





હીરજી ભીંગરાડિયા
‘હોડી’ એ માછીમારને મન આજીવિકાનું સાધન છે. એને એકલાં માછલાં પકડી માત્ર પેટિયું રળવાના ખપમાં લેવી, કે પછી તે ઉપરાંત એ જ હોડીમાં બેસી અફાટ સાગરના જલતરંગોના ઘેરા સૂરનું મધુર સંગીત પીતાં પીતાં સહેલગાહ પણ માણવી-શું કરવું તે નાવિકની દ્રષ્ટિ, હિંમત, સ્વભાવ અને આવડત પર આધારિત હોય છે.
બસ એમ જ ! : ‘ખેતર’ કે ‘વાડી’ એ મૂળે તો આ ધરતી-જમીનનો ખેડૂતે આજીવિકા માટે દોતેલો એક ટુકડો જ ગણાયને ? પણ એ હોય છે બાબરા ભૂતની ચોટલી જેવો ! એના દ્વારા ખેડૂત જેટલું મેળવવા ઇચ્છે તેટલું આપવાની હોય છે ત્રેવડવાળો ! હા, એ માટે ખેડૂત પાસે દ્રષ્ટિપુત પુરૂષાર્થ અને સંકલ્પબળ જોઇએ.
ખેતર-વાડીના પરિસરના રક્ષણાર્થે ફરતી ‘વાડ’ બાબતેય બેદરકાર રહી, મલકનાં રેઢિયાર ઢોરાં, રાની જાનવરો, અસાગરા અને મલકના ઉતાર માણસોના નુકસાનની ખુંટિયાખળીયે બનાવી શકે, અને ધારે તો કાંટાળી વાડની સોડ્યે આ…ને…મજાની અનેક જાતના વૃક્ષ-વેલીઓથી સજ્જ એવી ‘જીવંત વાડ’ ઊભી કરી, રસ્તે નીકળનારનુંયે મન હરી લે, અને એને પણ દરવાજો શોધી અંદર આવી, ઘડીક તાજગી મેળવી લેવાનું મન થઈ જાય, એવી યે બનાવી શકે. વાડીને કેવી બનાવવી એ ખેડૂતની દ્રષ્ટિ, હિંમત, આવડત અને હૈયાઉકલત પર આધાર રાખે છે.
@ ‘ખેતર-વાડી’ એ પ્રથમ તો ખેડૂતની આજીવિકાનું સાધન છે. : વાત સાવ સાચી. સો ટકા ‘વાડી-ખેતર’ એ એના કુટુંબની આજીવિકાનું સાધન છે, એ જ એની ફેક્ટરી છે, એ જ એની દુકાન છે, એ જ એની મીલ ગણીએ તો મીલ, અને પેઢી ગણીએ તો પેઢી- જે કહો તે, એ જ એનું રળવા માટેનું સર્વસ્વ છે. પણ એ ક્યારે બને ? જ્યારે ખેડૂત પાસે વાડી પાસેથી કામ લેવાની આવડત હોય ત્યારે ! અમારા અરધા સૈકાના વાડી-ખેતર સાથેના સહવાસ દરમ્યાન કેટલાય ખેડૂત મિત્રોના ખેતર-વાડી અમે જોયાં છે, એમાં અમે ફર્યાં છીએ અને બે જાતના દ્રશ્યો અમને જોવા મળ્યાં છે.
આપણામાં કહેવત છે ને કે “કોઇ મરે ‘ધાન’ વાંકે અને કોઇ મરે ‘ભાન’ વાંકે !” છે અમારા જ ગામનો એક જણ. એને ખેડૂત કહેવો એ ખેતી વ્યવસાયનું અપમાન છે.. જમીન તો એની પાસે છે પૂરી 15 વીઘા, અને એય પાછી સમતળ અને નદીના કાંઠા પર જ. કૂવામાં પાણી પણ પાવા ધારે તો આખા પડાનું પિયત કરી શકાય એટલું. ! પણ ખાટલે મોટી ખોટ કે….એનામાં આળસથી વધુ બીજું કાંઇ જ નહીં ! જમીનનો એ 15 વીઘાનો ટુકડો એવો દુ:ખી થાય છે કે ન પૂછો વાત ! ફરતી વાડ કરવાની વાત તો બાજુ પર રહી, પણ ભર ચોમાસે ય પડાની અંદર ધરોડી, કોંગ્રેસિયું,ગાડરડી ને બોરડીના ઝાળાં એવા બથોબથ આવેલા ભળાય છે કે એ જણ પણ એમાં અંટાવાઇ જઈ પોતે તો દુ:ખી થઈ રહ્યો છે, અને વાડીનેય દુ:ખી કરી રહ્યો છે. મેં તો એકવાર હિંમત કરી પૂછી પણ જોયેલું કે “ભૈલા ! તારાથી જો ખેતીમાં ન પોગાતું હોય તો તારી આ 15 વીઘાની વાડી પાંચ વરહના પટે વાવવા આપવાની હા કહે તો દર વરહની ફારમ પેટે રૂ.60000 [સાઠ હજાર] લેખે કુલ ત્રણ લાખ રોકડા અપાવી દઉં, લઈ લેવા છે ? અને તારી વાડી ચોખ્ખી કરી કરી તને સોંપશે તે વધારામાં. બોલ કરવું છે આવું ?” પણ સોનાની જાળ પાણીમાં નાખવાની થઈ બોલો ! આવી સીધા લાભની વાત માને તો તો એને અક્કલમઠો યે કહેવો કેમ ? અને એના જ શેઢા-પાડોશી છે મારા એક મિત્ર, કે જે પોતાની વાડી પાસેથી નાનાવીઘે ચાલીશ ચાલીશ મણ ધોળો દૂધ જેવો કપાસ ઉપરાંત એના મોટા કુટુંબને જરૂરી અનાજ, શાકભાજી, અને બજાર માટે તલ, ગુવાર-ગમ જેવા પાકોનું અઢળક ઉત્પાદન લઈ, મસ્તીથી મોટરમાં ફરે છે. આવા તો અનેક ખેડૂતો વાડી સાથે ઓતપ્રોત થઈ મંડ્યા રહે છે એ બધાને વાડી એના કુટુંબના રોટલામાં કદિ ઓટ આવવાદેતી નથી.
@ વાડી એક “પ્રયોગશાળા” પણ બની રહે ! : અન્ય ક્ષેત્રોની જેમ ‘ખેતી’ માં પણ વિજ્ઞાન જોરશોરથી આગળ વધી રહ્યું છે. કેટલાય નવાં બિયારણો, અવનવા ખાતરો, ભાતભાતની દવાઓ, નોખનોખાં ખેત-ઓજારો અને તરેહ તરેહની પદ્ધતિઓ- એટલાં ઊભરાઇ રહ્યાં છે કે એમાંથી આપણે કોનો ઉપયોગ કરવો તેનો નિર્ણય કરવામાં મુંઝારો ઊભો થઈ રહ્યો છે. ક્યારેક કોઇ વેપારીની શેહ-શરમમાં ખેંચાઇ જઈને, કે અન્ય જગ્યાએ ઊભરો લઈ ગયેલો મોલ દેખી અંજાઇ જઈને- ઊંડાણથી અભ્યાસકર્યા વિના મોટે પાયે અમલ અદરાઇ ગયો હોય તો, તેના દ્વારા રળવાને બદલે નુકસાની વેઠવાનો વારો ક્યારે આવી જાય તે વિશે કંઇ કહેવાય એવું નથી.
કોઇ નવાં બીજ, ખાતર, દવા કે પદ્ધતિનો આપણો વિરોધ નથી. કોઇ નવો આયામ અન્ય વિસ્તારમાં- ત્યાંની જમીનો અને ત્યાંના આબોહવા-પર્યાવરણમાં અનુકૂળ આવી ગયો હોય તો ત્યાં એ ઉત્તમ પરિણામ આપતો હોય એ કબુલ ! પણ આપણી જમીન, આપણી પાણીની સોઇ, આપણાં ઠંડી-ગરમી, આપણાં બજારની રૂખ અને આપણાં ખિસ્સાની પહોંચ –એ બધામાં મેળ બેસે એમ છે કે કેમ તે તપાસ્યા વિના ઉલળીને કૂદકો મારી દઈએ તો ક્યારેક ભૂંડાઇના ગળોટિયું ખાઇ જઈ,માથામાં ફૂટ્ય કે હાથ-પગમાં ભાંગતૂટ કરી બેસીએ. એટલે પહેલાં નવા આયામને નાના પાયે પોતાની વાડીમાં અવાણી લેવાનું દ્રષ્ટિવંત ખેડૂતો ગોઠવતા હોય છે. દા.ત. બીટી કપાસમાં આજે એટલી બધી જાતો બહાર આવી ગઈ છે કે તેમાંથી કઈ જાત વાવવી એ અમારે મન એક વાર મુંઝારો બની ગયેલો. એક અજાણી જાતને “વીર વિક્રમ” માની થોડી ચકાસણી વિના મોટાપાયે વાવી દીધેલી. જ્યારે કપાસ પાક્યો ત્યારે ખબર પડી કે ‘ભારે કરી, આતો નીકળ્યો વૈતાળ !’ હવે ? અમારું વરસ ગયું નલ્લે ! પછી થી તો અજાણ્યું બીજ પહેલાં એક કે વધીને બે થેલી જ વાવીએ, અને અમારી વાડીમાં કેવું હીર દેખાડી શકે છે, તે ચકાસીએ અને સારું લાગે તો પછીના વરસે મોટે પાયે અપનાવવાનું નક્કી રાખ્યું છે.
એવું જ, દસ વરસ પહેલાં અમરેલીથી નાનું ટ્રેક્ટર લીધેલું. તો ડીલર કહે “એની સાથે લગાડીશકાય તેવી નાની રોટરી લઈ જાઓ બહુ ઉપયોગી નીવડશે !” અમે એ લાવ્યા તો ખરા, પણ એવી શરત કરીને કે “અમારી વાડીમાં હાલશે તો રાખશું, નહીં તો પરત કરશું.” અમે તો લાવીને વાડીમાં ચલાવી જોઇ, તો તેના દાંતા ભાંગી જવા લાગ્યા, ગીયરની દાંતી તૂટી જવા માંડી. અન્ય કૂણી જમીનમાં નાનીરોટરી સફળ થતી હશે,પણ અમારી વાડીની ચીકણી જમીનમાં એ નાપાસ થઈ,અમારે એને પરત કરવી પડી
આમ હરકોઇ ખેડૂત પોતાની વાડીને પ્રયોગશાળા બનાવી નવા આયામને ચકાસી, પછી જ અમલ કરે તો તે ચોક્કસ ખેડૂતને પસ્તાવાના જોખમમાંથી બચાવી લે છે.
@ ‘વાડી’ એ ખેડૂતનું પોતીકું સંશોધન કેંદ્ર છે : મગફળીની ખેતી જોવા અમે ચાઇના ગયા હતા. ત્યાં જમીન પર બે બેડ વચ્ચે એક ફૂટની જગ્યા છોડી,દોઢ દોઢ ફૂટ પહોળા અને 3-4 ઇંચ ઊંચા એવા બેડ બનાવી, તેના પર પ્લાસ્ટિક પાથરી, તેમાં કાણાં પાડી, હાથથી જ મગફળીના બિયાં થાણી, ઊભડી મગફળી ઉગાડી, સારું ઉત્પાદન મેળવતા જોયા. પણ સાથોસાથ અમારા ધ્યાનમાં આવ્યું કે આ પદ્ધતિમાં પ્લાસ્ટિકનો ઘણો બધો ખર્ચ થાય છે, બીયાં બધાં હાથથી જ થાણવાના થતાં હોઇ મજૂરી ખૂબ લાગે છે, વળી પાક પૂરો થયે છોડવા ખેંચતાં તૂટી ગયેલ પ્લાસ્ટિક ખળું લેતાં પાંદડી-ડાંખળીમાં ભળે છે-એટલે ચારો-નીરણ બગડે છે અને જમીનમાં પડી રહેલ પ્લાસ્ટિકના ટુકડા સડતા ના હોવાથી જમીન બગડે છે; એ કદાચ ચાઇનાને પોસાણ છે, પણ આપણે તો આ ન જ પોસાય ! આવો અનુભવ થયો. ઉત્પાદન ભલે થોડું ઓછું આવે તે ક્ષમ્ય છે, તે સામે જમીનનો બગાડો કેમ પોસાય ? વધુ ઉત્પાદન માટે ‘કંઇક કરવું જોઇએ….કંઇક કરવું જોઇએ’ એવું મુંઝવણભર્યું રટણ સતત ચાલતું રહેલું. તમે જૂઓ ! મુંઝવણને જસંશોધનની માતા કહી છે ને ? મુશ્કેલીઓ જ ખેડૂતને કંઇક ખોળવાની ફરજ પાડે છે. એમ સતત કંઇક રસ્તો શોધવાની મથામણમાંથી જ્યારે પંચવટી બાગમાં ચાઇના પદ્ધતિનો પ્રયોગ હાથ ધરવાનો થયો, ત્યારે તેની સાથોસાથ પોતાની કોઠાસૂઝને એ પદ્ધતિ ભેળી જોડી, અને પરિણામ સરસ મળી ગયું. મગફળીની પરંપરાગત વાવેતરની પદ્ધતિથી જેટલી જમીનમાંથી સાડાબાર મણ મગફળી ઉતરે છે,તેટલી જ જમીનમાંથી આ પદ્ધતિ દ્વારા વધારાના કશા જ ખર્ચ કે માવજત વિના વીસ મણ મગફળી ઉતારી શકાય છે તે વાત સિદ્ધ કરી શકાઇ.
અને એવું જ દૂધી-પાકમાં માત્ર નિરીક્ષણના આધારે સંશોધન થકી તેમાં કશા જ વધારાના ખર્ચ વિના અઢીગણું વધારે ઉત્પાદન મેળવનારી તરકીબ હાથ કરી શક્યા. મારી જેમ કેટલાય ખેડૂતો ખેત-સાધનોમાં જરૂરી સુધારા,પાકસંરક્ષણના જુદા જુદા નુસ્ખાઓ કે વાવેતરની રીતોમાં પોતાને પડતી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢતારહ્યા છે,એ બધાએ પોતાની વાડીમાં જ પાસ-નાપાસના બધા અખતરાકર્યા હોય છે ને ? અરે ! અંબાવીભાઇ ભલાણી જેવા પ્રયોશીલ ખેડૂત ઘઉંની ”દિવ્ય” નામની જાત તેમની વાડીને જ માધ્યમ બનાવી શોધી શક્યા છે. એટલે વાડી એ ખેડૂતમાટે પોતીકું અને હાથવગું સંશોધનકેંદ્ર જ ગણાય,જો એનો લાભ લેતા ખેડૂતને આવડે તો.
@ વાડી પોતે ‘જીમ’ બની ખેડૂતની તંદુરસ્તીની ખેવના કરે છે.: આજે જે લોકો શરીરશ્રમથી દૂર રહેતા થઈ ગયા છે તેમને કેટલીક બીમારીઓમાં ડૉક્ટરો ‘જીમ’માં જઈ, જાતજાતની અંગ કસરતો કરવાનું અને ચાલવા-દોડવાના કાર્યક્રમો આપી શારીરિક શ્રમ કરાવતા હોય છે. પણ એ બધો પરાણે પરસેવો વળાવવાનો બિન ઉત્પાદક શ્રમ છે. જ્યારે ખેડૂતને તો તેની વાડીમાં કુટુંબના ગુજરાનઅર્થે જે વિવિધ કામો કરવાના થતા હોય છે તે શ્રમમાંથી કંઇક નવું પેદા થતું હોય છે. ચોપવું, નીંદવું, ખોદવું,ઉપાડવું, લણવું, ઉપણવું,ચઢવું-ઉતરવું, ખડકવું, ખેંચવું,ધકાવવું, ફેરવવું જેવા વિધ વિધ કાર્યો કરવામાં જુદાજુદા આસનોની કસરતો આપોઆપ મળી રહેતી હોઇ, એની પાસે શારીરિક કટેવ ઓછામાં ઓછી ફરકે છે.ખેડૂતને ક્યારેય જીમમાં જાતો ભાળ્યો છે કોઇએ ? વાડીનાકામના હિસાબે જ ખેડૂતને તંદુરસ્તીની ખેવના બાબતે વધારાનાનાણાં અને સમય વેડફવાબાબતે નિરાંત રહેતી હોય છે
@ ‘વાડી’ ખેડૂતના આનંદ માટેનું ઉદ્યાન અને ઇશ્વર-અનુભૂતિ માટેનું મંદિર છે : માણસના પેટને જેમ અન્નની ભૂખ લાગે છે, તેમ માણસના મનને આનંદ અને શાંતિ માટેની પણ એક ભૂખ લાગતી હોય છે. અને એ ભૂખને ભાંગે છે વાડી [જો વ્યવસ્થિત બનાવી હોય તો] ની હરિયાળી મોલાતો, શોભાદાર અને ફળોથી લચી પડતાં વૃક્ષો, ઝાડ ફરતે વિંટળાઇ વળેલી વેલીઓ, સુગંધી પુષ્પો, ખેતીપાકમાં ભમતાં રંગબેરંગી પતંગિયાં, ઉડાઉડ કરતા પક્ષીઓના કલરવ અને ગાય,બળદ,ઘોડી,કૂતરાં જેવાં પાલતુ પ્રાણીઓનો નિર્વ્યાજ પ્રેમ ! વા, વાદળ, વર્ષા, ટાઢ, તડકોને ઝાકળ, અરે ! પળેપળે બદલાવ-પરિવર્તન દેખાડતી પ્રકૃતિની રચના-જો માણતા આવડે તો આ બધા શું કુદરત-પ્રકૃતિ, કહોને પ્રભુનાં જ બધાં રૂપ નથી ભલા ! અને તમે નિરખજો બરાબર, એ રીતે બધાને મૂલવવાની જેનામાં ક્ષમતા આવી રહે છે, એને પછી કોઇ દેવ-દેરાં કે મંદિર-મસ્જિદના આંટાફેરાની જરૂર રહેતી નથી, વાડી પોતે કર્મયોગનું મંદિર બની રહે છે. તમને પણ અનુભવ થયો જ હશે કે વાડીએ પહોંચ્યા ભેળું જ એની ભક્તિભરી સેવા કરી હશે તો આપણું મન માંડતું હોય છે પોરહાવા ! વ્યાવહારિક ચિંતાઓ બધી કોણજાણે ક્યાં સંતાઇ જતી હશે-ભગવાન જાણે ! વાડીએ પહોંચ્યાભેળા તરોતાજા થઈ જવાય છે ખરું ને ? એટલે તો કામ હોય કે ક્યારેક ન પણ હોય, પણ વાડીએ આંટો ન મરાયો હોય ત્યાં સુધી હૈયાને નિરાંત થતી નથી, એવો અનુભવ અમને તો થઈ રહ્યો છે હો મિત્રો !
@ ‘વાડી’ ગમતાનો ગુલાલ કરવાનું કેંદ્ર છે : સુખ તો વહેંચવાથી જ વધેને ! બીજા ધંધામાં જે હોય તે-આપણે ખેડૂતોએ એમાં પડવાનો ગાળેયે નથી. પણ ‘ખેતી’ માં ખાનગી કે મોનોપોલી જેવું કંઇ હોતું નથી. તમે બરાબર યાદ કરો ! કોઇ ખેડૂતની વાડીના દરવાજે “રજા સિવાય અંદર આવવું નહીં” એવું લખેલું બોર્ડ ટીગાતું ભાળ્યું છે ક્યારેય ? તો બસ ! ખેતી તો એવો મોટો સાગર પેટો વ્યવસાય છે કે સૌ સૌની શક્તિ-મતિ અને સ્થિતિ પ્રમાણે ધરતી, પાણી, હવા અને પ્રકાશના સહારે-છોડવા,ઝાડવાં,જીવડાં અને જાનવરોને માધ્યમ બનાવી પોતાની રીતે પુરુષાર્થ કરી યથાશક્તિ ફળ મેળવ્યા કરે. જાણે આપણેતો એના પુજારીમાત્ર છીએ !
એટલે આપણને સારી લાગતી કોઇ વાત, રીત, પદ્ધતિ કે તરકીબ અન્યોને શું કામ ન જણાવવી કહો ! ‘ગમતાનો ગુલાલ કરવો’ એતો ખેડૂતના લોહીનાસંસ્કાર ગણાય મિત્રો ! એટલે સફળ આયામની વાત કોઇને મોઢેથી કહીએ એના કરતાં આપણી વાડીએ એને બધું નજરોનજર જ શુંકામ ન કરી દેખાડીએ ? કાને સાંભળેલ વાત કરતા નજરે જોયેલ વધુ અસરકારક બનતું હોય છે. પંચવટી બાગમાં અમને આવો લાભ મળે છે. વરસભરમાં અઢી-ત્રણ હજાર મુલાકાતીઓના આવન-જાવનથી વાડી ધમધમતી રહે છે. અને વાડી માહ્યલું કેટલુંક લઈ જવા જેવું લાગે તો આવનારા પોતાની સાથે લઈ જાય છે, અને વાડીમાં ખૂટતું ભળાય તે ઉમેરવાની ભલામણ કરતા જાય છે. આવું માત્ર અમારી જ વાડીએ નહીં, ગુજરાત-સૌરાષ્ટ્રની ઘણી એવી વાડીઓ મારી જાણમાં છે કે અવિરતપણે આવા વિદ્યાવિસ્તરણના કાર્યો થઈ રહ્યા હોય.
સારું સૌને ગમે છે અને એમાંય જ્યાં જળ અને જમીનસંરક્ષણ, વનવિદ્યા, પર્યાવરણ, ગોપાલન અને સજીવખેતી જેવા વિવિધ પાસાંઓ સાથે જોડાઇને, એક રળતી અને નમૂનેદાર વાડી બની હોય ત્યાં વાડીનો પરિચય પામવા, અહીં શું થઈ રહ્યું છે તે જાણવા-સમજવા અને પછી એ વાતોને સમાજ પાસે ખુલ્લી મૂકવાના શુભ આશયથી પત્રકારો, કૃષિ સામયીકોના તંત્રીઓ, આકાશવાણી અને ટીવી ના સંચાલકો-સામેથી આવી મુલાકાત લેતા હોય છે. અરે ! પર્યાવરણવાદીઓ, વિજ્ઞાનીઓ અને વિશેષજ્ઞો કંઇક નવું મળી રહેશે તેવા, આશયથી અને સરકારી ઓફિસરો પણ અહીં પોતાના વિભાગનું કામ થઈ રહ્યું છે તેવો ગર્વ લેવા વાડીની મુલાકાતે અવશ્ય આવતા હોય છે. આવનારાઓ બધાના ઉદ્દેશ્યો ભલેને અલગ અલગ હોય, પણ આપણે એક ખેડૂત તરીકે એટલો સંતોષ જરૂર લઈ શકીએકે સારી વાતને સમાજ પાસે પહોંચાડવાના આપણા કામમાં ટેકો કરવા તે બધા સહભાગી બની રહ્યા છે
@ ‘વાડી’ થકી ખેડૂતની આગવી ઓળખ ઊભી થઈ શકે છે: જોજો તમે ! એકબીજા ખેડૂતની ઓળખાણ કરાવવામાં પણ વાડી ભેરે ચડતી હોય છે. દા.ત. કોઇની સાથે વાત વાતમાં હવાલો આપીએ કે “મારી ભેળા મૂળજીભાઇ ભલાણી થયા હતા, ને તમને યાદ કરતા હતા.” ત્યાં તો તે ભાઇ તરત કહી ઊઠે કે “ હા હા ! ઓળખ્યા, પેલા ‘નિસર્ગફાર્મ’ વાળા જ ને ?” એવું કહીએ કે ‘સર્વદમનભાઇ, તો કહે હા, હા ! ‘ભાઇકાકાકૃષિ કેંદ્ર’ વાળાજ ને ? કપિલભાઇ શાહ- તો તરત ‘જતન ટ્રસ્ટ’ અને ગફારભાઇ પૂરું બોલી ન રહીએ ત્યાં જ સામાવાળા ‘કુરેશીબાગ’વાળા એમ બોલી ઉઠવાના.અરે ! અમારી જ વાત કોઇ કરે કે હીરજીભાઇ અને ગોદાવરીબેન-તો તરત જ સામાવાળા ઓળખાણ આપી દે કે હા,હા ! ઓળખ્યા, ‘પંચવટી બાગ’ વાળા ! આમ વાડીને જો તન,મન,ધન દઈ વિકસાવી હોય તો વાડી એ માત્ર છોડવા-ઝાડવાના વાવેતરવાળું સ્થળ નહીં રહેતાં ખેડૂતના બોલાતા નામની પડખે ચડી જઈ પડછાયાની જેમ સંગાથી બની રહી, ખેડૂતની જાણે કે નવી શાખ કહોને સરનેમ બની સમાજમાં એક અદકેરી ઓળખ ઊભી કરનાર ભેરુબંધ બની રહેવા શક્તિમાન છે,
મિત્રો, આમ વાડી જ ખેડૂતનું સુખી અને સમૃદ્ધ જીવન બની રહે છે !
સંપર્ક: હીરજી ભીંગરાડિયા, પંચવટી બાગ, માલપરા ǁ મો:+91 93275 72297 ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
હીરજીભાઈ, તમારા અખતરાઓ, ભૂલો અને સફળતાઓ વિશે જાણીને આનંદ થયો કારણ કે આ વાતો માત્ર ખેડૂતને જ નહીં સૌને પોતપોતાના ક્ષેત્રમાં પ્રેરણા આપે તેવી છે.
સંસ્કૃતિની શરૂઆત વાડીમાંથી થઈ. કદાચ, એક વિવાદાસ્પદ વિચાર …( ખમી ખાવા વિનંતી !) માનવ જીવનની ઘણી બધી સમસ્યાઓનું એ મૂળ પણ છે !
કેમ? આ લેખ વાંચવા વિનંતી …
https://gadyasoor.wordpress.com/2010/02/05/hadza/