ફિર દેખો યારોં : પ્રતિબંધ મૂકો કે હટાવો, પુસ્તકની અસર કેટલી?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

કોઈ પુસ્તક કેટલી હદે ગેરસમજ, ઉશ્કેરાટ કે વિરોધી લાગણી પ્રસરાવી શકે? આ સવાલનો કોઈ એક સર્વસામાન્ય જવાબ ન હોઈ શકે. રાજ્યસત્તા ઘણી બધી વાર કેટલાંક પુસ્તકોને પ્રતિબંધિત કરી દે છે. શું એ દરેક પુસ્તકો એવા સ્ફોટક હોય છે ખરાં કે તેનાથી સત્તાધીશોને ખતરો પેદા થઈ શકે? આ પ્રાથમિક સવાલ પછી બીજો સવાલ એ થાય કે આપણે ત્યાં પુસ્તક વાંચનારો વર્ગ એટલો વિશાળ છે ખરો? ત્રીજો સવાલ એ થાય કે એ વાચકવર્ગ શું એ હદે પ્રતિક્રિયાવાદી છે ખરો કે પુસ્તક વાંચ્યા પછી ભડકી ઉઠે? આપણા દેશ માટે આ સવાલના જવાબ કયા હોઈ શકે એ કોઈને સમજાવવાની જરૂર નથી. આમ છતાં, સત્તાધીશો રજ્જુસર્પભ્રાંતિનો શિકાર બને છે. તેને કારણે બજારમાં મૂકાયું હોત તો જેની નોંધ પણ લેવાઈ હોત કે કેમ એ શંકા જાય એવાં પુસ્તકો વિશે લોકોને જાણ થાય છે. એવું પ્રતિબંધિત પુસ્તક બજારમાં સીધું નથી મળી શકતું, પણ જેને એ વાંચવું જ હોય એ ગમે ત્યાંથી તેને મેળવી લે છે. પણ આવો વર્ગ કેટલો? અને તેનાથી સત્તાધારી પક્ષને થનારા સંભવિત નુકસાનની શક્યતા કેટલી? આ ઘટના જોઈએ.

2002 માં ચેન્નાઈના એરપોર્ટ પર એક નાનકડું પાર્સલ જપ્ત કરવામાં આવ્યું, જે જર્મનીના ફ્રેન્‍કફર્ટ શહેરમાં મોકલવા માટે રવાના કરવામાં આવ્યું હતું. આ પાર્સલમાં ‘કવિયનાયકન કીટ્ટુ’ નામના પુસ્તકની સો પ્રત હતી, જેના લેખક હતા પી. નેદુમારન. આ પુસ્તકમાં ‘લીબરેશન ટાઈગર્સ ઑફ તમિળ ઈલમ’ (એલ.ટી.ટી.ઈ.)નો રાજકીય ઈતિહાસ આલેખાયેલો હતો. આ પાર્સલની જપ્તી પછી નેદુમારનના ચેન્નાઈ ખાતેના કાર્યાલય પર છાપો મારવામાં આવ્યો. તમિલનાડુ પોલિસના વિશેષ એકમ ક્યૂ-બ્રાન્‍ચ દ્વારા અહીંથી પુસ્તકની બે હજાર પ્રતોને જપ્ત કરી લેવામાં આવી.

આ ઘટનાને દોઢ દાયકો વીતી ગયો છે. નેદુમારન હવે 85એ પહોંચ્યા છે અને એ પુસ્તકોને પાછાં મેળવવા માટે કાનૂની જંગ લડી રહ્યા છે. આ ઊપરાંત પણ તેમણે તમિળ અને અંગ્રેજીમાં અનેક પુસ્તકો લખેલાં છે. નેદુમારન સાથે આમ કેમ થયું?

તેમના પર પોલિસની ચાંપતી નજર પહેલેથી હતી, કેમ કે, તેઓ એલ.ટી.ટી.ઈ.ના સમર્થક હતા. 1992માં તેમણે એલ.ટી.ટી.ઈ.ની તરફેણમાં આપેલા એક વક્તવ્ય બદલ તેમની પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 1994માં તેમનું આરોપનામું ઘડવામાં આવ્યું, પણ તેની સુનવણી થઈ નહીં. ત્યાર પછી નેદુમારને એલ.ટી.ટી.ઈ.ના વડા વી. પ્રભાકરન વિશે વધુ એક વક્તવ્ય આપ્યું. આથી પોલિસે અગાઉના રાજદ્રોહના આરોપનામામાં હવે ત્રાસવાદને નાથવા માટે ઘડાયેલા વિશેષ કાનૂન ‘પોટા’ (પ્રિવેન્‍શન ઑફ ટેરરિઝમ એક્ટ) પણ લગાડ્યો. પંદર મહિનાનો જેલવાસ ભોગવ્યા પછી વિશેષ અદાલતે 2003માં તેમને મુક્ત કર્યા. તેમનાં લખેલાં પુસ્તકો જપ્ત કર્યા પછી 2005માં તેમની સામે એ બાબતે આરોપનામું દાખલ કરાયું, પણ સેશન્સ અદાલતે તેમને મુક્ત કર્યા. ત્યાર પછી તેમણે પોતાનાં પુસ્તકોનો કબજો મેળવવા માટે અરજી દાખલ કરી. ‘આ પુસ્તકોનું વિતરણ થશે તો તે વાચકોના મગજમાં ઉપદ્રવ મચાવશે તેમજ જાહેર શાંતિનો ભંગ તે કરશે.’ આમ જણાવીને ન્યાયાધીશે આ અરજીને 2007માં રદ કરી દીધી હતી. આની વિરુદ્ધ નેદુમારને મદ્રાસ વડી અદાલતનો સંપર્ક કર્યો હતો. કેસની સુનવણી દરમિયાન એડવોકેટ જનરલ વિજય નારાયણે આ પુસ્તકની નકલ રજૂ કરી હતી અને દલીલમાં કહ્યું હતું, ‘આ પુસ્તકમાં ભારતીય સેના તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની વિરુદ્ધમાં આક્ષેપો છે.’ આમ કહીને તેમણે આ પુસ્તક નેદુમારનને પાછાં આપવામાં ન આવે એવો આગ્રહ રાખ્યો હતો.

આ મામલે નેદુમારનનું જણાવ્યા મુજબ તેમણે પુસ્તકના અમુક અંશ લેફ્ટેનન્‍ટ જનરલ દીપીન્‍દર સીંઘના પુસ્તકમાંથી લીધા હતા, જેમાં સીંઘસાહેબે જાફનામાં આઈ.પી.કે.એફ. (ઈન્ડિયન પીસ કીપિંગ ફોર્સ) મોકલવાના સરકારના પગલાની ટીકા કરી હતી. તેમણે એમ લખેલું કે એલ.ટી.ટી.ઈ.નો વર્તાવ મૈત્રીપૂર્ણ હતો. તમિલનાડુની તત્કાલીન જયલલિતા સરકારને આ અંશ રાજદ્રોહ સમા અને ભારતીય સેનાની ટીકા સમાન લાગ્યા હતા.

નેદુમારનના જણાવ્યા મુજબ આ પુસ્તકમાં કેવળ તમિળ રાષ્ટ્રવાદનો ઈતિહાસ આલેખાયેલો છે, જેમાં એલ.ટી.ટી.ઈ.ના સંગ્રામના બે અતિ મહત્ત્વના બનાવોનું આલેખન છે. પહેલો બનાવ તે 1989માં જાફનામાં એલ.ટી.ટી.ઈ.ના રાજકીય અગ્રણી થીલીપનનું મૃત્યુ અને બીજો બનાવ તે 1993માં ચેન્નાઈના દરિયાતટે ભારતીય નૌકાદળના જહાજો દ્વારા ઘેરાઈ જવાથી કર્નલ કીટ્ટુએ કરેલી આત્મહત્યા.

2009માં શ્રીલંકાના નાગરિક યુદ્ધ દરમિયાન નેદુમારન તમિળ સમર્થકો તેમજ આંતરરાષ્ટ્રીય માનવહકના કર્મશીલોની સમિતિના વડા હતા. તેઓ ભારતીય સત્તાધીશો સમક્ષ યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરતા હતા. તેમણે લખેલાં અન્ય પુસ્તકોમાં એલ.ટી.ટી.ઈ.ના વડા પ્રભાકરનનું જીવનચરિત્ર અતિ મહત્ત્વનું ગણાય છે, જેની પંદર હજાર પ્રતો વેચાઈ ગઈ છે. પ્રભાકરન સાથે નિકટથી સંકળાયેલા અનેક લોકોની મુલાકાત લીધા પછી તેમણે આ પુસ્તક લખ્યું હતું, જેની હવે પાંચમી આવૃત્તિ પ્રકાશિત થવામાં છે. તેમને ડર છે કે ક્યૂ-બ્રાન્‍ચે જપ્ત કરેલાં પુસ્તકોને ખોઈ નાખ્યા હશે, કેમ કે, એ વાતને સોળ સોળ વર્ષ વીતી ચૂક્યાં છે. આ પુસ્તક હજી પ્રકાશિત પણ થયું નથી અને નેદુમારન પાસે તેની એક માત્ર પ્રત બચેલી છે.

‘સન્ડે એક્સપ્રેસ’ના પ્રતિનિધિએ ક્યૂ-બ્રાન્ચનો સંપર્ક કરતાં ત્યાંથી જણાવાયું કે જપ્ત કરેલી ચીજોનો કદી નાશ કરવામાં આવતો નથી, પણ એ શક્યતા ખરી કે હવે એ પુસ્તકો સારી સ્થિતિમાં ન રહ્યાં હોય. આટલાં વર્ષો પછી તે વાંચવાલાયક ન રહ્યાં હોય એવી પૂરેપૂરી સંભાવના છે. પુસ્તક વિષે નેદુમારન કહે છે, ‘મેં કંઈ હિંસા ભડકાવવા માટે આ પુસ્તક નહોતું લખ્યું. એમાં એલ.ટી.ટી.ઈ.નો ઈતિહાસ આલેખાયેલો છે. હું ગાંધીવાદી છું.’

શ્રીલંકા અને તેમાં ચાલેલા નાગરિક યુદ્ધનું પ્રકરણ કેવળ શ્રીલંકાના જ નહીં, ભારતના ઈતિહાસનું પણ યાદ કરવું ન ગમે એવું પ્રકરણ છે. અલબત્ત, હવે એ પ્રકરણ પણ પૂરું થયું. શ્રીલંકામાં પોતાની માંગ માટે બળવો કરી રહેલા તમિળોને જેર કરવા તત્કાલીન ભારત સરકારે ‘આઈ.પી.કે.એફ.’ને મોકલ્યાં. એ રીતે એક પડોશી દેશને સહાય કરવા માટે ત્યાં વસતા પોતાના જ દેશના નાગરિકો પર ત્રાટકવા માટે પોતાના દેશની સેનાને મોકલવામાં આવી. ભૂલોનું પુનરાવર્તન ન કરીને નવો ઈતિહાસ ન રચવો હોય તો અગાઉનો ઈતિહાસ જાણવો જરૂરી બની રહે છે. આટલા વર્ષ પછી જે તે પક્ષ કે સરકારનો વાંક કાઢવાને બદલે જે બન્યું હતું તેનું પુનરાવર્તન ન થાય એટલું સમજાય તો ઘણું છે. આવો બોધપાઠ ગ્રહણ કરવો હોય કે ભૂલાવી દેવો હોય તો એમાં કોઈ પુસ્તક એક હદથી વધુ પ્રભાવિત કરી શકે એમ નથી. સરવાળે ફલિત એટલું જ થાય છે કે પુસ્તક પ્રતિબંધ રાજનીતિનો એક ભાગ છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯-૪-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : પ્રતિબંધ મૂકો કે હટાવો, પુસ્તકની અસર કેટલી?

  1. May 4, 2018 at 8:36 am

    પુસ્તક તમીલ માં હોય, મરાઠીમાં હોય કે બંગાલીમાં હોય….. 

    લેખક ગમે એ મોટા ગજાનો હોય, ઈતીહાસનો મોટો પ્રાધ્યાપક હોય, પ્રતીબંધ થઈ શકે.

    પછી હોળી થાય અને તોફાન શરુ થાય.

    કોંગેસ, બીજેપી કે શીવસેનાના નેતાઓ કાર્યકરો પુરા પાડશે અને નવો ઈતીહાસ લખાશે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *