગઝલ થોડી વધુ ગમી ગઈ.
ખૂબ સરસ ગઝલો
વાહ …..સાહેબ …આ જ સાચી કવિતા જે વાંચતા લાગે કે અરે આ તો આપણી જ વાત ….જાણે મન કહે મારે પણ આવું જ લખવું હતું ..પણ શબ્દો ના સાંપડયા …..
આભાર અમારી લાગણી ને લય આપવા બદલ ..
આપણી પોતીકી વાતો, કહેવાનું મન હતું તેવી સુંદર ગઝલો. !!! અભિનંદન થાવરાની જી…
These couplets bring poetic feeling in a non poetic person like me !
Kudos, Thavranibhai !