ત્રણ રચનાઓ

-હરદ્વાર ગોસ્વામી

                                     (૧)

                         સતનું સરનામું

પ્રેમ નામના પ્રદેશમાંથી પોસ્ટ બધીયે બાંધી,
સતનું સરનામું છે ગાંધી.

ગાંધીજીના ખાના સામે અમે કરી છે ટીક,
પાર કરીશું બધી પરીક્ષા છો ને વૈકલ્પિક.
એક લાકડી સામે જુઓ, ઝુકી ગઈ છે સ્ટીક,
એબીસીડીને લાગે છે ગુજરાતીની બીક.

ગાંધી ચશ્માંથી જોવાતી આઝાદીની આંધી,
સતનું સરનામું છે ગાંધી.

ગાંધી ટોપી અંદર આજે, છુપાયો છે મુકુટ,
ખાદીધારી બંધ કરે છે રોજગારીનો રૂટ.
ખીણની ધારે ધારે ચાલ્યા, નથી મેળવી છુટ,
અંગ્રેજો સિવાય કોઈને નથી કહ્યું કે ફૂટ.

દિલ દેશનું કર્યું ધબકતું સત્યાગ્રહથી સાંધી,
સતનું સરનામું છે ગાંધી.

                                 * * *

                                  (૨)

                          ફેંકી દીધો    –

ખૂબ વલોવી કાઢી માખણ ફેંકી દીધો,
ઘીની માફક તાવી હરક્ષણ ફેંકી દીધો.

કેમ દોરતો લક્ષ્મણરેખા મારી આગળ?
મારી અંદરનો મેં રાવણ ફેંકી દીધો.

મેઘધનુષની વચ્ચે રે’વા ઉપર લઇ ગ્યા,
નીચે આવ્યું ધગધગતું રણ ફેંકી દીધો.

કોઈ રૂપાળી છત્રીની છત જરા મળી તો,
ઝરમર ઝરતો સુંદર શ્રાવણ ફેંકી દીધો.

અમે નીકળ્યા જ્યાં જ્યાં ત્યાંથી રસ્તો કાઢ્યો,
વચ્ચે આવ્યો પર્વત, એ પણ ફેંકી દીધો.

સલામ, તારા સંવેદનને સલામ સો સો,
એક મિનિટમાં આખોયે જણ ફેંકી દીધો?

 

                   * * *

                      (3)

              ધરમનો

રહ્યો નથી રણકાર ધરમનો,
તૂટી ગયો છે તાર ધરમનો.

ગુરુવર્યના ગજવામાંથી,
સરસર સરતો સાર ધરમનો.

રાતે ચોર લૂંટારાઓનો,
દિવસે છે અંધાર ધરમનો.

શંખ, આરતી, લઇ ઊભો છે,
એ છે વહીવટદાર ધરમનો.

રાખો એને રામભરોંસે,
માણસ છે બીમાર ધરમનો.

વાલ્મિકી ‘ને વ્યાસ બને છે,
જેણે ખાધો માર ધરમનો.

બાકી સઘળે મંદી મંદી,
ધંધો ધમધોકાર ધરમનો

 

                                   * * *

સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – hardwargoswami@gmail.com

ફોન – 98792 48484

* * *

(ગુજરાત સરકાર તરફથી કવિ તરીકેનો ‘યુવા ગૌરવ પુરસ્કાર-૨૦૦૯’ પ્રાપ્ત કરનાર શ્રી હરદ્વાર ગોસ્વામીનું નામ સાહિત્ય-જગતમાં જરાયે અજાણ્યું કે નવું નથી. અમદાવાદના વતની આ કવિ વિવિધ ટીવી અને રેડિયો પર કાર્યક્રમો કરે છે. તેઓ વર્તમાનપત્રોમાં કોલમ લખે છે, સભાઓનાં સંચાલન કરે છે અને એક ફ્રી-લાન્સ લેખન પણ કરે છે. તેમને દેશ-વિદેશની ઘણી સંસ્થાઓએ સન્માન્યા છે. તેમની રચનાઓ ‘વેબગુર્જરી’ પર પ્રસિધ્ધ કરવાની અનુમતિ બદલ ‘વેગુ’ પરિવાર આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરે છે. – દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય.સમિતિ)

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

2 comments for “ત્રણ રચનાઓ

  1. April 29, 2018 at 12:38 am

    સરસ. ‘ધરમ’નો લય ખૂબ સરસ.
    સરયૂ પરીખ

  2. May 1, 2018 at 3:27 pm

    સાવ એવું તો નથી પણ મંદીમાં ધરમનો ધંધો ચાલે છે.

    બીચારા વાલ્મીકી અને વ્યાસે કલ્પના કે રચના કરી અને લોકો અને અસલ સમજી બેઠા…..

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.