





કવિ પ્રદીપજીના પરિવાર સાથેનો એક મધુર પ્રસંગ
-રજનીકુમાર પંડ્યા
‘લાંબો સમય વીતી ગયો. તમારા સમાચાર નથી. લખાણમાં પણ હમણાં નામ નથી દેખાતું. એમને ચિંતા થઈ ગઈ છે. સ્વસ્થ હશો જ. કદાચ બહારગામ ગયા હશો. પોતે ચિંતા કરે, પણ લખે નહીં. રોજ હાજરી લે કાગળ લખ્યો? પત્ર મળ્યે જવાબ જરૂર આપી દેજો. સૌ. બહેન અને ચિ. તર્જની મઝામાં હશે.’
અક્ષરો તો કોઈ સ્ત્રીના જ, પણ ઉપર સરનામું નહીં ને નીચે લિખિતિંગ પણ નહીં ! મે, 1992ની ઓગણત્રીસમી તારીખનો પોસ્ટકાર્ડ – ટપાલના ઢગલામાં આ મારા પરનો શંકાસ્પદ પત્ર પણ ! પત્નીએ શંકાશીલ નજરે કાગળ હાથમાં લઈને પહેલાં સરસરી અને પછી શબ્દેશબ્દે પીંખી નાખતી નજરે લખાણ વાંચ્યું. પછી બે પળ વિચાર કર્યો. હું એની આ ચેષ્ટા જોઈ રહ્યો હતો. એટલે મારો ગભરાટ વધી ગયો – વગર ગુન્હે ગુનેગાર જેવો થઈ ગયો.
એણે પૂછ્યું. ‘કોનો પત્ર છે? ’
‘જાણતો નથી.’
‘તમે જાણતા નથી એ કેમ માનું ? સરનામું તો તમારૂં છે ને ?
‘બેશક છે.’
‘ને છતાં તમે આ પત્ર લખનારીને ઓળખતા નથી ?’
‘બેશક, નહિં.’
‘કોઈ છોકરીનો પત્ર છે એ તો નક્કિ જ ને ?, ખરૂં ?’
‘લગભગ’
‘એમાં કેમ ‘બેશક’ બોલતા નથી ?
‘તું કહે તો બોલું – બાકી ઘણી વાર કોઈ પુરૂષના અક્ષર પણ છોકરી જેવા થતાં જાય છે – અરે, મારા કેટલાક મિત્રો જ એવા ટિખળી છે કે…’
પૂરી પાથરવા કાઢેલી શેતરંજીનો કોઈ ખોલતાંવેંત પાછો વીંટો વાળી લે એમ મેં પણ કારણોને પાછા સંકેલી લીધા – નહિતર સર્જનહારના અદભૂત સર્જનોની હારમાળા જેવી એ કારણશૃંખલા હતી. એમાંથી એકાદું કારણ તો સાચું નીકળત જ. એ કયું એ તો હું પણ ન જાણું. હું ખુદ પણ પ્રશ્નાર્થી હતો. કોણે લખ્યો હશે આવો પત્ર ? મારા ઘરમાં આવું ડુંભાણું કરવાથી એના હાથમાં શું આવ્યું ? (કાઠીયાવાડીમાં ‘ડુંભાણું કરવું’ એટલે ક્યાંક કોઇકનું સળગાવવાની બદમાશ ચેષ્ટા કરવી.)
પત્રને ઉપર-તળે કરી કરીને જોવામાં આવ્યો. આવી બાબતોમાં ખોટું બોલવાની છૂટ મેં પૌરાણિક કથાઓમાંથી તારવીને ગાંઠે બાંધી લીધી છે. ધર્મરાજા કરતાય હું મોટો ! ના. મારો રથ ચાર આંગળ નીચે ઉતરી જાય તો હું તો નીચે ઉતરીને રિક્શા પકડી લઉં. પણ સાચનું પૂંછડૂં પકડીને આગળ થોડો નીકળી જાઉં ? ધર્મરાજો ભોંઠો ના પડે ?
જો કે, આમાં તો હું (પહેલી વાર અને કદાચ છેલ્લી વાર)સાચો હતો. આ પોસ્ટકાર્ડ લખીને મારા શાંત સંસારમાં હલચલ મચાવી દેનારી કોણ એની કલ્પના હું અનેક સંભાવિત સન્નારીઓનાં નામો ઉથલાવી ઉથલાવીને જોયા પછી પણ ના કરી શક્યો.
દુઃખનું ઓસડ દહાડા ! કંઈ કેટલાય દિવસ વીતી ગયા. નાના ગામડામાં હશે, પણ મહાનગરમાં કોઈને ઠોંસો મારવો એ કાંઈ હિસ્ટ્રીશીટર માટે મોટું તહોમત ગણાતું નથી. આ બાબતમાં મારી છાપ ઘરમાં હિસ્ટ્રીશીટર જેવી છે. એટલે આ ગુનો ચોપડે પણ ચડ્યો નહીં – તાકીદ આપીને જવા દીધો.
એ પછી એકાદ મહિને હું મુંબઈમાં મશહૂર કવિ પ્રદીપજીના ઘરે બેઠો હતો. દસ મિનિટ માટે જાઉં ને દસ કલાક ગાળીને જ ત્યાંથી પરત થાઉં છું. આજે આમાંના પાંચમા કલાકની પટ્ટી ચાલતી હતી. મધ્યાંતર સરીખો સમય આવ્યો. ચાર પાંચ કલાકની કાવ્ય-સંગીત અને ફિલ્મજગતની જૂની, વણપ્રીછી, વણસાંભળી વાતો પછી હવા ખાવા માટે પ્રદીપજી અમે બન્ને જે ઓરડામાં પૂરાયા હોઇએ એ ઓરડાના દરવાજા ખોલે ત્યારે ભદ્રાબહેન, મિતુલ, સરગમ વગેરે સાધિકાર પંદર વીસ મિનિટ માટે અંદર પ્રવેશે. વચ્ચે વચ્ચે અર્ધી એક મિનિટ માટે એ લોકો અંદર આવ્યા હોય ખરાં –પણ એ તો સિનેમા થિયેટરના અંધકારમાં આંગતુક માટે ખોલાતા પડદા જેટલી જ કાળની કંજુસીથી. એ વખતે એ લોકોને વચ્ચે બોલીને દખલની પણ કવિ દ્વારા સખ્ખત મનાઈ. ટ્યૂબના સફેદ સ્નિગ્ધ પ્રકાશમાં કવિનો વૃદ્ધ ચહેરો ઓર દેદિપ્યમાન લાગે અને એમનો નરેડી જેવો, ખરજનો છતાં કંઈક અંશે પાતળો હોવાથી સ્પર્શે તેવો અણીદાર સ્વરવધારે અંગત- ઈન્ટીમેટ લાગે. એમનું ગુજરાતી શુદ્ધ, પણ ઉચ્ચારોમાં હિન્દીની લઢણ વરતાય. ડબલ નહીં, પણ ટ્રીપલ બેડનો હોય એવા ઓરસ-ચોરસ પલંગમાં સ્વચ્છ, સફેદ ચાદર પર અનેક તકીયા જેવા ઓશિકા અને જૂના જમાનાની આરામખુરશી સંકેલીને મૂકી હોય એમ કવિ બંને પગ ઊંચા લઈને,ઘૂંટણને છાતીસરસા ચાંપીને સફેદ ધોતી, અને લાંબા સફેદ પહેરણમાં બેઠા હોય ત્યારે દર વખતે તસવીર લેવાને લાયક લાગે. વરસો પહેલાં બાર તેર વર્ષની ઉંમરે ‘દેખ તેરે સંસર કી હાલત ક્યા હોઈ ગઈ ભગવાન’ની રેકર્ડ વસાવેલી ત્યારે લખનાર-ગાનાર એક જ હોય.અને લેખન-ગાયન બંને આવાં હૃદયસ્પર્શી હોય ત્યારે એ બંને જેમાંથી પ્રગટીકરણ પામ્યાં હોય તે દેહ કેવો હશે તે જાણવા-જોવાની જિજ્ઞાસા પ્રગટેલી. ફોટા જોવાથી આઠ આની શમેલી, પણ રૂબરૂ જોવાની તમન્ના તો મળ્યો (1981 માં) ત્યાં લગી અકબંધ રહેલી. 1992માં તો પરિચય અગિયાર વર્ષ જૂનો થઈ ગયો, છતાં રોમાંચની ઝણઝણાટી શમી નહોતી અને એમની વાતોનો ઝરો પણ સૂકાયો નહોતો.
1992ના જૂનમાં એ સેશનમાં “મધ્યાંતર” પહેલાં કવિ ‘એ મેરે વતન કે લોગોં’ની વાત કરતા હતા. એ વાતનો એક તબક્કો પૂરો થયો ત્યાં ભદ્રાબેન અંદર આવ્યાં અને પાછળ પાછળ મિતુલ પણ. ઓરડામાં પ્રકાશ ઓજસ્વી બન્યો. ચારેક કલાક જૂનું મારૂં આગમન, છતાં ભદ્રાબહેને મને કહ્યું: ‘કેમ મઝામાં છો ને, ભાઈ !’
‘એકદમ. તમે ?’
‘તરૂબહેન, તર્જની?’
‘એય મઝામાં- તમને સૌને યાદ કરે છે. પણ તમે?કેમ છે તબિયત?’
‘તમારાથી રિસાઈ છું.’
મને આંચકો લાગ્યો. મારાથી એમને રિસાવાનું શું ?
મેં કહ્યું:‘મોટાં બહેન ગણું છું. રિસાવાનો હક્ક તો મને છે.’
‘વાહ! અપરાધ પણ તમે કરો ને વળી પાછા રિસાઓ પણ તમે ? એ ક્યાંનો ન્યાય?
પ્રદીપજીએ એટલી વારમાં ભૂંગળીમાં સિગારેટ મૂકીને પૂરી ચૂસી લીધી હતી. હવે એ ન્યાયાધીશી માટે તત્પર હતા. વચ્ચે જ પૂછ્યું : ‘અરે ભાઈ ક્યા ઝઘડા હૈ ? હમ ભી તો જરા સૂને !’
‘તમે તો વચ્ચે બોલશો જ નંઈ’ ભદ્રાબહેને પ્રદીપજી તરફ જોઈને છણકો કર્યો : ઝઘડાની જડમાં જ તમે છો ! ને હવે ન્યાય તોળવા બેઠા પાછા ?’
‘જોયું ને ?’ પ્રદીપજીએ મારા ભણી જોઈને કહ્યું : ‘હું આને અમસ્તો જ ’ખાનસાહેબ, ખાનસાહેબ’ નથી કહેતો, જોયું ને તમે સગ્ગી આંખે ? મારા પર કેવો પઠાણી કડપ અજમાવે છે ?’
આ મિયાંબીબીના ઝઘડામાં પડનાર માણસ કાતરના બે પાંખિયાં વચ્ચે આવનાર તણખલાની જેમ કપાઈ જાય. અનુભવે સમજ્યો હતો એટલે મૌન પાળ્યું. પ્રદીપજીએ પત્ની ભણી જોઈને કહ્યું : ‘લો તુમ્હારે ડર સે યે આદમી ભી ચૂહા હો ગયા.! ’
આખરે મેં જીભ ઉપાડી : ‘મારો અપરાધ ?’
‘પત્રનો જવાબ કેમ ન આપ્યો?’
‘બને જ નહીં’ મેં આત્મવિશ્વાસથી કહ્યું :‘હું કોઈના, અરે અજાણ્યા વાચકના પત્રનો જવાબ પણ ન આપું એમ બને નહીં – તમે તો સાવ અંગત. તમારા પત્રનો જવાબ ન આપું એમ તે કાંઈ બને?’
‘બન્યું જ છે !’ એમણે પણ પૂરી ગંભીરતાથી કહ્યું :’તમે મારા પત્રનો જવાબ નથી આપ્યો. પરવા જ નથી કરી !’
પાંચ હાથ પૂરાં પડછંદ ને વળી પ્રેમાળ એ સન્નારી બિલકુલ જુઠ્ઠું ન જબોલે. અરે, 1942માં લગ્ન પછી આ મસ્ત અલગારી કવિજીવની પૂરી ગૃહસ્થી જેમણે અદભૂત કૌશલથી સંભાળી ને આ તપસ્વી કવિના સર્જનસ્રોતને સતત સંવર્ધિત કરીને વહેતું રાખ્યું એ સન્માનીય બહેન આવી બાબતમાં ખોટી ગેરસમજ પણ ન કરે. તો ?
‘સરનામું બરાબર નહીં કર્યું હોય !’ મેં કહ્યું.
‘બને નહીં’, એમણે કહ્યું ને મારું સરનામું કડકડાટ બોલી ગયાં.
‘તમે જેને પોસ્ટ કરવા કાર્ડ આપ્યું હશે એણે ભૂલથી પોસ્ટ ન કર્યું હોય.’
‘મેં જાતે જ ટપાલમાં નાખેલું. પાર્લામાં પોસ્ટઓફિસમાં જ.’
‘પણ મને ય ટપાલ ન મળે એવું ન બને બાકી…’ આટલે સુધી સંવાદ પહોંચતાં સુધીમાં જ અચાનક સ્મૃતિસ્ફોટ થયો. પેલો નીચે સહી ને ઉપર મોકલનારના નામ-સરનામાં વગરનો પત્ર મનોવિડીયોમાં જાણે કે ક્લોઝઅપમાં જ તરવરી રહ્યો-બેઠું, બેઠું બરાબર બેઠું.એ જ તોફાની શરારતી નટખટ કાગળનો ટુકડો ! જેણે મારા ઘરમાં હળવો તો હળવો, પણ ભૂકંપ સર્જ્યો હતો.
‘યાદઆવ્યું, યાદ આવ્યું’, મેં અચાનક ‘સબૂર’ની મુદ્રામાં હથેળી લંબાવીને એમને કહ્યું : ‘એકાદ માસ થયો ?’
‘ખરું.’
‘બસ, તો એમાં મારો વાંક નથી’ હું બોલ્યો :‘પત્રમાં ન મળે મોકલનારનું નામ કે સરનામું – ન મળે સહી-હું જવાબ કોને આપું ? ક્યાં આપું ?વળી અક્ષર સ્ત્રીના સ્પષ્ટ વરતાઇ આવે. મારા ઘરમાં તો ઉથલપાથલ સર્જાઈ ગઈ. હવે તમે ભલે કહો છો કે હું રિસાઈ છું. પણ હું તો માત્ર રિસાયો નથી, ખીજાયો પણ છું. અરે… ખીજાયો તો શું,પણ સજા દેવા તત્પરછું. હવે ભગવાન તો શું, પણ કવિ પ્રદીપ પણ નહીં બચાવી શકે.’
‘દેખ દેખ’ વચ્ચે જ પ્રદીપજી બોલ્યા :’યે મૂઝે ભગવાન સે ભી ઊંચા આસન દે દેતા હૈ. ઔર તુમ મૂઝસે બર્તન મંજવાતી હો !’
બિલકુલ ઠઠ્ઠા-મશ્કરીના આ વાક્યોથી રૂમમાં અટ્ટહાસ્યનું વાતાવરણ ફેલાઈગયું. અટ્ટહાસ્યમાં પણ પ્રદીપજીનો સ્વર હંમેશા સર્વોપરી. મિતુલનું ઝીણું મીઠું હાસ્ય એમાં ભળે એટલે કોરસમાં વૈવિધ્ય ભળે.
ભદ્રાબેન માંડ હસવું શમાવીને પાછા બોલ્યા :’ગુનો કબૂલ તો જ કરું કે જો પત્ર મારી સગ્ગી આંખે જોઉં-હું નથી માનતી કે મેં એમાં મથાળે મારું સરનામું ન કર્યું હોય કે સહી પણ ન કરી હોય. શું કંઈ અભણ થોડી છું ?’
‘ભણેલાં છો. કબૂલ, પણ બહેન! આ પત્રમાં તમે આમ જ કર્યું છે.’
‘પણ તમે મારા અક્ષર પણ ન વરતી શક્યા ?’
‘કેવી રીતે ? તમે મને અગાઉ ક્યારેય પત્ર લખ્યોછે ? પત્ર તો હંમેશાં ને હંમેશા પ્રદીપજી જ લખે છે !’
પ્રદીપજી બહુ સ્પષ્ટ મોતીના દાણા જેવા, અતિશય સુંદર અક્ષરે પત્રો લખે છે. એમના પત્રો સીધા જ ટાઈપસેટીંગ વગર ઓફસેટમાં મૂકી દેવાય તેવા. એમના અક્ષરના તો અનેક પત્રો મારા ઉપર છે. આ વખતે એમણે કેમ ન લખ્યો ?’
‘કાંઈ કામમાં હશે’ ભદ્રાબહેન બોલ્યાં: ‘મને કહે કે લેખક મહાશયના લાંબા સમયથી કંઈ સમચાર નથી. કાગળ પણ નથી. હશે તો મઝામાં ને ? પત્ર લખીને પૂછાવી જો. લખજે કે પ્રદીપજી ચિંતા કરે છે. તરુબેનની તબિયત કેમ છે ? અને તર્જનીનું ભણવાનું કેમ ચાલે છે એય પૂછાવજે. ’
આર્ય સન્નારીએ પત્ર તો લખ્યો, પણ પતિના નામની જગ્યાએ ‘એ’ લખીને ચલાવી લીધું. પણ પોતાનું નામ તો સાવ પીગળાવી નાખ્યું ! લખ્યું હોય તો ટૂંકુ અને કોઇ વાક્યમાં ભળી જાય એવું, થોડું અસામાન્ય પણ સાચું –
પણ ભદ્રાબેને મને હળવેથી પૂછ્યું : ‘મેં એવું કર્યું ?’ પછી કહે “લાવો,પત્ર લાવ્યા છો ? બતાવો તો માનું.’
‘ફરી વારમને સકંજામાં લેવો છે ?’ મેં કહ્યું : ‘હું અહીં પત્ર લાવ્યો હોઉં તો એનો અર્થ તો એવો જ થાય ને કે એ પત્ર તમારો છે એ હું સમજી ગયો છું !’
ફરી અટ્ટહાસ્ય અને ખિલખિલાટ હાસ્ય.
આવી અનેક યાદગાર મધુર પળો આ પરિવાર વચ્ચે છેલ્લા 12-15 વર્ષમાં ગાળી છે. ગયો હતો તો ભૂતકાળમાં એક પ્રશંસક અને કટારલેખક તરીકે ઈન્ટરવ્યૂ લેવા. પણ બની ગયો એમનો સ્વજન. મારાં પુસ્તક ‘આપકી પરછાઈયાં’માં એમના વિશે પાનાં ને પાનાં ભરીને વિગતો છે.
નક્કી કર્યું કે અમદાવાદ જઈને એમના એ પત્રની ઝેરોક્ષ એમને મોકલીશ.
મેં એમને પત્રની ઝેરોક્ષ મોકલી તો ભદ્રાબેનનો 20-8-92નો પત્ર આવ્યો. એમાં એમણે ‘ગુનો’ કબૂલ તો નથી કર્યો – ક્યાંક ખૂણેખાંચરે ‘ભદ્રા’ લખ્યું છે એમ જણાવ્યું છે. (જેના પરથી એ કવિપત્ની છે એની મને ખબર ના પડી. એ મારી ભૂલ ! )
પણ પછી બે વાક્યો એ કવિપત્નીએ કવિતા જેવી શૈલીમાં લખ્યાં.
‘કોણ હાર્યું?’
‘ને કોણ જીત્યું ?’
ફેંસલો અદ્ધર રહ્યો.
વખત મળ્યે હું કંઈક (દંડ) આપીશ. આમેય આ કાગળની ગમ્મતથી આપણે નજીક આવી શક્યા.’ આ પછી પ્રદીપજી માટે ‘એ’ શબ્દ વાપરીને લખે છે. ‘એ’ સ્વસ્થ છે.’
ભદ્રાબેન, પ્રદીપજી જેવાં ગીતભાનુ તો ચિરાયુ રહેવા સર્જાયા છે –ને ચિર નિરામય પણ.
(આ લેખ 1992 માં લખાયો. મૂળ તો ગુજરાતના ઔદિચ્ય બ્રાહ્મણ એવા કવિ પ્રદીપનો જન્મ મધ્યપ્રદેશના બડનગરમાં તા 6-2-15 ના રોજ થયો હતો. એમને ફિલ્મી દુનિયામાં લાવવાનું શ્રેય કલાગુરુ રવિશંકર રાવળ અને પછી મૂળ હળવદના પણ કલકતામાં તાલીમ પામેલા બોમ્બે ટૉકિઝના એક દિગ્દર્શક નૃસિંહપ્રસાદ આર આચાર્યને આપવું ઘટે.(વધુ વિસ્તૃત કથા આ લેખકના પુસ્તક ‘આપ કી પરછાઇયાં’ જે આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે તેમાં છે.) ફિલ્મીગીત ક્ષેત્રે તેમના અમુલ્ય પ્રદાનથી અને વિશેષ તો ‘ઐ મેરે વતન કે લોગોં’ જેવી અમર રચનાથી સુવિખ્યાત કવિ પ્રદીપને 1998 જુલાઇમાં દાદા સાહેબ ફાળકે એવૉર્ડ પ્રદત્ત થયો અને એ પછી પાંચ મહિને તા 11-12-98 ના રોજ એમનો સ્વર્ગવાસ થયો. એ અવસાનના થોડા જ દિવસ પહેલાં તા 25-11-97-ના રોજ એમની જ ઇચ્છાથી એ એવૉર્ડ સાથે તેમની પાસે બેસીને મેં એક ફોટો લેવરાવ્યો, જે મારી જિંદગીનું એક અમુલ્ય સંભારણું છે.
પણ વધુ યાદ એમનું એ વખતે બોલાયેલું એક તીર જેવા યથાર્થનું એક વાક્ય છે કે ‘ જબ કબ્રમેં પાંવ લટકા કે બૈઠા હું, તબ યે સમ્માન મુઝે દિયા જા રહા હૈ ..”
ખેર, એ પછી 1997 ના ઓગષ્ટની 30 મીએ ભદ્રાબહેને આ દુનિયા છોડી અને 2015 ના જુનની 8 મી એ મોટી દીકરી સરગમ પણ સ્વર્ગસ્થ થયાં. ચિ મિતુલ સાથે નિયમિત અને સતત સંપર્કમાં રહું છું. તેઓ અપરિણિત છે અને પાર્લામાં એસ વી રોડ પર ગૉલ્ડન ટોબેકોની સામે પંચામૃત ભવનમાં ‘તુલિકા’ નામે બાળકો અને કિશોરો માટેના બહુ સરસ આર્ટ અને ક્રાફ્ટ ક્લાસીસ ચલાવી રહ્યાં છે.
અનેક હોનહાર કલાકારો તેમના હાથે નીચે તૈયાર થયાં છે, થાય છે. પિતાનો વારસો એણે જતનથી જાળવ્યો છે. તેમનો સંપર્ક ઇ મેલ meetulpradeep@gmail.com )
********************************************************************
લેખકસંપર્ક:
રજનીકુમાર પંડ્યા.:
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
ગજબનાક મુલાકાત અને ગજબનાક પરિચય.
પરછાંઈયા તો મેં વાંચેલુંરજનીકુમાર જી પ્રદીપ જી અને ભદ્રાબેન ની વાતો આપનો ઘર સંસારબ ધુ વાંચવાની મઝા પડી ! તમારું બહુ પહેલા …આવજો તરુબેન ને મારા જય શ્રી કૃષ્ણ .
આભાર
તરુલતા 27-4-16-ના રોજ અવસાન પામ્યાં છે.
પ્રદીપજી સાથેની મુલાકાત વાંચવાની મજા આવી ગઈ. પ્રદિપજીનો માન્યામાં ન આવે એવો રમુજી સ્વભાવ.
લેખ સરસ રહ્યો.
As usual superb sawar sawar ma modha per malkan joi ne patni ye sawal karyo mari kai shokya no message aawyo che
રસાળ. માહિતીપ્રદ અને સંવેદના સભર લેખ….હંમેશ મુજબ
Thanks a lot for a great story about Pradipji.
શ્રી રજનીકુમાર પંડ્યા,
શ્રી પ્રદીપજી ને તેમનાં પત્નિ શ્રી ભદ્રાબેન સાથેની આત્મીય ગોષ્ઠીની વાત બહુ ગમી, તમે અવારનવાર આવા સરસ મઝાના
પ્રસંગો અમારા જેવા વાંચકો અને પ્રશંસકો ને લખીને આપો છો તે માટે ખૂબજ આભાર. જીવનના લાંબા સમય સુધી ગુજરાતી ભાષાને આવા ચોટદાર પ્રસંગો આપી ભાષાની સમૃધ્ધિ કરતા રહો
આપના પત્નિ શ્રી તરુલત્તા બહેન દિવંગત છે આ કોલમમાં તમે આપેલા જવાબ જાણ્યું અને દિલગીરી થઈ.
તમારી ક્ષેમકુશળતા.
લિ. પ્રભુલાલ ભારદિઆ
Thanks.Sir
શ્રી રજનીકુમારભાઈ = કેવા કેવા મહાનુભાવોને મળો છો અને આટલી આત્મીયતા કેળવોછો – સંશોધન નો વિષય છે – કવિ પ્રદીપજી ગુજરાતી જાણતાહતા તે હમણાં ખબર પડી – રસપ્રદ પ્રસંગો એન્ડ કૌટુંબિક સ્નેહ – ઘણા ઓછા ને મળે છે – આનંદ થયો – આવા પ્રયાસો થતા રહે એ શૂભકામનાઓ.
જુનું એટલું સોનું એ તમારા લેખો માટે યથાર્થ છે એમ કહું તો અતિશયોક્તિ નથી.
લેખમાં મારી નજરે જે ક્ષતિઓ(?) દેખાઈ તે જણાવવાની ગુસ્તાખી કરૂં?
1. મારા હિસાબે અવસાનના થોડા દિવસ પહેલા ૨૫.૧૧.૧૯૯૭ લખ્યું છે પણ ૨૫.૧૧.૧૯૯૮ જોઈએ.
૨. ભદ્રાબેનના અવસાનની તારીખમાં પણ ૧૯૯૭ લખ્યું છે તે પણ ૧૯૯૮ હોવું જોઈએ?
આભાર/ આપની વાત સાચી છે . એ સ્લીપ ઓફ પેન છે
રજનીભાઈ અતિ સુંદર અને ભાવવાહી શૈલી છે આપની.
આનંદ થયો. પરછાઈયા પુસ્તક અત્યારે કયાંથી મળી શકે તે જણાવજો.
To,
ભાવનાબહેન. આભાર
ઇ મેલ-sales@rrsheth.com / Web site- http://www.rrsheth.com
Addresses
Shrઇ Chintan Sheth / Tel : (079) 25506573 – 25501732
R.R. Sheth & Co.
Publishers, Booksellers, Exporters
Dwarkesh Near Royal Apartment,Khanpur,
AHMEDABAD – 380 001
R R Sheth & Co, Pvt Ltd/ Tel (022) 2201 3441, 2205 8293
110-112, Earth Baug, Princess Street,
Mumbai 400 002