સાયન્સ ફેર : મગજની ઉત્ક્રાંતિ માત્ર થોડા મહિનાઓમાં જ થઇ જાય તો?!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

શરૂઆતમાં તો માનવનો પૂર્વજ વાનર હતો, જે આજના માનવ જેવી કોઈ ખાસિયત ધરાવતો નહોતો. પરંતુ ઉત્ક્રાંતિની સાથે માનવ વિકસતો ગયો, બુદ્ધિમતા વિકસતી ગઈ. આ બધું હજારો વર્ષોના સમયગાળા દરમિયાન બન્યું છે. આ બદલાવને સમજવા માટે નૃવંશશાસ્ત્રીઓ (એન્થ્રોપોલોજીસ્ટ) અને અનુવંશશાસ્ત્ર(જીનેટીક્સ)ના નિષ્ણાંતો સતત પ્રયત્નશીલ રહે છે.

૨૦-૦૪-૨૦૧૮ના રોજ પ્રકાશિત થયેલ ‘ભવિષ્યનો માનવ હોંશિયાર હશે કે સાવ ડોબો?‘ શીર્ષ્સ્થ લેખમાં આપણે જોયું કે થોડા સમય પહેલા જ અમેરિકાની વિખ્યાત યુનિવર્સીટી ઓફ શિકાગો દ્વારા થયેલા અભ્યાસને અંતે માનવ મગજના ઈવોલ્યુશન-ઉત્ક્રાંતિ વિષે મહત્વની બાબત જાણવા મળી. આ અભ્યાસુ ટીમના વડા છે ડૉ બ્રુસ લેહન નામના મૂળ ચાઈનીઝ અને અમેરિકામાં કાર્યરત પ્રજોત્પતિશાસ્ત્રના નિષ્ણાંત. ડૉ બ્રુસ લેહન ચીનના ગોન્ગઝાઉ પ્રાંતની યુનિવર્સીટીમાં “સેન્ટર ફોર સ્ટેમ સેલ બાયોલોજી એન્ડ ટીશ્યુ એન્જિનીયરીંગ”ના ફાઉન્ડર પણ ખરા. ઉત્કાંતિ એ સતત ચાલતી પ્રક્રિયા છે, એ સત્ય જાણીતું છે. મનુષ્યે જેમ ઉત્ક્રાંતિ દરમિયાન પૂંછડી ગુમાવી, એ રીતે ભવિષ્યના મનુષ્યના હાથ-પગ કે દેહનો આકાર વર્તમાન કરતાં કંઈક અંશે જુદો હોઈ શકે છે. (અહીં એ નોંધજો કે આ ફેરફાર બહુ નજીવો હશે, અને એ થતા હજારો વર્ષો લાગી શકે છે.) દેહયષ્ટિ સુધી બરાબર, પરંતુ માનવ મસ્તિષ્ક વિષે હજી એવા પ્રમાણો મળ્યા નહોતા કે એની ય ઉત્ક્રાંતિ ચાલુ જ છે! બ્રુસની ટીમના દાવા મુજબ હજી આજે પણ મગજ-મસ્તિષ્કની ઉત્ક્રાંતિ ચાલુ જ છે. માણસનું મગજ આજે જેવું છે, એવું થોડા હજાર વર્ષો પછી નહી હોય. યુનિવર્સીટી ઓફ શિકાગોમાં બ્રુસ લેહનની ટીમે કરેલા અભ્યાસ દ્વારા માલમ પડ્યું કે છેલ્લા ૬૦,૦૦૦ વર્ષો દરમિયાન માણસના મગજમાં બે પરિવર્તનો – જીનેટિક વેરીએશન્સ આવ્યા છે. એક તો મસ્તિષ્કના કદમાં વધારો થયો છે, અને બીજું, કે માનવ મગજની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થયો છે!

ડૉ લેહનની ટીમ મૂળભૂત રીતે માઈક્રોસેફેલી નામની એક બિમારી ઉપર સંશોધન કરી રહી હતી. આ બિમારીનો ભોગ બનનાર બાળકો જન્મથી જ સામાન્ય કરતાં નાના કદનું મગજ ધરાવનારા હોય છે. એમના મગજની આસપાસનું આવરણ – સેરેબ્રલ કોરટેક્સ પણ સંકોચાયેલી હાલતમાં હોય છે. માઈક્રોસેફેલી ઉપર સંશોધન દરમિયાન ખબર પડી કે માઈક્રોફેલીન અને એએસપીએમ નામના જનીન મસ્તિષ્કની વૃદ્ધિ માટે જવાબદાર હોઈ શકે છે. ડૉ લેહનની ટીમે માઈક્રોફેલીન અને એએસપીએમ સહિતના બીજા ૨૦ જેટલા જનીનોનો અભ્યાસ કરીને જણાવ્યું કે આ જનીનો વાનરમાંથી ઉતરી આવેલા માનવોમાં, સસલા અને ઉંદરોની સરખામણીમાં વધુ ઝડપથી વિકાસ પામ્યા છે. જેને પરિણામે માનવના મગજની બૌદ્ધિક ક્ષમતાઓ પણ ઝડપથી વિકાસ પામી છે.

પહેલી નજરે આ તારણ બહુclip_image002 સામાન્ય હશે. વેલ, અત્યાર સુધી નહોતી ખબર, પણ હવે એવું સાબિત થયું કે માનવ મસ્તિષ્કની ઉત્ક્રાંતિ પણ ચાલું જ છે અને થોડાક હજાર વર્ષ પછી એ આજની સરખામણીએ બહેતર બન્યું હશે! ધેન વોટ્સ ધ બિગ ડીલ?! વિજ્ઞાન જગતમાં તો થોડા થોડા સમયે આવા કંઈકને કંઈક તારણો નીકળ્યા જ કરે છે ને! આવા વિચારો તમને આવે એ સ્વાભાવિક છે. પરંતુ આખી વાતમાં ‘બિગ ડીલ’ એ છે કે એમાં જીન્સ-જનીનોની સંડોવણી મુખ્ય ભાગ ભજવી રહી છે!

સૌથી પહેલા જરા ડીએનએ અને જીનેટિક કોડ વિષે વાત કરી લઈએ. આપણા રંગ,રૂપ, દેખાવ, સ્વભાવ, શારીરિક બાંધો… વગેરે માટે આપણા જીન્સ જવાબદાર છે. ઘણી બધી બિમારીઓ પણ જીન્સને આભારી છે, જે આનુવાંશિક બિમારી તરીકે ઓળખાય છે. જે રીતે કોમ્પ્યુટરનું કોઈ સોફ્ટવેર પોતાના સેટ કરેલા પ્રોગ્રામ કોડ મુજબ ચાલે છે, એ જ પ્રમાણે આપણું શરીર પણ આપણા ડીએનએ દ્વારા પ્રોગ્રામ્ડ થયેલા કોડને અનુસરે છે. આ કોડ ‘જીનેટિક કોડ’ તરીકે ઓળખાય છે. આ જીનેટિક કોડ એટલે આપણા બોડી પ્રોગ્રામ્સનો એવો ‘સેટ ઓફ રૂલ્સ’, કે જે જીવિત કોષોની મદદ વડે ‘ડીએનએ’ અને ‘મેસેન્જર આરએનએ’ જેવા જીનેટિક મટીરીયલ્સમાં સંગ્રહાયેલી માહિતીને પ્રોટીનમાં તબદીલ કરે છે. આ આખું ઓર્ગેનીઝમ ગણિતીય અલગોરિધમ જેવું જ છે. હવે, ડૉ લેહન અને એમની ટીમના સંશોધન મુજબ અમુક ખાસ જીન્સમાં આવેલા ‘પરિવર્તન’ને કારણે મનુષ્યના મસ્તિષ્કની બૌદ્ધિક ક્ષમતા વધી છે! એનો અર્થ એમ થાય કે છેલ્લા ૬૦,૦૦૦ વર્ષો દરમિયાન માનવ મગજમાં જે બે પરિવર્તનો આવ્યાની બાબત આપણે જોઈ, એ મનુષ્યના જીન્સમાં આવેલા પરિવર્તનને આભારી છે! અને જીન્સ તો દરેક વ્યક્તિએ જુદા જુદા હોય છે! ચાઈનીઝ, ભારતીય કે અમેરિકનના જીન્સ એકબીજાથી અવશ્યપણે જુદા જ હોવાના. આથી જીન્સમાં આવેલા જે પરિવર્તનોએ મગજને અસર કરી છે, એ મનુષ્યની અમુક જ પ્રજાતિમાં જોવા મળી શકે છે! જેનો સીધો અર્થ એ કે અત્યારે સમાન લાગતી મનુષ્યની બે જુદી જુદી પ્રજાતિઓમાંની કોઈ એક પ્રજાતિ, હજારો વર્ષ પછી, બીજી પ્રજાતિ કરતાં વધુ બૌદ્ધિક ક્ષમતાઓ ધરાવતી હશે… એમના મગજનું કદ બીજી પ્રજાતિની સરખામણીએ મોટું હશે?!!

ખરેખર જો આવું થાય તો આ તો કુદરતે બહુ મોટો પક્ષપાત કર્યો કહેવાય! ડૉ લેહનના સંશોધન મુજબ યુરોપીયન અને સાઉથ અમેરિકન ઇન્ડિયન પોપ્યુલેશનમાં મસ્તિષ્કનો વિકાસ આફ્રિકન્સની સરખામણીએ ઝડપથી થશે! અને સૌથી મોટો ખતરો તો એ વાતનો છે કે કોઈક માથાફરેલો સંશોધક એવી કોઈ જનીનીક દવા શોધી નાખે, જેનાથી કુદરતી રીતે હજારો વર્ષના સમયગાળા દરમિયાન થનારી મસ્તિષ્કની ઉત્ક્રાંતિ માત્ર ૪-૬ મહિનામાં જ થઇ જાય તો? તો તો માણસ જાત ‘ડિઝાઈનર સંતતિ’ પેદા કરવા માંડે. એ વિષે વાત કરીશું હવે પછીના ૧૮-૫-૨૦૧૮ના અંકમાં…..


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


સંપાદકીય નોંધ:

આજના અંકમાં લીધેલ  આકૃતિ – DNA replication – DNAપરથી સાભાર લીધેલ છે.

2 comments for “સાયન્સ ફેર : મગજની ઉત્ક્રાંતિ માત્ર થોડા મહિનાઓમાં જ થઇ જાય તો?!

 1. May 4, 2018 at 8:19 am

  ઉત્ક્રાંતી અને સમય…. 

  હોડકાથી માડાગાસ્કર થી ઓસ્ટ્રેલીયા જાવું અને વીમાનથી જાવું… ફરક તો ઘણોં લાગે. 

  અત્યારે લાંબા અંતરની ટ્રેનમાં ૧૪ થી ૩૦ કલાક મુસાફરી કરવી પડે છે. બુલેટ ટ્રેનમાં બે ચાર કલાક અને વીમાનમાં એક કલાકથી ઓછો સમય લાગે છે.

  મોતીબીંદુના ઓપરેશન માટે ૫૦ વરસ અગાઉ શું ને શું વીધી કરવી પડતી અને હવે સવારે સાત વાગે દાખલ થઈએ, સવાસાતે ઓપરેશન થીયેટરથી બહાર આવીએ. નવ વાગે ઘરે પહોંચીએ અને બપોરના સુતા સુતા પંખો ફરતો દેખાય અને દુનીયા બદલાયેલી દેખાય.

  આપણાં દેશમાં રાજકરણીઓ જે ગપ હાંકે છે એનાથી વધુ ઝડપે ઉત્ક્રાંતીની શક્યતા છે. ટેલીફોનના દબલા, પેજર અને મોબાઈલ જેમ…

  મોટી ઓફીસમાં અંગ્રેજીમાં ટાઈપરાઈટર હતા અને ગુજરાતીમાં ટાઇપ માટે ક્યાંક જ વ્યવસ્થા હતી. હવે તો દરેક જણ સીધો ગમે એ ભાષામાં ટાઈપ કરી શકે છે.

  બસ એવી જ રીતે ઉત્કાંતી થશે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *